શ્રી ‘મ’ પોતાના ઘરમાં પણ એક નોકર કે સેવકની જેમ કેવી રીતે રહેતા હતા એની વાત સ્વામી નિત્યાત્માનંદજીએ એક વખત કરી હતી. શાળાના ઉનાળાના વેકેશનમાં શ્રી ‘મ’ દક્ષિણ કોલકાતામાં ગદાધર આશ્રમમાં એક આધ્યાત્મિક શિબિર માટે ગયા. એક રાત્રે ૧૦ વાગ્યે તેઓ મોર્ટન ઈન્સ્ટિટ્યૂશનમાં આવેલા પોતાના ઘરે ગયા. તેમનાં પત્ની અને બાળકો ત્રીજે માળે રહેતાં. તેઓ ચોથા માળના કાતરિયાના ખંડમાં રહેતા હતા. રાતનું ભોજન લીધું ન હતું. સ્વામી નિત્યાત્માનંદ શ્રી ‘મ’નાં પત્નીને જગાડવા જતા હતા કે જેથી તેઓ ભોજન તૈયાર કરી શકે, પરંતુ શ્રી ‘મ’એ એમને એમ કરવાની ના પાડી. જ્યારે સ્વામી નિત્યાત્માનંદજીએ આગ્રહ રાખ્યો ત્યારે શ્રી ‘મ’એ વિનંતીથી કહ્યું, ‘મને શ્રીઠાકુરની આજ્ઞાનું પાલન કરવા દો. જો રાત્રે નોકરાણી ઘરે આવે તો શું શેઠાણીએ તેના માટે રાંધી આપવું જોઈએ?’

નિત્યાત્માનંદ : મહાશય, તો પછી તમે ખાશો શું?

શ્રી ‘મ’: અહીં ખૂણે આવેલી મિઠાઈની દુકાન હજી ખુલ્લી છે. ત્યાંથી થોડું ગરમ દૂધ અને એક પંજાબી બ્રેડ મારા માટે લાવી આપો.

આવી રીતે એમનું રાતનું ભોજન પત્યું. શ્રી ‘મ’એ તેમનાં પત્ની અને બાળકો માટે બધી જરૂરતો પૂરી પાડી હતી. સાથે ને સાથે પોતાનાં જ્ઞાન અને ભક્તિમાં ભક્તોને પણ ભાગીદાર બનાવતા. તેમણે સેવાનો સાચો અર્થ સમજાવ્યો, ‘બીજાની સેવા એટલે કોઈ પણ વ્યક્તિએ એ જાણવું જોઈએ કે ઈશ્વર બધાંમાં વસે છે. જ્યારે બીજાની સેવા કરીએ ત્યારે ખરેખર આપણે ઈશ્વરની સેવાપૂજા કરી. આ સેવા વ્યક્તિએ બીજા દ્વારા નહીં પણ પોતે કરવી જોઈએ. શ્રેષ્ઠ ભક્ત પોતાની ભીતર રહેલા પ્રભુને નિહાળે છે. એટલે તે ભીતર વસેલા પ્રભુની સેવા કરે છે.’

એક દિવસ શ્રી ‘મ’એ શ્રીઠાકુરને પોતાના સૌથી મોટા પુત્ર નિર્મલની ઓળખાણ ‘આ મારો દીકરો છે’ આમ કહીને આપી. તરત જ શ્રીઠાકુરે પ્રેમથી તેમને ચેતવણી આપતાં કહ્યું, ‘આ મારો દીકરો છે, એવું ક્યારેય ન કહેતા. તમારે તો એટલું જ વિચારવું કે તે ઈશ્વરનું સંતાન છે અને તમારી સેવા મેળવવા એમણે તમારી પાસે મૂક્યા છે. એમ શા માટે? ન કરે નારાયણ અને છોકરાને કંઈ થઈ જાય અને ઈશ્વર એને ઉપાડી લે તો તમે તો દુ :ખમાં જ ડૂબી જવાના.’ અને ખરેખર બન્યું આવું. નિર્મલનું મૃત્યું થયું અને બંને શ્રી ‘મ’ અને એમનાં પત્ની નિકુંજદેવીને ભયંકર આઘાત લાગ્યો. પોતાના ગુરુની કૃપાથી શ્રી ‘મ’તો ઊગરી ગયા, પણ તેમનાં પત્નીને આ આઘાત આખી જિંદગી સાલતો રહ્યો.

શ્રી ‘મ’ કર્તવ્યનિષ્ઠ, સહાનુભૂતિવાળા અને વિનમ્ર સ્વભાવના ગૃહસ્થભક્ત હતા. આમ છતાં પણ તેઓ નૈતિક મૂલ્યોની બાબતમાં જરાય બાંધછોડ ન કરતા. તેમનો સૌથી નાનો પુત્ર ચારુચંદ્ર કુંવારો, સુશિક્ષિત અને શ્રીશ્રીમા શારદાદેવીનો શિષ્ય હતો. પણ એને જુગારની લત લાગી હતી. આ વાત શ્રી ‘મ’ના ધ્યાનમાં આવી. ત્યારે તેમણે ચારુને એ લત છોડી દેવા કે ઘર ત્યજી દેવા કહ્યું. મિથ્યા ગર્વ અને રોષથી ચારુએ ઘર છોડ્યું. શ્રી ‘મ’ મક્કમ રહ્યા અને પોતાના એ પુત્ર માટે કોઈ ચિંતાગ્લાનિ ન બતાવ્યાં.

ચારુએ પોતાના મામાના ઘરે આશરો લીધો. તેઓ ખૂબ પૈસાદાર અને નિ :સંતાન હતા. ઘણા લાંબા સમય સુધી તે પોતાનાં મામામામીની સાથે રહ્યો અને જુગાર રમવાનું પણ ચાલુ રાખ્યું. થોડા સમય પછી એમના મામાનું મૃત્યુ થયું અને ત્યાર પછી મામી પણ હિમાલયના બદરીઆશ્રમની યાત્રામાં મૃત્યુ પામ્યાં. ચારુના બીજા પિતરાઈઓએ એ ઘર છોડવા એના પર દબાણ કર્યું અને તે ઘરબાર વિહોણો બન્યો. પહેરવા કપડાંય નહીં અને ખાવાનું અન્ન પણ ન મળે.

એક દિવસ સ્વામી નિત્યાત્માનંદજી કથામૃતનાં પ્રૂફ લઈને આમહર્શ્ટ સ્ટ્રીટમાંથી પસાર થતા હતા ત્યારે તેઓ ચારુને મળ્યા. એની દયનીય દશા જોઈને સ્વામી નિત્યાત્માનંદજીએ તેને પૂછ્યું, ‘શું ભાઈ તું માંદો છે?’ ચારુએ જવાબ આપ્યો, ‘ના સ્વામીજી, હું માંદો નથી. પણ મેં બે દિવસથી ખાધું નથી. તમે મને ૩૦ રૂપિયા આપશો?’

ચારુ જાણતો હતો કે સ્વામી નિત્યાત્માનંદજી તેના પિતાના ખજાનચી અને સેક્રેટરી હતા. શ્રી ‘મ’ની સંમતિ વિના તેઓ તેને પૈસા આપી ન શક્યા. તેમણે ચારુને ત્યાં રાહ જોવા કહ્યું અને તેઓ શ્રી ‘મ’ પાસે ગયા અને બધી પરિસ્થિતિની વાત કરી. શ્રી ‘મ’એ શાંતિથી કહ્યું, ‘સારુ, ૩૧ દિવસમાં એ પૈસા પાછા વાળી દે એ શરતે એને ૩૦ રૂપિયા આપો.’ ચારુએ એ રકમ લીધી અને નિયત સમયે પાછી આપી દીધી. એકબીજા પ્રસંગે પોતાના ભત્રીજા દ્વારા ચારુએ એક પત્ર શ્રી ‘મ’ને મોકલ્યો :

પિતાજી હું ખરેખર હવે ભૂખમરો વેઠું છું. મને મહેરબાની કરીને થોડા પૈસા આપો.

શ્રી ‘મ’એ એના પ્રત્યુત્તરમાં લખ્યું. હા, હું તું જે માગીશ એ રકમ તને આપીશ. પણ તારે આ ઘોડાની રેસમાં જવાનું બંધ કરવું પડશે. ચારુ આવું વચન આપી શકે તેમ ન હતો. એટલે એણે પૈસા પણ ન લીધા. આમ છતાં પણ પછીથી ચારુએ એના પિતાની સલાહ માની અને પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યો.

આમ તો શ્રી ‘મ’ લાગણીશીલ અને પ્રેમાળ હતા. પણ તેઓ ક્યારેય પોતાના આદર્શમાંથી ચલિત ન થતા. તેમને પૂરેપૂરી ખાતરી હતી કે જેને એ પોતાનું ગણે છે એ બધી બાબતો ખરેખર તો શ્રીઠાકુરની જ છે. એટલે જ એમને લાગ્યું કે જે છોકરો પોતાની ભયંકર ખરાબ ટેવને સંતોષવા પૈસાનો ઉપયોગ કરે એને પૈસા આપવાનો એમને કોઈ અધિકાર નથી. શ્રીઠાકુર માટે અને શ્રીશ્રીમા તેમજ તેમના સંન્યાસી શિષ્યો માટે તેઓ ઉદાર હાથે ધન વાપરતા. પણ પોતાને માટે કંઇ ધન વાપરવામાં તેઓ ખૂબ ખચકાતા. કોલકાતામાં હતા ત્યારે તેઓ ટ્રામમાં બીજા વર્ગમાં મુસાફરી કરતા. (ટ્રામમાં ત્રીજો વર્ગ હતો નહીં) અને ગાડીમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. તેઓ સાદું અને ભપકા વિનાનું જીવન જીવતા. એમની પાસે પહેરવા ત્રણ ધોતિયાં, ત્રણ ખમીસ, એક શાલ અને એક સેંડલની જોડી હતાં. જ્યારે તેઓ શ્રીરામકૃષ્ણ દેવને પ્રથમવાર મળ્યા એ વખતે એમણે આવો જ સાદો પોષાક પહેર્યો હતો અને બાકીની જિંદગી દરમિયાન એવો જ પોષાક પહેરતા.

શ્રી ‘મ’ એ સંન્યાસીના ત્યાગ-વૈરાગ્ય અને પવિત્રતા ભર્યા જીવનનો આદર્શ સેવ્યો હતો. તેઓ સંન્યાસીઓને ઈશ્વરના સર્વકાલીન ભક્ત ગણતા અને ગૃહસ્થોને અલ્પકાલીન ભક્ત ગણતા. ગૃહસ્થ ભક્તોએ આ સંસારની ફરજો બજાવવાની હોય છે. શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણદેવને ત્યાગ અને પવિત્રતાના મૂર્તિમંતરૂપ ગણતા. શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓને એમના સર્વોત્કૃષ્ટ આદર્શાેનું સતત વહન કરતા વાહક ગણતા. જ્યારે કોઈપણ સંન્યાસી શ્રી ‘મ’ને મળવા આવે ત્યારે તેઓ પોતાના કામને એક બાજુએ મૂકી દેતા અને એમની નજીક એક સેવકની જેમ બેસતા અને કહેતા, ‘એક પવિત્ર પુરુષ આવ્યા છે, જાણે કે પ્રભુ પોતે જ એ રૂપે પધાર્યા છે. એમના માટે મારું ભોજન કે મારું સ્નાન વગેરે મુલતવી ન રાખું? હું જો એમ ન કરું તો મારી આ મૂર્ખામી કે અજ્ઞાનતા લાંબો સમય ન ચાલે.’

બહારથી શ્રી ‘મ’ ગૃહસ્થ હતા પણ ભીતરથી ઈશ્વર પ્રત્યેની ગહનશ્રદ્ધાભક્તિ અને દુનિયાના પદાર્થાે પ્રત્યેના તીવ્ર વૈરાગ્યની ભાવનાવાળા એક સંન્યાસી જેવા હતા. ક્યારેક તો તેઓ રાતના ઊઠી જતા અને પોતાનું ઘર છોડીને સૂવાની પથારી વીંટીને કોલકાતા યુનિવર્સિટીના સેનેટ હોલના ખુલ્લા વરંડામાં ઘરબાર વિહોણા લોકો સાથે સૂવા ચાલ્યા જતા. તેઓ આમ શા માટે કરે છે એમ કોઈએ પૂછ્યું એટલે તેમણે કહ્યું, ‘ઘરબાર અને કુટુંબના વિચારો કોઈ પણ વ્યક્તિને તેમની સાથે વળગણ ઊભી કરે છે અને એ બધાં એમને સરળતાથી ત્યજતાં નથી.’

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.