અદ્વૈત વેદાન્ત ભારતીય તત્ત્વજ્ઞાનના શિખામણિ સમાન છે. એની તોતાપુરી પાસેથી શ્રીરામકૃષ્ણે દીક્ષા લીધી, એટલે પરંપરા પ્રમાણે રામકૃષ્ણના બધા જ સંન્યાસી શિષ્યો અદ્વૈતમાર્ગી જ ગણાય. આ અદ્વૈત જ વેદોનો પ્રધાન વિષય છે. સ્વામી વિવેકાનંદે આ જ અદ્વૈતનો ભારતમાં અને પશ્ચિમમાં પ્રચાર કર્યો હતો. એમણે પોતે પોતાના સંન્યાસી જીવનને અને આધ્યાત્મિક વિચારને પૂર્ણ કરવા માટે આ અદ્વૈતવેદાન્તનો અભ્યાસ કર્યો હતો. આ વેદાન્તનાં ઉપનિષદોથી માંડીને શંકરાચાર્ય અને તે પછીના આચાર્યોએ પણ પોતાના નિર્મળ મનની સૂઝબૂઝ અને પોતાનાં વિશિષ્ટ વૃત્તિવલણો પ્રમાણે વિવિધ અર્થઘટનો કર્યાં છે એ બધાં અવલોકનો સાચાં તો છે પણ નિજી છે, એ વ્યક્તિનિષ્ઠ અવલોકનો છે અને વ્યક્તિવૈવિધ્યને કારણે સ્વાભાવિક રીતે જ એક બીજાથી જુદાં પડે છે પણ છતાંય તે સાચાં છે. જેવી રીતે કેટલાક માણસોએ વારંવાર રંગ બદલતા કાકીડાનો એક લાલ રંગ જોયો તો એ પણ સાચો છે અને બીજી વાર કેટલાક બીજા માણસોએ લીલો રંગ જોયો તો એ પણ સાચો જ છે પણ એ નિજી-એક વ્યક્તિનો-એક ખંડનો-અનુભવ છે, એને સર્વસાધારણ અખંડ અનુભવ ન માની શકાય. તો આ બધા નિજી અને પરિચ્છિન્ન અનુભવોને અપરિચ્છિન્ન-વ્યાપક અને સર્વસાધારણ સ્વરૂપ આપવું હોય તો શું કરવું જોઈએ ?

એટલે જ આ લેખનું શીર્ષક ‘સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન’ એમ આપવામાં આવ્યું છે. જેવી રીતે કાકીડાના બધા જ રંગોને જોનારો પેલા એક એક રંગ જોનારાઓને કાકીડાના રંગો બદલતા રહેવાના સહજ સ્વભાવને બતાવીને તે લોકોનું સમાધાન કરે તેવી રીતે જ સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના ઉપદેશોમાંથી પ્રેરણા લઈને અદ્વૈત વેદાન્તનો એક સર્વસાધારણ, અપરિચ્છિન્ન વ્યાપક માનદંડ શોધીને એ દ્વારા જ અદ્વૈત વેદાન્તને મૂલવ્યું એ એમનું વેદાન્તને એક અમૂલ્ય પ્રદાન છે અને એટલા જ માટે આ લેખનું શીર્ષક ‘સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન’ રાખ્યું છે. આને કેટલાક ‘નવ્યવેદાન્ત’ ને નામે પણ ઓળખે છે.

આમ જોઈએ તો આ સર્વદૃષ્ટિઓનો સમન્વય અથવા સર્વનો સુમેળ સાધવાનું વલણ આપણી સંસ્કૃતિનું પુરાણું વૃત્તિવલણ છે જ. ઈશાવાશ્યના પહેલા બે મંત્રો, એની વચ્ચેના ૯ થી ૧૪ સુધીના શ્લોકો, ‘द्वे विद्ये वेदितव्ये.’ જેવા મંત્રો અને ખાસ તો શ્રીકૃષ્ણની ભગવદ્ગીતા જેવા ગ્રંથોમાં અને ઘણાય અન્ય વેદમંત્રોમાં આવા સમન્વયની ઝાંખી તો અવશ્ય થાય જ છે. છતાં નૂતન યુગાનુરૂપ એક નક્કર માનદંડ શોધવાની જરૂર જ હતી. રામકૃષ્ણના અનુભવો પણ નિજી હોવાની સંભાવનાવાળા હતા. એટલે એક એવા વેદાન્તમાપક સર્વસાધારણ માનદંડની જરૂર હતી તે સ્વામી વિવેકાનંદે પૂરી કરી દીધી !

તો ક્યો હતો આ સર્વસ્વીકાર્ય અને સર્વસાધારણ માનદંડ? વિવેકાનંદે એ માનદંડ આધુનિક ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો સાથ લઈને બનાવ્યો અને એ માનદંડથી અદ્વૈત વેદાન્તને માપીને એનું મૂલ્યાંકન કર્યું. આ વાત વિશ્વના ઇતિહાસમાં અપૂર્વ છે. આ એક અભિનવ આયામ છે, એમાં સૌની સચ્ચાઈનો સ્વીકાર છે, એમાં માનવના સહજ રુચિવૈવિધ્યનો એક સોપાનમાર્ગ રચાયો છે, એમાં વ્યષ્ટિની અનુભૂતિનો સમષ્ટિના નિયમ સાથેનો સુમેળ છે. એ વૈજ્ઞાનિક રીતે બુદ્ધિગમ્ય અને વ્યવહારક્ષમ પણ છે કેવળ શાસ્ત્રગમ્ય જ નહિ, તર્કપૂત અને પ્રયોગ કરી શકાય તેવો છે. એમાં ક્રમ છે.

આપણી શાળામહાશાળાઓમાં વિષયનું કેવળ સિદ્ધાન્તલક્ષી અધ્યયન કરીને વિદ્વાન બનેલા લોકોને સ્વામી વિવેકાનંદના આ પ્રદાનનો ઘડીકમાં ખ્યાલ આવવો મુશ્કેલ છે અને એટલે જ તત્ત્વજ્ઞાનના કોઈ ઇતિહાસમાં એમને વેદાન્તના કોઈ ‘રચનાકાર’ તરીકે ગણવામાં આવ્યા નથી. આપણા ગુજરાતના નર્મદાશંકર દેવશંકર મહેતાએ એમના હિન્દુ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં એમનો અદ્વૈતવેદાન્તના વિદેશમાં પ્રચારક તરીકે ઉલ્લેખ કર્યો છે તે જો કે સારી વાત છે પણ એમના મૌલિક પ્રદાનનો એમાં કશોય ઈશારો નથી. પણ મારા હાથમાં થોડાંક વરસો પહેલાં ડૉ. નરવણેના લખેલ ‘આધુનિક ભારતીય ચિંતન’ નો ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત, ભાવનાબેન ત્રિવેદીનો અનુવાદ આવ્યો. એમાં એમણે એ વાત બહુ સરસ રીતે ચર્ચી છે એ વાંચીને ખૂબ રાજી થયો. હજુ વધુ એવા પ્રયત્નો થવા જોઈએ એવું મને હૃદયપૂર્વક લાગે છે.

તો હવે જોઈએ કે વિવેકાનંદના આ ભવ્ય વેદાન્તમાં ખરેખર નવું શું છે ? પારંપરિક કે પ્રશિષ્ટ વેદાન્ત કરતાં એમાં શો ભેદ છે ? જો તમે આપણા વેદાન્ત વાઙ્મયનાં બધાં જ પુસ્તકો વાંચશો તો ખ્યાલ આવશે કે વેદાન્ત કાંઈ એક જ તત્ત્વજ્ઞાન નથી. પણ ઘણાં ઘણાં તત્ત્વજ્ઞાનોનું એક સંચયન છે અને એમાંથી જ પછી અલગ અલગ સંપ્રદાયો ઉત્પન્ન થયા છે. એવા સંપ્રદાયોમાં મુખ્ય (૧) અદ્વૈતવાદી વેદાન્ત, (૨) વિશિષ્ટાદ્વૈતવાદી વેદાન્ત અને (૩) દ્વૈતવાદી વેદાન્ત છે. આ અદ્વૈતવાદીથી માંડીને દ્વૈતવાદી સુધી બધા જ વેદાન્તી જ છે. બધાંનો આધાર વેદાન્ત-ઉપનિષદો જ છે અને એમાં પણ વળી સ્થૂળ અને સૂક્ષ્મ એવા કેટલાંક ઉપભેદો પણ છે પણ એની વાત આપણે એક બાજુએ મૂકી દઈએ ! વિવેકાનંદ વેદાન્તતત્ત્વજ્ઞાનના આવા ટુકડા કરી દેવામાં માનતા નથી. તેઓ વેદાન્તને એક વૈશ્વિક દૃૃષ્ટિકોણથી જુએ છે અને એને એક અખંડ તત્ત્વજ્ઞાન તરીકે જ મૂલવે છે એમને મન એક દ્વૈતવાદી વેદાન્તી પણ એક અદ્વૈતવાદી વેદાન્તીની પેઠે જ ખરો ‘વેદાન્તી’ જ છે અને એ જ રીતે કોઈ દ્વૈતાદ્વૈતવાદી અને વિશિષ્ટાદ્વૈતવાદી- બન્ને પણ એક જ સરખા વેદાન્તી જ છે. આ બધી જ વિવિધ વેદાન્ત વિચારસરણીઓનો પાયો તો ઉપનિષદો જ છે. અને એથી વિવેકાનંદ દૃઢતાપૂર્વક માને છે કે તે બધા ભેદો માનવમાં સહજ રીતે રહેલી સમજદારીની વિવિધતાની પરિસ્થિતિનું જ પ્રતિનિધિત્વ કરે છે. વિવેકાનંદે કહ્યું છે કે મધ્યયુગના જે આચાર્યોએ વેદાન્ત ઉપર ટીકાઓ લખી અને એમાં પોતાનો જ મત સાચો છે એવો જે દુરાગ્રહ રાખ્યો છે તેઓ બધા જ મૂળ ગ્રન્થોના અર્થને મારી મચકોડીને ખોટો એકાંગી મત ફેલાવવાના અપરાધીઓ જ છે ! વિવેકાનંદે તો ઉપનિષદોના તત્ત્વજ્ઞાનમાં સર્વગ્રાહી દૃૃષ્ટિકોણ નિહાળ્યો છે. આધ્યાત્મિકતાની આવી ઉદાત્ત સમજદારી મનુષ્યને વૈશ્વિક દૃષ્ટિકોણ આપે છે અને એ જ તો વૈવિધ્યમાં એકતા જોવાનો પાયો છે ! એ જ વૈશ્વિકતાની સંભાવનાને ટેકો આપે છે : एकं सत् विप्रा बहुधा वदन्ति એ ઉપનિષદોનું ઉપજીવ્ય તત્ત્વ છે. મહિમ્ન : સ્તોત્રનો એક શ્લોક પણ યાદ કરી લઈએ : ‘रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथ जुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव !

આ વાત તો સાવ સાચી જ છે કે વિવેકાનંદ પોતે તો અદ્વૈતવાદી-શંકરાચાર્યના જેવા મતવાળા-હતા અને એમણે એમ કહ્યું પણ છે જ કે ‘અદ્વૈત તો ભારતના તત્ત્વજ્ઞાન અને ભારતના ધર્મનું પૂર્ણ વિકસિત કમળપુષ્પ છે.’ અને આમ છતાં પણ એમણે ક્યારેય એવું નથી કહ્યું કે અદ્વૈત એકલું જ વેદાન્ત છે. એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવે એમને શીખવ્યું હતું કે ‘કેટલાક લોકો દ્વૈતવાદી હોય છે, તેઓ અદ્વૈત સુધી ઊડી શકતા નથી. પણ ગુરુદેવને પોતાને માટે અને એમના જેવા બીજા કેટલાક પહોંચેલા વિરલ જનો માટે તો અધ્યાત્મ જીવનનું ચરમશિખર નીચેથી ઠેઠ ઉપર સુધીનું કેવળ અદ્વૈત જ છે. વિવેકાનંદના નવ્યવેદાન્તમાં આમ છેક નીચેથી ઠેઠ ઉપર જવાના એક માર્ગમાં એ નીચેની દ્વૈતની ભૂમિકા પણ આવશ્યક મનાઈ છે અને આ વૈવિધ્ય તો સહજ છે. બધાના ચહેરાની પેઠે બધાની કક્ષાઓ પણ અલગ અલગ જ હોય છે.

શંકરાચાર્યે જે મતોનું બ્રહ્મસૂત્રોના ભાષ્યમાં ખંડન કર્યું, તે જ મતોનું પાછળથી સ્થાપન કરીને પોતે ‘ષણમતસ્થાપનાચાર્ય’નું બિરુદ પામ્યા. એની પાછળ પણ આવો જ કાંઈક સમન્વય ડોકિયું કરતો હોય તેમ લાગે છે. આ દેખીતા વ્યવહારવિરોધની ભીતરમાં કક્ષા અને રુચિ તેમજ યોગ્યતાનો સોપાનમાર્ગ પડ્યો છે એ વગર તો આવા યુગધારક આવું દેખીતી રીતે વિરોધી કામ કરે ?

વિવેકાનંદના નવ્યવેદાન્તનું બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે તેઓ આ ભૌતિક કે માયિક જગતને નકારી કાઢીને એનાથી દૂર ભાગવામાં માનતા નથી. એમનું વેદાન્ત આ ભૌતિક જગતમાં દૃઢપણે અને વીરતાપૂર્વક જીવવાનું અને એના ઉપર પગ મૂકીને જ એનાથી ઉપર ઊઠવાનો આદેશ આપે છે. આ જગત જ તમારે માટેનું એવું સ્થાન છે કે જ્યાં થઈને જ તમે તમારી આધ્યાત્મિક ઊંચાઈની ટોચ સુધી પહોંચી શકશો. અને એને માટેનો માર્ગ છે માનવસેવા. માનવસેવાના માધ્યમથી તમે પારમાર્થિક સત્ય પામી શકશો. જગતથી પલાયન થઈ જંગલમાં જવાની જરૂર નથી.

અદ્વૈતવેદાન્તના માર્ગસૂચક સ્તંભ જેવા શંકરાચાર્ય પણ કંઈ પલાયનવાદી થયા ન હતા. એમણે જગતને ‘મિથ્યા’ માન્યું, પણ એ ‘મિથ્યા’ શબ્દ અજ્ઞાનથી અથવા જાણી બૂઝીને એમના વિરોધીઓએ વિકૃત અર્થવાળો બનાવી દીધો છે. શંકરાચાર્યના ‘મિથ્યા’ શબ્દનો અર્થ તો ‘સાક્ષેપ સત્’ એવો જ થાય છે. એમણે જીવનની ત્રણેય અવસ્થાઓ અને સર્વત્ર ‘સત્તા’ ને (अस्ति) ને અનુસ્યૂત માની છે એટલું જ નહિ તેને અનુભવાતી (भाति) પણ માની છે એમની પ્રાતિભાસિક, વ્યાવહારિક અને પારમાર્થિક અવસ્થાઓમાં આ સત્તા ચડતે ક્રમે ગોઠવાયેલી જ છે, પ્રાતિભાસિકની અપેક્ષાએ વ્યાવહારિક અને વ્યાવહારિકની અપેક્ષાએ પારમાર્થિક સત્તા ચડિયાતી છે. આપણે બધા જ વ્યાવહારિક સત્તાના પરિઘમાં જ છીએ અને એ સત્તાનું શ્રેષ્ઠ સર્જન છે માનવ ! એ માનવને કેન્દ્રમાં રાખીને જ બધી ફિલસૂફીઓ રચાવી જોઈએ. એ પરિઘની ભૂમિ પર દૃૃઢ રહીને પેલી પારમાર્થિક સત્તા સુધી પહોંચવાનો માનવમાત્રનો પ્રયત્ન છે. એને ઉવેખીને કશું જ ન થાય એટલે જ શંકરાચાર્યે મઠો સ્થાપ્યા, ભાષ્યો લખ્યાં, ભારતભ્રમણ કર્યું અને છ મતોનો સમન્વય પણ કર્યો ! આ રીતે શંકરાચાર્યના જીવન અને કાર્ય સાથે સ્વામીજીનું જીવન અને કાર્ય સરખાવવા જેવું છે.

જો શંકારાચાર્યનું ‘મિથ્યાત્વ’ પૂર્વપક્ષીઓના આક્ષેપ પ્રમાણેનું સાવ અભાવાત્મક જ હોત અથવા તો પૂર્વપક્ષીઓ સાથેની દલીલબાજીમાં સ્વબચાવ ખાતર પરવર્તી અદ્વૈત આચાર્યોએ માન્યા મુજબનું અત્યંતાભાવ પ્રતિયોગીઅત્યન્તાભાવવાળું જ હોત તો શંકરાચાર્ય ક્યારેય લોકાભિમુખ ન થઈ શક્યા હોત. અહીં શ્રીરામકૃષ્ણદેવની ‘વિદ્યામાયા’ અને ‘અવિદ્યામાયા’ની સંકલ્પના યાદ આવી જાય છે.

Total Views: 197
By Published On: February 1, 2013Categories: Keshavlal V Shastri0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram