શ્રીરામકૃષ્ણ – માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરુર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું નુકસાન કરવું એ યોગ્ય નથી.

‘એક ખેતરમાં એક ગોવાળ ઢોર ચરાવતો હતો. તે ખેતરમાં એક મોટો ઝેરી સાપ રહે. સૌ કોઈ એ સાપની બીકથી બહુ જ સંભાળીને રહેતાં. એક દિવસ એક બ્રહ્મચારી એ ખેતરને રસ્તે થઈને આવતો હતો. ગોવાળિયાઓ દોડી આવીને કહેવા લાગ્યા, ‘મહારાજ! એ બાજુ થઈને જતા નહિ. એ બાજુ એક ભયંકર ઝેરી સાપ રહે છે.’ બ્રહ્મચારી બોલ્યો, ‘‘અરે તે ભલે રહ્યો. હું તેનાથી ડરતો નથી. હું મંત્ર જાણું છું.’ એમ કહીને બ્રહ્મચારી એ બાજુ ગયો. બીકના માર્યા ગોવાળિયાઓ તેની સાથે ગયા નહિ. આ બાજુ સાપ ફેણ ઊંચી કરીને દોડ્યો આવે છે. પણ તે નજીક આવ્યો ન આવ્યો ત્યાં તો બ્રહ્મચારીએ જેવો એક મંત્ર ભણ્યો કે તરત જ સાપ અળશિયાની પેઠે પગ પાસે આવીને પડી રહ્યો. બ્રહ્મચારી બોલ્યો, ‘અરે! તું કેમ બીજાની હિંસા કરતો ફરે છે? ચાલ, તને મંત્ર આપું. આ મંત્રનો જપ કરવાથી તને ભગવાનમાં ભક્તિ જાગશે, ભગવત્પ્રાપ્તિ થશે અને તારામાં હિંસક વૃત્તિ રહેશે નહિ.’ એમ કહીને તેણે સાપને મંત્ર આપ્યો. મંત્ર લઈને સાપે ગુરુને પ્રણામ કર્યા અને પૂછ્યું, ‘ગુરુદેવ, કેવી રીતે સાધના કરવી એ કહો.’ ગુરુ બોલ્યા : ‘આ મંત્રનો જપ કરવો અને કોઈની હિંસા કરવી નહિ.’ જતી વખતે બ્રહ્મચારી બોલ્યો, ‘પાછો હું આવીશ.’

‘એમ કરતાં કેટલાક દિવસ નીકળી ગયા. ગોવાળિયાઓએ જોયું કે સાપ હવે કરડવા આવતો નથી, પથરા મારે છતાં ગુસ્સે થતો નથી! જાણે અળશિયા જેવો થઈ ગયો છે. એટલે એક દિવસે એક ગોવાળિયાએ હિંમતથી પાસે જઈને પૂંછડી પકડીને તેને ખૂબ ફેરવ્યો અને પછી પછાડીને ફેંકી દીધો. સાપના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું અને બેશુદ્ધ થઈ ગયો, હલે નહિ કે ચલે નહિ. ગોવાળિયાઓએ માન્યું કે સાપ મરી ગયો. એમ ધારીને તે લોકો ચાલ્યા ગયા.

‘મોડી રાત્રે સાપને ચેતના આવી. એટલે એ બિચારો ધીરે ધીરે અત્યંત કષ્ટપૂર્વક પોતાના દરમાં ચાલ્યો ગયો. શરીર છોલાઈ ગયેલું. હાલવા ચાલવાની શક્તિ નહિ. કેટલાય દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહેવાથી સાવ હાડચામનું ખોખું થઈ ગયો. આહાર શોધવા રાત્રે ક્યારેક ક્યારેક બહાર નીકળતો, બીકનો માર્યો દિવસે બહાર આવતો નહિ. મંત્ર લીધો છે ત્યારથી હિંસા કરે નહિ. કેવળ કુણાં પાંદડાં, ઝાડ પરથી પડેલાં ફળ એવું બધું ખાઈને જીવતો.’

‘વરસ દિવસ પછી બ્રહ્મચારી એ જ રસ્તેથી વળી પાછો આવ્યો… સાપ ગુરુદેવનો અવાજ સાંભળીને દરમાંથી બહાર આવ્યો અને ખૂબ ભક્તિપૂર્વક ગુરુને પ્રણામ કર્યા. બ્રહ્મચારીએ પૂછ્યું ‘કેમ છે ?’ સાપે જવાબ આપ્યો, ‘ગુરુદેવ, ઠીક છે.’ બ્રહ્મચારીએ પૂછ્યું, ‘‘આવો દૂબળો કેમ થઈ ગયો છો ?’ સાપે જવાબ આપ્યો, ‘પ્રભુ, આપે આદેશ કરેલો કે કોઈની હિંસા કરીશ નહિ, તેથી પાંદડાં, ફળ વગેરે ખાઈને રહું છું એટલે દૂબળો પડી ગયો હોઈશ !’ તેનામાં સત્ત્વગુણનો ઉદય થયો હોઈને કોઈના પ્રત્યે ક્રોધ રહ્યો નથી. એ તો બિચારો ભૂલી જ ગયો હતો કે ગોવાળિયાઓએ તો તેને લગભગ મરી જવા જેવો જ કરી નાખેલો.

બ્રહ્મચારીએ કહ્યું – ‘માત્ર ભૂખ ખેંચવાથી આવી સ્થિતિ થાય નહિ. જરુર બીજું કંઈક કારણ છે; યાદ કરી જો.’

સાપને યાદ આવ્યું કે ગોવાળિયાઓએ તેને પછાડ્યો હતો. એટલે એ બોલ્યો, ‘પ્રભુ ! યાદ આવે છે ખરું. ગોવાળિયાઓએ એક દિવસ મને પછાડ્યો હતો. પણ એ લોકો તો અજ્ઞાની છે. તેમને ખબર નથી કે મારા મનની શી અવસ્થા છે; હું કોઈને કરડવાનો નથી, કે કોઈ પણ પ્રકારે તેમને હાનિ પહોંચાડવાનો નથી, એ તે લોકો કેવી રીતે જાણે ?’

એ સાંભળીને બ્રહ્મચારી બોલ્યો, ‘તું એટલો બધો અક્કલ વિનાનો, કે તારું પોતાનું રક્ષણ કરતાં તને આવડ્યું નહિ ? મેં તને ના પાડી હતી કરડવાની, ફૂંફાડો મારવાની નહિ ! ફૂંફાડો મારીને તેં બીક કેમ ન બતાવી ?’

‘દુષ્ટ માણસોની સામે ફૂંફાડો રાખવો જોઈએ, તેમને બીક બતાવવી જોઈએ, નહિતર તેઓ આપણું બૂરું કરે. તેમના શરીરમાં વિષ રેડવું નહિ, તેમનું નુકસાન કરવું નહિ; પણ ફૂંફાડો તો બતાવવો !’ શ્રીરામકૃષ્ણ કથામૃત- ભા.૧-પૃ.નં.૨૬-૨૮

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.