(મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)
૧ મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. મિશનનાં કાર્યો અને આદર્શ કેવાં હોવાં જોઈએ તેની યાદી પણ તૈયાર થઈ. રામકૃષ્ણ મિશનની સ્થાપના પાછળ સ્વામીજીનાં વિચારો, આદર્શાે, ભાવના અને આધ્યાત્મિકતાનું બળ હતું. એમાં માત્ર શબ્દોની કલ્પના ન હતી. એની પાછળ સાગરના જેવી ગહનતા અને ગંભીરતા હતાં. મિશન અંગે સ્વામીજીના ગુરુબંધુઓના મનમાં કેટલીક શંકાઓ હતી. સ્વામી અદ્ભુતાનંદે પોતાના પ્રિય નરેનના (સ્વામીજીના) ઓજસ્વી વિચારોને મનમાં સાચવી રાખ્યા હતા. એટલે એમણે સ્વામીજીને પૂછ્યું, ‘નરેન, તેં આ બધું શા માટે ચાલુ કર્યું છે? એને લીધે તો આપણાં પ્રાર્થના, જપધ્યાનમાં અડચણ નહીં પડે? એ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘તમે જેને ભક્તિ ગણો છો, એ એક ભાવનાત્મક મૂર્ખામી છે. એને લીધે જ માણસ કોમળ અને દુર્બળ બને છે. એવી ભક્તિની કોને પડી છે કે જેનાથી માણસ આત્મકેન્દ્રી બને, પોતાના મોક્ષની કલ્પનામાં રત થઈ જાય અને બીજાનાં દુ :ખે દુ :ખી ન થાય? એવી ભક્તિમાં મને વિશ્વાસ નથી. માણસને ‘સાચો માણસ’ બનાવતાં જો મારે હજારવાર નરકમાં જવું પડે તો પણ હું જઈશ. મને તમારી એવી ભક્તિથી મળતી મુક્તિની જરાય પરવા નથી. જો તમારા રામકૃષ્ણ તમને આવું શિખડાવતા હશે તો હું એમનું નહીં સાંભળું, એ વાત ધ્યાનમાં રાખજો. તમને ખબર છે કે પહેલાં એકવાર મેં મારા ગુરુને આવી ભક્તિ અને મુક્તિ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે મને સ્વાર્થી કહીને ઠપકાર્યો હતો.’ આમ કહીને અશ્રુભર્યાં નયને સ્વામીજી ઓરડામાંથી બહાર નીકળી ગયા.
બધાને માઠું લાગ્યું. સૌના મનમાં એક વિચાર આવ્યો, ‘આપણે શા માટે એમની સાથે વાદવિવાદ કર્યો. આપણા ગુરુએ જ નરેનને આપણો નેતા બનાવ્યો છે. એને અનુસરવું એ જ આપણું કર્તવ્ય છે.’ સ્વામીજી અને એમના ગુરુબંધુઓનો સંબંધ ઘણો ગાઢ હતો. સૌને પોતપોતાના વિચારો વ્યક્ત કરવાની મોકળાશ હતી. સાથે ને સાથે નરેન્દ્ર પ્રત્યે એમને પૂરો વિશ્વાસ હતો અને પ્રેમભાવ હતો.
૧૮૯૨ની આસપાસની આ ઘટના છે. શ્રીગણેશ સદાશિવ ભાટે એને યાદ કરતાં કહે છે કે એ વખતે લોકોને સ્વામી વિવેકાનંદની પૂરી ઓળખાણ ન હતી. સ્વામીજી કોલ્હાપુરથી બેલગામ આવ્યા. કોલ્હાપુર દરબારના સચિવ શ્રીલક્ષ્મણરાવ ગોળવલકરે સ્વામીજીને પરિચયપત્ર આપ્યો હતો. ગોળવલકર મારા પિતાના ખાસ મિત્ર હતા. સ્વામીજીને જ્યારે મેં પહેલી વખત જોયા ત્યારે એ એક વિલક્ષણ વ્યક્તિ છે એવું મને લાગ્યું. આમ જોઈએ તો સંન્યાસી કરતાં તેઓ કંઈક જુદા જ તરી આવતા હતા. એક સામાન્ય સંન્યાસીની વ્યાખ્યામાં આવે તેવા માનવ ન હતા.
અમારા ઘરે તેઓ રહ્યા એ દરમિયાન અમારા બધાના મનમાં સંન્યાસી વિશેની એક જૂની કલ્પનાને ખાસો ધક્કો લાગ્યો. પહેલે દિવસે જમ્યા પછી એમણે પાનસોપારી માટે પૂછ્યું. અમને એમ લાગ્યું કે એક સંન્યાસી આવી માગણી કરે? આટલા દિવસ સુધી અમે એટલું સમજતા હતા કે પાનસોપારી વગેરે એ સામાન્ય માણસની ટેવ છે. સંન્યાસીને એની સાથે શી લેવા દેવા? પછી એમણે સ્પષ્ટતા કરી ત્યારે અમારા મનને શાંતિ થઈ. તેમણે કહ્યું, ‘મેં કલકત્તા વિદ્યાપીઠમાંથી પદવી મેળવી છે. શ્રીરામકૃષ્ણ પરમહંસને મળતાં પહેલાં મારું જીવન જુદું હતું. શ્રીરામકૃષ્ણે મારું આખું જીવન અને દૃષ્ટિકોણને જ બદલી નાખ્યું. પણ જે નાની નાની ટેવો હતી એ એમને એમ રહી.’
સ્વામીજીનું સંસ્કૃત ભાષા પર પણ ઘણું પ્રભુત્વ હતું. હું જૂની પદ્ધતિની અષ્ટાધ્યાયીમાંથી એક સૂત્ર બોલતો હતો ત્યારે એમણે મારી ભૂલો સુધારી હતી. હવે આ નવા આવેલા મહેમાન સાથે મારી વધુ ફજેતી ન થાય એથી મેં ‘અમરકોશ’ માંથી બોલવાનો પ્રયત્ન ન કર્યો. એથી મારા પિતાજી નારાજ થયા.
બેલગામમાં સ્વામીજી સાથે ચર્ચા કરવા ઘણા વિદ્વાન માણસો આવતા. કેટલાક તો એમની સાથે વાદવિવાદ પણ કરતા. પણ સ્વામીજી એ બધાને શાંતિથી અને દૃઢતાથી જવાબ આપતા. ક્યારેક એમને સંભળાવતા પણ ખરા. પણ એમના મનમાં કોઈને દુભવવાનો ભાવ ન હતો.
શ્રીભાટેના મત મુજબ સ્વામીજીની વેદાંત વિશેની કલ્પના કે વિચારો પારંપારિક વિચાર કે કલ્પના કરતાં ભિન્ન હતી. થોડાક મુઠ્ઠીભર લોકોએ વેદાંતનું જ્ઞાન પોતાની પકડમાં રાખ્યું હતું. વાસ્તવિક રીતે જોઈએ તો વેદાંત એટલે જીવનને ચૈતન્યમય, આનંદમય કરનાર સતત વહેતું સ્રોત છે. જીવનમાં વેદાંતનું આચરણ કરવું એ આલતુ ફાલતુ માણસનું કામ નથી. એણે માટે તો વિશાળ હૃદય જોઈએ. પ્રબળ શક્તિવાળો માણસ દયા દાખવી શકે અને એ અહિંસા દાખવે તો એ સાર્થક છે. કાયર અને દુર્બળ માણસની દયા કે અહિંસાનો કોઈ અર્થ નથી.
(રેમિનિસન્સિસ ઓફ સ્વામી વિવેકાનંદ-પૃ.૫૨-૫૬)
૧૮૯૭માં જ્યારે સ્વામી વિવેકાનંદ ઉત્તર ભારત ગયા ત્યારે બીજા શિષ્યો સાથે તેમના ગુરુબંધુ લાટુ મહારાજ પણ સાથે હતા. જ્યારે તેઓ આલમોડામાં હતા ત્યારના સ્વામીજીના વિશાળ હૃદયની ભાવનાનું એક સ્મરણ યાદ કરીને કહ્યું, ‘સ્વામીજીને કોઈએ પણ નાની મોટી મદદ કરી હોય તો તેને યાદ રાખતા. આપણા પર આ માણસે કેટલાં ઉપકાર કે કૃપા કર્યાં છે, એવી કૃતજ્ઞતાની ભાવના એમના હૃદયમાં સદૈવ રહેતી. આલમોડામાં અમે બદ્રીશાહના ઘરે રહેતા. અહીં વાર્તાલાપ અને ચર્ચા ચાલુ રહેતાં. એક વખત એકાએક ચર્ચા કરતાં કરતાં સ્વામીજી અટક્યા અને દોડીને રસ્તા પર ગયા. રસ્તે ફકીર જતો હતો એમના હાથમાં ૨ રૂપિયા મૂક્યા. પાછા આવ્યા ત્યારે એમને ચકિત થઈને પૂછ્યું, ‘આટલી ઉતાવળે વાર્તાલાપ વચ્ચેથી છોડીને એ માણસને પૈસા કેમ આપ્યા?’ સ્વામીજીએ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, ‘એ ફકીરે એક વાર મારો જીવ બચાવ્યો હતો. એટલે એને એ પૈસા કેમ ન અપાય?’ પછી વાત કરતાં કહ્યું, ‘આ જ ગામમાં આ પહેલાં એકવાર હું ભૂખથી વ્યાકુળ થઈને બેભાન અવસ્થામાં રસ્તે પડ્યો હતો. એ વખતે આ જ ફકીરે પોતાની પાસેની કાકડી મને ખવડાવી હતી. એ ખાઈને હું ભાનમાં આવ્યો. જો ભાઈ લાટુ! એણે મને જીવનદાન આપ્યું છે. શું એ ઋણ હું આ થોડા સિક્કા આપીને ચૂકવી શકવાનો છું? એ ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈશ એ મને કહો?’
(સ્વામી ચેતનાનંદકૃત ‘સ્વામી અદ્ભુતાનંદ’માંથી)
Your Content Goes Here