પૂણેના એક વર્તમાનપત્રમાં એક સમાચાર આવ્યા. આઠવર્ષનો એક બાળક પ્રેતાત્માના ઉત્પીડનથી ત્રાસી ગયો. એના ધનવાન પિતાએ આ કષ્ટના નિવારણ માટે ઘણું ધન વાપર્યું પણ પરિણામ શૂન્ય. એવામાં એણે સાંભળ્યું કે નરસોબાવાડીના દત્તાત્રેય મંદિરમાં આવા દુ :ખી લોકોનો ઉપચાર થાય છે. માતપિતા તો બાળકને લઈને ત્યાં ગયાં અને બે મહિના સુધી ત્યાં રહ્યાં. એમણે મંદિરના દેવતાની ઉપાસના અને પ્રાર્થના કરી. અંતે પ્રેતે એ બાળકને હેરાન કરવાનું રહસ્ય આ શબ્દમાં પ્રગટ કર્યું, ‘હું રસ્તા પર ટહેલતો હતો. આ વ્યક્તિએ ગળામાં ફાંસલો નાખીને મને મારી નાખ્યો અને મારી પાસેના ૫૦૦ રૂપિયા છીનવી લીધા હતા. મરણ પછી હું પ્રેત બન્યો. હું છેલ્લા સાત જન્મોથી મારા હત્યારાને શોધતો હતો. અંતે મેં એને પકડી પાડ્યો. હું એને નહીં છોડું.’ પોતાના પુત્ર વિશે ઠીકઠીક પ્રમાણમાં ચિંતિત થઈને પિતાએ કહ્યું, ‘ભાઈ, હું વ્યાજ સાથે તારા પૈસા કહે તે રીતે પાછા આપી દેવા તૈયાર છું.’ આ સાંભળીને પ્રેતે કહ્યું, ‘પણ એણે મને મારી નાખ્યો હતો, હવે હું પણ એને મારી નાખીશ.’ પ્રેતે એ બાળકને છોડ્યો નહીં અને બાળક તરત જ મરી ગયો.

પોતાના હત્યારા સાથે બદલો લેવા કૃતસંકલ્પ એવો એ પ્રેત સાત જન્મો સુધી એ દુ :ખદાયી પ્રેતયોનિમાં પડ્યો રહ્યો. એના હત્યારાને પણ આમેય એના પાપની સજા મળી જ રહેત. પરંતુ માર્યા ગયેલા વ્યક્તિની બદલો લેવાની ભાવનાએ એની પોતાની આધ્યાત્મિક ઉન્નતિ ન થવા દીધી અને તે સાત જન્મો સુધી પ્રેતયોનિમાં જ દુ :ખ ભોગવતો રહ્યો. જેની સાથે તમે ઘૃણાનો ભાવ રાખો છો અંતે તો તમે પોતે પણ એ જ બની જાઓ છો. ભયનો વિચાર જેમ આપણને ભયની ઊંડી ખીણમાં ખેંચી જાય છે તેમ કોઈપણ વ્યક્તિ પ્રત્યે રાખેલો ઘૃણાભાવ આપણને ઘૃણાસ્પદ વ્યક્તિની માનસિક સ્થિતિ સુધી પહોંચાડી દે છે.

મનુષ્ય જે મહાનતમ અને સર્વોત્કૃષ્ટ ભાવની અભિવ્યક્તિ માટે સક્ષમ છે તે છે નિ :સ્વાર્થ પ્રેમ. નિ :સ્વાર્થ પે્રમ સાક્ષાત્ ભગવાનનું રૂપ છે. આ પ્રેમના માધ્યમથી આપણે પોતાની ભીતર રહેલી દિવ્યતાને અભિવ્યક્ત કરી શકીએ છીએ.

પરંતુ, નિ :સ્વાર્થ પ્રેમને ઉન્નત કરવો એ સહજ નથી. એમાં દીર્ઘકાળ સુધી પ્રયત્નો કરવા પડે છે. એમાં કોઈ સંદેહ કે શંકા નથી કે કોઈપણ વ્યક્તિ મોડી-વહેલી પણ આ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. એટલે હતાશ થવાની જરૂર નથી. પ્રયત્ન કરતા રહીએ તો પરિણામ ચોક્કસ શુભ અને સુંદર હશે. અંગ્રેજ કવિ કોલરિજ કહે છે :

નાના મોટા બધા જીવો સાથે સહજ ભાવે જે પ્રેમ કરે,

તેની પ્રાર્થના શ્રેષ્ઠ બને અને આ જ સર્વોત્તમ ભક્તિ બને,

બધાના પ્રિય પ્રભુ પરમાત્મા,

કરે છે આપણને પ્રેમ અપાર,

બધા જીવોના સર્જક છે તેઓ, બધાને કરે છે એ પ્યાર.

પ્રતિયોગિતા-સ્પર્ધા દ્વેષભાવ ઊભો કરે છે

પ્રતિયોગિતાની ખામી કે ઊણપ માટે સમાજશાસ્ત્રી પ્રિટ્રિમ સોરોકિન કહે છે, ‘પ્રતિયોગિતાના નાનામાં નાના રૂપથી માંડીને ગળાકાપ હરીફાઈના રૂપ સુધીના આવિર્ભાવનું કારણ અરસપરસ સહાયરૂપ બનવાને બદલે પરસ્પરના સંઘર્ષ અને પ્રેમના સ્થાને આક્રમકતાના ભાવ ઉત્પન્ન થાય છે. આ ભાવ વ્યક્તિગત અને સામૂહિક કક્ષાએ જોવા મળે છે.’

કોઈપણ સ્પર્ધાનો સ્પર્ધક સ્વભાવત : જીતવા જ ઈચ્છે છે. પોતાના લક્ષ્યમાં સફળ થવા તે દરેક પ્રકારની યોજનાઓ અને તરકીબો અજમાવે છે. તંદુરસ્ત સ્પર્ધા એક સીમા સુધી નિ :સંદેહ સારી છે. પરંતુ ધન અને પદપ્રતિષ્ઠાની પ્રતિસ્પર્ધામાં તેમજ ધારાસભા, લોકસભા જેવી લોકશાહીની સદસ્યતા માટે થતી ચૂંટણીઓમાં તેમજ વ્યવસાયના ક્ષેત્રમાં આ સ્પર્ધા ભયંકર રૂપ ધારણ કરે છે. પ્રતિસ્પર્ધાની આ ભાવના મનુષ્યની ભીતર રહેલ દુષ્પ્રવૃત્તિઓને જન્મ આપે છે. એને લીધે આવી વ્યક્તિ પોતાનો હેતુ સિદ્ધ કરવા શક્તિબળ, છલબલ, લાંચરુશ્વત, ભય જેવા ઉપાયો અજમાવે છે.

ભારતીય સામાજિક પ્રણાલીની વ્યવસાય પર આધારિત જાતિપ્રથા પાશ્ચાત્ય જગતમાં પ્રચલિત વિદ્વેષપૂર્ણ પ્રતિદ્વંદ્વિતા કરતાં વધારે સારી છે. એને સમજવા માટે આપણે પ્રાચીન ભારતનાં ગામડાંના લોકોના જીવનનું અધ્યયન કરવું પડે. અહીં સુથાર, સોની, લુહાર, વાળંદ, ધોબી જેવા લોકો વચ્ચે કોઈ હરીફાઈની ભાવના ન હતી. દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે બીજા પર નિર્ભર હતી. પોતાનાં બાળકોને આજીવિકા માટે સક્ષમ બનાવવા એમના પ્રશિક્ષણ માટે કોઈ ચિંતા પણ ન કરતા. ધંધાની શરૂઆત માટે એમણે ભિન્ન ભિન્ન લોકો પાસે ભિક્ષાપાત્ર લઈને જવું ન પડતું. કોઈ અજનબી વ્યક્તિ એના ધંધા પર કબજો જમાવી દે અને એને વ્યવસાયની બહાર કાઢી મૂકે એવી ચિંતા પણ ન હતી. શું આ પ્રથા કે જે લોકોને સાધારણ શાંતિમય જીવન વિતાવવામાં સમર્થ બનાવતી હતી તે સંઘર્ષ અને દ્વેષભાવને વધારનારી આ પ્રતિયોગિતા પ્રણાલીથી બહેતર ન હતી? અહીં જાતિપ્રથાના પુનરુદ્ધાર માટે કોઈ દલીલ કે વકીલાત કરવાની વાત નથી. અમારું તો એટલું જ કહેવું છે કે એ પ્રાચીન પ્રણાલીમાં ઘૃણા અને વેરભાવ માટે કોઈ સ્થાન ન હતું. આ ઘૃણા અને વેરભાવ હંમેશાં આવી સ્પર્ધાથી ઉત્પન્ન થાય છે. પરંતુ આજે પણ આપણે કોઈ એક ધંધાના એક જાતિમાં રૂપાંતરિત કરવાની સંભાવનાનો ઈનકાર ન કરી શકીએ. જો રેલવેના કર્મચારી પોતાનાં બાળકો માટે રેલવિભાગમાં રોજગારના આરક્ષણની કામના કરે કે ટપાલતાર વિભાગના લોકો પોતાનાં સંતાનોની નોકરીઓના આરક્ષણનો દાવો કરે તો એનાથી આપણને આશ્ચર્ય થશે ખરું? જો આ પ્રવૃત્તિ ચાલુ રહી તો એને પરિણામે એક નવા પ્રકારની જાતિપ્રથા ઊભી થશે. દરજી અને લુહારની જેમ રેલકર્મચારીઓ, તારટપાલ અને ટેલિફોનના કર્મચારીઓ અને એવી જ રીતે બીજા લોકોની જાતિઓ બની જશે. તો પછી શું એવે વખતે એ લોકોએ એકબીજા સાથે ઝઘડવું જોઈએ?

હું તો કેવળ એટલું જ બતાવવા ઈચ્છું છું કે પ્રાચીન જાતિ પ્રથા કઈ રીતે પ્રતિયોગિતાની ભાવનામાંથી ઉત્પન્ન થતાં ઈર્ષ્યા અને ઘૃણાની બુરાઈઓમાંથી બચાવવામાં મદદરૂપ થતી. જો કે આપણા સ્વાધીનતા-સંગ્રામ પછી ચૂંટણી કરાવવાનો આરંભ થયો. એટલે આપણાં ગામડાંમાં લોકોની વચ્ચે મૈત્રીભાવના લુપ્ત થઈ ગઈ. પહેલેથી જ લોકો આવા સિદ્ધાંતો પર ચાલતા હતા ‘આપણી પોતાની જીવનશૈલી છે અને તમારે પણ તમારી પોતાની છે. એટલે જીવો અને જીવવા દો.’ અસંખ્ય રાજનૈતિક નેતાઓ જાહેરસભામાં ‘જાતિપ્રથા સમાપ્ત કરો’ એવી ઘોષણા કરે છે. પરંતુ એમનાં કાર્યો કેવળ જાતિગત ભાવનાઓને જ ઉશ્કેરે છે અને પાળેપોષે છે. તેઓ જાતિય સમીકરણોના આધારે મત મેળવે છે અને સર્વત્ર ઘૃણા અને વેરની આગ ફેલાવે છે. જો તમે કોઈ જાતિ સાથે ઘૃણા કરવા માંડો તો તમે એમની ભીતર રહેલી કોઈ સારી બાબત જોઈ નહીં શકો. તમે તો કેવળ એનાં દોષ, અવગુણ અને ભૂલો જ બતાવતા રહેશો. આ બધું તમે તમારા ભૂતકાળમાં જોયું ન હતું. પોતાની જાતને આ પૂર્વગ્રહમાંથી મુક્ત કર્યા વિના આપણે કંઈ પણ પ્રાપ્ત ન કરી શકીએ.

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.