શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે.

આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આ સંદર્ભમાં શાળા-કોલેજોમાં સ્વામીજીના વિચારો બાબતે જયારે વાતો કે ચર્ચા કરવાની તક મળે છે, ત્યારે યુવાનો ખૂબ જ એકાગ્ર્ર્ર્રતાથી અને મુગ્ધતાથી તેમના વિચારો સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા દરમ્યાન અનેક વાર યુવાનો પ્રશ્ન કરે છે કે-‘સ્વામીજીના વિચારો ખરેખર અદ્‌ભુત છે. તેમનો વેદાંત-સંદેશ ગદગદ કરે તેવો છે. આજે એક સદી પછી પણ સાંભળતાં રૂંવાડાં ખડાં થઇ જાય છે! પણ આ વેદાંતના વિચારો આજે, એકવીસમી સદીમાં, ખાસ કરીને યુવાનો માટે, તેમની પ્રગતિ માટે, કેટલા વ્યવહારુ બની શકે?’

યુવાનોના આ પ્રશ્નો પ્રથમ તો એ સૂચવે છે કે તેમને સ્વામીજીના વિચારો વ્યકિતગત રીતે અને સામુહિક રીતે પણ ખૂબ જ પ્રેરક લાગે છે. અપનાવવા જેવા પણ લાગે છે. પણ તેઓ-યુવાનો-જાતે ભાગ્યે જ ઊંડાણથી તેનો અભ્યાસ કરે છે. કેવળ સાંભળે છે. એકાદ કલાક જેવા ટૂંકા સમયમાં વકતા પણ ભાગ્યે જ તેને વિશદ્ રીતે સમજાવી શકે અને એકાગ્રતાના અભાવે, મોટા ભાગે યુવાનો પણ તેને ભાગ્યેજ પૂરા સમજી શકે. માટે મૂંઝવણ અનુભવે છે. આજના ઝડપી, નકકર મૂડીવાદી-ભૌતિક સમયમાં આ વિચારોને કેમ વ્યવહારુ બનાવી શકાય તે તેમની જિજ્ઞાસા છે. યુવાનોએ આ વિચારો અપનાવવા છે. પણ માત્ર વધારે સમજ માગે છે.

આ મૂંઝવણ આજના યુવાનોને જ નથી પણ ૧૮૯૩-૧૯૦૦ વચ્ચે સ્વામીજી જયારે અમેરિકા અને યુરોપમાં પ્રવચનો આપતા હતા અને વેદાંત સમજાવતા હતા, ત્યારે ત્યાંના શ્રોતાઓ -પૂરા અભિભૂત થતા હોવા છતાં-તેની વ્યવહારુતા વિશે મૂંઝવણ અનુભવતા હતા. એટલે જ, એક વાર ૧૮૯૬ ના નવેંબરમાં, લંડનમાં, સ્વામીજીને વિષય જ એ આપ્યો કે વ્યવહારુ જીવનમાં વેદાંત (Practical Vedanta). સ્વામીજી પણ જાણે આ પળ અને વિષય સમજાવવા માટે તૈયાર જ હતા અને તેમણે પણ તેના પર ચાર શ્રેષ્ઠ પ્રવચનો આપ્યાં અને પાંચ હજાર વર્ષ જૂનાં છતાં શાશ્વત વેદાંતની વ્યહારુતાને નકકર રીતે સમજાવી. પ્રવચનોનો એક એક શબ્દ વેદાંતની દૈનિક ઉપયોગિતા સમજાવવા સાથે સ્વામીજીની ઉત્કૃષ્ટ પ્રજ્ઞાનું પણ દર્શન કરાવે છે. આજે પણ તે એટલું જ પ્રભાવક છે. આ વિચારોનો સાર અને તેની આજે વ્યવહારુતા સમજવા જેવાં છે.

સ્વામીજી પોતે પણ પ્રવચનની શરુઆતમાં કબૂલ કરતાં કહે છે, સિદ્ધાંંત (ભલે) ખરેખર ખૂબ સારો હોય, પણ આપણે તેને વાસ્તવિક આચરણમાં કેવી રીતે મૂકશું તે મહત્વનું છે. ધર્મના આદર્શાે કે સિદ્ધાંંતો સમગ્ર જીવનને આવરી લે એવા હોવા જોઈએ. પછી વેદાંતના સિદ્ધાંંતો વ્યવહારુ હોવાના પુરાવા તરીકે કહે છે. આ સિદ્ધાંતો અને વિચારો વનવાસની નિવૃતિમાંથી નથી નીપજયા. એ તો સૌથી વધુ પ્રવૃતિમય જીવન જીવતા તેવા શાસકો અને સમ્રાટોની નીપજ છે.

સ્વામીજી વ્યવહારુ વેદાંતનાં સૂત્રો આપે છે :-

·આપણે અંદરથી જેટલા શાંત હશું, તેટલા આપણે વધુ કામ કરી શકશું. ·સૌથી પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો. ·પોતાની જાતને પામર, નિર્માલ્ય કે નિર્બળ માનવી એ સૌથી મોટો ભ્રમ છે. ·સર્વત્ર એક જ જીવન છે. એક જ દુનિયા છે. એક જ અસ્તિત્વ છે. બધું એક જ છે. એક સમાન છે. તફાવત માત્ર પ્રમાણનો છે. ·(વ્યકિતમાં) નબળાઇ હશે, પણ તેની ચિંતા ન કરતાં આગળ વધવું. ·યાદ રાખવું, વિચાર સર્વશકિતમાન છે. ·જે એ કરે, તે જ સત્ય છે. ·સઘળું જ્ઞાન પોતા દ્વારા જ આવે છે. ·જો મારામાં, તમારામાં, જીવમાત્રમાં રહેલ હું એ સાચો ઈશ્વર નથી, તો એનાથી સાચો ઈશ્વર બીજો કયો હોઇ શકે ? ·દરેક વ્યકિત પયગંબર જ છે. માત્ર તે જાણવાનું છે. ·વેદાંત વિશ્વનો નાશ નથી કરતું તેને સમજાવે છે. તે વ્યકિતનો નાશ નથી કરતું તેને સ્પષ્ટ કરે છે. ·દરેકમાં ઈશ્વરનું દર્શન કરવું. ·સૌથી મોટુ મંદિર મનુષ્ય દેહ છે. ·અભ્યાસથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રથમ અભ્યાસ, પછી જ્ઞાન. ·સ્વ-ભાનથી અસ્તિત્વ-ભાન થાય છે. ·અનંતતા આપણી પ્રકૃતિ છે. ·પ્રજ્ઞાં બુદ્ધિને અનુસરવંુ. ·વ્યકિત અનંત ન બને ત્યાં સુધી તે વિકસે છે. ·માણસ પોતાનાં કૃત્યોથી ઘડાય છે. ·વ્યકિત મુકત જ છે. ·ક્ષુદ્ર અહમ્નો નાશ અને સાચા આત્માની અભિવ્યકિત. ·મનુષ્યોમાં આ જ્ઞાન પ્રસરાવવું. હવે આ સૂત્રો શા માટે વ્યવહારુ છે તે જોઈએ. વ્યવહારુ નો અર્થ એ થાય છે કે તેનો અમલ કરવાથી જીવનમાં સુખ-સમૃઘ્ધિ-શાંતિ અને આનંદ વધતાં જાય છે.

વિવેકાનંદ શા માટે આંતરિક શાંતિને કાર્યક્ષમતા સાથે જોડે છે? મોટા ભાગે વ્યકિત આવેશમાં જીવે છે. આવેશ પર તેનું નિયંત્રણ હોતું નથી. આવેશ વ્યકિતને સતત ઉત્તેજિત રાખે છે. પરિણામે મન એકાગ્ર ન હોવાથી કાર્યક્ષમ થઇ શકતું નથી. પરિણામે વ્યકિત ઉતમ રીતે કામ કરી શકતી નથી. પણ જયારે વ્યકિતનું મન શાંત અને સ્થિર હોય છે, ત્યારે તે એકાગ્ર રહે છે અને તેની કાર્યક્ષમતા વધે છે.

સ્વામીજી આત્મવિશ્વાસ પર મહતમ ભાર મૂકે છે. નિર્બળતાનો સતત વિરોધ કરે છે. કદાચ નિર્બળતા દેખાય, તે કહે છે, તો તેની ચિંતા કર્યા વિના આત્મવિશ્વાસ વધારી આગળ વધવાની હાકલ કરે છે.

શા માટે આવું તે કહે છે ?

માણસની સમગ્ર સફળતાના પાયામાં આત્મવિશ્વાસ જ હોવો જરુરી છે. કેવળ આત્મવિશ્વાસ જ વ્યકિતમાંની સુષુપ્ત શકિતને પ્રગટ કરી શકે છે. તેના દ્વારા જ તેની સંભાવનાઓ બહાર આવે છે. આત્મવિશ્વાસના અભાવે વ્યકિતની અનંત શકિતઓ અને સંભાવનાઓ વ્યકત થઇ શકતી નથી અને એક દિવ્ય-આત્મા થવા સર્જાયેલ વ્યકિતત્વ સાધારણ થઇ જીવ્યા કરે છે.

પણ, કમનસીબે, મોટા ભાગના સમાજો અને ધર્મોમાં મનુષ્યને ઉતારી પાડવાની સૂચનાઓ જ દેખાય છે. મનુષ્ય નિર્બળ છે, પામર છે, નાસ્તિક છે, પાપી છે-એવાં અનેક નબળા સૂચનો થયાં છે. તે મનુષ્યને માનસિક રીતે નબળો બનાવે છે. તેના આત્મવિશ્વાસ પર આઘાત પહોંચાડી તેની આત્મછબીને નીચી કરે છે. અને જો આત્મવિશ્વાસ ઘટયો, તો તેનો પ્રથમ પ્રભાવ જ વિચારશકિત અને કાર્યક્ષમતા પર પડે છે. કાર્યક્ષમતામાં સીધો જ ઘટાડો આવે છે. વ્યકિત ધાર્યા પ્રમાણે અને ગુણવતાયુકત કામ કરી શકતી નથી. તે તેના વિકાસ પર પ્રભાવ પાડે છે અને તે સતત પાછળ રહે છે. આ વિશ્વમાં દરેક વ્યકિત પ્રગતિશીલ અને સમૃદ્ધ થવા સર્જાઇ છે, પણ આત્મવિશ્વાસના અભાવે સાધારણ રહે છે.

એટલે જ સ્વામીજીએ તેમનાં પ્રવચનોમાં આ બાબતને પ્રાધાન્ય આપ્યું અને મનુષ્યનાં દિવ્યત્વ પર જ ભાર મૂકતા રહ્યા. તેમણે ઠપકો આપતાં કહ્યું, જે કોઈ પોતાને નબળા કે અશુદ્ધ માને છે, તે બધા જગતમાં ખોટી હવા ફેલાવે છે. તેમણે આ દૂર કરવા પર જ સતત ભાર મૂકયો.

આ વિચારની વ્યવહારુતા પર તો તત્કાલીન અનેકો પર પ્રભાવ પડયો હતો. તેમને વાંચ્યા પછી ત્યારના નેતાઓ-અરવિંદ ઘોષ, ગાંધીજી, સુભાષ બોઝ અને બીજા અનેકો-બધાને તેમાંથી પ્રચંડ પ્રેરણા મળી હતી. ત્યારના યુવાનોને બ્રિટિશ સરકારનો ડર નીકળી ગયો. ૧૯૦પથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રચંડ જુવાળ શરૂ થયો અને છેક ૧૯૪૭ સુધી આ ચળવળ ચાલુ રહી. આ બધામાં સ્વામીજીની આત્મવિશ્વાસ વધારવાની હાકલે પાયાનો ભાગ ભજવ્યો હતો. સમગ્ર પ્રજાનું માનસ-પરિવર્તન થયું હતું અને નિર્ભય બની હતી.

ત્રીજી વાત કરી સ્વામીજીએ એકત્વની. તેમણે કહ્યું કે વ્યકિતથી માંડીને બ્રહમાંડ સુધી એક જ સતા છે. બધું જ એક છે.

આ મુદ્દાની વ્યવહારુતા શું ?

ખૂબ જ! જગતમાં એક જ કામ ચાલતું રહ્યું છે-વિભાજનનું. માનવજાતને ધર્મ, જ્ઞાતિ, જાતિ, રંગ, દેશ, પ્રદેશ, વાદો અને સંપતિ. આદિ અનેક બાબતોથી વિભાજિત કરવાનો પ્રયાસ માનવના ઉદગમકાળથી ચાલતો આવ્યો છે. આજે પણ ચાલે છે. આ વિભાજિત મનોવૃતિનું ભયાનક પરિણામ એ આવ્યું કે મનુષ્ય તરીકે, અખંડ વ્યકિતત્વ તરીકે નથી જોવાતો. તેને ધર્મ-જાતિ-રંગ વગેરેને આધારે જ જોવાય છે. તેણે મનુષ્યને ખંડિત બનાવી દીધો છે. આમાંથી જ ઊંચ-નીચના, શ્રેષ્ઠ-સાધારણના, સવર્ણ-અવર્ણના, કાળા-ધોળાના ભેદ જન્મ્યા છે.

આ ભેદો એક જ, પાયાનું, નુકશાન કરે છે : વ્યકિતને પ્રેમ ન કરી શકવાનું. સામી વ્યકિતને કોઈ વિભાજનનાં ચશ્માથી જ જોવામાં આવે, તો કેવળ મનુષ્ય તો નહીં જ દેખાય. આવો વિભાજિત માનસ આ મારો/મારી નથી, એમ વિચારે, એટલે આ નકાર ભાવ, પ્રેમ ઉત્પન્ન થવા જ ન દે. કેવળ દ્ધેષ, ઝનૂન કે ઉદાસીનતા જ જન્માવે. આજે વિશ્વમાં જે પણ તકલીફો છે, તે માત્ર આ વિભાજિત માનસનું પરિણામ છે.

તેને બદલે આ એકત્વ નું ચિંતન અને દર્શન હોય, તો સામેની વ્યકિત પણ પોતાનો જ અંશ દેખાશે. પોતા જેવી જ લાગશે. પરિણામે તેને ચાહવી સરળ પડશે. હા, સ્વામીજી કહે છે તેમ, તફાવત હશે, પણ પ્રમાણનો , તેથી તેની મર્યાદાઓ અને વિવિધતાઓને સ્વીકારી શકાશે. સ્નેહ સાથે આપોઆપ સહિષ્ણુતા જન્મશે. સ્વામીજીનું આ દર્શન અત્યંત વ્યવહારુ છે. શાંતિ અને સ્વસ્થતાથી જીવવું હોય તો. ખંડિત દર્શન સતત અસલામતીમાં રાખે છે. આજે આ જ નથી ? એટલે, આ એકત્વનો વિચાર તો અત્યંત વ્યવહારુ છે.

વ્યકિત જ પયગંબર છે-વિચાર તો ક્રાન્તિકારી જ છે. તેનો અમલ તો સમગ્ર કેળવણી અને સંસ્કાર જગતને પાયામાંથી બદલાવી નાખવાની તાકાત ધરાવે છે. આજ સુધી એ જ ખ્યાલ રહ્યો છે કે ઈશ્વર બહાર છે. તેને જ શોધવાનો છે. પરિણામે વ્યકિતની સમગ્ર શોધ બહાર રહી. પણ જે તત્વ બહાર હોય તેને મળવાનો આધાર તો તેના પર જ રહે. તે ઈચ્છે તો જ દર્શન આપે. અને તો તો વ્યકિતની શોધનો અંત કયારેય ન આવે.

પણ જો ઈશ્વર પોતામાં જ હોય, પોતે જ હોય, તો બહારની શોધ, આધાર, હવે તો ઈશ્વરની શોધ પણ કરવાની નથી. હવે તો તેને જાણવાનો છે. હવે દર્શન આમૂલ બદલવું શરૂ થાય છે. ત્યારે, ફરી સ્વામીજીના શબ્દોમાં, ખ્યાલ આવે છે કે આ શરીર કેવળ શરીર નથી, પણ એક ભવ્ય મંદિર છે. પછી ખ્યાલ આવે છે કે જો પોતે જ ઈશ્વર હોય, તો, ઈશ્વર તો સર્વશકિતમાન હોવાથી, પોતે પણ સર્વશકિતમાન છે. પોતે પણ અનંત છેે. અને ઈશ્વર મુકત હોય, માટે પોતે પણ મુકત જ છે. માત્ર હું પયગંબરનો ખ્યાલ, આમૂલ-સમગ્ર દર્શન બદલાવવું શરુ કરશે. આજે મનોવિજ્ઞાન જેને આત્મછબીમાં પરિવર્તન કહે છે, તે આપોઆપ શરુ થશે. આજ સુધીની નાની,સંકુચિત, ખંડિત આત્મછબી, પોતાના ઐશ્વર્યનો ખ્યાલ આવતાં જ, પળમાં બદલશે. વિરાટ બનવા લાગશે. નાના વિચારો અને ખ્યાલો પળમાં ભૂકો થઇ જશે. પોતામાં અનંતતાનો, વિરાટત્વનો, શકિતમાન હોવાની અનુભૂતિ થવા લાગશે. તેને જગત સુંદર દેખાવા લાગશે. પોતાની અનુભૂતિથી તેને દરેક દેહમાં પણ પયગંબર હોવાની સમજ આવશે. પરિણામે દરેક દેહ પણ મંદિર જ બનશે. આ દર્શન પણ, છેવટે તો, તેણે પેલાં ‘એકત્વ’ તરફ ખેંચી જશે. પણ આ ‘પોતામાં ઈશ્વર’નો ખ્યાલ તેના સમગ્ર વ્યકિતત્વને, પળે પળને, તેના જીવનને જ, બદલાવી નાખશે. એક સાધારણ વ્યકિતત્વ પ્રચંડ વ્યકિતત્વ બનશે. આ દર્શન તેને જગત પ્રત્યે આદરભાવ જન્માવશે. તેની પળે પળ અદભુત બની જશે…માત્ર વિચાર બદલાવશે તો!

માટે, સ્વામીજી કહે છે, ‘વિચાર જ સર્વશકિતમાન છે.’ વિચાર જ તેને ખંડિત-મર્યાદિત માનવમાંથી પયગંબર બનાવે છે. તે તેનો અનંત વિકાસ સંભવિત બનાવે છે. તેનાથી જ તેનુ, ક્ષુદ્ર વ્યકિતત્વ ઓગળી આત્મિક વ્યકિતત્વ પ્રગટાવે છે. વિચારથી જ પ્રથમ ‘સ્વ-ભાન થાય છે, જે, આગળ જતાં,’ અસ્તિત્વ-ભાન માં પરિવર્તિત થાય છે.

એટલે જ, સ્વામીજીએ આગ્રહ રાખ્યો છે કે, ‘આ જ્ઞાન બધા લોકોમાં પ્રસરાવવું.’ પયગંબર હોવાનું, દિવ્યત્વ હોવાનું, જ્ઞાન. આ એક વિચાર જબ્બર ક્રાન્તિ લાવશે-વ્યકિતત્વમાં જે, સમય જતાં સમાજને અને વિશ્વને પણ હલબલાવી નાખશે.

સ્વામી વિવેકાનંદના વેદાંતના વિચારોની વ્યવહારુતા આ રીતે સ્પસ્ષ્ટ જોઇ શકાય છે. પણ , એકવીસમી સદીનો શંકાશીલ માનવ ફરી પ્રશ્ન પૂછવાનો કે આજની જે સમસ્યાઓ છે, તે ખૂબ સંકુલ છે. તેણે વ્યકિતથી વિશ્વ-બધાને ભરડો લીધો છે. આ સમસ્યાઓને આ ‘વ્યવહારુ વેદાંત’ના વિચારો હલ કરી શકે ? અથવા તો હલ કરવામાં ઉપયોગી થઇ થકે ખરા ?

કોઈને પણ આવો પ્રશ્ન કરવાની સ્વતંત્રતા છે. આજે જો સ્વામીજી હોય અને તેમને આ પ્રશ્ન પૂછાયો હોત, તો તે ખૂબ ખુશ થાત અને ઉત્સાહભેર જવાબો આપત. સ્વામીજી પોતે જ ‘રેશનલ’ હતા પૂરા બુદ્ધિવાદી. ગુરુ-પરિચય જ શંકાથી શરુ કર્યો હતો અને છેલ્લે સુધી, શ્રઘ્ધા ઉતરોતર વધવા છતાં, ગુરુને શંકા અને પ્રશ્નો તો કરતા જ રહ્યા. વિદેશમાં પણ તેમને સતત શંકા અને જિજ્ઞાસાનો સામનો કરવો પડયો હતો. જેને પણ તેમને ઉતમ રીતે હલ કરેલ. યુરોપ-અમેરીકાએ સ્વામી વિવેકાનંદને સ્વીકાર્યા તેનું કારણ જ તેમની આ શંકા-નિર્મૂલનની તત્પરતા હતી. એટલે, વર્તમાન પેઢીના પ્રશ્નોના જવાબો પણ સ્વામીજીના વિચારોમાંથી મળવા જ જોઈએ.·

Total Views: 76
By Published On: December 1, 2012Categories: Hareshbhai Dholakiya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram