જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે જીવન ખાનપાન તથા ભોગવિલાસને જ અર્પણ થઈ ચૂક્યું છે, જેમની સંપત્તિનો આદર્શ કેવળ જર અને જમીનના ટુકડા જ છે, કેવળ ઈંદ્રિયજન્ય સુખ જ જેમના સુખનો આદર્શ છે, જેમનો ઈશ્વર કેવળ પૈસો જ છે, જેમના જીવનનું લક્ષ્ય જિંદગીમાં એશઆરામ કરવો અને અંતે મરી જવું એ જ છે, જેમની બુદ્ધિ દૂરદર્શી નથી, જેઓ ઈંદ્રિયભોગ્ય વિષયોની વચ્ચે જ હંમેશાં પડ્યા રહે છે તથા તેનાથી વધારે ઊંચી બાબતોનો કદીયે વિચાર જ કરતા નથી, તેવા લોકો ભારતવર્ષમાં જાય તો તેમને ત્યાં શું નજરે ચડશે ? ચારે દિશામાં તેમને દેખાશે કેવળ નિર્ધનતા, ગંદકી, કુસંસ્કાર, અજ્ઞાન અને બીભત્સતા. આનું કારણ શું ? કારણ એ કે તેમને મન સભ્યતા એટલે પોશાક, ટાપટીપ, શિક્ષણ અને સામાજિક શિષ્ટાચાર એટલું જ છે. જ્યારે પશ્ચિમની પ્રજાઓએ પોતાની ઐહિક ઉન્નતિને માટે બધી રીતે પ્રયત્નો કર્યા છે, ત્યારે ભારતવર્ષે તેનાથી જુદું જ કર્યું છે. મનુષ્ય જાતિનો ઈતિહાસ તપાસતાં માલૂમ પડશે કે કેવળ ભારતમાં જ એક એવી પ્રજા વસે છે કે, જે પોતાના દેશની સીમા છોડીને કોઈ બીજા દેશોને જીતી લેવા કદી બહાર ગઈ નથી, જેણે બીજા કોઈની સમૃદ્ધિ પડાવી લેવાની કદી ઇચ્છા કરી નથી. તેમનો એક માત્ર એ દોષ હતો કે તેની જમીન બહુ ફળદ્રુપ હતી તથા તેણે સખત જાત મહેનત કરીને ધન એકઠું કર્યું હતું અને એ રીતે બીજા દેશોને પોતાને ત્યાં આવીને લૂંટફાટ કરવાનું પ્રલોભન આપ્યું હતું. પરંતુ બીજાથી લૂંટાઈ જવા તથા જંગલી કહેવાવા છતાં, તે પ્રજા સંતોષી થઈને રહી છે. તેના બદલામાં તે તેમનામાં ઈશ્વર સંબંધી જ્ઞાનનો પ્રચાર કરવાની ઇચ્છા ધરાવે છે, માનવ પ્રકૃતિનાં ગૂઢ રહસ્યો સ્પષ્ટ રૂપમાં પ્રગટ કરવાની ચાહના રાખે છે, તથા જે પડદો મનુષ્યના અસલી સ્વરૂપને ઢાંકી રાખે છે તેને તે ચીરી નાખવા ઇચ્છે છે, કારણ કે તે જાણે છે કે આ બધું સ્વપ્ન છે, આ બધા જડવાદની પાછળ માનવીનો ખરેખરો દિવ્ય અંશ વિરાજે છે, કે જેને કોઈ પાપ મલિન કરી શકતું નથી, કામવાસના કલંકિત કરી શકતી નથી, આગ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી, તાપ સૂકવી શકતો નથી, કે મૃત્યુ જેનો વિનાશ કરી શકતું નથી. પાશ્ચાત્યોની દૃષ્ટિએ ઈંદ્રિયગમ્ય જડ પદાર્થ જેટલો સત્ય છે, તેટલું જ આ ભારતીયની દૃષ્ટિએ મનુષ્યનું અસલી સ્વરૂપ સત્ય છે. (૪.૮૦-૮૧)

આધ્યાત્મિક જ્ઞાન વડે જ આપણાં સર્વ દુ :ખ હંમેશને માટે દૂર થઈ શકે છે. બીજી બધી વસ્તુથી આાપણી જરૂરિયાત ફક્ત થોડા સમય પૂરતી દૂર થાય છે, જ્યારે આધ્યાત્મિક જ્ઞાન આપણને કાયમી સંતોષ આપે છે.(૧.૪૨)

શારીરિક શક્તિનાં પ્રદર્શનો ખરેખર મહાન છે; અને વિજ્ઞાનનાં સાધનો વડે ચાલતાં યંત્રો દ્વારા દેખાતો બૌદ્ધિક વિકાસ પણ અદ્‌ભુત છે. છતાં જગત ઉપર આત્મા જે પ્રભાવ પાડે છે તે કરતાં વધુ શક્તિશાળી આમાંનું એક પણ નથી. (૨.૩૧)

Total Views: 325

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.