વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે ? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે. આટલો એનો ઉપયોગ છે, જરીય વધારે નહીં. તમે પૈસાની સહાયથી ઈશ્વરને દેખી શકતા નથી. જીવનનું ધ્યેય પૈસો નથી. આ વિવેકવ્યાપાર છે. પૈસામાં કે, સ્ત્રીના રૂપમાં શું છે ? વિવેકબુદ્ધિથી જણાશે કે, સૌથી રૂપાળી સ્ત્રીનો દેહ પણ માંસ, રક્ત, હાડ, ચામનો બનેલો છે, એટલું જ નહીં પણ, બધાં પ્રાણીઓના દેહની માફક આંતરડાં છે, મળમૂત્ર છે. મનુષ્ય ઈશ્વરને વીસરી આવી વસ્તુઓમાં શા માટે મન પરોવે છે એ જ નવાઈ છે !
વિવેક અને વૈરાગ્ય અચાનક આવી નથી ચડતાં. એમનો રોજ અભ્યાસ કરવો ઘટે. કામિની અને કાંચનનો પ્રથમ માનસિક ત્યાગ કરવો જોઈએ અને પછી, આંતરિક અને બાહ્ય બેઉ રીતે, તેમનો ત્યાગ કરવો. ગીતામાં કહ્યું છે કે કામિનીકાંચન માટેની વિરક્તિ અભ્યાસયોગથી જન્મે છે. સતત અભ્યાસથી મન ખૂબ શક્તિશાળી થાય છે; પછી ઈંદ્રિયો, વાસનાઓ અને કામને વશ કરવામાં કશી મુશ્કેલી જણાતી નથી. અંદર ખેંચી લીધા પછી કાચબો અંગોને બહાર નથી કાઢતો તેના જેવું એ છે. કટકા કરશો તો ય કાચબો અંગો બહાર નહીં કાઢે.
પ્ર. આ સંસાર મિથ્યા છે શું ?
ઉ. ઈશ્વરને ઓળખો નહીં ત્યાં સુધી એ મિથ્યા છે. કારણ, તમે એને સર્વ પદાર્થાેમાં જોતા નથી એટલે, ‘હું અને મારા’ વડે, તમે તમારી જાતને સંસાર સાથે બાંધી રાખો છો. અજ્ઞાનથી આમ ભ્રમિત થઈને, તમે ઈંદ્રિયાસક્તિ કેળવો છો અને, માયાની ખાડમાં વધારે ને વધારે ઊંડા ઊતરો છો. માયા મનુષ્યોને એવા તો અંધ બનાવે છે કે, માર્ગ ખુલ્લો હોય તો પણ, એ લોકો એની જાળમાંથી છૂટી શકતા નથી. આ સંસારી જીવન કેટલું મિથ્યા છે એ તમે જાતે જાણો છો ? જે ઘરમાં રહો છો તેનો જ વિચાર કરો. એમાં કેટલા જન્મ્યા અને કેટલા મૂઆ ? સંસારના પદાર્થાે ક્ષણ માટે આપણી સમક્ષ આવે છે અને બીજી ક્ષણે ચાલ્યા જાય છે. જેમને તમે તમારા ‘પોતાના’ કહો છો તે, તમારી આંખ મીંચાયા પછી તમારા રહેતા નથી. સંસારીને આસક્તિ કેવી વળગેલી હોય છે ! કોઈને સંસારમાં એના લક્ષની જરૂર નથી છતાં, પૌત્રને માટે એ કાશી જઈ ભક્તિ નહીં કરે ! ‘મારા હરિનું શું થાય ?’ આ વિચાર એને સંસાર સાથે જકડી રાખે છે. જાળમાંથી નીકળવાનો માર્ગ ખુલ્લો છે છતાં, માછલીઓ બહાર જતી નથી. ઈયળ પોતાના કોશેટામાં જ જાતને ગોંધી રાખે છે અને મરી જાય છે. સંસારી જીવન આવું હોઈને એ મિથ્યા અને અનિત્ય નથી ?
ધારો કે તપેલામાં ભાત રંધાઈ રહ્યો છે. એ બરાબર ચડી ગયો છે કે નહીં એ જોવા માટે તમે એક દાણો કાઢી એને બે આંગળીઓ વચ્ચે દબાવી જુઓ છો. તપેલામાંનો બધો ભાત ચડી ગયો છે કે નહીં એ ખબર તમને તરત પડે છે. તમારે તપેલામાંના બધા દાણા દબાવવા જ જરૂરી નથી. ભાતનો એક દાણો દબાવવાથી બધો ભાત ચડી ગયો છે કે નહીં એ જાણી શકાય છે તેમ, સંસાર સત્ય છે કે મિથ્યા, શાશ્વત છે કે ક્ષણિક એ સંસારની બેત્રણ બાબતોને ચકાસીને જાણી શકાય છે. માણસ જન્મે છે, થોડા દહાડા જીવે છે અને મૃત્યુ પામે છે. આમ વિવેક કરીને, નામરૂપ ધારણ કરનાર તમામ પદાર્થાેનું, પૃથ્વી, સૂર્ય અને ચંદ્રનું પણ એ જ ભાવિ છે. એના પરથી વિશ્વના બધા પદાર્થાેનું સ્વરૂપ નથી જાણી શકાતું? સંસાર મિથ્યા અને ક્ષણિક છે એમ તમે સમજો ત્યારે, તમને એને માટે કશો પ્રેમ નહીં રહે. તમે મનથી પણ એનો ત્યાગ કરશો અને બધી તૃષ્ણાઓથી મુક્ત થશો.
(શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી, પૃ. ૧૦૯-૧૦)
Your Content Goes Here