શ્રી ‘મ’ અને સ્વામી વિવેકાનંદ

શ્રી ‘મ’ને રામકૃષ્ણદેવના શિષ્યો સાથે નિકટનો સંબંધ હતો. તેઓ શક્ય તેટલી તેમની સેવા પણ કરતા. શ્રીઠાકુરના દેહાવસાન પછી શિષ્યોએ નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)ના નેતૃત્વ હેઠળ વરાહનગર મઠ અને રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી.

શ્રી ‘મ’ નરેન્દ્રને ૫ માર્ચ, ૧૮૮૨માં દક્ષિણેશ્વરમાં સર્વપ્રથમ મળ્યા અને તેમણે આ જુવાન માટેનો ઠાકુરનો પ્રેમભાવ જોયો. શ્રી ‘મ’ અને નરેન્દ્ર થોડા જ વખતમાં અંગત મિત્રો બની ગયા અને પોતાના જીવન દરમિયાન આવા જ નિકટના નાતે રહ્યા. જ્યારે નરેન્દ્રના પિતાનું અવસાન થયું અને કુટુંબને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો ત્યારે શ્રી ‘મ’ નરેન્દ્રને મદદ કરવા આગળ આવ્યા કે જેથી તેની આધ્યાત્મિક યાત્રામાં કશી અડચણ ન આવે.

એ પ્રારંભના દિવસોમાં નરેન્દ્ર પોતાની આધ્યાત્મિક મૂંઝવણો અને અનુભવો વિશે મન ખોલીને વાત કરતા. ૭ એપ્રિલ, ૧૮૮૭ના રોજ વરાહનગર મઠમાં નરેન્દ્રે પોતાની કુંડલિની શક્તિની જાગૃતિની વાત કરી. સાથે ને સાથે શ્રીઠાકુરે એનામાં શક્તિનું સંક્રમણ કેવી રીતે કર્યું એ પણ વર્ણવ્યું. તેમણે શ્રી ‘મ’ને કહ્યું, ’તમે આ વાત બીજા કોઈને કરતા નહીં, મને વચન આપો.’ આપણા સદ્ભાગ્યે શ્રી ‘મ’એ એ વચન ન આપ્યું. આમ છતાં પણ નરેન્દ્ર જીવતા રહ્યા ત્યાં સુધી આ રહસ્ય તેમણે છતું ન કર્યું. સ્વામીજીની મહાસમાધિ પછીના ઘણા લાંબા સમય બાદ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નાં પૃષ્ઠોમાં શ્રી ‘મ’એ પોતાની અને સ્વામી વિવેકાનંદ સાથે થયેલ સુંદર વાર્તાલાપ પ્રસિદ્ધ કર્યો.

શ્રીઠાકુર પ્રત્યેના ભક્તિભાવ અને એમની તેમજ એમના શિષ્યોની નિષ્ઠાપૂર્વકની સેવાને કારણે સ્વામી વિવેકાનંદને શ્રી ‘મ’ પ્રત્યે ઘણો પ્રેમ અને આદર હતો. જ્યારે તેઓ અમેરિકામાં હતા ત્યારે ૧૮૯૫માં સ્વામી બ્રહ્માનંદને લખેલા એક પત્રમાં શ્રી ‘મ’નો ઋણ સ્વીકાર એમણે કર્યો છે :

‘હું માનું છું કે તમને યાદ હશે કે શ્રીરામકૃષ્ણદેવના દેહત્યાગ પછી આપણને નકામા અને કંગાળ છોકરડા માનીને બધા છોડીને ચાલ્યા ગયા હતા. એ અભાવને સમયે ફક્ત બલરામ, સુરેશ, ‘માસ્ટર’ અને ચૂનીબાબુ આપણા મિત્રો થઈને રહ્યા હતા. આ લોકોનું ઋણ આપણે કદી નહિ ચૂકવી શકીએ.’

સ્વામીજીએ ૧૮૯૮માં બેલુરમઠમાં રામકૃષ્ણ દેવની જન્મજયંતી દરમિયાન શ્રી ‘મ’ને કંઈક બોલવાનું સૂચન કરતાં કહ્યું, ‘માસ્ટર મહાશય, તમારે અમને શ્રીઠાકુર વિશે કંઈક વાત કરવી જોઈએ.’

૨૩મી જાન્યુઆરી, ૧૮૯૮ના રોજ બલરામના ઘરે શ્રી ‘મ’એ સ્વામીજીને એક ભજન ગાવા કહ્યું. સ્વામીજીએ આ ભજન ગાયું :

‘હે મન, તું તારી ભીતર મારી આ અમૂલ્ય મા શ્યામાનો આનંદ માણ!’

એક ભક્તે કહ્યું, ‘જાણે કે વીણા વાગતી હોય એવું લાગે છે. આખું ભજન ગાઈને સ્વામીજીએ શ્રી ‘મ’ને કહ્યું, ‘વારું, હવે તમને સંતોષ થયો ને? હવે વધારે ગાવાનું નહીં બને. નહિ તો હું એના ભાવમાં તણાઈ જઈશ! મારો અવાજ પશ્ચિમમાં અવારનવાર વ્યાખ્યાનો આપવાના કારણે ઘોઘરો થઈ ગયો છે અને મારા અવાજમાં કંપન પણ છે.’ સ્વામીજી પશ્ચિમમાંથી ૧૮૯૭ના પ્રારંભમાં આવ્યા અને એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થામાં ‘શિવભાવે જીવસેવા’ના આદર્શ પર ભાર મૂકાયો. પહેલાં તો શ્રી ‘મ’એ એમાં સંમતિ ન પૂરાવી, કારણ કે શ્રીઠાકુરે એમને વારંવાર કહ્યું હતું, ‘માનવ-જીવનનો ધ્યેય ઈશ્વરની અનુભૂતિ છે.’ એટલે એક દિવસ શ્રી ‘મ’એ સ્વામીજીને કહ્યું, ‘તમે વિશ્વના લોકોની સેવા કરવા, ઉદારતા રાખવા અને એમનું કલ્યાણ કરવાની વાત કરો છો. આ બધું તો છેવટે માયાનું ક્ષેત્ર છે. અને વેદાંતની દૃષ્ટિએ માનવનું ધ્યેય માયાનાં બંધનો તોડીને મુક્તિ મેળવવાનું છે. તો પછી જે આપણા મનને ઐહિક કે ભૌતિક પદાર્થાે પર આસક્ત રાખે એવી બાબતોનો ઉપદેશ આપવાની શી જરૂર?’

એક પળ પણ ખચકાયા વિના સ્વામીજીએ જવાબ આપ્યો, ‘મુક્તિનો વિચાર પણ શું માયાનું ક્ષેત્ર નથી? શું આપણને વેદાંત આ આત્મા સદૈવ મુક્ત છે, એવું શીખવતું નથી? તો પછી આ આત્માની મુક્તિ માટે મથી મરવું એટલે શું?’ આ વાતચીત ત્યાં જ પૂરી થઈ. શ્રી ‘મ’એ સ્વામીજીની મહત્તાને ઓળખી લીધી અને મિશનના મહત્ત્વને પણ જાણી લીધું. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તે નિત્યમુક્ત છે. સ્વામીજી પોતાની મુક્તિ માટે નહિ પણ બીજાની મુક્તિ માટે આવ્યા હતા.

જો કે શ્રીઠાકુરે શ્રી ‘મ’ને ગૃહસ્થ રહેવા કહ્યું હતું. છતાં પણ એમણે રામકૃષ્ણ મઠની પ્રશંસા અને વૃદ્ધિ બન્ને કર્યાં. એક વખત સ્વામી વિજ્ઞાનાનંદજીએ કહ્યું, ‘રામકૃષ્ણ મઠના ૯૦% સંન્યાસીઓ ‘રામકૃષ્ણ કથામૃત’ વાંચીને આવ્યા છે.’ શ્રી ‘મ’એ ભક્તોને મઠના સંન્યાસીઓના સંપર્કમાં રહેવા પ્રેર્યા હતા. એનું કારણ એ હતું કે એનાથી એમને ઘણો આધ્યાત્મિક લાભ મળે તેમ હતું. તે કહેતા, ‘મઠનો આદર્શ શ્રીઠાકુર, અવતાર, અદૃશ્ય સચ્ચિદાનંદ છે કે જેઓ માનવરૂપે આવ્યા હતા. આ સંન્યાસીઓ અનેક કાર્યો કરે છે. જેવાં કે શ્રીઠાકુરની સેવાપૂજા, લોકો માટે રાહતસેવા કાર્યો, હોસ્પિટલો, પ્રકાશન, શૈક્ષણિક કાર્ય- આ બધાં કાર્ય તે ઠાકુરની સેવારૂપે કરે છે. આ મઠનું સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતાથી ભરપૂર ભર્યું છે.’

બીજા એક પ્રસંગે શ્રી ‘મ’એ રામકૃષ્ણ મઠ વિશે અનેક વિધાનો કર્યાં હતાં :

* રામકૃષ્ણ મઠ એ તો રણમાં આવેલ હરિયાળી જગ્યા છે. જે લોકો આ સંસારથી થાકી દાઝી જાય તે લોકો શાંતિ માટે ત્યાં જઈ શકે.

* રામકૃષ્ણ મઠ એવું આરોગ્ય ધામ છે કે જે અજ્ઞાનના રોગની ચિકિત્સા કરે છે. જેમ લોકો પોતાના રોગને દૂર કરવા હોસ્પિટલમાં જાય છે તેમ અજ્ઞાનમાંથી છૂટકારો મેળવવા માટે લોકોએ મઠમાં જવું જોઈએ. આનાથી વધારે સારો ઉપાય માનસિક માંદગી માટે બીજો કોઈ ન હોઈ શકે.

* રામકૃષ્ણ મઠ એ બ્રહ્મજ્ઞોને નિપજાવવાનું ઉદ્યોગઘર છે. સંસારનું સર્વસ્વ ત્યાગીને બે કે ત્રણ વર્ષમાં ઈશ્વરરૂપ બની જનારને મેં ત્યાં જોયા છે.

* રામકૃષ્ણ મઠ એ સ્નાતકોત્તર શિક્ષણ માટેનું વિશ્વવિદ્યાલય છે. તેમાં જેને પ્રવેશ મળે છે, તેનું પ્રશિક્ષણ પૂરું થવાનું.

* આ મઠનો સેવાનો ભાવ કે આદર્શ એ વિશ્વવિદ્યાલયના શિક્ષણનો સહઅભ્યાસક્રમ છે. ત્યાંના સંન્યાસીઓમાં શ્રીઠાકુરનું જીવન કેવી રીતે જીવાય છે એ કોઈ પણ જોઈ શકે છે. બેલુરમઠમાં રહેવા માટે તેઓ સર્વસ્વનો ત્યાગ કરે છે.

* જ્યારે જ્યારે શ્રી ‘મ’ને અવસર મળતો ત્યારે તેઓ બેલુરમઠ અને બીજા મઠોની ભક્તો સાથે મુલાકાત લેતા. ક્યારેક ભક્તો દ્વારા મઠના સંન્યાસીઓની માહિતી મેળવતા. હિમાલયમાં તપશ્ચર્યા કરતાં કે માંદા પડેલા સંન્યાસીઓને શ્રી ‘મ’ ખબર ન પડે તેમ પૈસા મોકલતા. તેમણે ભક્તજનોને મઠમાં કેવી રીતે જવું એ પણ શીખવ્યું. તેઓ કહેતા :

* આશ્રમ કે મઠની કૃપા મેળવવાનો કે એનો લાભ ન લેવો.

* સંન્યાસીઓ ભિક્ષાથી કે ભેટસહાયથી ભોજન કે ભોજન પદાર્થાે એકઠા કરે છે, એટલે તેમને થોડા પ્રસાદથી સંતોષ માનવો જોઈએ અને માગ માગ ન કરવું જોઈએ.

* સંન્યાસીઓ સાથે વાતચીત કરીને એમના ધ્યાનના સમયને ભક્તજનોએ વેડફી ન નાખવો.

* જો કોઈ સંન્યાસી મઠના પ્રાંગણમાં તમને ઠપકો આપે તો એને વિનમ્રતાથી સહન કરજો.

Total Views: 284

One Comment

  1. Deviben vyas July 1, 2023 at 3:19 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj srs lekh

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.