ગતાંકથી આગળ…

*સ્વામીજીના ચારિત્ર્યની શુદ્ધતા :

માત્ર તપસ્યા, એકાગ્રતાની શકિત અને આધ્યાત્મિક સમૃધ્ધિમાં જ નહીં, પણ ચારિત્ર્યની શુધ્ધિ બાબતે પણ સ્વામી વિવેકાનંદ સંન્યાસના સર્વોચ્ચ શિખરે હતા. તેમના ગુરુનો મંત્ર હતો-કામ અને કાંચનનો ત્યાગ. સ્વામીજીનો પણ તે જ હતો. ગુરુની તુલનામાં સ્વામીજી પૂર્વ અને પશ્ચિમ બન્નેમાં એક મહાન સામાજિક વ્યકિતત્વ હતા. તેમને જીવનના દરેક તબકકે પૈસા અને બધા જ પ્રકારનાં ચારિત્ર્યવાળાં સ્ત્રી-પુરુષો સાથે કામ કરવું પડતું હતું પણ આ બધા જ સંપર્કાેમાં તે પોતાના ગુરુએ સૂચવેલ સંયમના પાયાના સિધ્ધાંતોમાંથી કદી એક પગલું પણ નીચે ઊતર્યા ન હતા. તેમના હાથમાં જે પણ પૈસા આવતા હતા, તે બીજાઓની જરૂરત પૂરી કરવામાં સરળતાથી ચાલ્યા જતા હતા. તે પશ્ચિમમાં પોતાનો સમગ્ર ઉપદેશ મફત આપતા. જયારે તેમણે પોતાનો મુખ્ય મઠ તેમના પશ્ચિમના મિત્રના પૈસાની મદદથી બાંધ્યો, ત્યારે તેમણે પોતાને વ્યક્તિગત જેટલા રૂપિયા મળેલા, તે બધા જ પોતાના ગુરુ ભાઇઓ તથા સંસ્થાને આપી દીધા. આ રીતે પણ તેમણે સંન્યાસની પ્રતિજ્ઞા-અપરિગ્રહનું પાલન કર્યું. આ જ રીતે સ્ત્રીઓ સાથેના સંબંધોમાં પણ તે શારીરિક નબળાઈઓથી પર રહ્યા હતા. તેમના પૂર્ણત્વના પાયાના આદર્શમાં ઉપર ઊઠવા માટે જે આડખીલી હતી, તેનાથી ઉપર ઊઠવામાં સંન્યાસીનું સૌથી મોટું બળ બ્રહ્મચર્ય જ તેમના માટે સર્વસ્વ હતું. પરંતુ તે બાબત પણ તેમના માટે સ્ત્રીનો ધિક્કાર કરવા માટે કારણભૂત ન બની. હકીકતે, તે તો આખા જગતની અનેક સ્ત્રીઓ સાથે ગુરુ, સહ કાર્યકર, તથા મિત્રરૂપે સંકળાયેલા હતા. પણ આ બધા જ સંપર્કાેમાં તે ભારતીય કૌટુંબિક સંબંધો સ્થાપવાની ભારતીય પ્રથાને વળગી રહ્યા. આ રીતે જયાં પણ ગયા, ત્યાં બધાં તેમના માટે માતા, બહેન કે પુત્રીવત્ બની રહયાં. તે વેદાંતના એ વિચારમાં પૂરા સ્થિત હતા કે આત્મા જાતીયતાથી પર છે અને જે પણ તેમનો સંગ કરવા અને ઉપદેશ સાંભળવા આવે, તે બધાને તે શરીર નહીં, પણ આત્મા તરીકે જોઈ શકવા સમર્થ હતા. જાતીયતાનો સૂક્ષ્મ તફાવત બતાવતી ભદ્રતા પણ તેમને પસંદ ન હતી. હકીકતે પવિત્રતા તેમના માટે એટલી સહજ બની ગઈ કે જયારે પણ કોઈ અપવિત્ર વિચાર કે બાબત તેમની સામે આવતી, તો તે તરત સજાગ થઈ જતા અને કહેતા કે આ તેમના મન પર આઘાત છે ! તરત તે તેને નકારી દેતા.

*તેમનો વૈશ્વિક પ્રેમ :

જો આપણે સ્વામીજીના આ પ્રબળ અને તપસ્યામય ચારિત્ર્યમાં તેમના હૃદયના એક અદ્‌ભુત ગુણનો-જે તેમને બીજા સામાન્ય ભારતીય સાધુઓ કરતાં અલગ કરતો હતો અને આધુનિક યુગના બોધિસત્ત્વ બનાવતો હતો-ઉલ્લેખ નહીં કરીએ તો આ મહાન સંન્યાસી એવા સ્વામી વિવેકાનંદનું ચિત્ર પૂર્ણ નહીં થાય. તે હતો સર્વ જીવો પ્રત્યેનો અમર્યાદિત પ્રેમ અને સહાનુભૂતિ. ભાગવતમાં આપણે મહાન ઋષિ શુકદેવ વિશે વાંચીએ છીએ કે જયારે તેમણે સમગ્ર જગત સાથે અદ્વૈૈતની અનુભૂતિ કરી, ત્યારે તેમના પિતાને તેમના વતી વૃક્ષોએ જવાબ આપ્યો હતો. પણ શ્રીરામકૃષ્ણના આ સ્વામીજી રૂપી શુકદેવમાં સમગ્ર જીવન સાથે અદ્વૈૈતની ભાવના માનવજાતના દુ :ખમાં સહભાગી થવા અને તેને દૂર કરવાની તીવ્ર ઇચ્છા દ્વારા વિશિષ્ટ રીતે વ્યકત થઈ હતી. તે માટે તેમણે શાંત અને ધ્યાનસ્થ જીવનના પરમ આનંદનો ત્યાગ કર્યો અને બધા જીવોના કલ્યાણ માટે સંઘર્ષ, અસ્થિરતા અને સક્રિય જીવનની બધી જ નિરાશાઓ સાથે આલિંગન કર્યંુ જેને કારણે જ આખરે તેમના જીવનનો અકાળે અંત આવ્યો. તેમના શરૂઆતના આધ્યાત્મિક જીવનમાં તેમને સતત સમાધિમાં ડૂબી જવાનો વિચાર ગમતો હતો, પણ તેમના ગુરુએ આ માટે તેને તીવ્ર ઠપકો આપ્યો કે, ‘‘તું તો મૂર્ખ છે. સમાધિ કરતાં પણ એક ખૂબ ઊંચુ સ્તર છે. તું ગાતો નથી કે ‘જે કંઈ છે, તે તું જ છે’ ? તારા કુટુંબની વ્યવસ્થા કરીને અહીં આવી જા, અને તને સમાધિ કરતાં પણ વધારે ઉચ્ચ સ્થિતિનો સાક્ષાત્કાર થશે.’’ આ ઉચ્ચ સાક્ષાત્કાર એટલે કે, અનેકમાં એક અને બધામાં દિવ્યાત્માની અનુભૂતિએ સ્વામી વિવેકાનંદના હૃદયને બોધિસત્ત્વના આદર્શની પ્રેરણા આપી જે એમ કહેતો કે બીજાના કલ્યાણ માટે પોતાની મુકિતનો ત્યાગ કરવો. સમગ્ર ભારતના પરિભ્રમણ પછી અને પશ્ચિમમાં જવાના થોડા દિવસ પહેલાં એક દિવસ તેમણે પોતાના ગુરુભાઈને કહેલું કે ‘‘ હરિભાઇ, હું આ તમારો કહેવાતો ધર્મ નથી સમજી શકતો.’’ પછી પોતાના ધ્રૂજતા હાથને હૃદય પર મૂકી ઉમેર્યંુ : ‘‘પણ મારું હૃદય હવે ખૂબ વિશાળ થઈ ગયું છે. હું હવે (બીજાઓનાં દુ :ખ) અનુભવતાં શીખી ગયો છું. મારી વાત સાચી માનજો કે હું તે તીવ્ર રીતે અનુભવું છું.’’ દિવ્ય વ્યાપકતાની આ સભાનતાએ જ તેમને આ શબ્દો ઉત્સાહથી બોલવા પ્રેર્યા : ‘હું તેને જ મહાત્મા કહું છું જેનું હૃદય ગરીબ માટે ધબકે છે, નહીં તો તે દુરાત્મા છે.’ ‘હું વારંવાર જન્મવા ઈચ્છું છું,’ એક પ્રેરક પળે તેમણે જાહેર કરેલ, ‘અને હજારો દુ :ખો સહન કરવા માગું છું જેથી હું કેવળ એ ઈશ્વરને ભજી શકું જે છે અને જેનામાં મને શ્રધ્ધા છે. દુષ્ટોનો ઈશ્વર, દુ :ખીઓનો ઈશ્વર, બધી જ જાતિઓનો ગરીબ ઈશ્વર. તેઓ જ મારી પૂજાનાં વિશિષ્ટ તત્ત્વો બને.’ તેમના જીવનના પરિપકવ તબકકામાં તેમણે આ જ બાબતને થોડી તીવ્રતાથી છતાં પ્રગાઢ શબ્દોમાં વ્યકત કરી કે, ‘પુષ્કળ તપસ્યા પછી આ જ સત્યને હું સમજયો છું : ઈશ્વર બધા જ જીવોમાં વ્યાપ્ત છે. તે સિવાય બીજો કોઈ જ ઈશ્વર નથી. જે બધા જીવોની સેવા કરે છે, તે જ ખરેખર ઈશ્વરની સેવા કરે છે.’

જગતની પીડા તે એટલી તીવ્રતાથી અનુભવતા હતા કે તે કયારેક વ્યકિતગત મુકિતની વાતને નકારતા અને વૈશ્વિક સર્વમુકિતના ખ્યાલને જ મહત્ત્વ આપતા, જે એમ કહે છે કે જયાં સુધી સમગ્ર જગત પરમ શાંતિની અનુભૂતિ ન કરે, ત્યાં સુધી વ્યકિત તે અવસ્થા સુધી પહોંચી જ ન શકે. અલબત્ત, તેની તાત્ત્વિક મુશ્કેલીથી તે સભાન હતા, છતાં તેમણે જાહેર કરેલું કે, ‘પણ એ હૃદયની મહાનતા તો વિચારો જે એમ ચિંતન કરે કે તે સમગ્ર વિશ્વને પોતા સાથે મુકિતના પથે લઈ જશે.’ વિચારની આ વૃત્તિના કારણે જ તેઓ સંન્યાસીઓને કેવળ ધ્યાન અને તપસ્યાનો માર્ગ અપનાવવાની ના પાડતા અને કહેવાતી ‘મુકિત’ માટે પ્રયત્ન કરવા જેટલી જ માનવજાતનું દુ :ખ દૂર કરવાની પણ આપણી ફરજ છે એમ ભારપૂર્વક કહેતા. એક વાર બ્રહ્મચારીઓના એક જૂથને દીક્ષા આપ્યા બાદ સ્વામીજીએ જોશીલા શબ્દોમાં સંબોધતાં કહ્યું, ‘યાદ રાખો, સંન્યાસી આ જગતમાં આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે જ જન્મેલ છે. બીજા માટે પોતાના જીવનનું બલિદાન, લાખો લોકોની પીડા દૂર કરવી, વિધવાની આંખમાંથી આંસુ લૂછવાં, એક દુ :ખી માતાના હૃદયને આશ્વાસન આપવું, અસ્તિત્વ ટકાવવા માટે અજ્ઞાની અને પછાત સમૂહને સાધનો અને ઉપાયો પૂરા પાડવા અને તેમને તેમના પગ પર ખડા કરવા, દરેકને તેમના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે કોઈ પણ ભેદભાવ વિના શાસ્ત્ર્ાોનો ઉપદેશ પહોંચાડવો, જ્ઞાનના પ્રકાશથી બધા જીવોના હૃદયમાં સૂતેલા બ્રહ્મરૂપી સિંહને જગાડવો-સંન્યાસી આ બધા માટે જ જગતમાં જન્મ્યો છે !’ એટલે જ ઘણીવાર જે સંન્યાસીઓ વ્યકિતગત મુકિત માટે વધું પડતું વલણ દર્શાવતા તેમને સ્વામીજી ખખડાવી નાખતા. જેમને તેમણે ઉપદેશ આપવાનું કામ સોંપેલું તેમાંના થોડાએ વિનંતી કરી કે તેમને ઈશ્વર સાક્ષાત્કાર માટે થોડી સાધના કરવાનો સમય અપાય. સ્વામીજીએ ગર્જી ઊઠીને કહયું, ‘તમે જો પોતાની મુકિત ઈચ્છો, તો તમે નરકમાં જશો. તમે જો પરમ સુધી પહોંચવા માગતા હો, તો બીજાઓની મુકિત ઈચ્છો. વ્યકિતગત મુકિતની ઇચ્છાને કચડી નાખો. એ જ સર્વોત્તમ સાધના છે. કામ કરો, મારાં બાળકો, તમારાં સમગ્ર દિલ અને ચેતનાથી કામ કરો ! એ જ માર્ગ છે. કામના ફળની કયારે પણ ચિંતા ન કરો. બીજા માટે કામ કરતાં નરકમાં જાવ તો પણ શું? જાતે મેળવેલ મુકિત કરતાં તો આ રીતે નરકની પ્રાપ્તિ વધારે ઉત્તમ છે.’

અહીં એ જાણવું મહત્ત્વનું છે કે અત્યારે કેટલાક લોકોમાં સેવાનો જે અહંકારી ખ્યાલ જોવા મળે છે તેના કરતા સ્વામીજી જે સેવાની પ્રસંશા કરે છે તે અલગ પડે છે. એ કેટલાક લોકોનાં કાર્યોમાં જગતનાં દુ :ખોની અનુભૂતિ ઓછી હોય છે અને પોતાનું મહત્ત્વ વધારે હોય છે, અથવા તો સમાજ લોકોને જે નિ :સ્વાર્થી પ્રવૃત્તિઓ કરવા પ્રેરે છે તેમાં પોતાનો સિંહફાળો છે તે દર્શાવવાની ઇચ્છા હોય છે. સ્વીમીજી જેટલી અનિચ્છનીય વ્યકિતગત મુકિતની ટીકા કરતા, તેટલી જ ટીકા તે આવા સ્વાર્થી ઇરાદાઓની પણ કરતા. તેઓ તો એમ ઈચ્છતા કે આપણે જેટલી પોતા માટે ચિંતા કરીએ છીએ, તેટલી જ તીવ્ર ચિંતા બીજાઓ માટે પણ અનુભવીએ અને પૂજાના ભાવથી તેમની સેવા કરીએ.

સ્વામીજીની જીવનની પીડા માટેની પ્રચંડ સહાનુભૂતિ એક વાર ચમત્કારિક રીતે પ્રગટ થઈ. જયારે બંગાળના એક ઉત્તમ નાટકકાર ગિરીશચન્દ્ર ઘોષે તેમના હૃદયને પ્રિય આ મુદ્દા વિશે ર્સ્પશ્યા. એક દિવસ સ્વામીજી પોતાના શિષ્યો સાથે વેદાંતીક તત્ત્વજ્ઞાનના અનેક કઠિન મુદ્દાઓ વિશે વિદ્વતાપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા દરમ્યાન તેમણે ગિરીશની આધ્યાત્મિક બેદરકારી ઉપર કટાક્ષ કર્યો. ત્યારે ગિરીશે સ્વામીજીનું સાચું ખમીર પ્રગટાવવા તેમને આ પ્રબળ શબ્દોથી સંબોધ્યા : ‘ખેર, નરેન! મારે તને એક બાબત પૂછવી છે. વેદ અને વેદાંત વિશે તો તેં ખૂબ વાંચ્યું છે. પણ તેમાં વ્યકિત દરરોજ જે રુદન, ભૂખ્યા પેટના પોકાર, ભયંકર પાપો અને બીજાં અનેક દુ :ખો અને તકલીફોનો જે સામનો કરે છે, તે વિશે કંઈ ઉપાયો બતાવ્યા છે ? ઘરની માતા જે એક વખત રોજ પચાસ લોકોને ખવડાવતી હતી, તેની પાસે છેલ્લા ત્રણ દિવસથી પોતાને અને બાળકોને ખવડાવવા માટે કશું જ નથી ! એક ઘરની બહેનને ગુંડાઓએ હેરાન કરી છે અને તેને મારી નાખી છે. એક યુવાન વિધવા પોતાની શરમ છુપાવવા ગર્ભપાત કરાવવા જતાં મૃત્યુ પામી છે ! હું તને પૂછું છું, નરેન, આ સમસ્યાઓનો તને વેદોમાંથી કંઇ ઉપાય મળ્યો છે?’

જયારે ગિરીશ આ રીતે બોલતા હતા, તે દરમ્યાન સ્વામીજીમાં એક અદ્‌ભુત પરિવર્તન આવ્યું. વિદ્વાન અને તત્ત્વજ્ઞાની વિવેકાનંદ થોડા સમય માટે અદૃશ્ય થઇ ગયા અને પ્રગાઢ વિદ્વતા અને આધ્યાત્મિક સાક્ષાત્કાર છતાં પોતાના માનવબંધુઓની પીડાને મિટાવવા અસમર્થતા અનુભવી ધોધમાર આંસુઓ વરસાવતા આંતર ચેતનાવાળા વિવેકાનંદ પ્રગટ થયા. પોતાની લાગણીઓનો સામનો ન કરી શકવાથી તેમણે પોતાની ચર્ચા અટકાવી દીધી અને ઓરડો છોડી તેમના અંગત ખંડમાં ચાલ્યા ગયા.

વિવેકાનંદના ચારિત્ર્યની આ ખાસિયતમાં જ આપણે તેમની મહાનતાનું રહસ્ય જોઈ શકીએ છીએ, જેનાથી તે જયાં પણ ગયા ત્યાં એક અપ્રતિકારક તાકાત બની ગયા અને તેમનું જીવન અને ઉપદેશ વિશ્વના બધા જ ભાગોમાંનાં કરોડો સ્ત્રી પુરુષોના ચિત્ત પર અત્યંત પ્રભાવક બન્યંુ. એમ મનાય છે કે અદ્વૈતિક સાક્ષાત્કાર સમાધિમાં પરિણમે છે જેમાં વ્યકિત પરમ આનંદમાં ધ્યાનસ્થ થઈ જાય છે અને તેના અન્ય માનવબંધુઓનાં સુખ-દુ :ખો પ્રત્યે બેપરવાહ બને છે. પણ, શ્રીરામકૃષ્ણના મતે, આવી સમાધિ કંઈ અદ્વૈતનો શ્રેષ્ઠ પ્રકાર નથી. આપણે આગળ જોયું તેમ તેમણે સ્વામીજીને કહ્યું હતું કે સમાધિથી પણ એક ઉચ્ચ સ્થિતિ છે. અને જયારે સ્વામીજીએ આ સ્થિતિનો સાક્ષાત્કાર કર્યો, ત્યારે તેમણે જાહેર કર્યું કે બધા જીવોમાં રહેલ ઈશ્વર સિવાય બીજો કોઈ જ ઈશ્વર નથી. અથવા તેમણે વેદાંતી આભાસમાં પણ સત્યને જોવાની વાત સમજાવી. આ સ્થિતિ તેને આવે છે જે સમાધિમાં પૂર્ણનું દર્શન કર્યા પછી, પોતાના ઉચ્ચ વ્યકિતત્વથી, સ્વીકારે છે કે જગત અને અહંકાર પણ ઈશ્વરતત્ત્વનાં જ બનેલાં છે. અને ઈશ્વર, માણસ અને પ્રકૃતિ તો કેવળ ઓળખ જ છે, તે એકને અનેકમાં જોવાની, શાશ્વતને પરિવર્તનશીલતામાં જોવાની, બધા મનુષ્યોમાં એક જ આત્માને જોવાની સ્થિતિ છે. તેેને જ સર્વાત્મભાવ કહેવાય છે.

સ્વામીજીએ અક્ષુણ્ણ સમાધિની ઇચ્છા વ્યકત કરી ત્યારે આ ઉચ્ચતમ સ્થિતિનો સાક્ષાત્કાર કરાવવાનું તેમના ગુરુએ વચન આપ્યું હતું. આ સાક્ષાત્કારના કારણે જ સ્વામીજી માનવજાતનાં સુખ-દુ :ખોને તીવ્ર રીતે આત્મવત્ જોઈ શકયા અને બોલ્યા, ‘મને વિચાર આવે છે કે વિશ્વનું દુ :ખ દૂર કરવા, અરે, એકનું દુ :ખ દૂર કરવા પણ જો મારે હજારો જન્મો પણ લેવા પડે, તો હું તે આનંદપૂર્વક લઈશ.’ સ્વામીજીની ચેતનાની સમગ્ર વિશ્વ સાથે અભિન્નતા સિસ્ટર નિવેદિતા આ રીતે વર્ણવે છે : ‘અમે અનુભવતા હતા કે વિશ્વમાં કયાંય પણ એવો આઘાત નથી કે જે પસાર થઈને અમારા ગુરુના હૃદયને સ્પર્શ ન કરી શકે. અરે, કોઈ પણ પીડા, મૃત્યુની પણ કેમ ન હોય જે તેમનામાં પ્રેમ અને આશીર્વાદ સિવાય બીજું કશું જન્માવી શકે.’ આ સમગ્ર જીવન પ્રત્યેની તીવ્ર સહાનુભૂતિએ જ તેમને સામાન્ય સાધુની અહંકારી પવિત્રતા અને સમાધિમાં મસ્ત એવી પરમ શાંતિમાંથી બહાર ખેંચ્યા અને કર્મના વંટોળમાં ફેંકી દીધા જેમાં તેમને એક પણ પળની શાંતિ અને આરામ મળતો ન હતો. પરમ ચેતનાની શાંતિ અને સમાંતરે માનવજાતની વેદનાનો પોકાર જ કદાચ સ્વામીજીનાં આંતરવ્યકિતત્વનો સંઘર્ષ અને જીવનની કરુણતા મનાય છે. પણ તે નથી સંઘર્ષ કે નથી કરુણતા, પણ તે જ તો તેમના જીવનની પરમ ભવ્યતા છે-એક એવી ભવ્યતા જે શ્રેષ્ઠતમ બ્રહ્મજ્ઞાનીઓ માટે જ શકય છે-એમ તેમના ગુરુએ તેમને શરૂઆતના દિવસોમાં કહેલ. મનુષ્યોની સેવામાં સંકળાયેલ વ્યકિતને જે સંઘર્ષ અને અસ્વસ્થતા ભોગવવી પડે છે, તેમાં સામાન્ય લોકોને દુ :ખ અને પીડા દેખાય છે, પણ તે જ બ્રહ્મવેત્તા માટે પરમ આનંદ છે કારણ કે, સ્વામીજીના શબ્દોમાં, ‘પીડામાં પણ આનંદ જ છે.’ ·

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.