ક્યારેક તેઓ પુરીના જગન્નાથ મંદિરની યાત્રાએથી પાછા ફરતા યાત્રાળુઓના પ્રવાહને નજરે જોવા સ્ટેશને જતા. તેમને એ યાત્રાળુઓનાં તેજસ્વી, પવિત્રમુખ જોવાં ગમતાં અને ક્યારેક ક્યારેક એમની પાસેથી થોડો પ્રસાદ પણ માગી લેતા. શ્રીઠાકુર કહેતા કે ભગવાનનો પ્રસાદ ખાય છે તેમનામાં ભક્તિભાવ ઉપજે છે. જો કોઈ શ્રી ‘મ’ માટે પ્રસાદ લાવતા તો એ પ્રસાદનું પાત્ર પણ તેઓ સાચવી રાખતા, કારણ કે તે પાત્ર પણ પ્રભુનું સ્મરણ કરાવે છે. તેઓ બેચુ ચેટરજી સ્ટ્રીટની એક જગાએ કે જ્યાં શ્રીઠાકુરના મોટાભાઈ એક શાળા ચલાવતા હતા, ત્યાં તેઓ પોતાનું માથું નમાવતા. જ્યાં એક વખત શ્રીઠાકુર પૂજારી તરીકે કાર્ય કરતા હતા તેવા ઝામાપુકુરના શ્રીમિત્રના કૌટુંબિક ઘરે પણ નમન કરતા. એમના સાથીદારોએ આ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે શ્રી ‘મ’એ તેમને કહ્યું, ‘તમને ખબર છે કે જે કોઈ પણ આ શેરીમાંથી ચાલે છે તે યોગી બની જાય છે?’ ક્યારેક શ્રીઠાકુરની મહાસમાધિ પછી દક્ષિણેશ્વર જતા ત્યારે તેઓ એક ટુવાલ અને સાબુ પોતાની સાથે લઈ જતા. જ્યારે તેઓ પાછા ફરતા ત્યારે તેઓ ટુવાલનું પાણી નીચોવી લેતા અને ભક્તો પર આ શબ્દો ઉચ્ચારીને છાંટતા, ‘જ્યાં શ્રીઠાકુર સ્નાન કરતા એ ગંગાઘાટ પરથી હું આ જળ લાવ્યો છું.’

દરેક બાબત મન સાથે સંકળાયેલી છે. કોઈ પણ માણસ જંગલમાં એકાંતવાસમાં રહે પણ એનું મન જો કુટુંબ અને સંસારમાં રત રહે, આસક્ત રહે તો તે સંસારી ગૃહસ્થ જ રહે છે અને કોઈ પણ વ્યક્તિ ભલે તે સંસારમાં રહે, કૌટુંબિક જીવનમાં રહે પણ એનું મન સંયમિત હોય અને કૌટુંબિક કે સંસારની આસક્તિઓથી મુક્ત હોય તો તે યોગી ગણાય. આવું ઘર એક તપસ્વીના આશ્રમમાં ફેરવાઈ જાય છે. શ્રી ‘મ’એ પોતાના ઘરને ઈશ્વરનું મંદિર બનાવ્યું હતું અને તેઓ સ્થિતપ્રજ્ઞની જેમ રહેતા. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના બીજા અધ્યાયના ૫૬મા શ્લોકમાં કહ્યું છે :

દુ :ખેષ્વનુદ્વિગ્નમના : સુખેષુ વિગતસ્પૃહ :—।
વીતરાગભયક્રોધ : સ્થિતધીર્મુનિરુચ્યતે—।।

અર્થાત્ જેનું મન દુ :ખોમાં વિહ્વળ થતું નથી, સુખોમાં જેને કોઈ સ્પૃહા નથી, જેનાં આસક્તિ, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે, એવો મુનિ સ્થિરબુદ્ધિવાળો કહેવાય.

એક દિવસ બપોર પછી સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી આત્માનંદજી શ્રી‘મ’ને મળવા એમના ઘરે ગયા. શ્રી‘મ’એ એમનું દીવાનખાનામાં સ્વાગત કર્યું અને પોતાના નોકરને મીઠાઈ ખરીદવા મોકલ્યો. પછી સ્વામીજીને નાસ્તો પીરસ્યો અને બંને વાતે વળગ્યા. સ્વામી આત્માનંદે જોયું કે કેટલાક લોકો ખુલ્લે પગે ખભાપર ટુવાલ રાખીને ઘરમાં પ્રવેશતા હતા. ઉપરના માળે કેટલાક લોકોને રડતા પણ સાંભળ્યા. જિજ્ઞાસાથી સ્વામી આત્માનંદે શ્રી‘મ’ને પૂછ્યું, ‘માસ્ટર મહાશય, આ બધું શું છે?’

શ્રી‘મ’એ શાંતિથી જવાબ આપ્યો, ‘કંઈ નથી, મહારાજ. તમે તમારો નાસ્તો કરી લો.’ શ્રી‘મ’ ક્યારેય કોઈ સંન્યાસીને ઘરેથી ચાનાસ્તા વિના જવા ન દેતા. સ્વામીજીએ નાસ્તો પૂરો કર્યો એટલે શ્રી‘મ’એ કહ્યું, ‘આ ઘરની એક દીકરી (એમની પોતાની પુત્રી) મૃત્યુ પામી છે. એટલે આ લોકો એનો મૃતદેહ સ્મશાનમાં લઈ જવા આવ્યા છે.’

દુ :ખદ આશ્ચર્ય સાથે સ્વામી આત્માનંદે શ્રી‘મ’ને કહ્યું, ‘મહાશય, તમારા પર ખરેખર ભગવાનની કૃપા ઊતરી છે! ગ્લાનિ કે ભયથી જરાય ચળ્યા વિના તમે એક સંન્યાસીની સેવા કરી. ખરેખર, તમે ધનભાગી છો! શ્રીઠાકુરનો જય હો!’

જ્યારે શ્રી‘મ’ની બીજી દીકરી પરણી ત્યારે લગ્નપ્રસંગે તેમણે પુત્રીને કરિયાવર આપ્યો કારણ કે એ એક રિવાજ હતો અને એમણે મુલાકાતીઓ અને સગાંવહાલાંની આગતા સ્વાગતા કરી તેમજ લગ્નના ભોજન માટે વ્યવસ્થા પણ કરી હતી. આવી રીતે રાતના બે વાગ્યા સુધી લગ્નવિધિ ચાલુ રહી. પછી તે પોતાના ઘરના કાતરિયામાં આવેલા પૂજાઘરમાં ગયા અને ફાનસના પ્રકાશમાં પોતાની નોંધપોથી વાંચવા લાગ્યા. તેઓ સવારના છ વાગ્યા સુધી શ્રીઠાકુરના ધ્યાનમાં જ રહ્યા. જેમ નોકરાણી પોતાના શેઠના ઘરનું કામ પતાવ્યા બાદ પોતાના ઘરનું કામ કરે છે તેવી જ રીતે શ્રી‘મ’ પોતાના કુટુંબની જવાબદારીઓ અદા કરીને પોતાના કામમાં આ રીતે મગ્ન રહ્યા.

જ્ઞાની સદ્ગૃહસ્થનાં પાંચ લક્ષણો રામકૃષ્ણે નોંધ્યાં છે. પહેલું લક્ષણ છે સદ્ગૃહસ્થે ગમે તે સંજોગોમાં શાંતિ અને ધીરતા જાળવવી જોઈએ. બીજું છે તે વિનમ્ર હોવા જોઈએ; કોઈપણ કાર્યક્ષેત્રમાં એક સિંહની જેમ (કાર્યકુશળતા અને ઊર્જા સાથે) તેણે વર્તવું જોઈએ એ ત્રીજું લક્ષણ છે. ચોથું લક્ષણ છે કે સદ્ગૃહસ્થે મૃદુ હૃદયના બનીને રહેવું જોઈએ અને બીજાને રાજી રાખવા જોઈએ. પાંચમું લક્ષણ છે સંન્યાસીઓ અને ભક્તો પ્રત્યે તેણે એક સેવકની ભાવના રાખવી જોઈએ. આ પાંચેય લક્ષણો શ્રી‘મ’ના જીવનમાં હતાં.

શ્રી‘મ’ આ સંસારમાં એક ગુપ્તયોગીની જેમ રહ્યા. ૧૪ ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ શ્રીરામકૃષ્ણે આવા ગુપ્ત યોગીની વાત કહી હતી :

કેટલાક આ સંસારમાં ઈશ્વરનું જ્ઞાન મેળવે છે. એમાં બે પ્રકારના યોગીઓ છે. એક તો ગુપ્તયોગી અને બીજા સૌની નજરે ચડે તેવા યોગી. જેમણે આ સંસારનો ત્યાગ કર્યો છે તેઓ સૌની નજરે ચડેલા યોગી છે, બધા એમને ઓળખે-જાણે છે. પરંતુ ગુપ્તયોગી આ સંસારમાં જીવે છે, પણ તેઓ અજ્ઞાત રહે છે. તેઓ તો એક પ્રેમિકા જેવા હોય છે. તેઓ પોતાના ઘરની ફરજો ખંતથી અદા કરે છે. પણ પેલી પ્રેમિકાની જેમ એમનું મન પોતાના પ્રેમીમાં રહે છે. એટલે કે ગુપ્તયોગીનું મન સંસારની ફરજો બજાવતાં બજાવતાં ઈશ્વરમાં જ રહે છે.

વેદાંત કહે છે- ઈશ્વર જ સત્ય છે, જગત ભ્રમ કે મિથ્યા છે. દિવ્ય આત્માઓ સિવાય દરેક માણસ આ માયાથી વિંટળાયેલો રહે છે. ઈશ્વરની અનુભૂતિ કરીને દિવ્યાનંદ કે દિવ્યજ્યોતિ મેળવીને આવા ગુપ્તયોગી સંસારમાં કેવી રીતે રહે છે? શ્રીઠાકુર એના રહસ્યની વાત કરતાં કહે છે :

‘ધારો કે એક કાર્યાલયના કર્મચારીને જેલમાં મોકલ્યો છે. ત્યારે તે પણ કેદીઓના જેવું જીવન જીવે છે. પણ જ્યારે તેને જેલમાંથી છૂટો કરવામાં આવે તો પછી શું એ શેરીઓમાં બોરડીજાળાં કાપવા જવાનો? ના, એમ નહીં થાય. તેને વળી પાછું કારકુનનું કાર્ય મળી રહેશે અને પહેલાંની જેમ કામ કરતો થઈ જશે. ગુરુની કૃપાથી જ્ઞાન મેળવ્યા પછી પણ કોઈ વ્યક્તિ આ સંસારમાં જીવનમુક્તની જેમ સારી રીતે રહી શકે.’ આવી રીતે શ્રી‘મ’ને અને સંસારમાં રહેતા બીજા સદ્ગૃહસ્થોને શ્રીરામકૃષ્ણે પૂરી ખાતરી આપી હતી.

Total Views: 191
By Published On: March 1, 2013Categories: Chetanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram