શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમારાં લગ્ન થયાં છે ?

માસ્ટર – જી હા.

શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) – અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે !

માસ્ટર આશ્ચર્યચક્તિ થઈને મોટા ગુનેગારની પેઠે માથું નીચું કરીને ચૂપ થઈને બેસી રહ્યા. તે વિચાર કરવા લાગ્યા કે લગ્ન કરવામાં શું એટલો બધો દોષ !

ઠાકુરે વળી પૂછ્યું – ‘તમારે કંઈ છોકરાં થયાં છે ?’

માસ્ટરની છાતી ધબક ધબક થવા લાગી. ડરતાં ડરતાં તેઓ બોલ્યા, ‘જી, છોકરાં છે.’

ઠાકુર વળી દુ :ખી થઈને કહે છે – ‘હેં ! છોકરાં પણ થઈ ગયાં છે !’

તિરસ્કાર પામીને માસ્ટર સ્તબ્ધ થઈ રહ્યા.

તેમનો અહંકાર ઓગળવા લાગ્યો. થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ કૃપાદૃષ્ટિ કરીને સ્નેહપૂર્વક બોલવા લાગ્યા, ‘જુઓ, તમારાં ચિહ્નો સારાં છે. હું કપાળ, આંખ એ બધું જોઈને સમજી શકું…

‘વારુ, તમારી પત્ની કેવી છે ? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ ?’

માસ્ટર – જી, ઠીક છે. પણ અજ્ઞાની !

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને) – અને તમે જ્ઞાની !

માસ્ટર જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ હજુ જાણતા નથી. અત્યાર સુધી તો એટલું જાણતા કે ભણતાં ગણતાં શીખીએ અને પુસ્તક વાંચતાં આવડે એટલે જ્ઞાન થાય. આ ભ્રમ પાછળથી દૂર થયો. તેમણે સાંભળ્યું કે ઈશ્વરને જાણવો તે જ્ઞાન, ને ઈશ્વરને ન જાણવો તે અજ્ઞાન.

ઠાકુર બોલ્યા – તમે શું જ્ઞાની ? માસ્ટરનું અભિમાન ફરી ઘવાયું.

શ્રીરામકૃષ્ણ – વારુ, તમારી ‘સાકાર’માં શ્રદ્ધા કે ‘નિરાકાર’માં ?

માસ્ટર (નવાઈ પામી જઈને પોતાના મનમાં) – સાકારમાં શ્રદ્ધા હોય તો શું નિરાકારમાં શ્રદ્ધા બેસે ? ઈશ્વર નિરાકાર, એવી શ્રદ્ધા હોય તો પછી ઈશ્વર સાકાર એવી શ્રદ્ધા શું બેસી શકે ? વિરોધી અવસ્થાઓ બેય સાચી હોઈ શકે ? ધોળી ચીજ દૂધ, તે શું કાળું હોઈ શકે ?

માસ્ટર – જી, નિરાકાર – મને તે સારું લાગે છે.

શ્રીરામકૃષ્ણ – તે મજાનું. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા, એ તો સારું. પરંતુ એવી ભાવના રાખવી નહિ કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું, તેમજ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

બંને સાચાં તે વાત ઉપરા ઉપરી સાંભળીને માસ્ટર નવાઈ પામ્યા. એ વાત તો તેમના પુસ્તકિયા જ્ઞાનમાં નથી!

તેમનો અહંકાર ત્રીજી વાર ચૂર્ણ થવા લાગ્યો. પણ હજુ તેનો સંપૂર્ણ ચૂરો થયો નથી. એટલે વળી વધુ દલીલ કરવા તૈયાર થયા.

માસ્ટર – જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને ?

શ્રીરામકૃષ્ણ – માટીની શા માટે ? ચિન્મય પ્રતિમા. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૧, પા. ૧૯-૨૧)

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.