નવેમ્બર, ૨૦૧૨થી આગળ…

હું ધારું છું કે આ વાર્તાલાપ દરમિયાન સંભવિત રીતે પુનર્જન્મવાદનો આછો ઉલ્લેખ થયો હતો. હું કલ્પના કરું છું કે સ્વામીજી કર્મ, ભક્તિ અને જ્ઞાન એ આત્માને પામવાના ત્રણ માર્ગ છે એ વિષે બોલ્યા હતા. મને ખબર છે કે તેમણે મનુષ્યની અનંત શક્તિ પર થોડા વખત સુધી વિવેચન કર્યું. તેમણે ઉદ્ઘોષણા કરી કે બધા ધર્મોનો એક માત્ર સંદેશ ત્યાગના આવાહ્નમાં રહેલો છે.

એવી મતલબનું પણ કંઇક કહેવાયેલું ખરું કે ભારતમાં પુરોહિતો અને મંદિરો ધર્મનાં સર્વોચ્ચ સ્વરૂપ સાથે સંકળાયેલાં નથી; અને આ દેશમાં સ્વર્ગે જવાની ઇચ્છાને સૌથી વધુ ધાર્મિક લોકો દ્વારા ‘જરા હીન-અભદ્ર’ ગણે છે.

તેમણે આત્માની મુક્તિના આદર્શ વિષે કંઇક વિધાન કર્યું જ હશે, અને વ્યક્તિના ધ્યેયરૂપ તરીકે માનવજાતની સેવાના અમારા પાશ્ચાત્ય આદર્શની સાથે તે દેખીતી રીતે જ ઘર્ષણમાં આવ્યું હશે. કારણ કે મને બહુ જ સ્પષ્ટ રીતે યાદ છે કે મેં તેમને ‘સમાજ’ શબ્દ સૌ પ્રથમવાર તે દિવસે બપોરે વાપરતા સાંભળ્યા, અને તે એવા અર્થમાં કે તેનો ભાવાર્થ હું પૂરેપૂરી રીતે સમજી હોઉં એવી ખાતરી મને કદી થઇ નથી. મારા ધારવા મુજબ સ્વામીજીએ એ આદર્શનું વિધાન કર્યું હતું અને તરત જ તેમણે અમારા વિરોધના પ્રતિભાવની અપેક્ષા રાખી હતી. એટલે તેમણે કહ્યું : ‘તમે કહેશો કે આ આદર્શ સમાજને ફાયદો કરતો નથી. પણ એ વાંધો સ્વીકારી શકાય તે પહેલાં પ્રથમ તમારે સાબિત કરવું પડશે કે સમાજને ટકાવી રાખવો એ પોતે જ એ ધ્યેય છે!’

એ વખતે હું એમ સમજી કે ‘સમાજ’ શબ્દથી સ્વામીજી ‘માનવજાત’ કહેવા માગે છે તથા દુનિયાની આખરી વ્યર્થતા અને તે કારણે દુનિયાને મદદ કરવા કરેલાં કર્મની પણ આખરી વ્યર્થતાનો પ્રચાર કરવા માગે છે. તેમના કહેવાનો ભાવાર્થ શું આ હતો? જો એમ હોય તો, માનવજાતની સેવા એ તેમના સમગ્ર જીવનની આશા હતી, એ હકીકતની સાથે તેનો મેળ કેમ કરીને બેસાડવો? તો પછી શું તેઓ માત્ર એક વિચાર જ રજૂ કરતા હતા અને તેનું પૂરેપૂરું મૂલ્યાંકન થવા દેવા માટે જાણે કે એક બાજુએ ઊભા રહેતા હતા? અથવા તેમણે વાપરેલો ‘સોસાયટી’(Society)શબ્દ પૂર્વના વિચિત્ર શબ્દ ‘સમાજ’ નો માત્ર દોષપૂર્ણ તરજૂમો હતો? કારણ કે અંગ્રજી ‘સોસાયટી’(Society)શબ્દમાં ધર્મગુરુઓ વડે ચલાવાતા રાજકારણના સંસર્ગની ગંધ આવે છે, અને તેના ભાવાર્થમાં બીજી બધી બાબતોની સાથે અમારા ચર્ચ-સંપ્રદાયનો ખ્યાલ પણ સમાયેલો છે?

સ્વામીજીએ પરિવ્રાજક ઉપદેશક રૂપે પોતાના દરજ્જાના પ્રશ્નને સ્પર્શ કર્યો અને ધાર્મિક સંસ્થાની બાબતમાં અથવા કોઈ કોઈ લોકો વ્યક્ત કરે છે તેમ ‘‘સંપ્રદાયમાં પરિણમતી ધાર્મિક શ્રદ્ધા’’ ની બાબતમાં ભારતીય પ્રજાની શંકાશીલતા વ્યક્ત કરી. તેમણે કહ્યું : ‘‘અમારું માનવું એવું છે કે સંસ્થા હમેશાં નવાં અનિષ્ટો પેદા કરે છે.’’

તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે પશ્ચિમમાં એ વખતે ઘણા પ્રચલિત કેટલાક ધાર્મિક વિકાસો તેમની પૈસા પરની આસક્તિને કારણે ઝડપથી મરી જવાના. સાથે ને સાથે તેમણે ઘોષણા કરી, ‘મનુષ્ય સત્યમાંથી સત્ય તરફ જાય છે, નહિ કે અસત્ય-ભૂલમાંથી સત્ય તરફ જાય છે.’ બધા ધર્મો સમાન રીતે સાચા છે અને એક જ સત્યના સમાનભાવે પ્રકાશક હોવાને લીધે કોઈ પણ ઈશ્વરી અવતારની ટીકા કરવાનું આપણે માટે અશક્ય છે. એ વિચાર ખરેખર તેમનો સર્વશ્રેષ્ઠ વિચાર હતો કે જ્યાં તે જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ નિરંતર આવી પહોંચે છે. અહીં તેમણે ગીતાનો શ્રેષ્ઠ શ્લોક ઉદ્ધૃત કર્યો : ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનો ઉદય થાય છે, ત્યારે હું પ્રગટ થાઉં છું. સત્યપુરુષોના રક્ષણને માટે, દુષ્ટ કર્મો કરનારના વિનાશને માટે અને સત્યની પુન :પ્રતિષ્ઠા કરવા હું વારંવાર જન્મ લઉં છું.’

જેઓ ‘હિંદુયોગી’ના નામે એ વખતે લંડનમાં સ્વામીજી ઓળખાતા હતા, એમને મળવા આવેલાં અમે બધાં બહુ રૂઢિચુસ્ત કે ઝટ દઈને શ્રદ્ધાપૂર્વક માની લઇએ એવાં નહોતાં. સ્વામીજીની ડાબી બાજુએ બેસીને અતિશય વિવેક-વિનયપૂર્વક પ્રશ્નો પૂછવામાં મોખરે રહેનારાં ઐતિહાસિક નામધારી શ્વેત કેશવાળાં બહેન માન્યતાની બાબતોમાં આખી મંડળીમાં કદાચ ઓછામાં ઓછા રિવાજ-ભંજક હતાં અને તેઓ ફ્રૅડરિક ડેનીસન માૅરિસનાં મિત્ર અને શિષ્ય હતાં. અમારાં યજમાન બહેન અને એક બે બીજાંને મનોવિજ્ઞાને વિસ્તરિત કરેલા આધુનિક પંથોને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું છે, તેમાં રસ હતો. પરંતુ અમારી શ્રદ્ધા મૂકવાની અનિચ્છાને કારણે, સર્વસાધારણ ધાર્મિક પ્રચારની સાર્થકતાની અમને ખાતરી કરાવવાની મુશ્કેલીને લીધે, હું એમ માનું છું કે તે દિવસે બપોર પછીના આતિથ્યને માટે અમારામાંનાં ઘણાં ખરાંને અલગ કરીને ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં.

અમારી મુલાકાતને અંતે વક્તા વિષે અમે બધાંએ જે લાપરવાહી અને અહંકારપૂર્વક અમારાં અંગત મંતવ્યો આપ્યાં તેનો કશો પણ બચાવ, હું ધારું છું તેમ, બરાબર વિચાર કર્યા વગરના ઉત્સાહની સામે નિર્ણયનું રક્ષણ કરવાની કાયમની આવશ્યકતામાંથી જન્મેલી આ ટેવ જ કરી શકે. ત્યાંથી રજા લેતાં પહેલાં અમારાં યજમાન દંપતીની સાથે એક પછી એક અમે બોલ્યાં ત્યારે અમારો આક્ષેપ એ હતો, ‘એ કાંઇ નવું નથી. આ બધી બાબતો અગાઉ કહેવાઇ ગઇ છે.’

હું એ અઠવાડિયાનાં મારાં કામકાજમાં જેમ જેમ લાગતી ગઈ તેમ તેમ મારી પોતાની બાબતમાં તો મારા મનમાં ધીમે ધીમે થવા લાગ્યું કે એક નવીન માનસ અને એક વિલક્ષણ સંસ્કૃતિના સંદેશને આવી રીતે ધુત્કારી કાઢવો એ માત્ર અનુદારતા જ નહિ પણ અન્યાયભર્યું પણ છે. મને એમ લાગ્યું કે દરેક અલગ અલગ વચનનો પડઘો અથવા સમાનાર્થી ભાવ અગાઉ સાંભળેલી અથવા વિચારેલી બાબતોમાં મળી પણ આવે, પરંતુ મેં અત્યાર સુધી જે કંઈ સર્વોચ્ચ અને સર્વોત્તમ ગણ્યું હતું તે બધું એક કલાકના આ ટૂંકા સમયમાં વ્યક્ત કરી શક્યા હોય એવા વિચારકને મળવાનું મારે ભાગ્યે આ પહેલાં ક્યારેય થયું નહોતું. સ્વામીજી લંડનમાં હતા ત્યાં સુધીમાં તેમનાં વ્યાખ્યાન સાંભળવાની જે બે જ તકો મારે માટે હતી તે મેં ઝડપી લીધી.

મહાન સંગીત આપણામાં જે ઊર્મિ જગાવે છે તે તેના પુનરાવર્તનથી વધે છે અને વધુ ગાઢ બને છે. તે પ્રમાણે તે બે વ્યાખ્યાનોની નોંધો અત્યારે જેમ જેમ હું વાંચું છું, તેમ તેમ તે મને તે સમયે લાગતી હતી તેનાં કરતાં ઘણી વધારે અદ્‌ભુત લાગે છે. એનું કારણ એ છે કે મારા ગુરુદેવ પ્રત્યે મેં દર્શાવેલા વલણમાં દૃષ્ટિહીનતાનું એક લક્ષણ હતું અને તેનું મને સદાય દુ :ખ રહ્યું છે. જ્યારે તેમણે કહ્યું : ‘‘જગત કરોળિયાના જાળા જેવું છે અને મન કરોળિયા જેવાં છે; કારણ કે મન એક પણ છે તેમજ અનેક પણ છે;’’- ત્યારે તેઓ જે કહેતા હતા તે મારી સમજશક્તિની બહાર જ હતું. તેમણે જે કહ્યું તેની મેં નોંધ લીધી. મને તેમાં રસ પડ્યો હતો, પણ તેના પર કશો જ નિર્ણય આપી શકી નહોતી, સ્વીકારવાની વાત તો એથીયે ઓછી હતી. અને આ વિધાન તેમની ઉપદેશ – પદ્ધતિ સાથેના મારા સંબંધને ત્યાર પછીના વરસ દરમિયાન પણ જ્યારે આખી મોસમનાં વ્યાખ્યાનો મેં સાંભળ્યાં; તેમજ કદાચ જે દિવસે હું ભારતને કિનારે ઉતરી તે દિવસ સુધી સુદ્ધાં, વત્તેઓછે અંશે યથાર્થ રીતે વર્ણવે છે.

Total Views: 211

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.