શ્રીરામકૃષ્ણ – ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખ્ત દીવાલ, પાસે થઈને યમ ચાલે નહિ.’ સખ્ત દીવાલ ! ઈશ્વરને જો પ્રાપ્ત કરી શકો તો સંસાર અસાર લાગે નહિ. જેણે ઈશ્વરને જાણ્યો છે, તે જુએ કે જીવ, જગત એ ઈશ્વર પોતે જ થઈ રહેલ છે. તે પોતાના છોકરાઓને ખવડાવે પીવડાવે, ત્યારે એવી ભાવના રાખે કે ઈશ્વરને જ ખવડાવે પીવડાવે છે. પિતામાતાને ઈશ્વર-ઈશ્વરીરૂપે જુએ અને સેવા કરે. ઈશ્વર-પ્રાપ્તિ પછી સંસાર કરે તો પરિણીત સ્ત્રીની સાથે ઘણે ભાગે દુનિયાદારીનો સંબંધ રહે નહિ. બેય જણાં ભક્ત, કેવળ ઈશ્વરની વાત કરે, ઈશ્વરની ચર્ચા કરતાં રહે, ભક્તની સેવા કરે; સર્વભૂતમાં પ્રભુ છે, તેમની સેવા બંને જણ કરે.

પડોશી – મહાશય, એવાં સ્ત્રીપુરુષ તો જોવામાં આવતાં નથી.

શ્રીરામકૃષ્ણ – છે, પણ બહુ જૂજ. વિષયી માણસો તેમને ઓળખી શકે નહિ. પણ એવાં દંપતી થવું હોય તો બંનેએ સારાં થવું જોઈએ. બંને જણને જો એ ઈશ્વરાનંદનો સ્વાદ આવે, તો જ એમ થવું સંભવે. એને માટે ભગવાનની ખાસ કૃપા જોઈએ. નહિતર રોજ મતભેદ થાય. એક જણને અલગ થવું પડે. જો મેળ ન હોય તો ભારે ઉપાધિ. કાં તો સ્ત્રી રાતદિન બોલ્યા કરે : ‘બાપે અહીં શું કામ પરણાવી ! ન તો હું સુખે ખાઈ પી, પહેરી ઓઢી શકી; કે ન તો છોકરાંઓને ખવડાવી, પીવડાવી, પહેરાવી, ઓઢાડી શકી; કે નહિ બે ઘરેણાંનાં છોતરાં ! તમે મને કયા સુખમાં રાખી છે ? આંખ મીંચીને ભગવાન, ભગવાન, કરો છો તે, એ બધી ગાંડાઈ મૂકો હવે !’

ભક્ત – એ બધા પ્રતિબંધ તો છે જ, પણ તે ઉપરાંત કાં તો છોકરા ઉદ્ધત હોય. એ સિવાય કેટલી આપદા છે ? ત્યારે મહાશય ઉપાય શો ?

શ્રીરામકૃષ્ણ – સંસારમાં રહીને સાધના કરવી બહુ કઠણ. ત્યાં વિઘ્ન. એ બધાં કાંઈ તમને કહેવાની જરૂર ન હોય. રોગ, શોક, ગરીબાઈ, વળી પત્નીની સાથે મેળ નહિ, છોકરાં કહ્યા બહાર, મૂરખ, ગમાર.

‘છતાં ઉપાય છે. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુને મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

પાડોશી – શું ઘર છોડીને ચાલ્યા જવું જોઈએ ?

શ્રીરામકૃષ્ણ – સાવ નહિ. જ્યારે વખત મળે, ત્યારે કોઈ એકાંત સ્થળમાં જઈને એક બે દિવસ રહેવું, જેથી સંસાર સાથે કોઈ સંબંધ ન રહે. જ્યાં વિષયી લોકોની સાથે સાંસારિક વિષયો સંબંધી વાતચીત ન કરવી પડે. કાં તો એકાંતવાસ અને કાં તો સાધુસંગ.

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.