મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
યશ, માન, સન્માન, નામનો મહિમા આ બધાનો મોહ જતો કરવો એ ઘણી વિરલ અને મોટી વાત છે. ઉપર ઉપરના નમ્રતાના હોઠે નામના મહિમાની આકાંક્ષાને ક્યારેક છુપાવવી પડે છે.
સ્વામી વિવેકાનંદના જીવનમાં યશ અને સફળતાના આવા અનેક પ્રસંગો આવ્યા. પણ એમને એ વિશે ક્યારેય મોહ કે આસક્તિ થયાં નથી. એની સામે પીઠ ફેરવીને સહજ ભાવે તેઓ ચાલતા રહેતા. એકવાર કાલી (સ્વામી અભેદાનંદ) ગોવિંદબાબુ સાથે કાંઈક વાત કરતા હતા. ગોવિંદબાબુ અલાહાબાદમાં ડોક્ટર હતા. વાતવાતમાં સ્વામી અભેદાનંદે કહ્યું, ‘ડોક્ટર, શ્રીરામકૃષ્ણ કહેતા કે એકલા નરેનને જમાડીએ એટલે હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું પુણ્ય મળે અને યજમાનને શુભકાર્યનું ફળ પણ મળે.’ એમણે આ શબ્દોમાં ક્યાંય અત્યુક્તિ કરી ન હતી. શ્રીરામકૃષ્ણે જે શબ્દો કહ્યા એ જ શબ્દો કહ્યા હતા. પણ આ સાંભળીને સ્વામી વિવેકાનંદને થોડો સંકોચ થયો. એ ચર્ચા ટાળવા એમણે તીખી વાણીમાં સ્વામી અભેદાનંદને કહ્યું, ‘કાલી, તે શું દુકાન ખોલી છે? અને મારે નામે આ ફાયદો મેળવવો છે?’ આમ આપણને લાગે કે આવા તીખા શબ્દો સંભળાવવાની કંઈ જરૂર હતી ખરી? પણ સ્વામી વિવેકાનંદનો અર્થ એ હતો કે આવા વખાણને લીધે માણસને લપસતાં વાર લાગતી નથી.
અદ્વૈત વેદાંતના ગહન અભ્યાસુ, ચિંતક એવા સ્વામી વિવેકાનંદનું મન ઘણું હળવું રહેતું. શ્રીરામકૃષ્ણના એક ભક્ત બલરામ બોઝ અવસાન પામ્યા ત્યારે એમને અપાર દુ :ખ થયું. એ જોઈને એક ભાઈને ઘણું આશ્ચર્ય થયું કે સર્વસ્વ ત્યાગ કરેલ સંન્યાસીને આવી રીતે રડવું કેમ આવે? એ જાણીને સ્વામીજીએ કહ્યું, ‘મહેરબાની કરીને આવું ન બોલો, અમે શુષ્ક-રુક્ષ સંન્યાસી નથી. અમે આ દુનિયા ત્યજી દીધી છે એટલે અમે અમારા હૃદયની ભાવનાઓને પણ ત્યજી દીધી છે એમ ભૂલથી ન સમજતા.’
સુંદર મજાનું કેલીડોસ્કોપ ફેરવતાં ફેરવતાં દરેક વેળા આપણી આંખ સામે નવી આકૃતિ આવે છે તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વમાંથી આપણને નવાં નવાં પાસાં જોવા મળે છે. એમનું નવું નવું રૂપ જોવા મળે છે.
(પ્રબુદ્ધ ભારત ડિસેમ્બર-૧૯૬૭- પૃ. ૪૯૭-૫૦૧, લે. ડૉ.એસ.પી.સેન)
ભગિની ક્રિસ્ટીન સ્વામી વિવેકાનંદનાં પશ્ચિમનાં શિષ્યા હતાં. એમની પોતાની દૃષ્ટિએ એમણે સ્વામીજીનું વર્ણન એમના શબ્દોમાં આ રીતે કર્યું છે :
સ્વામીજી એમની આસપાસના લોકોના જીવનમાં હળીમળી જતા. એમનાં સુખદુ :ખના ભાગીદાર બનતા. પણ એ સાથે તેઓ એ વખતે ભૂલતા નહીં કે તેઓ કોણ છે! પોતાનું કાર્ય, પોતાનું ધ્યેય ક્યારેય ભૂલતા નહીં…અત્યંત પ્રભાવી મર્દાનગીભર્યું વ્યક્તિત્વ મેં આજે મંચ પર જોયું. એ પશ્ચિમના દેશના સંતોના સામાન્ય વ્યક્તિત્વ કરતાં ઘણું વિરલ છે. પોતાના તપથી કૃશ થયેલ સંત આપણે સમજી શકીએ છીએ. પરંતુ આવા સશક્ત સંતની કલ્પના કોણે કરી હતી? પોતાના તેજથી બધાથી સાવ અલગ રીતે દેખાય એવી એમની શક્તિ હતી.
એકાદ સરસમજાની મુલાયમી કાશ્મીરી શાલ હળવેથી જોતા જઈએ એવું એમનું ઓજસ્વી અને ચમકદાર ભાષણ. એ સાંભળીને બધા મંત્રમુગ્ધ થઈ ગયા…. તત્ત્વમસિ… આપણે બધા કેવા માણસો છીએ? આપણે તો સોનાની ખાણ પરથી ચાલીએ છીએ છતાં પોતાને ગરીબ માનીએ છીએ. વારંવાર એમણે વેદાંતનો સંદેશ આપ્યો. એમણે કહ્યું કે હજુ મારે ઘણું કામ કરવાનું છે. અમે ફરી ફરીને એમની પાસેથી ભારતની વાતો અને વાર્તાઓ સાંભળી. અમારા ગુરુ અમને મળી ગયા છે એમ અમે સમજી ગયાં હતાં.
(રેમિનન્સિસ ઓફ સ્વામી વિવેકાનંદ પૃ. ૧૪૬-૪૮-૪૯-૫૨)
સ્વામી બ્રહ્માનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષરૂપે તેમણે અંત સુધી ભીતરની જબરી તાકાતથી જવાબદારી સંભાળી હતી. બહારથી ખૂબ ગહન ગંભીર એવા સ્વામી બ્રહ્માનંદજીની ભીતર સામાન્ય જનના યોગક્ષેમની અજબની શક્તિ હતી. નિ :સ્વાર્થ પ્રેમ, ત્યાગ, વૈરાગ્ય, કઠિન તપસ્યા, પવિત્રતા, ઈશ્વર પરાયણતા જેવા ગુણો એમના જીવનમાં અવાર નવાર સૌ કોઈને જોવા મળતા. એમણે બહુ ભાષણ કર્યાં નથી. એમની પાસે અદ્ભુત વ્યવહાર કુશળતા અને સંગઠન શક્તિ હતાં. જે કોઈને એ કામ સોંપતા એના પર તેઓ પૂરો વિશ્વાસ રાખતા. એને લીધે જે તે વ્યક્તિ પોતાની જવાબદારી વધુ સારી રીતે પાર પાડવાનો પ્રયત્ન કરવાની જ. સ્વામી બ્રહ્માનંદે એમના પર રાખેલા વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયત્ન કરે એ વાત સ્વાભાવિક છે. તેઓ કહેતા ‘હું બધાને કામ કરવાની સ્વતંત્રતા આપું છું. દરેક વ્યક્તિ પોતાના ભાવ પ્રમાણે ઉન્નતિ સાધે છે. જો કોઈને મુશ્કેલી પડે તો હું મદદ કરવા તૈયાર છું. એમના આ ભાવાત્મક વિચારોએ સૌના પર સારો એવો પ્રભાવ પાડ્યો. એની અસર આસપાસના લોકો પર જાણ્યે અજાણ્યે થઈ જતી. અને દરેકને પોતાને સોંપેલા કાર્યને ઉત્તમ રીતે કરવાનું પ્રોત્સાહન મળતું.
સ્વામી બ્રહ્માનંદની દૃષ્ટિએ ‘કોણ કેટલું કાર્ય કરે છે’ એના કરતાં ‘એણે કેવી રીતે એ કામ કર્યું છે’ એ વધારે મહત્ત્વનું છે. એ કામ જપધ્યાનનું હોય, પૂજાપાઠનું હોય, ચિંતનમનનનું હોય કે માંદાની સેવા કરવાનું હોય; એ કામ દિલથી અને નિષ્ઠાથી થવું જોઈએ. એક દિવસ સ્વામી બ્રહ્માનંદે એક જણને બોલાવીને કહ્યું, ‘તમે જાઓ, એક એક બટેટાને છોલીને અહીં લઈ આવો. આજે વહેલી સવારના કોની ધ્યાન-ધારણા સારી થઈ છે એ મારે જોવું છે.’ બાફેલા બટેટાને ધ્યાન-ધારણાને વળી શો સંબંધ હશે? છતાંય એમના કહેવા પ્રમાણે બધા બટેટા છોલીને લાવ્યા. એમણે એક એક બટેટું ઉપાડીને ધ્યાનથી જોયું. એમાંથી એક બટેટું ઉપાડીને કહ્યું, ‘આ બટેટું જેણે છોલ્યું છે એની ધ્યાન-ધારણા અને એકાગ્રતા ઘણાં સારાં છે.’ આવી સરસ રીતે બટેટું છોલનાર હતા, સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ. હવે એ બટેટામાં એવું શું હતું? બટેટાને વ્યવસ્થિત અને કોમળ હાથે છોલ્યું હતું. છાલ છોલતાં છોલતાં એની નીચેનો ગર્ભ ઉખડેલો કે ખાંચાવાળો દેખાતો ન હતો. આને કહેવાય ઉત્તમ કામ. આ રીતે સ્વામી બ્રહ્માનંદ કામની ગુણવત્તા પારખતા.
(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૨૦૮-૨૦૯)
Your Content Goes Here