આજે લગભગ ૧૭૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આર્વિભાવને. એક મહાન જીવન. પશ્ચિમ બંગાળના નાના એવા કામારપુકુર ગામમાં તેમનો જન્મ. અવતાર જ્યારે આવે ત્યારે કેટલાય સાધકોની સાધનાને વેગ મળે. કેટલી બધી નવી સાધનાઓ પણ વહે ! અને આ બહુસાધકોની સાધનાની ધારામાં બહુમાનવો ડૂબકી લગાવીને ધન્ય થઈ જાય. શ્રીઠાકુરનું અલૌકિક જીવન અને અતિઉચ્ચ ભાવ આદર્શ સાધારણ મનુષ્યની બુદ્ધિને અગમ્ય અને તેથી આજે પણ સાધારણ ભક્તો, સાધકો પાસે તેઓ એક અણઓળખીતું ઝાડ. કોઈએ આ ઝાડને ઓળખ્યુ નહીં. કારણ કે આજના પાશ્ચાત્ય ભોગવાદમય સંસ્કૃતિના માણસોને આવું અતિઉચ્ચ જીવન સમજવું બહુ જ કઠણ. તેમણે આવીને સાધારણ રીતે જે ધર્મ કહેવાતો તેની વ્યાખ્યા જ બદલાવી નાખી. ભગવાન એ કેવળ પૂજાપદ્ધતિ, મંદિર, શાસ્ત્રમાં સીમિત નથી, તેને જોઈ શકાય છે અને તેની સાથે સ્પષ્ટ વાત થઈ શકે છે. તેમણે જ્યારે નરેન્દ્રનાથને આ કહ્યું ત્યારે જ ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ અને તેથી જ નરેન્દ્રનાથને તેમણે કહ્યું, ‘ભલા, ઈશ્વર માટે કોણ રડે છે ?’ પોતાનાં સ્વજનો, સંપત્તિ માટે ઘડા ઘડા આંસુઓ સારતો માનવ ઈશ્વરની વ્યાકુળતા પ્રાપ્ત કરતો નથી, ઈશ્વર માટે રોતો નથી. ઈશ્વર માટે વ્યાકુળ થઈને રોવાથી ત્રણ દિવસમાં ઈશ્વર પ્રાપ્તિ. કેટલું સચોટ પરિણામ. પણ સંસારની વિટંબણામાં ફસાયેલો માણસ આ વિચાર જ કરી શકતો નથી. ઈશ્વર એ જાણવાની નહીં, પામવાની વસ્તુ છે, એવું તેમણે સિદ્ધ કરી બતાવ્યું. તેમના માટે પથ્થરની મૂર્તિ જીવંત-સાક્ષાત્ છે, શ્વાસ લેતી જુએ છે. આની પાછળ શ્રીઠાકુરની સાધનાની જીવંતતા જોવા મળે છે. તેમનું અભૂતપૂર્વ તપસ્યાનું જીવન. સાધારણ મનુષ્ય આવી ભયંકર તપસ્યા, સાધના કરી જ ન શકે. દિવસના અંતે જ્યારે સૂર્ય અસ્તાચળે જતો ત્યારે ગંગાજીના કિનારે તેમનું વ્યાકુળ ક્રંદન પ્રતિધ્વનિત થતું, ‘મા, બીજો એક દિવસ ચાલ્યો ગયો, આજ પણ તારાં દર્શન ન થયાં !’ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્યે કેવી સાધના કરવી જોઈએ તે તેઓ સાક્ષાત્ દેખાડી ગયા. સુદીર્ઘ ૧૨ વર્ષ એકતાનમાં દક્ષિણેશ્વરમાં સાધના કરી. જુદા જુદા ભાવે, જુદા જુદા પથે. ભૂતકાળમાં આવી સાધના કોઈએ કરી હોય એવું જાણવામાં નથી આવતું. કદાચ ભાવિના પડમાં પણ કોઈ સાધક કરશે તેવી શક્યતા નથી. દક્ષિણેશ્વરમાં ભવતારિણીનું મંદિર, ગંગાતીર, પંચવટી, ઝાઉતલા, બેલતલા જેવાં સ્થળો આજે પણ સાક્ષાત્ છે કે જેઓએ એક મનુષ્યને ઈશ્વર થતો જોયો છે. જેવી રીતે શિશિર ઋતુમાં ધીમેથી પણ સચોટ રીતે પડતાં ઝાકળનાં બિંદુઓની જેમ તેમની આ શાંત અને સૌમ્ય સાધના, સૌના અગોચરમાં આદરેલી અને આ સાધનાનો પડઘો સ્વામીજીએ રચેલા આ શ્લોકમાં પડે છે.

प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधिं मथित्वा
दतं यस्य प्रकरणे हरिहरब्रह्मादिदेवैर्बलम्।

पूर्णं यत्तु प्राणसारैर्भौमनारापणानां
रामकृष्णस्तनुं धत्त्ो तत्वपूर्णपात्रमिदं भोः।।

‘વેદ રૂ૫ અમૃતભંડાર મન્થન કરીને જે મળેલું છે, બ્રહ્મા-મહાદેવ પ્રમુખ દેવગણોએ જેનાથી શક્તિસંચાર કરેલ છે, અવતારગણોના પ્રાણરસથી પરિપૂર્ણ, એ અમૃતના પૂર્ણપાત્રરૂપે શ્રીરામકૃષ્ણે દેહ ધારણ કરેલ છે.’

આ શ્લોકના અર્થથી સમજી શકાય છે કે શ્રીરામકૃષ્ણદેવ શું હતા. તેમના જીવનમાં દ્વૈત અને અદ્વેત બન્નેની એક સાથે પૂર્ણ અનુભૂતિ થયેલ. નિરાકાર અને સાકારની બન્નેની સાધનાની પૂર્ણ અનુભૂતિ. સાકાર સ્વરૂપ દક્ષિણેશ્વરનાં મા કાલીની સાધના કરતાં કરતાં પ્રથમ દર્શન તો નિરાકાર નિરામય જ્યોતિ જ. આ જ્યોતિથી જ જાણે માના મંદિરમાં ઉજાસ થયું. બધું જ ઢંકાઈ ગયું અને આ જ દર્શન પરવર્તી જીવનમાં તેમને શ્રીમા કાલીના સાકાર વિગ્રહમાં થયેલ. તેઓ કહેતા ‘તેમને માએ બતાડી આપ્યું કે ‘એક જ છે, બે નથી.’ સચ્ચિદાનંદ વિવિધ રૂપોમાં ડોકિયાં કરે છે. તેઓ જ જીવ, જગત સઘળું થયા છે,’ જેમ ઈશોપનિષદ ઘોષણા કરે છે. ‘ઈશા વાસ્યમિદમ્ સર્વમ્’ તેમણે સાક્ષાત્ ઉપલબ્ધિ કરી. વ્યક્ત જગત અવ્યક્તનો જ પ્રકાશમાત્ર. સ્વામી વિવેકાનંદ એકવાર શ્રીઠાકુરની વાત ‘કે લોટો-વાટકી બધું જ ઈશ્વર’ સાંભળીને હસ્યા હતા. તેમને પણ શ્રીઠાકુરે રમત માત્રમાં બધું જ દેખાડી દીધું અને પાછળથી અલમોડામાં પણ સ્વામીજીને આ ઉપલબ્ધિ થયેલ અને તેમણે કહેલું કે ‘હું બહુ સાધનાને અંતે સમજી શક્યો છું કે, દરેક જીવમાં તેઓ જ એટલે કે ઈશ્વર અધિષ્ઠાનરૂપે રહેલા છે.’

શ્રીઠાકુરને જોઈને જ થાય કે તેઓ મનુષ્યદેહમાં સંતાયેલા દેવતા. આપણને સહેજે જાણવાની ઇચ્છા થાય કે શા માટે તેઓ આ ધરાધામમાં અવતીર્ણ થાય છે. શુદ્ધ હૃદય, ત્યાગી તપસ્વીઓની અનુભૂતિઓમાં જ તેમના આવવાનું કારણ સમજાય છે. શ્રીઠાકુરનું આવવાનું કારણ? ‘પ્રણયગલિત ચિત્તમ્ જીવદુ :ખાસહિષ્ણુ’ સંસારમાં તપેલા, દગ્ધ થયેલા કરોડો જીવોનાં દુ :ખથી દ્રવિભૂત થઈને માનવ ખોળિયામાં આવ્યા અને તેથી જ તો જ્યારે મથુરાનાથ વિશ્વાસ તેમને કાશીની યાત્રામાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં શ્રી વૈધનાથ ધામ દેવઘરમાં હતભાગી દરિદ્રોને જોઈને અત્યંત વિચલિત થઈ ગયા અને તેમની વચ્ચે બેસી ગયા અને મથુરબાબુને કહ્યું, ‘હું કાશી નહી જાઉં. હું આ લોકો સાથે જ રહીશ.’ અને મથુરબાબુને કહ્યું, ‘આ બધાંને કપડાં, તેલ, ખાવાનું આપ.’ શ્રી વિશ્વનાથની કાશી બાજુમાં રહી ગઈ ! કેવી કરુણા ! સાધારણ લુહારણ ધનીની અત્યંત આજીજીથી સમાજની ટેક ભાંગીને એક લુહારણ પાસે ભિક્ષા લીધી. જેઓ અત્યંત સરળ હૃદયના હતા તેમના માટે તેઓ આવેલ. ચિનુ શાંખારી એક સાધારણ શંખની બંગડી બનાવનાર કે જે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકતો ન હતો, તેના ઘેર ગદાધર શ્રીઠાકુર નિત્ય જતા. તેના હાથથી મીઠાઈ આરોગી, ચિનુની પુષ્પમાળા પહેરી. ચિનુએ પ્રથમ તેમને અવતાર તરીકે પૂજ્યા. ચિનુ જેવો સાધારણ માનવ તેમાં તેના ઈષ્ટનો પ્રકાશ જોઈ શકયો. અક્ષયકુમાર સેને રામકૃષ્ણ પુરાણમાં લખ્યું છે કે, ‘શ્રીઠાકુર ચિનુને મોટાભાઈ કહેતા. તેમના મત મુજબ ચિનુ બલરામના અવતાર હતા. અધ્યાત્મ રાજ્યમાં તેમની અતિ ઉચ્ચ અવસ્થા, મુર્હુમુર્હુ સમાધિ છતાં તેઓ અજબ સરળતા ધરાવતા હતા. શ્રીઠાકુર એકવાર બ્રાહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોરને મળવા જવાના હતા. વારંવાર તેઓ પૂછવા લાગ્યા, ‘અરે ! મારા કોટનાં બધાં બટન લગાવેલાં છે તો ? એ લોકો કંઈ કહેશે નહિ તો ?’ ત્યારના જમાનામાં, ખાસ તો પશ્ચિમના અનુકરણનો વાયરો હતો. બધા બ્રાહ્મો ફીટફાટ રહેતા હતા. ત્યાં કોટનાં બટન ખુલ્લાં રાખીને જવું એ અસભ્ય ગણાતું. તેથી શ્રીઠાકુર આ પૂછતા હતા. કેટલી સરળતા.

પોતાની પત્નીની ષોડષીરૂપે પૂજા કરી. સર્વસ્વ તેમનાં ચરણે અર્પી દીધું. તેમની જપમાળા, જપ ફળ. કારણ કે તેઓ અલૌકિક રૂપે જાણતા કે શ્રીમા એ સાક્ષાત ઈશ્વરી છે અને તેમનું બાકીનું કામ તેઓ જ પૂરું કરવાનાં છે અને તેથી જ તો એક વાર જ્યારે યોગીનમા ગંગાને કિનારે ધ્યાનમાં હતાં, ત્યારે શ્રીઠાકુરે ત્યાં ઉપસ્થિત થઈને કહ્યું, ‘એને (સારદાને) અને આને (પોતાને દેખાડીને) એક સમજવા.

શ્રીઠાકુરે વળી પોતે ઘોષણા કરી કે નરેન્દ્ર અને તેઓ એક છે. એકવાર દક્ષિણેશ્વરમાં નરેન્દ્રના ખોળે બેસીને કહ્યું, ‘જોઉં છું કે, આ પણ હું અને તે (નરેન) પણ હું. ખરેખર કહું છું, તફાવત જોઈ શકતો નથી. જેમ ગંગાના પાણી પર લાકડી મૂકવાથી થયેલ પાણીના બે ભાગ.

આમ શ્રીરામકૃષ્ણનું અત્યંત અલૌકિક જીવન આપણી બુદ્ધિની બહાર, સમજવું બહુ જ કઠિન.

શ્રીઠાકુરે પોતાની છબિની પોતે જ એકવાર દક્ષિણેશ્વરમાં પૂજા કરેલ અને કહેલ કે ‘આ છબિ એ અત્યંત ઉચ્ચ અવસ્થા, ધ્યાનસિધ્ધ સમાધિની છે અને તે ઘેર ઘેર પૂજાશે. આજે એ કેટલું સત્ય છે.

સપ્તઋષિઓમાંથી આવેલ એક મહાન ઋષિ, સ્વામી વિવેકાનંદ ગંભીરતાથી કહેતા, ‘He Lived that great Life ; and I read the meaning. તેઓ એક મહાન જીવન જીવી ગયા છે અને તેનો ઊંડો અર્થ હું સમજ્યો છું.’ સ્વામીજીએ કહ્યું, His life is the living commentary of the Vedas for all the Nation. તેમણે આલાસિંગાને લખ્યું, ‘જે દિવસે શ્રીરામકૃષ્ણ જન્મ્યા છે તે દિવસથી જ વર્તમાન ભારતમાં સત્ય યુગનો આવિર્ભાવ થયો છે અને આ સત્યયુગને તમે બધા ઉદ્ઘાટિત કરો અને આ વિશ્વાસ તમારા કાર્યક્ષેત્રમાં ઊતરે.’

શ્રીરામકૃષ્ણનું જીવન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતું, વિશ્વજનીન હતું. સ્વામીજીએ તેમના દ્વારા પ્રચારિત થયેલ ભાવધારાને ‘નવયુગ ધર્મ’ કહેલો છે. શ્રીઠાકુરના પાર્ષદ સ્વામી શિવાનંદે એકવાર બેલુર મઠમાં કહ્યું, ‘હવે જેમ જેમ દિવસો જાય છે તેટલું હું સમજી શકુ છું, કે તેમણે જુદા જુદા પથે કેમ સાધના કરી ? બધા ધર્મો સત્ય છે અને બધા જ ધર્મો દ્વારા એ જ પરમ કરુણામય ઈશ્વરને લાભ કરી શકાય છે. તેઓ કહેતા, શ્રીઠાકુરના આહ્‌વાનથી મહામાયા બ્રહ્મકુંડલિની જાગૃત થઈ છે.’ વ્યક્તિગત કુંડલિની તો જાગશે જ. અને એ જ આદ્યાશક્તિ જગતના કલ્યાણને માટે શ્રીઠાકુરના દેહનો આશ્રય કરીને લીલા કરે છે. હવે ચિંતા શાની ?

અને આ મહાઆર્તિભાવ સંબંધે સ્વામીજી કહેતા, ‘મહાન- Spiritual tidal wave આવ્યું છે, નીચ વ્યક્તિ મહાન થઈ જશે, મૂર્ખ મહાપંડિતના ગુરુ થઈ જશે, તેમની જ કૃપાથી ! ઊભા થાઓ, મહાન તરંગ તરંગાયિત થાય છે. Onward, Onward, પુરુષ-સ્ત્રી, આ ચંડાલ બધા જ પવિત્ર થઈ જશે ! આગળ વધો, આગળ વધો.’ એમણે જ ૧૮૯૮માં બેલુર મઠની ભૂમિ પર શ્રીઠાકુરના આત્મારામ (અસ્થિકળશ) ની પૂજા કરેલ અને સ્થાપના કરેલ ત્યારે સ્વામીજીએ શિષ્યોને કહેલ કે ‘શ્રીઠાકુરની ઇચ્છાથી જ તેમનું ધર્મક્ષેત્ર પ્રતિષ્ઠિત થયું છે. મારા મનમાં શું ઇચ્છા છે તે જાણો છો ? આ મઠ (રામકૃષ્ણ મઠ) વિદ્યા-શાસ્ત્ર ચર્ચા અને સાધનાનું કેન્દ્ર થશે. તારા જેવા ધાર્મિક ગૃહસ્થો તેની ચારેય બાજુ જમીન લઈને ઘર બનાવી રહેશે અને વચ્ચે ત્યાગી સંન્યાસીઓ રહેશે અને આ મઠની દક્ષિણની જમીન ઉપર ઈંગ્લેન્ડ અને અમેરિકાના ભક્તોને રહેવાનું ઘર થશે. તેમના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ કહ્યું, ‘સ્વામીજી તમારી કલ્પના અદ્‌ભુત છે.’ ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘અરે ! કલ્પના શું ? સમયે બધું સાચું થશે જ.’ અને આ જ રામકૃષ્ણ-શક્તિનો અભ્યુદય જેને આપણે અત્યારે જોઈ શકીએ છીએ. સ્વામીજી કહેતા, ‘આખા જગતને ઘેરી વળશે, માનવોની જીવનગતિને બદલાવી દેશે.’

અને આ જ છે સ્વામીજીનું રામકૃષ્ણરૂપી Spiritual tidal wave.

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.