રામકૃષ્ણમઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ અને ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથના લેખક બ્રહ્મલીન સ્વામી ગંભીરાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.

૧૮૮૬ ના ઓગષ્ટના પ્રથમ પખવાડિયામાં એક દિવસે શ્રીરામકૃષ્ણે કાગળના એક ટુકડા પર બંગાળી ભાષામાં એક વાકય લખ્યું. એનો અર્થ એવો થતો હતો કે સ્વામી વિવેકાનંદ (ત્યારે નરેન્દ્રનાથ) દુનિયાનો શિક્ષક બની રહેશે. જેમ ભગવાનના માણસની અથવા અવતારની બધી હિલચાલો અને ઉદ્ગારો અર્થપૂર્ણ બની રહેતા હોય છે, તે રીતે દેખાવમાં રમતિયાળ લાગે તેવું ગુરુદેવનું આ કાર્ય પણ મહત્ત્વપૂર્ણ બની ગયું. શું ગુરુદેવે પોતાના મન સમક્ષ પોતાનો મુખ્ય શિષ્ય ગુરુ અથવા આધ્યાત્મિક ઉપદેશક તરીકેની આ ભૂમિકા ભજવશે એવું ચિત્ર મનમાં ખડું કર્યું હશે અને તેમણે આ લખ્યું હશે ? હા, કારણ કે જયારે નરેને વિરોધ કર્યો, ત્યારે ગુરુદેવે કહ્યું હતું : ‘તારે તે કરવું જ પડશે,’ અને નરેને તે કરવું જ પડયું.

સ્વામી વિવેકાનંદને શિક્ષક કહેવાનો અમારો ભાવાર્થ એ નથી કે તેઓ નકકી કરેલા પાઠયક્રમ અનુસાર ભૌતિકજ્ઞાનનો પ્રસાર કરનારા સામાન્ય શાળાના શિક્ષક હતા. અમારા કહેવાનો ભાવાર્થ છે કે તેઓ માનવજાતિને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો માર્ગ બતાવવાનું સામર્થ્ય ધરાવનારા હતા. એવા શિક્ષક – ધર્મના શિક્ષક (ગુરુ) – વધારે ચોકકસ રીતે કહીએ તો – આવા શિક્ષક પાસે જરૂરી લાયકાત હોવી જોઈએ. મુંડક ઉપનિષદના મતે, તે શ્રોત્રિય હોવો જોઈએ (શાસ્ત્ર્ાોમાં સારી સમજ ધરાવનારા) અને બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મમાં સ્થિત, અહીં બ્રહ્મ એટલે પરમ સત્ય). અને સર્વશ્રેષ્ઠ શિક્ષક આવા ગુરુની લાયકાતની યાદી આપે છે.

श्र्ा्रोत्रियोडवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः,
ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः,

अहेतुक-दयासिन्धुर्बन्धुरानमतां सतां –

તે (ધર્મનો શિક્ષક હોય છે), જેણે વેદોનું સારી રીતે અધ્યયન કર્યું હોય તેવો, નિષ્૫ાપ, વાસનાઓથી ન ખરડાયેલો, બ્રહ્મના જાણકારોમાં શ્રેષ્ઠ, બ્રહ્મ સાથે ઐક્ય હોવાને લીધે સંપૂર્ણ રીતે સ્વસ્થ અને ધૂમાડા વિનાના અગ્નિ જેવો અનુપમ તેજવાળો (શબ્દશ : બળતણ વિનાના અગ્નિ જેવો), અને તેનું શરણું શોધતા બધા લોકોને માટે અકારણ દયાનો સાગર.

શ્રીરામકૃષ્ણે જયારે ઉપર્યુકત વાકય ‘નરેન દુનિયાનો શિક્ષક થશે’ લખ્યું, ત્યારે તેઓ આ બધા વિષે સંપૂર્ણ સભાન હતા. હકીકતમાં કહીએ તો જયારે ઉપનિષદોએ અને શ્રી શંકરાચાર્યે ગુરુનાં આ લક્ષણો દર્શાવ્યાં ત્યારે એ કાર્ય મહાન આધ્યાત્મિક શિક્ષકોનાં જીવનનું યોગ્ય કાળજીપૂર્વકનું પરીક્ષણ કર્યા પછી કર્યું હતું. સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક ગુરુ થવાને માટે જ નિર્માયેલા હતા, તેથી તેઓ સંપૂર્ણ રીતે આ બધી યોગ્યતાઓ ધરાવતા હતા. ચાલો આપણે ઉપર્યુકત યાદીમાં દર્શાવેલા મુદ્દા વિશે વિચારણા કરીએ.

શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ – બ્રહ્મમાં સારી રીતે સ્થિર થયેલા અને વેદના ઊંડા અભ્યાસી. સ્વામીજી શાસ્ત્ર્ાોનો મર્મ બન્ને રીતે જાણતા હતા તત્ત્વત : અને હકીકતમાં. વિશાળ વાચન ધરાવતા હોવાને લીધે સ્વામીજીએ માત્ર ધર્મની જ નહીં, બીજા વિષયોની પણ હોય એવી પ્રશિષ્ટ કૃતિઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. અને હકીકતપૂર્ણ નકકર જ્ઞાન માટે તેમનું વિરલ સદ્ભાગ્ય હતું કે એક મહાત્મા અથવા અવતાર જ તેમને શિક્ષક તરીકે પ્રાપ્ત થયા હતાં. શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાક્ષાત્કારના બધા પંથોમાં વિહાર કર્યો હતો અને પોતાના જીવન દ્વારા એ બધા ધર્મોનાં સત્યોને દૃઢ કરી બતાવ્યાં હતાં અને તેથી પોતાના શિષ્યોને ઉપદેશ આપવાનું કામ એમને સરલ લાગતું હતું. ભગવાનનું જ્ઞાન આપવાની તેમની શકિત કેવી તીવ્ર અને જોરદાર તથા ઉત્કટ હતી ! શાસ્ત્ર્ાોનો મર્મ ગ્રહણ કરવાની અને એ વિચારોને લોકો સમક્ષ રજૂ કરવાની તેમની ક્ષમતા આશ્ચર્યચકિત કરી દે તેવી હતી.

ધર્મનો શિક્ષક હમેશાં ભગવાન સાથે જોડાયેલો હોય છે. ભગવાન સાથે તેનું જોડાણ સતત હોય છે. તેથી તે પોતાની આસપાસ એક કુદરતી દિવ્ય ઉપસ્થિતિનો પ્રસાર કરી શકતો હોય છે. પ્રસંગોપાત ટકોર કરીને શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને આ પ્રકારની ટેવની જરૂરનું શિક્ષણ આપ્યું હતું. એક વખત નરેન્દ્રનાથ યુવાનોનાં ખરાબ વલણોની નિન્દા અને ટીકા કરી રહ્યા હતા. ત્યારે શ્રીરામકૃષ્ણે તેની ટીકાત્મક વાત છાનીમાની સાંભળી અને શાન્તિથી કહ્યંુ, ‘આ બધી બાબતોની શા માટે વાતો કરે છે ? ભગવાનની જ વાતો કર, બીજી કશી જ નહીં.’ ગુરુદેવના આ આદેશની અસર નરેન્દ્રનાથ ઉપર ખૂબ થઇ. તે પછી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ શિષ્યે આખા જીવન દરમ્યાન દિવ્યતા સાથે સંકળાયેલ ન હોય તેવું કશું ઉચ્ચારણ ર્ક્યું ન હતું. બીજાને ઠપકો આપતી વખતે પણ તેના શબ્દોમાં દિવ્યતાનો રણકો રહેતો હતો.

સ્વામી વિવેકાનંદને સમજી શકતાં હોય તેવાં એક મિત્ર – શિષ્યા જોસેફાઈન મેકલિયોડ પોતાનાં સંસ્મરણોમાં લખે છે : ‘૧૮૯પ ના જાન્યુઆરીની ર૯ મી તારીખે મારી બહેન સાથે હું ન્યૂયોર્કના પ૪ વેસ્ટ ૩૩ મી સ્ટ્રીટમાં ગઈ હતી અને સ્વામી વિવેકાનંદને તેમના બેઠક ખંડમાં સાંભળ્યા હતા. ત્યાં તેમણે કંઈક વાત કરી, તેના ચોક્કસ શબ્દો મને યાદ નથી, પરંતુ તરત જ લાગ્યું કે એ સત્ય છે, તેઓ બીજું વાક્ય બોલ્યા તે સત્ય હતંુ, તેઓ ત્રીજું વાક્ય બોલ્યા તે પણ સત્ય હતું. અને મેં તેમને સાત વરસ સુધી સાંભળ્યા અને તેમણે જે કાંઈ કહ્યું તે મારે માટે સત્ય હતું’. આ તેમની ભગવત્તાની ઘોષણા છે. અને તેમનાં બીજાં શિષ્યા ભગિની ક્રિસ્ટાઈન લખે છે : ‘તેમની આસપાસના લોકોના જીવનમાં તેઓ તે લોકોના આનંદ અને શોકમાં દાખલ થઇને સહભાગી બની રહે છે, તેમની સાથે આનંદ કરે છે અને રુદન કરે છે. પરંતુ એ બધું કરવા છતાં તેઓ કદી પોતે કોણ છે, પોતે કયાંથી આવ્યા છે અથવા પોતાના જીવનનો આશય શો છે તે ભૂલી જતા નથી. તેઓ પોતાની દિવ્યતાને કદી ભૂલતા નથી. તેઓ યાદ રાખે છે કે તેઓ મહાન, શ્રેષ્ઠ કોટિના અને ભવ્ય આત્મા છે. તેમને ખબર છે કે તેઓ પેલા વર્ણનાતીત, અલૌકિક અને સૂર્ય – ચંદ્રનાં તેજથી પર અને જ્યોતિઓના જ્યોતિસમ વિસ્તારમાંથી આવેલા છે. તેમને ખબર છે કે જ્યારે બધા ઈશ્વરપુત્રો એક સાથે બ્રહ્માનંદ માટે ગાતા હતા, તેની પૂર્વે તેમનું આગમન થઈ ગયું હતું.’

તેમની સદાય અભિવ્યક્તિપ્રવણ દિવ્યતાની સાથે સુંદર રીતે જોડાઇને દુ :ખી માનવજાત માટે દ્રવી ઊઠતું તેમનું હૃદય વિવેકાનંદમાં અત્યંત તેજસ્વી રીતે પ્રકાશી ઊઠતું હતું. ‘માણસ દુ :ખથી બળીજળી રહ્યો છે, તમે સૂઇ શકો ખરા ?’ – આ એમણે દરેક બુદ્ધિશાળી માણસને પ્રશ્ન પૂછતાં લખ્યું હતું. બંધનમાં અને દુ :ખમાં પડેલા માનવ માટેનો સ્વીમીજીનો પ્રેમ દંતકથા જેવો લાગે છે. જોે તેઓ ઐતિહાસિક ન હોત તો બીજા લોકો માટેની તેમની લાગણીની તીવ્રતા વિષે શક્ય છે કે લોકો શંકા ઉઠાવત. તેમણે એક વાર લખ્યું છે, ‘મારી શાણપણ ભરી ક્ષણોમાં હું મારી વ્યથાઓનો આનંદ માણું છું. કેટલાંકને આમાં પીડા અને વ્યથા થાય; અને હું ખુશ છું કે કુદરતના યજ્ઞમાં ભાગીદાર બની રહેલાઓમાં હું છું.’ માત્ર અને માત્ર ક્રાઈસ્ટ જ આવું વાક્ય ઉચ્ચારી શક્યા હોત !

સ્વામી વિવેકાનંદે જે લક્ષણ વિકસાવ્યું હતું તેને તેઓ શ્રીરામકૃષ્ણ પાસેથી જ શીખ્યા હતા. એક પ્રસંગે ૧૮૮૪ ના અરસામાં વૈષ્ણવધર્મ વિષે શ્રીરામકૃષ્ણ વાત કરી રહ્યા હતા. હિન્દુધર્મના તે સંપ્રદાયનો સાર આપતાં ગુરુદેવે કહ્યું હતું : ‘આ ધર્મ પોતાના અનુયાયીઓ માટે ત્રણ વસ્તુ આચરણમાં મૂકવાની આજ્ઞા કરે છે : ભગવાનનાં નામનો આનંદ માણવો, બધાં જીવંત પ્રાણીઓ માટે કરુણા દાખવવી અને ભગવાનના ભક્ત વૈષ્ણવોની સેવા કરવી.’ આ ઉપદેશનો સાચો અર્થ આ છે : ‘ભગવાન એના નામથી જુદા નથી તેથી ભક્તે કાયમ ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ. ભગવાન અને તેમના ભક્તો, કૃષ્ણ અને વૈષ્ણવો એકબીજાથી અલગ નથી. આથી દરેકે સંતો અને ભક્તો તરફ આદર દર્શાવવો જોઈએ. આ દુનિયા શ્રીકૃષ્ણની જ છે એવી દૃૃઢ પ્રતીતિ સાથે બધાં જીવંત પ્રાણીઓ તરફ કરુણા દાખવવી જોઇએ’. બધાં જીવંત પ્રાણીઓ માટે કરુણા એટલું માંડ માંડ બોલ્યા હતા, ત્યાં તો તેઓ સમાધિમાં ચાલ્યા ગયા હતા. થોડા સમય પછી અર્ધજાગ્રત મનની અવસ્થામાં તેમણે પોતાની જાતને ઉદ્ેશીને કહ્યું : ‘પ્રાણીઓ માટે કરુણા! પ્રાણીઓ માટે કરુણા! અરે મૂર્ખા! પૃથ્વી પર સળવળતા ક્ષુદ્ર જંતુ, તું શું કરુણા દાખવવાનો છે? ના, એ થઇ જ ન શકે. બીજાઓ માટેની કરુણા એ છે જ નહીં પરંતુ ભગવાનનાં જ વ્યક્ત સ્વરૂપ માની લઈને માણસોની સેવા છે.’
જે લોકો ઉપસ્થિત હતા, તેમાંથી માત્ર નરેન્દ્રનાથ જ ગુરુદેવે જે કહ્યું તેનો સંપૂર્ણ મર્મ સમજી શકયા હતા. નરેન્દ્રનાથે ત્યારે અને ત્યાંજ ઘોષણા કરી કે તે દિવસે તેઓ ગુરુદેવ પાસેથી જે વિશિષ્ટ સત્ય શીખ્યા હતા તેને આખા જગત સામે જાહેર કરવામાં આવશે અને માનવ જાતિની સહિયારી સંપત્તિ બની રહેશે. સ્વામી વિવકાનંદ પર તેનો કેટલો ઊંડો પ્રભાવ પડ્યો હતો તેનું માપ આપણે તેમના ‘વ્યવહારુ વેદાંત’ ના વ્યાખ્યાનમાં આવતાં નિમ્નલિખિત અવતરણો પરથી કાઢી શકીએ છીએ, ‘માનવ શરીરમાં રહેલો માનવ આત્મા જ પૂજવા માટેનો પ્રભુ છે. અલબત, બધાં પ્રાણીઓ પણ મંદિરો છે, પણ માનવ તો સૌથી ઊંચંુ મંદિર છે, મંદિરોનો તાજમહાલ. જો હું તેમાં પૂજા ન કરી શકું તો બીજા કોઈ મંદિરથી કોઈ ફાયદો નથી. જે પળે દરેક માનવના મંદિરમાં બેઠેલા ભગવાનનો મને સાક્ષાત્કાર થાય છે, ત્યારે હું દરેક માનવપ્રાણી સમક્ષ સમાદર પૂર્વક ઊભો રહું છું અને તેનામાં મને ભગવાનનું દર્શન થાય છે એ પળે હું બંધનમાંથી મુક્ત થઈ જાઉં છું. બંધન કરનારી દરેક વસ્તુ નારાયણી છે અને હું મુકત થઈ જાઉ છું… નાના નાના સેંકડો માર્ગમાંથી વિશાળ ખુલ્લા દિવસના પ્રકાશમાં આવો, કેમ કે અસીમ આત્મા નાના નાના ચીલાઓમાં આરામથી જીવી અને મરી શકે ? પ્રકાશના વિશ્વમાં બહાર આવો. વિશ્વની પ્રત્યેક વસ્તુ તમારી છે, તમારા હાથ લંબાવો અને તેને પ્રેમથી ભેટો, જો તમને એવી લાગણી થાય કે તમે આમ જ કરવા માગતા હતા, તો પછી તમને ભગવાનની અનુભૂતિ જ થઈ છે.’

ધર્મનો શિક્ષક પાપથી મુક્ત અને કોઈ પણ પ્રકારની વાસનાથી દૂષિત થયેલો ન હોવો જોઈએ. નરેન્દ્રનાથ શુદ્ધતા અને નિષ્૫ાપતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રનાથના અનન્યતાના ગુણને લક્ષમાં રાખીને ઘણીવાર તેમની પ્રશંસા કરતા. તેમના મંતવ્યને શબ્દશ : લઇ શકાય. ગુરુદેવે શિષ્યની પ્રશંસા અત્યંત કાળજીથી ચૂંટેલા શબ્દો દ્વારા અભિવ્યકત કરી છે, તેનાથી રોમાંચ ખડા થયા વિના રહી શકાય જ નહીં. ગુરુદેવે એક વખત પોતાના શિષ્યનો સાચો અંદાજ આપતાં કહેલું, ‘નરેન્દ્ર ખૂબ ઊંચી કક્ષાનો છોકરો છે. તે કંઠ્ય અને વાદ્ય સંગીત તથા અભ્યાસની બાબતમાં સૌના કરતાં ચડી જાય તેવો છે. વળી પાછું તેને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ છે. તે સત્યનિષ્ઠ છે તેની પાસે વિવેક અને નિષ્કામતા છે. એક જ માણસમાં આટલા બધા ગુણો !’ શિષ્યે ગુરુદેવની અપેક્ષાઓ શબ્દશ : પૂરી કરી. માનવજાતિના પ્રત્યેક વર્ગની સરાસરી કરતાં તેઓ પર રહ્યા હતા. તેઓ જે કંઇ કાર્ય માટેનું ક્ષેત્ર પસંદ કરતા તેમાં સંગીતકાર, વિદ્યાર્થી, સાધક, વક્તા, અને મલ્લકુસ્તીમાં પણ ઝળકી ઊઠતા હતા.

આ રીતે આપણે જોઇ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદ શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ અને અહૈતુક દયાસિન્ધુ હતા. શ્રીરામકૃષ્ણે કહેલું : ‘તેઓ અજ્ઞાન અને મોહમાયાથી મુક્ત છે; તેને કોઈ બંધન નથી.’ આ વાત તેમના સંપર્કમાં આવેલા સંનિષ્ઠ આધ્યાત્મિક સાધકોને જે ન સમજી શકાય તેવી આધ્યાત્મિક ઉષ્માનો અનુભવ થતો તેનો ખુલાસો કરી દે છે. જે જે લોકોને તેમણે શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા, તેમને સ્વામીજીના જીવનમાં પોતાનો આધ્યાત્મિક આદર્શ જીવંત થતો દેખાતો. તેઓ પોતાના શિષ્યોને કઇ રીતે બોધ આપતા અને કેટલાક મુદ્દાઓની પ્રતીતિ કરાવતા એની ખબર આપણને સિસ્ટર ક્રિસ્ટાઈન, મિસ એસ. ઇ. વાલ્ડો અને બીજા જે લોકો સ્વામીજીનાં ૧૮૯પ માં થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં સદ્ભાગી વિદ્યાર્થીઓ હતાં તેમનાં પ્રેરક સંસ્મરણો પરથી પડે છે. પ્રેરક ઉદ્‌બોધનો (The Inspired Talks) નામના તેમના ગ્રંથમાં સ્વામીજીએ માનવજાતિને જે આધ્યાત્મિક ખોરાક આપેલો તેનો ઉજ્જવળ ખજાનો સચવાઇ રહ્યો છે. સિસ્ટર ક્રિસ્ટાઈન નોંધે છે : ‘પછી જે આશ્ચર્યમાં નાખી દે તેવાં અઠવાડિયાં પસાર થયાં, તેના વિષે લખવું મુશ્કેલ છે. તે વખતે અમે જે જીવ્યાં, તે ચૈતસિક કક્ષાએ જો માણસના મનને ઊર્ધ્વમાં લઇ જઇ શકાય તો અમે તે તત્કાલીન અનુભૂતિનો પુન :ચિતાર આપી શકીએ. અમે આનંદથી ભરાઇ જતાં હતાં. અમને તે વખતે ખબર ન હતી કે એ વખતે અમે તેમની પ્રસન્ન તેજસ્વિતામાં જીવી રહ્યાં હતાં. પ્રેરણાની પાંખે તેઓ અમને તેમના પોતાના પ્રાકૃતિક નિવાસસ્થાનની ઊંચાઈએ ઉઠાવી જતા હતા. પછીથી આ પરિસ્થિતિ વિષે બોલતાં તેમણે કહ્યું કે થાઉઝન્ડ પાર્કમાં તેઓ પોતાની સર્વોચ્ચ કક્ષાએ હતા. પછી તેમને લાગવા માંડયું હતું કે પોતાના સંદેશનો પ્રસાર કરવા માટે અને પોતાનું જીવનકાર્ય સાધવા માટે યોગ્ય પ્રચારક શિષ્યો ગુરીને મળી ગયા છે. તેમની સૌથી પ્રથમ અને અભિભૂત કરી દે તેવી ઇચ્છા અમને મુકિતનો માર્ગ બતાવવાની, અમને મુક્ત કરી દેવાની હતી. હૃદયસ્પર્શી કરુણતા સાથે તેમણે કહેલું ‘અરે! જો હું તમને સ્પર્શમાત્રથી મુક્ત કરી શકયો હોત ! તેમનો બીજો આશય આ જૂથને આ કામ અમેરિકામાં ચાલુ રાખવા માટેની તાલીમ આપવાનો હતો. પણ એ એટલો બધો દેખાઈ આવે તેવો કદાચ ન હતો, પરંતુ તેમના મનના ઊંડા સ્તરે તે પડેલો હતો. પોતાના નાનકડા વરંડામાં ઊભા રહીને વૃક્ષોનાં મથાળે અને સુંદર મજાના સેંટ લોરેન્સના શિખર પર જોતાં જોતાં તેઓ અમને પ્રવચન કરવા માટે વારંવાર આહ્‌વાન કરતા. આ અગ્નિ-પરીક્ષા હતી. દરેકને વારાફરતી પ્રવચન કરવા માટે કોશિશ કરવાનું કહેવામાં આવતું હતું. એમાંથી છટકી શકાય એમ જ ન હતું. આ હૃદયસ્પર્શી સાંજની સત્સંગ સભાઓમાં ઘણીવાર તેઓ જેમ રાત્રિ આગળ વધતી જાય તેમ તેમ વધારે ને વધારે ઊંચાઇઓ પર ઉડ્ડયન કરવા લાગતા. વહેલી સવારના બે વાગી જાય તો પણ શું? અમે ચંદ્રને ઊગતો અને આથમતો જોયો હોય તો એનું પણ શું ? અમારા માટે દેશ અને કાળનાં પરિમાણોે લુપ્ત થઇ જતાં હતા.’

પૂર્વ અને પશ્ચિમ બન્નેમાં તેમણે શિક્ષક તરીકે દર્શન દીધાં તે સમયના સ્વામી વિવેકાનંદનાં જોમ અને ભવ્યતાને સમજવા માટે તેમના પ્રેરક અને ઈશ્વર – દત્ત શબ્દોનું વાચન અને પુન : પુન : વાચન કરવું જોઈએ. તેઓ પોતાની સંપૂર્ણ કૃતિઓ (Complete Works) માં જીવે છે, તે જ તેમનું દુનિયાને પ્રદાન છે. આધ્યાત્મિક રીતે સંવેદનશીલ એવા બધા મનુષ્યોનાં હૃદયને સ્પર્શી જાય તેવા તેમના શબ્દો છે. તેઓ રોમે રોમ શિક્ષક હતા, દરેક રીતે આદર્શ; તેઓ પોતાને માટે અગાઉથી કશું આયોજન કરતા ન હતા. તેઓ પોતાને ખાતર કશું કરતા ન હતા. તેઓ પોતાને માટે જરાય સભાન હોય એમ લાગતું ન હતું. હમેશાં તેમને બીજા માણસમાં જ દિલચશ્પી હતી. તેમની પાછળ દૈવી શકિત કામ કરી રહી હતી, તેઓ અત્યંત સંનિષ્ઠ હતા. તેમનામાં અદમ્ય ઊર્જા હતી – આ બધું તેમના ગુરુએ તેમને બક્ષ્યું હતું, જેમણે ઈશ્વરનેજોયેલો હતો. આ બધાથી વધારે તે એ કહેવાનું પ્રદાન થાય છે કે તેમને સાક્ષાત્કારની બક્ષિસ હતી અને તેમણે નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કર્યો હતો. ·

Total Views: 60
By Published On: December 1, 2012Categories: Gambhirananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram