નવેમ્બરથી આગળ…

પોતાના ઓરડામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા કેટલાક સંન્યાસીઓ કે સંતોનાં ચિત્રો રાખવા માટે ઠાકુરે શ્રી‘મ’ને કહ્યું. સવારમાં કોઈ પણ વ્યક્તિ ઊઠે ત્યારે સંસારી લોકોને જોવાને બદલે પવિત્ર પુરુષોનાં મુખ જોવાં વધારે સારાં. તેમણે શ્રી‘મ’ને એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ઘરને સ્વચ્છ સુઘડ રાખવું જોઈએ. અસ્વચ્છતા કે અવ્યવસ્થા એ તમોગુણની કે પ્રમાદની નિશાની છે. ઠાકુર બેદરકાર લોકોને સહન ન કરી શકતા. એક વખત એક ભક્ત એક પૈસામાં દસને બદલે છ બિલ્વપત્ર લાવ્યો. ઠાકુરે એમને ઠપકો આપતાં કહ્યું, ‘ભક્ત બન, પણ મૂરખ ન બનતો. કોઈનાથી છેતરાતો નહીં. જો તારી પાસે વધારે પૈસા હોય તો એને બીજાને આપી દેજે, પણ ક્યારેય છેતરાતો નહીં.’

જો કે શ્રીઠાકુરનું મન મોટે ભાગે સમાધિ ભાવમાં રહેતું છતાં પણ તેઓ નાની નાની બાબતો માટે પણ કાળજી લેતા. ૧૮૮૪ની ૫મી એપ્રિલે શ્રી‘મ’એ ‘રામકૃષ્ણ કથામૃત’માં નોંધ્યું છે કે શ્રીઠાકુરે શ્રી‘મ’ના ભૂલકણાપણા માટે કેવી રીતે નમ્ર ઠપકો આપ્યો હતો. ગંગામાં સ્નાન કરીને શ્રી‘મ’ ઠાકુરના ઓરડામાં આવ્યા અને તેમની નજીક બેઠા. તેમણે સ્નાન કરી લીધું હતું એ જોઈને શ્રીઠાકુરે તેમને ફળ અને મીઠાઈ(પ્રસાદ) આપ્યાં. એટલે શ્રી‘મ’ એ પ્રસાદ ખાવા અર્ધવર્તુળાકાર ઓસરીમાં ગયા. પ્રસાદ લઈને અને થોડું પાણી પીઈને પાણીનું વાસણ ત્યાંને ત્યાં મૂકીને તેઓ શ્રીઠાકુરની નજીક બેસવા ઝડપથી ઓરડામાં આવ્યા. એ જોઈને શ્રીઠાકુરે કહ્યું, ‘તમે પાણીનું વાસણ પાછું ન લાવ્યા?’

શ્રી‘મ’ : ‘હા મહાશય, હું એ લેવા જઉં છું.’

શ્રીઠાકુર : ‘વાહ!’

શ્રી‘મ’ મૂંઝાઈ ગયા. તેઓ ઓસરીમાં ગયા અને પાણીનું વાસણ ઓરડામાં લાવ્યા. શ્રી‘મ’ અવાર-નવાર કહેતા કે તેઓ સંસારનું કુટુંબ જીવન છોડી દેવા ઈચ્છે છે. એનું કારણ એ છે કે શ્રીઠાકુર કહેતા, ‘કામિની-કાંચન’ની વળગણ હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ ઈશ્વર પ્રાપ્તિ કરી શકતી નથી. આ વાત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં એમણે વારંવાર કહી છે. થોડા સમય સુધીની શ્રીઠાકુર સાથેની પોતાની મુલાકાત પછી તેમને સંન્યાસી બનવાની તીવ્ર ઇચ્છા થઈ. પરંતુ શ્રીરામકૃષ્ણે તેમને પ્રોત્સાહન ન આપ્યું. કારણ કે શ્રી‘મ’ માટે એમણે એક જૂદો જ પથ નક્કી કર્યો હતો. તેમણે શ્રી‘મ’ ને કહ્યું, ‘તમે ઈશ્વરમાં સારી રીતે પ્રતિષ્ઠિત છો. તો પછી શું સર્વત્યાગ કરવો એ સારું ગણાય?’ એક દિવસ સાંજે જ્યારે શ્રી‘મ’ અને શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં એકલા હતા ત્યારે સમાધિભાવમાં તેમણે કહ્યું, ‘કોઈએ એવું ન ધારી લેવું કે જો તે શ્રીજગદંબાનું કામ ન કરે તો તે વૃથા છે. મા જગદંબા તો તણખલાને પણ ઉપદેશક બનાવી શકે.’ આને લીધે શ્રી‘મ’ના મનમાં રહેલી બધી શંકા દૂર થઈ ગઈ. તેમને સમજાયું કે પોતે શ્રીઠાકુરની ઇચ્છાને જ શરણે જવું જોઈએ. એટલે જ કૌટુંબિક જીવનમાં એક ગુપ્ત યોગીરૂપે જીવવાનું તેમણે નક્કી કર્યું. તેમણે ભીતરથી સંન્યાસી વૃત્તિ રાખી અને સાથે સાથે પોતાની સાંસારિક જવાબદારીઓની અવગણના પણ ન કરી. શ્રી‘મ’એક સફળ શિક્ષક હતા પણ એમણે યોગીની શાંતિ-સ્થિરતા જાળવી રાખી. તેઓ ઘણા વિનમ્ર હતા અને ગહન નિષ્ઠાથી સંન્યાસીઓ અને ભક્તોની તેમણે સેવા કરી. આમ સંન્યાસીની આધ્યાત્મિક નિષ્ઠા સાથે એક સદ્ગૃહસ્થના ગુણો નિભાવ્યા.

એક દિવસ શ્રી‘મ’ની સંન્યાસ માટેની ઝંખનાને શ્રીઠાકુરે પૂર્ણ કરી. શ્રી‘મ’ લખે છે, ‘શ્રીઠાકુરે ભક્તને (શ્રી‘મ’)ને મંત્રદીક્ષા આપી, બાબુરામને સંન્યાસ દીક્ષા પણ એની સાથે જ આપી. આ ભક્તે શ્રીઠાકુરને સંન્યાસ દીક્ષા આપવા માટે વારંવાર વિનંતી કરી. પરંતુ શ્રીજગદંબાની આજ્ઞાથી એમણે એ ભક્તને ઘરે જ, નિવાસસ્થાને રાખ્યા અને એની બધી આસક્તિ અને સાંસારિક ઇચ્છાઓને એના મનમાંથી દૂર કરી. આ ભક્ત માટે શ્રીઠાકુરે બધું અનુકૂળ વાતાવરણ રચી દીધું. તેમણે શ્રીજગદંબાને આ શિષ્યને દિવ્યદૃષ્ટિ આપવા પ્રાર્થના કરી કે જેથી તે લોકોને ઉપદેશ આપી શકે… તેમણે આગળ કહ્યું, ‘મા! તમે જ્યારે એને ઘરે રાખો છો તો સમયે સમયે તમે એની સામે પ્રગટ થતાં રહેજો. નહીં તો એને માટે ઘરે રહેવું મુશ્કેલ બની જશે.’

કેવી રીતે પોતાના જીવનને ગૃહસ્થરૂપે સંરક્ષવું એ માટેનું માર્ગદર્શન શ્રીઠાકુરે આપ્યું હતું એમ પછીથી ભક્તોને શ્રી‘મ’એ કહ્યું હતું. એક દિવસ શ્રીઠાકુર શ્રી‘મ’ને કાલીમંદિરમાં લઈ ગયા અને તેમને પ્રાર્થના કેમ કરવી એ શીખવ્યું. તેમણે કહ્યું, ‘હે મા! તમે જ બધાં ભય અને વિઘ્નોને હરનારાં છો. મારાં વિઘ્નો આપ દૂર કરી દો.’

શ્રી‘મ’એ કહ્યું, ‘આધ્યાત્મિક જીવનમાં દેહભાવના અને ઇંદ્રિય જગત પ્રત્યેની આસક્તિ સૌથી મોટું વિઘ્ન છે. જ્યાં સુધી મા જગદંબા કોઈપણ વ્યક્તિને દેહભાવનામાં રાખે છે ત્યારે તેણે શ્રીમાને ‘હે જગદંબા! મારાં વિઘ્નો દૂર કરો.’ એવી પ્રાર્થના કરવી જોઈએ.

જેમ એક હિંદુ માતા પોતાનાં બાળકોને પવિત્ર સ્થળે દેવીદેવતાઓને કેવી રીતે પ્રણામ કરવા જોઈએ તે શીખવે છે તેવી જ રીતે શ્રીઠાકુરે શ્રી‘મ’ના વૈરાગી મનમાં ભક્તિને ઉન્નત કરવામાં સહાય કરી. એક દિવસ પંચવટીમાં જ્યાં એક જૂના વડલાની ડાળ પડી ગઈ હતી ત્યાં શ્રીઠાકુર નમ્યા. તેમણે શ્રી‘મ’ને કહ્યું, ‘અહીં મને ઘણાં દિવ્ય દર્શનો થયાં છે. એટલે તમે પણ આ સ્થળે માથું નમાવો.’ બીજે દિવસે શ્રી‘મ’ માટે મા જગદંબાને પ્રાર્થના કરી, ‘હે મા! આ માણસ ઘણા ભલાભોળા છે. તે મારી પાસે શાંતિ અને સ્થિરતાથી બેઠા રહે છે. હું એના માટે આટઆટલી તમને પ્રાર્થના કરું છું; હે મા! તમે એને તમારા તરફ લઈ લો.’ પછી શ્રીઠાકુરે શ્રી‘મ’ને ખાનગીમાં સૂચના આપી, ‘આ ગીત તમે એકાંતમાં હૃદયના તલસાટ સાથે ગાજો. એનાથી તમારી કુંડલિની શક્તિ જાગ્રત થશે.

‘હે શાશ્વત આનંદદાયિની શક્તિ મા કુંડલિની જાગૃત હજો,

મૂલાધારના પદ્મમાં તમે સૂતેલા ગંૂચળાવાળા સાપ છો.’

એક ગુરુ તરીકે શ્રી‘મ’ને એમણે એવો ઉપદેશ આપ્યો હતો કે તેમણે આ સંસારમાં એક નોકરની જેમ રહેવું કે જે માત્ર બીજાની સેવા જ કરે છે. એક વખત દક્ષિણેશ્વરમાં શ્રી‘મ’એ શ્રીઠાકુરના ભોજન પછી એમનાં વાસણ ધોઈ નાખ્યાં. શ્રીઠાકુરે આ જોઈને કહ્યું, ‘આ ઘણું સરસ કામ! આપણે બધી જાતનાં કાર્યો – રાંધવું, વાસણ માંજવાં, કપડાં ધોવાં, વાળવું અને રૂમની સફાઈ કરવી – વગેરે કરતાં શીખવું એ ઘણી સારી વાત છે.’ પછીથી શ્રી‘મ’ પોતાનું ભોજન પોતાના હાથે રાંધતા, એટલે એમનાં પત્નીએ શ્રીમા શારદાદેવીને ફરિયાદ કરી કે તેમના પતિ પોતાનું રાંધેલું ખાતા નથી. પછી જ્યારે શ્રી શ્રીમાએ શ્રી‘મ’ને પોતાની પત્નીનું રાંધેલું અને ભોજન લેવા કહ્યું ત્યારે એમણે શ્રીમાની આજ્ઞાનું પાલન કર્યું. જ્યારે તેમનાં પત્નીએ ભોજન પીરસ્યું ત્યારે શ્રી‘મ’એ દરેકે દરેક વસ્તુ પ્રેમથી ચાખી અને તેમની રસોઈની પ્રસંશા પણ કરી. વાસ્તવિક રીતે આમ જોઈએ તો એમણે એમાંથી કંઈ ખાધું નહીં. એમણે તો શ્રીઠાકુરે સૂચવેલો સાદો ખોરાક જ લીધો. તેઓ પોતાનાં કપડાં પોતાના હાથે ધોતા. તેઓ ભાગ્યે જ બીજાની સેવા કે સહાય લેતા. શ્રી‘મ’ શાસ્ત્રોના આ ઉપદેશનું પાલન કરતા. ‘પરાવલંબન એ દુ :ખ છે અને સ્વાવલંબન એ સુખ અને આનંદ છે.’ ·

Total Views: 174
By Published On: January 1, 2013Categories: Chetanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram