‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા હતા. સ્વામી વિવેકાનંદ જેવી ભવ્ય આધ્યાત્મિક પ્રતિભાને સંપૂર્ણ પણે કોઈપણ એક રાજ્યના, દેશના, જાતિ કે કોઈપણ ધર્મના, યુવાનોના વીરનાયક કે અનુકરણીય આદર્શ મૂર્તિરૂપે હક્ક પૂર્વક કહી ન શકાય. એમનું જીવન અને એમના સર્વોચ્ચ સંદેશ બધી સંકુચિતતાઓ, ધર્મ સંપ્રદાયના વાડાનાં બંધનોને ઓળંગીને વિશ્વની સમગ્ર માનવતાને પ્રેમથી અપનાવે છે. એમની રાષ્ટ્રીય ભાવના પોતાના રાષ્ટ્ર જીવનની બધી ચડતી પડતીની વચ્ચે પણ વિશ્વને આધ્યાત્મિક સંપત્તિના પ્રદાનકર્તારૂપે અભિવ્યક્ત કરવાના પ્રયાસનું પરિણામ છે. આમ છતાં બધાં રાષ્ટ્રો માટે એનું એક વૈશ્વિક મહત્ત્વ છે. કારણ કે તે ઉચ્ચ આદર્શ સ્થાપે છે અને એક નવો આધુનિક દૃષ્ટિકોણ આપે છે, જેનાં મૂળિયાં ભવ્ય અને મહાન ભૂતકાળમાં રહેલાં છે અને વિરાટ અને સર્વગ્રાહી આધ્યાત્મિક દૃષ્ટિકોણને પ્રગટ કરે છે, આ વાત પૂર્વ અને પશ્ચિમને સંતર્પક નિવડે તેમ છે. આપણે સૌએ આ વૈશ્વિક આદર્શને આપણા વ્યક્તિગત જીવનમાં અને સમાજમાં જીવી બતાવવો જોઈએ. સ્વામીજીનો આ સંદેશ માત્ર ભારતના યુવાનો માટે જ ન હતો, પરંતુ સમગ્ર વિશ્વની યુવપેઢી માટે પણ હતો.

જોસેફ કેમ્પબેલ નામના એક વીસમી સદીના સુખ્યાત વિચારકે શ્રીરામકૃષ્ણને નિયમિત રીતે પોતાનાં લખાણોમાં ઉદ્ધૃત કર્યા છે. તેઓ પુરાણકથા કે લોકકથાઓના વિશ્વના સૌથી મહાન પ્રમાણભૂત જાણકાર ગણાય છે. એમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના અંગ્રેજી ભાષાંતરમાં સ્વામી નિખિલાનંદને મદદ કરવામાં ઘણાં વર્ષો ફાળવ્યા હતા. સાથે ને સાથે ઉપનિષદના ચાર ગ્રંથોના ભાષાંતરમાં પણ એમણે ઘણાં વર્ષોની સેવા આપી હતી. ૧૯૪૯માં એમણે ‘ધ હિરો વિથ થાઉઝન્ડ ફેય્સિસ- સહસ્ર મુખી વીરનાયક’નામનું એક ચિરસ્મરણીય પુસ્તક લખ્યું છે. એમાં તેમણે પૌરાણિક કે પરિકલ્પનાવાળા, લોકકથા કે ઇતિહાસમાંના‘વીરનાયક’ને ઘણી સૂક્ષ્મ અને વેધક દૃષ્ટિએ વર્ણવ્યો છે. એમાં તેઓ એવું બતાવવા માગે છે કે એક સર્વસામાન્ય મૂલાકૃતિ કે આદિરૂપ કે જેને આપણે જ્યારે દેહયષ્ટિ દૃષ્ટિએ વર્ણનાત્મકરૂપે જોઈએ તો સમય અને સંસ્કૃતિઓથી એક વિલક્ષણ પાત્ર છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે આપણા સૌમાં આ ‘વીરનાયક’ છે. અને તેનો વધારે ભલા કે વધારે ખરાબ માટેનો પ્રક્ષેપ એક જ પથને અનુસરે છે. ભારતમાં ‘વીરનાયક’ની પરિકલ્પના ‘મહાવીર’ની સમાન ગુણધર્મવાળી છે; આ ‘મહાવીર’ વિશ્વમાં દિવ્ય પ્રકાશ લાવે છે તે પહેલાં પોતાની જાતને જીતી લે છે. કેમ્પબેલ દર્શાવે છે કે બે પ્રકારના વીરનાયક હોય છે, શારીરિક બળવાળો અને આધ્યાત્મિક શક્તિવાળો. તેઓ આધ્યાત્મિક શક્તિવાળાને વધારે પ્રાથમિકતા આપે છે. શરીરબળવાળો પ્રથમ પ્રકારનો વીરનાયક રણયુદ્ધો લડે છે અને સાહસભર્યાં પરાક્રમો કરે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિસંપન્ન વીરનાયક માનવની અનુભૂતિની સીમાને વિસ્તૃત કરે છે અને તે એક પયગંબર જેવા ઉદ્ધારક સંદેશ સાથે આવે છે. આ એવી અનન્ય યાત્રા છે જે સગવડિયા ધર્મવાળી સલામતિની પરિસ્થિતિમાંથી અને ચૈતસિક અપરિપક્વતામાંથી આત્મજ્ઞાનની પ્રસન્નતામાં પ્રતિષ્ઠિત કરે છેે. આ યાત્રામાં ભારે કષ્ટ-દુ :ખ અને સંઘર્ષ ભર્યા પ્રયત્નોના વિરામ આવે છે. અને એમાં ઉચ્ચતર ધ્યેય માટે પોતાની જાતને સમર્પણ કરી દેવાનું કે પ્રબળ-નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોની ભૂમિકાવાળા મહત્તર ધ્યેયનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા કોઈપણ વ્યક્તિની ચેતના અવસ્થાના પરિવર્તન તરફ દોરી જાય છે અને એને સામાન્ય નેતાઓ કરતાં વિરાટ શક્તિશાળી આધ્યાત્મિક નાયક બનાવે છે. આવા ‘વીરનાયક’ સૌના રક્ષણહારના સંદેશવાહકરૂપે આવે છે અને તે સામાજિક દૃષ્ટિએ વધુ સુદૃઢ હોય છે તેમજ બોધિસત્ત્વના જેવા કરુણાશીલ પણ હોય છે. આ ‘વીરનાયક’ની યાત્રા સ્વર્ગમાંના પિતા ઈશ્વરની શોધ કે જીવનને અમૃતમય બનાવી દેનાર ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની શોધના જેવા નવા સ્રોત અને નવા અર્થ આપવા જેવા છે. કેમ્પબેલના આ શબ્દોમાં સ્વામી વિવેકાનંદે ‘ધ મેથડ્સ એન્ડ પર્પઝ ઓફ રિલિજીયન-ધર્મની પધ્ધતિ અને હેતુ’ નામના આપેલ વ્યાખ્યાનની વાણી પડઘાય છે :

‘સમગ્ર વેદાંતમાં તેમ જ બીજા બધા ધર્મોમાં, અંદર ઓતપ્રોત થઈને રહેલો વિષય આ જ છે. યાદ રાખો કે ધર્મો પોતાની જાતને સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. પહેલો વિભાગ છે તત્ત્વજ્ઞાન, તત્ત્વ એટલે કે ધર્મના મુખ્ય સિદ્ધાંતો. આ સિદ્ધાંતો પુરાણોમાં એટલે કે સંતો, વીરપુરુષો, યક્ષો, દેવો કે દિવ્ય પ્રાણીઓનાં જીવન ચરિત્રોમાં વ્યક્ત થાય છે; આ પુરાણકથાઓની આખી ભાવના શક્તિની છે. આદિકાળની ઊતરતી કોટિની પુરાણકથાઓમાં આ શક્તિની અભિવ્યક્તિ સ્નાયુઓ દ્વારા કરતી હોય છે; તેમના વીરો બળવાન અને રાક્ષસી હોય છે; વીર એકલો આખા જગત પર વિજય મેળવે છે. માણસ ઉત્ક્રાન્તિની ઊંચાઈમાં આગળ વધે તેમ સ્થૂલ શરીર કરતાં વિશેષ ઊંચી રીતે તેની શક્તિની અભિવ્યક્તિ થવાની; તે અનુસાર તેના વીરો પણ કંઈક વધારે ઉચ્ચ કક્ષાએ પોતાનાં પરાક્રમો અભિવ્યક્ત કરતા થાય છે. વધુ ઉચ્ચ કક્ષાના પૌરાણિક વીરપુરુષો પ્રબળ નીતિમાન પુરુષો હોય છે; તેમનું પરાક્રમ નીતિમાન અને પવિત્ર થવામાં વ્યક્ત થાય છે. તેઓ એકાકીપણે ટક્કર ઝીલે છે, તથા સ્વાર્થ અને અનીતિનાં ઘૂઘવતાં પૂરને પાછાં હટાવી શકે છે.’ (સ્વા.વિ.ગ્રં.૬-૪૯)

આવી છે આપણા વીરનાયકની આધ્યાત્મિક યાત્રા. એ આપણા સમયમાં વધારે દુ :ખદ્ અને કમકમાટી ઊપજાવનારી છે. વિશેષ કરીને સમગ્ર વિશ્વમાં યુવાનો માટે હવેનું પર્યાવરણ વધારે ને વધારે યાંત્રિક બનતું જાય છે. અને તે આધ્યાત્મિક આવશ્યકતાઓને જરાય દાદ આપતું નથી. શારીરિક પ્રબળતા અને મર્દાનગીભરી વીરતા સાથેની ‘વીરનાયક’ની આ યાત્રા સાથે જીવનની આવી આધ્યાત્મિક તત્ત્વની ઊણપ એ ચિંતાનો વિષય છે. મોઝેઝ, ઈશુ ખ્રિસ્ત, બુદ્ધ, શ્રીરામકૃષ્ણ અને બીજા મહાન પયગંબરો પોતાના જીવનમાં આ મૂળ આદર્શના સાહસનું એ આદિ અથવા મૂળરૂપના સાહસનું એ જ આધારભૂત માળખું બતાવે છે. દા.ત. ભગવાન બુદ્ધનો માર – ઇચ્છા અને ભય સામેનો સંઘર્ષ કે ઈશુ ખ્રિસ્તની બેપ્ટિઝમમાંથી નીકળવું, રણપ્રદેશમાં ભટકવું, શેતાનની ત્રણ લાલચો (રોટી, દારૂ, સત્તા) અને કામિની-કાંચનની આસક્તિઓને સંપૂર્ણ પણે ત્યજીને શ્રીમાકાલીની શ્રીરામકૃષ્ણની દર્શનઝંખના આવાં જ વર્ણનો છે. ભૌતિકતાથી સભર આ વેરાન ભૂમિમાં આધ્યાત્મિક વીરનાયકના આત્માનું એક ઉચ્ચ પ્રકારનું સાહસ છે. આમ કરવામાં તેઓ આસક્તિ અને બંધનોના મૂળ અહમ્ને નિર્મૂળ કરીને અંતે બધી સારી-નરસી બાબતોમાંથી એક શાશ્વત જ્યોતિનો અનુભવ કરે છે. આવા ‘આધ્યાત્મિક જગતના વીરનાયકો’નો વિશ્વભરની સંસ્કૃતિ અને સભ્યતા પર શાશ્વત પ્રભાવ પાડે છે અને સર્વ લોકોને અને એમાંય વિશેષ કરીને યુવાનોને સ્થિર, ધીર સમાજ રચવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

જ્યારે આ મહાન આધ્યાત્મિક વિભૂતિઓ આ ધરતી પર અવતરી ત્યારના ભૂતકાળના જીવન કરતાં આજના યુવાનો વધારે સંકુલ વિશ્વમાં જીવે છે. વિજ્ઞાનની, પ્રૌદ્યોગિકીની અસીમ પ્રગતિને લીધે આજનો યુવાન પોતે કરી શકે તે પ્રગતિને, પોતે મેળવી શકે તે તાકાત કે સત્તાને અને પોતે મેળવી શકે તેવા ધ્યેય માટે દેખીતી રીતે જાણે કે કોઈ સીમા જ નથી એમ તે માનતો થયો છે. આવા જ સમયે તેમાંથી ઘણા યુવાનો પોતાના ગુલાબી ભાવિનાં સ્વપ્ન પર સત્તા સ્થાને રહેલા ભ્રષ્ટાચારી, સંકુચિત દૃષ્ટિવાળા, મતાંધ અને લાલચી લોકોના પ્રલોભનને કારણે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની પ્રગતિના થતા ઘણા દુરુપયોગની મહાઆપત્તિની લટકતી દોધારી તલવારથી પણ વાકેફ છે. કહેવતના એકલપેટા માણસ ગંધાય માણસ ખાઉંની વૃત્તિવાળા ઢૂંઢિયા રાક્ષસ જેવા આ વૈજ્ઞાનિક વિકાસે પોતાની જાદુઈ અસરથી જાણે કે આ સૃષ્ટિના રચયિતાને ભરખી જવાની ચેતવણીરૂપ બની ગયો છે. આમછતાં પણ કેટલાક યુવાનો સાહસ અને આદર્શથી પ્રેરાઈને, અસીમ શક્તિ અને હેતુની શુભ નિષ્ઠા સાથે સત્તામાં રહેલા આ સ્વાર્થી, ભ્રષ્ટાચારી, સંકુચિત મનોવૃત્તિવાળા, મતાંધ, પોતાના સ્વાર્થને સાધવામાં જ રસરુચિ ધરાવનારા અને બીજા માણસોના ક્ષેમકલ્યાણની જરાય કાળજી ન લેનારા લોકો સામે પોતાનો અવાજ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા યુવાનો પોતાના વડિલો કે જે તેમને ઉતારી પાડે છે એવું વિચારીને એમનાથી પણ થાક્યા-કંટાળ્યા છે અને એમના પ્રત્યે ક્રોધે ભરાયા છે. આવા યુવાનો આ સમગ્ર ભ્રષ્ટાચાર અને સત્તાભૂખની રચનાને તોડી પાડવાની અને એને બદલે પોતાનાં મનહૃદયની ઇચ્છાનું રામરાજ્ય રચવાની જાણે કે ઊતાવળમાં હોય તેવું લાગે છે. તેમને હવે ‘સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવના’ જેવાં સામાજિક, રાજનૈતિક સૂત્રો જરાય પ્રેરક લાગતાં નથી. કારણ કે એમાં વચનો તો ઘણાં અપાય છે પણ એમાંથી એકેય પળાતાં નથી. તેઓ કંઈક જુદુ જ રચવાનો પ્રયત્ન કરવા માગે છે. પણ શું કરવું અને એ કેવી રીતે કરવું એ એમને માટે મુખ્ય કોયડો બની ગયો છે. પરિણામે સ્વાભાવિક રીતે જ યુવાનોનો આદર્શવાદ વરાળ થઈને હવામાં ઊડી જાય છે અને એનાં મનહૃદયમાં વક્રદૃષ્ટિવાળી કટુતા ભરાઈ જાય છે. અધ :પતનને નોતરતી આ બાબતોને રોકવા માટે તેઓ કંઈ કરી શકે તેવું બહું ઓછું છે અને પરિણામે જે શાસન પ્રણાલિ સામે તેમણે બળવો પોકાર્યો હતો એ સંઘર્ષને તેઓ છોડી દે છે અને એ દુષ્પ્રણાલીની ચાલે ચાલતો થાય છે. આવી કરુણાજનક અને દુ :ખદ્ પરિસ્થિતિમાં વિશ્વભરનો આધુનિક યુવાન જોવા મળે છે. આ વિષમ પરિસ્થિતિમાંથી એમણે મુક્ત કરે એવા એક આદર્શ ‘વીરનાયક’ની તેઓ આતુરતા પૂર્વક ઝંખના કરે છે. પરંતુ આધુનિક જાહેર પ્રચારપ્રસારનાં વિશ્વભરનાં શક્તિશાળી માધ્યમો દ્વારા ઘડીએ ઘડીએ એમની સમક્ષ મુકાતા ‘યુથ આઈકોન-યુવાનોના માર્ગદર્શક વીરનાયક’નાં ઉદાહરણોમાંથી કયા વીરનાયકની પસંદગી કરવી એ સમસ્યા તેમની સમક્ષ ઊભી થાય છે. આવી ખોટી પસંદગી કરીને સેવેલી થોડી ભ્રમણાઓ અને હતાશા-નિરાશાને પરિણામે આવા યુવાનો ‘મહાન આત્માની પ્રમાણભૂતતા’ને ઝંખતા બન્યા છે. (ક્રમશ 🙂

Total Views: 67
By Published On: December 1, 2012Categories: Sarvasthananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram