તારીખ ૧૨-૦૧-૧૮૬૩ ના દિવસે ભારતના આ મહાન તેજસ્વી સંન્યાસી (નરેન્દ્રનાથ) નો જન્મ કોલકાતામાં થયો હતો.

સ્વામી નિર્વેદાનંદે શ્રી રામકૃષ્ણ પરમહંસને હિંદુ ધર્મની ગંગા કહ્યા છે, જે વૈયક્તિક સમાધિના સ્વરૂપમાં હતી, વિવેકાનંદે આ દેવસરિતાને શ્રી રામકૃષ્ણ પરમહંસજીની વૈયક્તિક સમાધિમાંથી બહાર કાઢી સમગ્ર વિશ્વમાં વહેવડાવી.

દેઈં આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, અવ્યવસ્થામાં ગિરફતાર થયેલા આપણે આપણા રાષ્ટ્ર વિધાયકોને પૂરાં મન-હૃદયથી યાદ પણ કરી શકતા નથી જે રાષ્ટ્ર માટે વિધાતક પણ પૂરવાર થઈ શકે.

અહીં પૂજ્ય સ્વામીજીને ભાવભરી વંદના સાથે તેમના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂજ્ય સ્વામીજીનું જીવનકાર્ય વિશેષ સંકલન કરી લખી રહ્યો છું.

નરેન્દ્રનાથનું શરીર હૃષ્ટપુષ્ટ હતું, તેઓને કુસ્તી, બોક્સીંગ, દોડ, ઘોડેસવારી અને તરણ પ્રત્યે લગાવ હતો અને આ સર્વેમાં નિપુણ પણ હતા. સંગીતમાં પણ તેઓ નિપુણ હતા. તબલાવાદનમાં કુશળ હતા. યુરોપની સભ્યતાની એ બાજુ જે હંમેશાં શોધ અને સતત સાતત્યમાં પ્રવૃત્ત રહેતી હતી તેનાથી તેઓ આકર્ષિત થયા હતા.

શ્રી રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્રનાથનું મિલન શ્રદ્ધા અને બુદ્ધિનું મિલન હતું, અધ્યાત્મવાદ અને બુદ્ધિવાદનું મિલન હતું. શ્રી રામકૃષ્ણ પરમહંસે પોતાની સાધનાનું તેજ, સામર્થ્ય અને પોતાની અદૃશ્યદર્શિની દૃષ્ટિ નરેન્દ્રનાથમાં ઉતારી.

સદીઓથી આ વિશાળ ઉપખંડ, સમાજ, દેશ દીનતા અને હીનતાનો શિકાર હતો.

દીર્ઘ સમયથી દેશમાં નિવૃત્તિનાં ભયાનક દુષ્પરિણામો લાવનારી ધ્વનિ ઊઠતી રહી.

આ સમય દરમ્યાન એવા એક પણ સુધારક ન નીકળ્યા કે જે સમાજને સ્પષ્ટપણે બતાવે કે ફટકારે કે નિવૃત્તિની અતિશયતા મનુષ્યને કાયર અને દરિદ્ર બનાવી દે છે.

પરિણામે દેશવાસીઓને એ વાતનો અહેસાસ પણ ન આવ્યો કે આપણો દેશ પરાધીન છે અને પ્રતિદિન નિર્ધનતા તરફ ઘસડાઈ રહ્યો છે.

જ્યારે વિવેકાનંદજીનું અવતરણ થયું ત્યારે ભારતવાસીઓમાં આત્મગૌરવ, પોતાની સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરાના યોગ્ય અને જવાબદાર વારસદારો બને એ એક ભગીરથ કાર્ય તેમની સમક્ષ હતું.

વિવેકાનંદજીનો માત્ર ૩૯ વર્ષની ઉંમરે દેહાન્ત થયો પણ આટલી ઓછી ઉંમરના સમયગાળામાં આ ભગીરથ કાર્ય તેમણે સિદ્ધ કર્યું. ભારતવાસીઓમાં આત્મગૌરવ, આત્મ સન્માન પ્રગટાવ્યાં.

સમગ્ર રાષ્ટ્રમાં એક અદ્‌ભુત ચેતનાનો સંચાર થયો. પૂજ્ય સ્વામીજી કહેતા ‘આવનારા પ૦ વર્ષ સુધી ભારતમાતા સિવાય આપણે કોઈનું ધ્યાન ધરવાનું નથી. આ વિરાટ દેવતા આપણી સામે પ્રત્યક્ષ છે, એને છોડીને આપણે કયા દેવતાની પૂજા કરીશું ?’

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, ‘જે કોઈ ભારતને સમજવા-જાણવા ઈચ્છતા હોય તેમણે વિવેકાનંદજીને સમજવા-જાણવા જોઈએ.’

મહર્ષિ અરવિંદજી કહે છે, ‘પશ્ચિમી જગતમાં વિવેકાનંદજીને જે સફળતા મળી છે એ, એ બાબતનું પ્રમાણ છે કે ભારત વિશ્વ-વિજય કરીને જંપશે.’

ભારતમાતાના આવા જ એક તેજસ્વી પુત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝે લખ્યું છે, ‘સ્વામી વિવેકાનંદજીનો ધર્મ રાષ્ટ્રિયતાને ઉત્તેજન આપવાવાળો ધર્મ છે.’

નવી પેઢીમાં એમણે ભારતમાતા પ્રત્યે ભક્તિ પ્રેરી. એમણે ભૂતકાળ માટે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જગાડી. એમના ઉદ્ગારોથી લોકોમાં આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના ભાવો જન્મ્યા છે.

જે જે લોકો સ્વામીજીના સંપર્કમાં આવ્યા કે એમની રચનાઓના સંપર્કમાં આવ્યા, એમનામાં દેશભક્તિ અને રાજનૈતિક માનસિકતા આપોઆપ પ્રગટ થઈ.’

સ્વામીજીની વાણીએ હિંદુઓમાં એ વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે એમણે કોઈ પાસે મસ્તક ઝુકાવવાની કે લજ્જિત થવાની જરૂર નથી. આ રીતે ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાનો પ્રથમ આવિર્ભાવ થયો.

રાજનૈતિક રાષ્ટ્રિયતા પછીથી જન્મી છે. આ સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદજી છે.

શિકાગો સંમેલન (૧૮૯૩) માં સ્વામીજીએ જે જ્ઞાન, ઉદારતા, વિવેક અને વક્તવ્યનો પરિચય આપ્યો તેનાથી ત્યાંના બધા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પ્રથમ દિવસથી જ તેઓ સ્વામીજીના ભક્ત બની ગયા હતા.

સવારની બેઠકમાં જ સ્વામીજીનું નામ બોલાયું હતું. ‘હમણાં નહીં’, એમ કહીને સવારની બેઠક તો એમ ને એમ જવા દીધી. આખરે બપોર પછીની બેઠકમાં બોલવા સ્વામીજી ઊભા થયા.

પરંતુ પછીના દિવસોમાં જે દશ-બાર વ્યાખ્યાનો તેમણે આપ્યાં એ પણ સભાના અંતમાં જ આપ્યાં હતાં. પરંતુ આનું કારણ અલગ જ હતું. સમગ્ર શ્રોતાગણ એમનું વ્યાખ્યાન સાંભળવા માટે જ સભામાં છેક સુધી બેઠા રહેતો હતો. ‘ન્યુયોર્ક હેરલ્ડે’ લખ્યું હતું કે ‘ધર્મપરિષદમાં સૌથી મહાન વ્યક્તિ વિવેકાનંદ છે.’

સદીઓથી નિવૃત્તિની વિષમ જંજીરોમાંથી મુક્ત કરવા માટે, ભારતવાસીઓને પ્રવૃતિના કર્મ-માર્ગ પર લાવવા સ્વામીજીએ પ્રચંડ પુરૂષાર્થ કર્યો.

સ્વામીજીએ ગર્જના કરતાં કહ્યું, ‘મારા જીવનનો પરમ ધ્યેય એ ઈશ્વર વિરુદ્ધ સંઘર્ષ કરવાનો છે, જે પરલોકમાં આનંદ દેવાના બહાને આ લોકમાં મને રોટીથી વંચિત રાખે છે.

જે વિધવાનાં આંસુ લૂછવા અસમર્થ છે, જે મા-બાપ વિહોણાં બાળકોના મુખમાં રોટીના ટુકડા નથી આપી શકતા.’

કેસ્ટા નામના એક સંથાલને ભોજન કરાવીને એમણે કહ્યું હતું કે તું સાક્ષાત્ નારાયણ છો. આજે મને સંતોષ છે કે ભગવાને મારી સમક્ષ ભોજન કર્યું.’

પૂજ્ય સ્વામીજીએ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની જે સેવા કરી છે, એનું મૂલ્ય ચૂકવી શકાય એમ નથી. એમના ઉપદેશોથી ભારતવાસીઓએ અનુભવ્યું કે આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રાણવાન અને આજે પણ વિશ્વનું કલ્યાણ કરવાવાળી છે.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.