(ગતાંકથી આગળ)
તો આ રીતે વિવેકાનંદના નવ્યવેદાન્તનો શંકરાચાર્યના કેવલાદ્વૈત સાથે કશો જ વિરોધ થતો નથી.
વળી, શંકરાચાર્ય જે સંપ્રદાયનું અવૈદિક ગણીને બ્રહ્મસૂત્રભાષ્યમાં ખંડન ર્ક્યું એનું જ પાછું અધિકારભેદે – રુચિભેદે મંડન કરીને ‘ષણ્મત-સ્થાપના’ ચર્ચાની પદવી હાંસલ કરી છે. એનાથી મોટી સમન્વયની બીજી કઈ રીત હોઈ શકે? આ ઐતિહાસિક સત્યને સ્થાપિત હિતોવાળાઓએ ધરાર ઉવેખ્યું છે.
વિવેકાનંદ કહેતા કે તમોગુણમાંથી સત્ત્વગુણમાં જવું હોય તો રજોગુણ ઉપર થઈને જ જવાય, સીધો તમોગુણમાંથી સત્ત્વગુણ ઉપર કૂદકો ન મરાય, તેવી જ રીતે અધ્યાત્મમાર્ગમાં પણ ક્રમશ : પ્રગતિ કરાય, સીધી છલાંગ ન મરાય.
વિવેકાનંદના નવ્યવેદાન્તનું ત્રીજું મહત્ત્વનું પાસું એ છે કે તે બધા જ ધર્મોને સાચા માને છે. અને એટલા જ માટે તેઓ કાંઈ પણ શ્રદ્ધા જો સાચકલી જ ધાર્મિક હોય તો એને નકારતા નથી. આ સર્વધર્મ સ્વીકારનો તાત્ત્વિક પાયો વૈશ્વિક ઐક્યનો – અદ્વૈતનો – વેદાન્ત વિચાર જ છે. અને એ પારમાર્થિક તત્ત્વ – બ્રહ્મ – નું જ અદ્વૈત છે. માનવના આધ્યાત્મિક જીવનના આ વિચારે તેમજ આધ્યાત્મિક સદ્ભાગ્યે જ વિવેકાનંદને એવા મતના બનાવ્યા કે આ નવ્યવેદાન્ત જ વિશ્વનો ભાવિ ધર્મ બની રહેશે. અને જ્યારે વિવેકાનંદે આ મત દર્શાવ્યો ત્યારે એ કોઈ ઝનૂની સ્વદેશપ્રેમી ન હતા. એમણે પોતાના આ નવ્યવેદાન્તના સિદ્ધાન્તને ભારતના કોઈપણ પયગમ્બર કે મહાત્માનું એ મતના ઉદ્ભાવક તરીકેનું નામ જોડ્યું નથી. એમણે પોતાના આ તત્ત્વજ્ઞાન ઉપર ભારતનો જ ઈજારો હોવાનો પણ ક્યારેય દાવો કર્યો નથી. અને આ વેદાન્તનું એ જ તો ઉમદાપણું છે કે એ સમગ્ર માનવજાતનું આલિંગન કરે છે ! એ તો સમગ્ર માનવવંશના શાણપણના સરવાળામાંથી જ ઉત્પન્ન થયું છે.
સ્વામીજી કહે છે કે માનવજાતિનાં સ્થાયી મૂલ્યોના સ્રોત આ અદ્વૈતવેદાન્તમાંથી મળે છે. સાચા વેદાન્તી – સાચા સાક્ષાત્કારીનું લક્ષણ એ છે કે તે બધાં જ પ્રાણીઓમાં ૫ોતાના આત્માને જુએ છે અને પોતાના આત્મામાં બધાં જ પ્રાણીઓને જુએ છે. આ સત્યની છાયા આપણા વ્યાવહારિક જીવન ઉપર પડે છે અને તે સત્ય અનુસાર આપણે અન્યનું કલ્યાણ કરીએ છીએ, પ્રામાણિક બનીએ છીએ, બધા સદાચારો કરીએ છીએ કારણ કે આપણે બીજાનું બૂરું કરીએ છીએ તે છેવટે તો આપણું જ બૂરું કરીએ છીએ અને બીજાનું ભલું કરીએ છીએ તે છેવટે તો આપણું જ ભલું કરીએ છીએ. આપણા નૈતિક જીવનની મૂળ ગંગોત્રી એ રીતે જેવી આ અદ્વૈત સિદ્ધાન્તમાં, ખાસ કરીને નવ્યવેદાન્તમાં મળે છે તેવી બીજે ક્યાંય વિશ્વમાં મળતી નથી. ‘आत्मनस्तु कामाय सर्वमिदं प्रियं भवति’ अैवल्लिम ‘आत्मन्’ શબ્દનો અર્થ આ પ્રકારમાં જ જોવો જોઈએ. આ વાત પછીથી અન્યોએ પણ વાગોળી છે.
વળી, આ રીતે જ આ નવ્યવેદાન્ત જીવનલક્ષી બને છે, આ રીતે જ વ્યાવહારિક સત્તાનું પારમાર્થિક સત્તા સાથે અનુસન્ધાન થાય છે. અને જે તત્ત્વજ્ઞાનનો માનવજીવન સાથે, વ્યવહારુ જીવન સાથે સંબંધ ન હોય તે તત્ત્વજ્ઞાનની શી કિંમત છે ? ભારતીય તત્ત્વજ્ઞાન જીવનલક્ષી છે, વ્યવહારુ છે, એ બૌદ્ધિક વ્યાયામ નથી. સ્વામીજીના નવ્યવેદાન્તનો આ વ્યવહારુ ઉદ્દેશ છે, એને શ્રેષ્ઠ મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણી શકાય.
હજુ એક વધુ મહત્ત્વનું આ નવ્યવેદાન્તનું પાસું એ છે કે એ દરેક માણસમાં ભીતર રહેલી દિવ્યતાને માને છે. જો સર્વત્ર એક દિવ્ય બ્રહ્મ જ વ્યાપકરૂપે રહેલું હોય તો તે જ અન્ય બધાં પ્રાણીઓમાં કેમ ન હોય? કારણ કે પ્રાણીઓનાં નામ અને એના આકારો તો માત્ર એક આભાસ જ છે. સર્વત્ર બ્રહ્મ-દિવ્યતા-જ હોય તો માનવમાં પણ એ છે જ. એટલું જ નહિ પણ બીજાં પ્રાણીઓ કરતાં વધારે અભિવ્યક્ત થયેલ છે. દરેકમાં એ ઓછેવત્તે અંશે અભિવ્યક્ત તો છે જ. આ અભિવ્યક્તિનું ઓછાવત્તાપણું, આ તારતમ્ય તે પ્રાણીમાં રહેલ અજ્ઞાનને લીધે જ છે, બાકી બધે જ એ સભર ભર્યું છે. વિવેકાનંદ આ પોતાના નવ્યવેદાન્તની અનુભૂતિથી એ ભીતરની દિવ્યતાને જગાડવા-પ્રકાશિત કરવા માગે છે. માનવમાં રહેલી આ દિવ્યતાને વિવેકાનંદ પ્રતીતિપૂર્વક માને છે અને એની અકલ્પનીય સંભાવનાઓને પ્રકટ કરવા માગે છે. એમને મન આ વેદાન્ત અતિશય સત્ત્વશીલ, બુદ્ધિગમ્ય અને આધુનિક વિજ્ઞાન સાથે સમ્પૂર્ણ રીતે મેળ ખાય તેવું છે. અને એ સમન્વય એમણે પશ્ચિમમાં કરેલાં વેદાન્તવિષયક અસંખ્ય ભાષણોમાં સારી રીતે એમણે સિદ્ધ કરીને દર્શાવ્યો પણ છે. જેમ એક જલબિન્દુમાં પણ પૂરા સૂર્યનું પ્રતિબિંબ પડે છે, તેવી જ રીતે દરેક જીવમાં પૂર્ણ દિવ્યતાની અવસ્થિતિ છે એમ સ્વામીજી માને છે. એમનો સેવાનો આદર્શ એની જ ફલશ્રુતિ છે. અને એનું બીજ રામકૃષ્ણનો ઉપદેશ છે. એટલા માટે તેઓ ‘પાપ’ શબ્દને બદલે ‘અજ્ઞાનજનિત ભૂલ’ શબ્દ વધુ પસંદ કરે છે.
વિવેકાનંદના નિરૂપણમાં ડગલેને પગલે સમન્વય દેખા દે છે. તેમના પોતાના જ શબ્દો : ‘હું અદ્વૈત તત્ત્વજ્ઞાનના કઠોર વિષયને પ્રેમના મધુર શરબતમાં ઝબોળીને અને એમાં સખત કર્મકર્તાનો તેજાનો નાખી એને સોડમવાળો બનાવું છું અને એને યોગના રસોડામાં પકવું છું.’
અલબત્ત, એમણે બધે જ સ્થળે એવું નથી કર્યું. હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રવચનોમાં તો એમણે શાસ્ત્રીય ઢબછબથી જ અદ્વૈતવાદના સિદ્ધાન્તો, જેવા કે આત્માનું સ્વયંપ્રકાશત્વ, જ્ઞાનરૂપત્વ, અદ્વૈત તેમજ માયા, ઈશ્વર, જીવ, જગત્કારણ, વિવર્તવાદ-વગેરે સમજાવ્યા છે.
એમણે કહ્યું છે કે આ અદ્વૈતવાદ, એની જન્મભૂમિ ભારતમાં, ત્રણ હજારથી પણ વધુ વરસ થયાં શ્રેષ્ઠ સ્થાને બિરાજતો હોવા છતાંય વ્યાપકપણે લોકોને પહોંચી અને પામી શક્યો નથી. અને પશ્ચિમની સ્થિતિ વિશે એમણે જણાવ્યું કે ‘ત્યાં બધાં મને રાહતદાયક સરળ (ટૂંકા અને એકદમ સરળ હાથવગા) ધર્મ વિશે પૂછે છે, પણ કોઈ સાચા ધર્મ વિશે પૂછતું જ નથી. અને જો કોઈ પૂછે તો એનો અભ્યાસ કરવા માગતું નથી અને આચરણ કરવા માટે તો કોઈ જ પૂછતું નથી.’
આ મોટા ગજાનો અને સર્વલોકસ્વીકાર્ય નવ્યવેદાન્તનો વિવેકાનંદી આદર્શ તેમણે મૌલિક રીતે કેવળ રજૂ કર્યો છેે. એટલું જ નહિ પણ એક પયગમ્બર પેઠે સમગ્ર વિશ્વમાં એની ઉદ્ઘોષણા પણ કરી છે અને એટલે જ તેઓ શાળામહાશાળાઓમાં ભણાવી શકાય તેવા ગ્રંથો પોતે લખી શક્યા નથી. એમને એવો સમય જ મળ્યો નથી અને મારું નમ્ર મંતવ્ય એ છે કે એટલા જ માટે આપણાં વિશ્વવિદ્યાલયોના અવ્યવહારુ તાત્ત્વિક સિદ્ધાન્તોને શીખીને જ વિદ્વાન થયેલાઓને તેઓ ઉપેક્ષણીય લાગ્યા હશે.
પરન્તુ પશ્ચિમનાં વિશ્વવિદ્યાલયોના કેટલાક પ્રખર પ્રાધ્યાપકોને સ્વામી વિવેકાનંદ સ્વીકાર્ય જ જણાયા છે. એમને તેઓ અદ્યતમ વિચારધારામાં ઘણું મહત્ત્વનું પ્રદાન કરનારા લાગ્યા છે; તેમાં વિવેકાનંદને એક તત્ત્વજ્ઞાની તરીકે બિરદાવનાર પ્રથમ પ્રાધ્યાપક કદાચ વિલિયમ જેમ્સ છે. (૧૮૪૨-૧૯૧૦) તેઓ હાર્વર્ડના તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા અને વીસમી સદીના પ્રારંભમાંના સુવિખ્યાત અમેરિકન તત્ત્વજ્ઞાની પ્રાધ્યાપક હતા, તેમજ ઉપયોગિતાવાદી તત્ત્વજ્ઞાનની પેઈર્સની સાથે એક સ્થાપક પણ હતા. તેઓ કહે છે : ‘મઠ-આશ્રમોની બધી જ પદ્ધતિઓમાં હિન્દુસ્તાનની વેદાન્તની તત્ત્વજ્ઞાનની પદ્ધતિ જ પરમ ઉત્તમ છે, અને એ વેદાન્તના મિશનરીઓમાં પરમ ઉત્તમ આદર્શ એ સ્વર્ગસ્થ સ્વામી વિવેકાનંદ જ હતા. તેમણે કેટલાંક વરસો પહેલાં આપણા દેશની મુલાકાત લીધી હતી… આ તત્ત્વજ્ઞાનનું સંગીત સાંભળવા માટે આપણા સૌના કાન સરખા જ છે. એ સંગીત આપણને ઉલ્લસિત કરી દે છે અને નવી આશાઓમાં આસ્થા પ્રકટ કરી દે છે.’
સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી દશેક વરસે ઉચ્ચારાયેલા આ શબ્દો છે અને છતાંય એટલા સમયમાં કોઈ ભારતીય પ્રાધ્યાપક તરફથી કે વિદ્વાન તરફથી સ્વામી વિવેકાનંદના આ અભિનવ તત્ત્વજ્ઞાન માટે એક હરફ સરખો પણ ઉચ્ચારાયો નથી !
હવે આપણે અમેરિકાના અર્વાચીન તત્ત્વવેત્તા ડૉ. હ્યુસ્ટન સ્મીથ તરફ વળીએ : તેઓ હેમલીન યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. સ્વામી ચેતનાનંદે સંગ્રહેલાં વિવેકાનંદનાં વેદાન્ત સંબંધ લખાણોના સંચયનની તેમણે પ્રસ્તાવના લખી છે. તેમાં તેમણે આ પ્રમાણે લખ્યું છે :
‘જો આપણે એમના શબ્દો સાંભળીએ અને તે દ્વારા વ્યક્ત થતા વિચારોને સમજીએ તો જાણે એવું જ લાગે છે કે એમના શબ્દો તો વિચારોના માત્ર વાહક છે. વિવેકાનંદ તો માત્ર વહન કરનારી એક નહેર છે. વિવેકાનંદ એ શબ્દોના જાણે કે નિર્માતા જ નથી !’
જુઓ તો, ડૉ. સ્મીથે સ્વામી વિવેકાનંદના વિચારોને કેવડો મોટો મોભો આપી દીધો છેે. વિચારોની દિવ્યતા અને ઉચ્ચારણની તો માત્ર વાહકતા ! એમના વિચારો તો આપણા આજના યુગની શ્રુતિ છે, એ દિવ્ય છે. વિવેકાનંદ એના નિર્માતા નથી, માત્ર દ્રષ્ટા છે, ઋષિ જ છે, વાહક જ છે. આપણું એ દુર્ભાગ્ય છે કે આપણા પ્રાધ્યાપકોને હજી એ આકર્ષી શકી નથી !
હા, જે કોઈ માણસ પોતાના ધાર્મિક જીવનમાં તત્ત્વજ્ઞાનને એક અગત્યનો ભાગ ગણે છે તેમના ઉપર આ વિચારોએ બહુ જ ઊંડી અને વ્યાપક અસર કરી છે જ. આપણે આશા રાખીએ કે સ્વામીજીની જન્મજયંતીના આ ૧૫૦મા વરસે આપણા તત્ત્વજ્ઞાનના વિદ્વાનો અને પ્રાધ્યાપકો તત્ત્વજ્ઞાનના આ ફિરસ્તા સ્વામી વિવેકાનંદે પોતાનું વેદાન્તતત્ત્વજ્ઞાનનું આ કામ જ્યાંથી આરંભ્યું હતું ત્યાંથી આગળ ચલાવે. વિવેકાનંદે ભારતની સમગ્ર ફિલસૂફી રજૂ કરી અને એના પ્રણેતા થયા. અને આપણા વિદ્વાનો ભારતની એ જ ફિલસૂફીને વિશ્વ સમક્ષ વ્યાપક અને સર્વજનસ્વીકાર્ય ફિલસૂફી તરીકે રજૂ કરશે. અને ભારતનું ગૌરવ વધારશે. આવો સોનેરી દિવસ ક્્યારે આવશે ?
Your Content Goes Here