માડી, હું જ તારો દીકરો !
બંગાળનાં ગૃહસ્થ ઘરોમાં એક સુંદર રિવાજ છે. બંગાળીઓ સ્ત્રી માત્રને મા કહે છે. માતાને માત સૌ કહે, કાકીને કાકીમા, દાદીને દાદીમા, ફોઈને ફોઈબા, માશીને માશીબા અને બહેનને બહેનબા પણ કહે; પરંતુ બંગાળીઓ તો દીકરીને મા કહે છે અને ઘરની વહુવારુને પણ મા (વહુમા) કહે છે.
આપણા સાધુસંતોએ આ માતૃપદને આથી પણ ઊંચે ચડાવ્યું છે.
સ્વામી વિવેકાનંદ હિંદુધર્મના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મપરિષદમાં હાજરી આપવા અમેરિકા ગયા હતા. ત્યારે તો તેમને કોઈ જ ઓળખતું નહોતું, પણ પહેલા જ પ્રવચનથી તેઓ વિખ્યાત થઈ ગયા અને એમને સાંભળવા માટે, એમનાં દર્શન કરવા માટે લોકો ટોળે વળવા લાગ્યા. એમની વાણી સાંભળી સૌ મુગ્ધ થઈ જતા હતા.
એવામાં એક ધનાઢ્ય ઘરની યુવાન કન્યાએ સ્વામીજી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
યુરોપ અમેરિકાના દેશોમાં લગ્નનો પ્રસ્તાવ સ્ત્રી કદી મૂકે નહિ, પણ આ યુવતીએ મન મારીને એ હિંમત કરી હશે. તેણે બોલી નાખ્યું : ‘મારે તમારા જેવો દીકરો જોઈએ છે.’
સ્વામીજી બિલકુલ વિચલિત થયા નહિ.
તેમણે હસીને કહ્યું : ‘મારા જેવો શા સારુ, મા ? હું જ કેમ નહિ ? હું તારો દીકરો છું, મા, હું તારો જ દીકરો છું.’
બોલતાં બોલતાં એકદમ ઊભા થઈ જઈ સ્વામીજી એ યુવતીને નીચા નમી પગે લાગ્યા ને બોલ્યા : ‘પુત્ર તરીકે મારો સ્વીકાર કરો, માતા !’
યુવતીના ચિત્ત પરથી ધુમ્મસ વિખરાય તેમ સાંસારિક સુખની કલ્પનાનું આખું વાદળું વિખરાઈ ગયું અને તેના ચિત્તમાં ભારતીય સાધુના વિશ્વવિશાળ ઉદાર મનોભાવનું અજવાળું પ્રગટ્્યું.
ખુદીરામ બોઝ
અઢાર વર્ષનો ખુદીરામ બોઝ શાળાનો વિદ્યાર્થી હતો. બોમ્બકાંડમાં એ પકડાયો. પોલીસે એને ભોળવીને એની પાસેથી ગુપ્ત બાતમી કઢાવવા એક રૂપાળી છોકરીને જેલમાં એની પાસે મોકલી. છોકરી એના ચેનચાળા શરૂ કરે તે પહેલાં તો ખુદીરામ એની સામે હાથ જોડી બોલ્યો : ‘તમે ભલે આવ્યાં, મા ! હું નાનપણથી મા વગરનો હતો, હું કેવો નસીબદાર કે આજે મને મરતાં મરતાં મા મળી ! મને એવા આશીર્વાદ આપો, મા, કે હું માતૃભૂમિ કાજે આનંદથી મરું !’
છોકરીની આંખોમાં આંસુ આવી ગયાં. એ તરત પાછી ફરી ગઈ.
‘મા’ શબ્દ આવો પાવનકારી છે.
આ ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ, તો એ વરમાળા પહેરવા જતો હોય એમ ‘સાર્થક જનમ આમાર જન્મેછિ એઈ દેશે !’ (હું આ દેશમાં જનમ્યો એટલે મારો જનમ સાર્થક થઈ ગયો !)
એ રવીન્દ્રનાથનું ગીત ગાતો ગાતો ફાંસીએ ચડવા ચાલ્યો ! એના મોંનો છેલ્લો શબ્દ હતો ‘વંદે માતરમ્ !’ આવા તો ગણ્યા ગણાય નહિ એટલા નવલોહિયાઓએ ‘વંદે માતરમ્’ ના નારા સાથે જિંદગીનું બલિદાન આપ્યું છે.
(‘માતા-મહાતીર્થ’ પુસ્તકના પાના નં. ૧૨૪ અને ૯૬માંથી સાભાર)
Your Content Goes Here