(ગતાંકથી આગળ)

સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે એમનું સાદૃશ્ય જોવા મળે છે. મહાપ્રભુ પણ આ જ રીતે ક્યારેક સંકીર્તન તો ક્યારેક નૃત્ય કરતા. સાથે ને સાથે ક્યારેક એકદમ સ્થિર, સમાધિસ્થ બનીને બાહ્યજ્ઞાન રહિત બની જતા. એમના જીવનમાં જેમ બાહ્ય, અર્ધબાહ્ય અને અંતરદશા આ ત્રણ અવસ્થાઓ હતી, એવી જ રીતે શ્રીરામકૃષ્ણના જીવનમાં પણ આ ત્રણેય અવસ્થાઓ જોવા મળે છે. બાહ્ય અવસ્થામાં તેઓ ભક્તો સાથે આનંદપૂર્વક વાર્તાલાપ કરતા, ભજન ગાતા, ક્યારેક વાણી રુંધાઈ જતી અને ભાવમાં નૃત્ય કરતા. વળી ક્યારેક સ્થિર, શાંત, શારીરિક ક્રિયા વિનાની અવસ્થા આવી જતી. આ વિભિન્ન અવસ્થાઓમાં ઊંચનીચનું કોઈ તારતમ્ય નથી. ભિન્નભિન્ન અવસ્થાઓમાં તેઓ ભગવાનનું આસ્વાદન કરવા ઈચ્છે છે આ વૈવિધ્ય જ એમના આસ્વાદનનો વિષય છે. શ્રીરામકૃષ્ણ જો આ વિભિન્ન ભાવોમાં આસ્વાદન ન કરત, અને કેવળ સમાધિભાવમાં જ રહેત તો એનાથી કોઈ દોષ ઊભો થતો નથી. પરંતુ તેઓ તો સર્વભાવોની સમન્વયમૂર્તિ ધારણ કરીને અવતર્યા છે. એને લીધે બધા લોકો એમનામાં પોતપોતાના આદર્શની પરાકાષ્ટા જોઈ શકે છે. શ્રીરામકૃષ્ણના અવતારની આ વિશિષ્ટતા છે. જો એનાથી ઊલટું હોત તો એમનું આ વિશિષ્ટ પ્રાકટ્ય જાણે કે ક્ષીણ થઈ જાત. સર્વભાવોનો આવો પરિપૂર્ણ વિકાસ સંભવત : આ ધરતી પર એમના પહેલાં ક્યારેય થયો ન હતો. સ્વામી વિવેકાનંદે આ વાત વિશિષ્ટરૂપે કહી છે. જગતના આધ્યાત્મિક ઇતિહાસમાં આ વ્યક્તિત્વ અજોડ છે. જ્ઞાન, યોગ, ભક્તિનો આ અપૂર્વ સમન્વય આ જગતે આ પહેલાં ક્યારેય જોયો ન હતો. અત્યંત યુક્તિપૂર્વકના દૃષ્ટિકોણથી સંપન્ન સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પ્રત્યે અગાધ શ્રદ્ધાવશ આ વાત કહેતા નથી, પરંતુ દીર્ઘકાળ સુધી એમની પરીક્ષા કરીને તેઓ આ સિદ્ધાંત પર પહોંચ્યા હતા.

સીમિત મન અને ઈશ્વરની ધારણા

શ્રીરામકૃષ્ણ ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે એમના પુત્રભાવ વિશે એક વધુ વાત પણ કહે છે. ‘સાળો કોઈ મારો ચેલોબેલો નથી. હું પોતે જ બધાનો ચેલો છું! બધા ઈશ્વરના સંતાન છે, ઈશ્વરના દાસ છે; હું પણ ઈશ્વરનો બાળક છું અને ઈશ્વરનો દાસ છું. ચાંદામામા બધાના મામા છે.’ શ્રીરામકૃષ્ણની આ વાત આપણે બરાબર સમજી લેવી પડે. તેઓ પોતાની જાતને કોઈની સમક્ષ ગુરુરૂપે સ્થાપિત કરતા નથી. એની પાછળનો અભિપ્રાય-મત કયો છે? તેઓ આ જગતમાં બધાને ધર્મભાવ દેવા આવ્યા હતા. આ વાતને એમણે ક્યાંક ક્યાંક પોતે જ વ્યક્ત કરી છે. પરંતુ અહીં એક વિશેષ ભૂમિ પર પ્રતિષ્ઠિત થઈને એનાથી ઊલટી વાત કરે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે : મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા : પાર્થ સર્વશ : -લોકો બધી રીતે મારા જ પથનું અનુસરણ કરે છે. અહીં ‘હું’નું તાત્પર્ય મુરલીધારી શ્રીકૃષ્ણ સાથે નથી. કારણ કે એમ કહેવું કે બધા પ્રત્યક્ષરૂપે એમના એ સ્વરૂપની જ ઉપાસના કરે છે, એ ખોટું ગણાય. અનેક ભક્તો એમને એ રૂપમાં ચાહતા નથી. એટલે એમ સમજવું પડે કે ભગવાન પોતાના કોઈ સીમિતરૂપને ધ્યાનમાં રાખીને કહેતા નથી કે ‘લોકો મારું અનુસરણ કરી રહ્યા છે.’ જ્યાંથી બધાં રૂપોનો આવિર્ભાવ થાય છે અને જ્યાં બધાં રૂપ વિલિન થઈ જાય છે, એ જ રૂપ વિશે તેઓ આ વાત કહે છે. આ વાતની સાચી ધારણા ન થાય તો અનેક પ્રકારના તર્ક-સંશય-મતભેદ પેદા થવાના. ભગવાનની આ ઉક્તિનો મત કે અર્થ એ છે કે એમના ભિન્ન ભિન્ન રૂપોને આપણે જો પૃથક્ પૃથક્ જોઈએ તો તે બધાં વસ્તુત : એમનાં જ રૂપ છે, એમણે જ પોતાની જાતને અનેક રૂપે વ્યક્ત કરી છે. એટલે જ એમનું એક બીજું નામ ‘વિભુ’ છે. એનો અર્થ છે- જેમણે વિવિધરૂપે પોતાની જાતને વ્યક્ત કરી છે. એમનાં વિવિધ રૂપોમાં કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. જે એક અવિભાજ્ય, અખંડ તત્ત્વ છે તેનો કોઈ અંશ નથી હોતો.

શ્રીમદ્ ભાગવત્માં કહ્યું છે : એતે ચાંશકલા : પુંસ : કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્- આ બધા પુરુષના અંશ કે કલા છે, પરંતુ શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન છે. અહીં અંશનો અર્થ છે અન્યત્ર જે ‘અભિવ્યક્તિ’ છે તે થોડી થોડી છે. આ અભિવ્યક્તિ શું વસ્તુની ક્ષમતાના તારતમ્યનું કારણ છે કે પછી જેમણે એ વસ્તુની ઉપલબ્ધિ કરી છે એમની શક્તિના તારતમ્યનું ફળસ્વરૂપ છે? આને સમજવું પડે. જે લોકોએ ઉપલબ્ધિ કરી છે, એમની શક્તિઓમાં તારતમ્ય છે અને એ પ્રમાણે કોઈ એક રૂપ એમની સામે વ્યક્ત થાય છે. પરંતુ જેમનું એ રૂપ છે તેઓ તો આ બધી અભિવ્યક્તિઓથી ઉપર છે. આ જગતમાં વ્યાપ્ત થઈને તેનાથી પર પણ છે. અત : જે સર્વવ્યાપી, બધાના અંતર્યામી અને બધાથી પર છે એને સીમિત બનાવી દેવા એ એક મોટી ભૂલ અને અપરાધ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે ભગવાનની ઇતિશ્રી ન કરી શકાય. તે એટલા હોઈ શકે અને આનાથી વધારે નહીં, એવું ન વિચારો. તમે જેટલું કરી શકો એટલું એમનું આસ્વાદન કરો. આમછતાં પણ તમારે એ જાણી રાખવું જોઈએ કે તેઓ તમારા મનની સીમામાં બદ્ધ નહીં બને. સીમિત મન એમને સમગ્રરૂપે ગ્રહણ ન કરી શકે. દરેક યુગમાં આધારના તારતમ્યના પ્રમાણે એમની અભિવ્યક્તિનું તારતમ્ય થતું આવ્યું છે. આમ છતાં પણ જે અભિવ્યક્ત સમસ્ત ખંડ અભિવ્યક્તિઓને અતિક્રમીને સર્વવ્યાપી બન્યો છે, તે મૂળ તેઓ જ છે અને એમની જુદીજુદી અભિવ્યક્તિઓ પણ તેઓ જ છે, પરંતુ તેઓ એનાથી ઉપર પણ છે. શ્રીઠાકુર આ વાત પર ભાર દેતા કે જ્યાં ક્યાંય આપણને અનુભવ ન થાય, ત્યાં તેઓ નથી કે ક્યાંક તેઓ અંશરૂપે છે- એવી વાત નથી. પ્રત્યેક રજકણમાં પણ તેઓ પૂર્ણરૂપે રહેલા છે. પ્રત્યેક બિંદુમાં સિંધુ રહેલો છે. પરંતુ આપણી દૃષ્ટિ આ સિંધુનો અનુભવ કરી શકે એ કારણે તેને બિંદુરૂપે જોઈએ છીએ. સિંધુ ક્યારેય બિંદુ હોતો નથી. સિંધુ તો સિંધુ જ રહે છે. આપણી પોતાની લઘુતાને કારણે આપણને એનો બિંદુરૂપે અનુભવ કરવામાં સુવિધા રહે છે પરંતુ એને લીધે એનું સિંધુત્વ બાધિત થતું નથી, આ તત્ત્વને સમજવું પડે.

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘સાલા કોઈ મારા ચેલાબેલા નથી.’ અહીં ‘હું’ નો અર્થ છે આ શરીર. આ ખોળિયાના અર્થમાં જ લોકો એને ‘હું’ કહે છે. તેઓ કહે છે કે આ ખોળિયું કંઈ નથી. એની ભીતર ઈશ્વર વ્યાપ્ત રહેલો છે. અને એમ પણ કહ્યું છે કે તે એનાથી પર પણ છે. -પાદોઽસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ।

ભગવાનનો એક ચતુર્થાંશ છે, વિશ્વનું આ પંચભૂતાત્મક રૂપ અને એમનું ત્રણચતુર્થાંશ અંશ અમૃતરૂપ દ્યુલોકમાં છે. એ આપણી સીમાથી પર છે. એટલે આપણે મનને ગમે તેટલું પ્રસારિત કરીએ, સમગ્ર રૂપે એને હૃદયંગમ કરવા સંભવ નથી. આ વાત શ્રીરામકૃષ્ણ વારંવાર પોતાના ભક્તોને યાદ કરાવતા. આ દૃષ્ટિએ શાસ્ત્રના મર્મનો વિચાર કરવાથી એમના સ્વરૂપને ક્યાંય આપણે સીમિત કરીને જોવું નહીં પડે. વિશ્વ બ્રહ્માંડના રૂપમાં આપણે જે કાંઈ જોઈએ છીએ, જે આંશિક અભિવ્યક્તિઓ છે એ બધી આ જ છે. વળી આ આંશિક અભિવ્યક્તિઓથી પર જે કંઈ છે તે પણ તેઓ જ છે. એટલે શ્રીરામકૃષ્ણ દેવ કહે છે, ‘એમને જગતની ભીતર જુઓ અને બહાર પણ જુઓ. તેઓ સર્વત્ર પરિપૂર્ણરૂપે વિરાજિત છે.’ (ક્રમશ 🙂

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.