અનુવાદક : મેધા કોટસ્થાને
શ્રીરામકૃષ્ણે પોતાની પાસે આવતા ૧૧ યુવાનોને ભગવાં વસ્ત્ર આપ્યાં હતાં. ભગવાં સાથે એમની ગાંઠ પાકી બંધાય, એમનામાં વૈરાગ્યનો ભાવ આવે અને એનો અર્થ સમજાય એ માટે એમણે બધાને ભિક્ષા માંગી લાવવા કહ્યું. ભિક્ષામાં લાવેલા અન્નમાંથી શ્રીરામકૃષ્ણ દેવે પોતે પણ ખાધું. ભિક્ષા માગવી એટલે પોતાના અહંનો નાશ કરવો. આ ઘણું કપરું કાર્ય છે.
એક દિવસ રાખાલ-સ્વામી બ્રહ્માનંદ અને લાટુ એટલે સ્વામી અદ્ભુતાનંદ એ બંનેને શ્રીરામકૃષ્ણ દેવે ભિક્ષા માગવા મોકલ્યા. ભિક્ષા માટે નીકળતી વખતે શ્રીઠાકુરે એમને કહ્યું, ‘કદાચ કોઈ તમને કટુવચન સંભળાવે, ગાળો આપે તો પણ એને આશીર્વાદ આપજો. કેટલાક પૈસા પણ આપે, તમારે તો જે આપે એ સ્વીકારવાનું છે.’ પહેલા ઘરે ગયા એટલે એક માણસે પોતાની જીભ ચલાવી, ‘આવા હટ્ટાકટ્ટા પહેલવાન જેવા ભીખ માગો છો? કામ કરીને પેટ નથી ભરી શકતા?’ આ શબ્દો સાંભળીને રાખાલ મહારાજ તો સાવ ઢીલાઢફ થઈ ગયા. લાટુ મહારાજે એમને સમજાવતાં કહ્યું, ‘જવા દે ને, શ્રીઠાકુરે તો આપણને કહ્યું છે કે જે મળે એ સ્વીકારવાનું.’ રાખાલ મહારાજને ઘણો સંકોચ થયો. છેવટે લાટુ મહારાજે કહ્યું, ‘કંઈ વાંધો નહીં, ગભરાઓ નહીં, આપણે બીજે ઘરે જઈને માગીશું.’ પછી તેઓ બંને એક વિધવા સ્ત્રીના ઘરે ગયા. એ સ્ત્રીએ એમને પૂછ્યું,‘આવી રીતે ભિક્ષા માગવાનું કષ્ટ શા માટે લો છો? તમારે ક્યાં કમી છે?’ એટલે લાટુ મહારાજે અને રાખાલ મહારાજે એમને વસ્તુસ્થિતિની વાત કરી. એ સાંભળીને એણે અમને એક પાવલી આપી અને સૂર્ય સામે મુખ કરીને અમને આવા આશીર્વાદ આપ્યા કે જે ઉદ્દેશ માટે તમે સંસારનો ત્યાગ કર્યો છે એ ઉદ્દેશને ઈશ્વર પૂરો કરે. આ આશીર્વાદ મેળવીને આનંદ સાથે રાખાલ મહારાજ અને લાટુ મહારાજ બંને બીજા ઘરે ભિક્ષા માગવા ગયા. એમાંથી કેટલાકે એમને પૈસા આપ્યા તો કેટલાકે ચોખા આપ્યા. પાછા આવીને બંનેએ બધી વસ્તુ શ્રીરામકૃષ્ણ સામે મૂકી. એમણે પૂછ્યું, ‘આ બધી ભિક્ષા કેવી રીતે માગી લાવ્યા?’ એમણે બધી વાત વિગતે કરી. બધુ સાંભળીને એમના મનને શાતા વળી અને કહ્યું, ‘એ બાઈએ તમને જે આશીર્વાદ આપ્યા તે જ સાચા હતા. અને એ જ ફળ્યા છે.
(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૬૫-૬૬)
સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી સ્વામી બ્રહ્માનંદ પર સંઘની મોટી અને કપરી જવાબદારી આવી ગઈ. સ્વામીજીની મહાસમાધિથી એમને જે દુ :ખ થયું હતું તે બાજુએ મૂકીને બાકીના બધાને સાચવી લીધા. સ્વામીજીના વિયોગને લીધે ઉદ્વિગ્ન બનેલા પોતાના ગુરુબંધુઓને એમણે સંભાળી લીધા, પોતાના ધીરગંભીર સ્વભાવથી એમનાં દુ :ખોનો ભાર હળવો કર્યો. સાથે ને સાથે સ્વામીજીએ શરૂ કરેલ કાર્યને આગળ ચલાવવા માટે પ્રેરણા પણ આપતા રહ્યા.
સ્વામીજીનાં માતા ભુવનેશ્વરી દેવીને આ દુ :ખ સહન કરવું ખૂબ કપરું લાગતું. એમને પણ ધીરજ આપીને સંભાળવાનું આકરું કાર્ય સ્વામી બ્રહ્માનંદે પોતે ઉપાડી લીધું. શરૂઆતના સમયમાં અને ત્યાર પછી વચ્ચે વચ્ચે તેઓ ભુવનેશ્વરી દેવીના ઘરે જતા. એમને સાંત્વના આપતા. એમની કૌટુંબિક અડચણોમાં મદદરૂપ થતા. કોર્ટકચેરીની બાબતોમાં પણ તેઓ ધ્યાન આપતા. ત્યારપછી હવાફેર માટે સ્વામીજીનાં માતાને તેમણે પુરીની તીર્થ યાત્રા માટે મોકલ્યાં. આ જવાબદારી એમણે જ્યાં સુધી ભુવનેશ્વરી દેવી જીવતાં રહ્યાં ત્યાં સુધી પ્રેમથી નિભાવી. અને એમને મદદરૂપ થતા રહ્યા.
સર્વત્યાગી, સંન્યાસી અને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ એવા સ્વામી બ્રહ્માનંદનું આ રૂપ કેટલું અદ્ભુત છે !
(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૧૬૮)
સ્વામી બ્રહ્માનંદની નજર મઠમાંની દરેક વ્યક્તિ અને સંન્યાસી પર રહેતી. એમનાં વર્તનવ્યવહાર, આચરણ પર તેમનું ધ્યાન રહેતું. દરેક વ્યક્તિમાં નૈતિકતા અને પ્રામાણિકતા હોવાં જોઈએ. સેવા કરતી વખતે બોલચાલની રીત અને ચોકસાઈ પણ જાળવવાં જોઈએ. કાર્યમાં રત રહેવાથી જાણ્યે અજાણ્યે અહંકારનો દોષ મનમાં ન આવે એ માટે સૌને સચેત કરતા.
૧૯૧૯-૨૦ના ગાળામાં ભુવનેશ્વરની આસપાસ ત્રણ કેન્દ્રોમાં સેવાનાં કાર્ય ચાલતાં હતાં. સેવાકાર્યની વ્યવસ્થા સંભાળનાર સ્વામીજી અથાક મહેનત કરતા. સખીચંદબાબુ નામના એક ભક્ત હતા. જુદાં જુદાં સ્થળેથી સાડીઓ અને ધોતીઓ ભેગાં કરીને સેવાકાર્યમાં વહેંચણી માટે લાવતા. નિર્ધન અને વસ્ત્રવિહોણા લોકોની યાદી તૈયાર કરીને એ સ્વામીજીને આપી. એમાં ગરીબ લોકોને કપડાં આપવાં એવી વિનંતી હતી. એના જવાબમાં વ્યવસ્થાપક મહારાજે કહ્યું, ‘આ લોકો વિશેની પૂરતી માહિતી વિના તમે કહો છો એ રીતે અમે કપડાં આપી શકતા નથી. પછી ભલે તમે ભેગાં કરી લાવ્યા હો. રામકૃષ્ણ મિશન વિચાર કરીને જે આદેશ આપશે તે પ્રમાણે થશે.
આવો શુષ્ક જવાબ મળતાં સખીચંદબાબુને માઠું લાગ્યું. કોઈને કંઈ કહ્યા વિના તેઓ પાછા આવતા રહ્યા. આ વાત સ્વામી બ્રહ્માનંદજી સુધી પહોંચી. એમણે વ્યવસ્થાપક મહારાજને બોલાવીને આ બધું શું છે એ વિશે પૂછ્યું. એમણે કહ્યું, ‘હું તો મિશનના નિયમ મુજબ કામ કરું છું.’ આ થોડા અવિવેકભર્યા શબ્દો સાંભળીને સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું, ‘ભાઈ, શિષ્ટાચાર પાળવો એ પણ મિશનનો જ નિયમ છે ને! એનું પણ બરાબર પાલન થવું જોઈએ ને? વિનમ્ર ભાવે તમારે એમને કહેવું જોઈતું હતું કે હું પૂરેપૂરી માહિતી મગાવીને વ્યવસ્થા કરીશ. અને જરૂર પડશે તો તમને જાણ કરીશું’ સ્વામી બ્રહ્માનંદજી આ રીતે એમને વિનમ્રતાનો પાઠ ભણાવ્યો અને પછી વ્યવસ્થાપક મહારાજ નરમ પડ્યા. સ્વામી બ્રહ્માનંદજીના આદેશ મુજબ એ સંન્યાસીએ પોતે જઈને સખીચંદબાબુની માફી માગી. વ્યવસ્થાપક મહારાજ જાતે આવીને માફી માગે છે એ જોઈને એમને પણ સંકોચ થયો. એમણે સ્વામી બ્રહ્માનંદજીને કહ્યું, ‘તમે આમ કેમ કર્યું? મહારાજ! વ્યવસ્થાપક મહારાજ તો સાધુ છે, સંન્યાસી છે.’ એ સાંભળીને સ્વામી બ્રહ્માનંદજીએ શાંતિથી કહ્યું, ‘ના, જે થયું તે બરાબર જ થયુ છે. એમને અહંકાર થયો હતો ને!’
(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૨૧૪-૨૧૫)
Your Content Goes Here