(ગતાંક થી આગળ)

શ્રી ‘મ’એ સ્વામી વિવેકાનંદને લગતા કેટલાક રસપ્રદ ઘટના પ્રસંગો યાદ કરતાં કહ્યું હતું :

હમણાં હમણાં ઘણા ગુરુઓ પોતાના શિષ્યોને ત્યાગના પથનો ઉપદેશ આપતા નથી. એને બદલે તેઓ તેમને વધુ પૈસા રળવા પ્રોત્સાહિત કરે છે. શ્રીઠાકુરને આવા નિરર્થક ગુરુની જરાય પડી ન હતી. એક દિવસ સ્વામીજી શ્રીઠાકુર પાસે પોતાના વાળ સરસ રીતે કપાવીને ગોઠવીને આવ્યા હતા. શ્રીઠાકુરે એમના વાળ વીખીને કહ્યું, ‘બેટા! આપણે આ દુનિયામાં મોજમજા કરવા આવ્યા નથી.’

સ્વામીજી ખરેખર એક મહાન આત્મા હતા. જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેઓ ક્યારેય થિયેટરમાં ફિલ્મ કે નાટક જોવા ગયા ન હતા. ઠાકુરને મળ્યા પછી તેમણે ગિરીશ ઘોષનાં ‘ચૈતન્યલીલા’, ‘બિલ્વમંગલ’ અને બીજાં કેટલાંક નાટકો જોયાં હતાં. સ્વામીજીની ઈશ્વર માટેની ઝંખના વિલક્ષણ પ્રકારની હતી. એક દિવસ તેઓ કોલકાતાથી આખે રસ્તે રડતાં રડતાં કાશીપુર આવ્યા. તેઓ પોતાના દેહભાનને એટલું બધું ભૂલી ગયા કે રસ્તામાં એમને પોતાનાં સેંડલ્સ પણ ખોઈ નાખ્યાં. શ્રીઠાકુરે એમને પૂછ્યું, ‘શું તું કાયદાની પરીક્ષામાં બેસવાનો નથી?’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘મહાશય, જો હું જે કાંઈ શીખ્યો છું, તે બધું ભૂલી જાઉં તો મારા મનને નિરાંત વળશે.’

શ્રીઠાકુરે સ્વામીજીને બે વખત ઠપકો આપ્યો હતો. પ્રથમ વખત દક્ષિણેશ્વરમાં અને બીજી વખત કાશીપુરમાં. જ્યારે સ્વામીજીએ પ્રથમ વખત દક્ષિણેશ્વરની મુલાકાત લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ અવારનવાર મા કાલીની નિંદા કરતા. અંતે શ્રીઠાકુરે ઠપકાથી અને ગંભીરતાથી કહ્યું, ‘અહીં હવે તું આવતો નહીં’. આવો ઠપકો મળવા છતાં પણ સ્વામીજી જરાય ઉદ્વિગ્ન ન થયા. તેમણે તો તરત જ ઠાકુર માટે હુક્કો તૈયાર કરવાનું શરૂ કર્યું. પછીથી કાશીપુરમાં જ્યારે સ્વામીજીએ તંત્રના દૃષ્ટિકોણ વિશે કંઈક કહ્યું ત્યારે શ્રીઠાકુરે એમને ઠપકો આપતાં કહ્યું, ‘જે લોકો એ ગૂઢ સાધના ધર્મને નામે કરે છે, તેઓ અવળે માર્ગે ચડી જાય છે એ મેં જોયું છે.’

સ્થિરધીર થઈએ ત્યારે ઈશ્વર જે કંઈ આપે તે પ્રસાદ છે. કોઈ પણ વ્યક્તિએ પ્રસાદને પ્રેમ અને આદરથી સ્વીકારવો જોઈએ. એનાથી આપણે ઈશ્વર સાથે જોડાઈએ છીએ. તે આપણા અચેતનમન પર પ્રભાવ પાડે છે અને મનને પવિત્ર પણ કરે છે. કોઈ પણ વ્યક્તિને કોઈ ચોક્કસ ભોજન ખાવાની ઇચ્છા થાય ત્યારે એમાંથી મુક્તિ મેળવવા એ ભોજન ઈશ્વરને સમર્પિત કરી દેવું અને પછી જ ખાવું. એને લીધે આવી હઠીલી ઇચ્છા દૂર થઈ જશે. શ્રીઠાકુર પ્રસાદને ઉચ્ચ આગ્રહથી લેતા. તેઓ કહેતા, ‘ભગવાન જગન્નાથનો પ્રસાદ, ગંગાજળ અને વૃંદાવનની માટી બ્રહ્મરૂપ છે.’ તેઓ જગન્નાથના પ્રસાદરૂપે સૂકાભાતનો એક કણ દરરોજ લેતા અને એમના ભક્તોને પણ એમ કરવા સલાહ આપતા. એક વખત તેમણે આવો પ્રસાદ સ્વામીજીને આપ્યો પરંતુ એમણે લેવાની ના પાડી. સ્વામીજીએ કહ્યું આ તો માત્ર સૂકાભાતના ટુકડા છે. એનાથી શું ભલું થઈ જવાનું ?’ શ્રીઠાકુરે જવાબ આપ્યો, ‘તું કોઈપણ વસ્તુના ઔષધીય તત્ત્વમાં માને છે ખરો, જેમ કે અફીણ બંધકોષ કરે છે અને ત્રિફળા રેચક છે ? પ્રસાદ પણ એવો જ છે. તે ભક્તિ અને શ્રદ્ધામાં વૃદ્ધિ કરે છે.’ વધારે દલીલ કર્યા વિના સ્વામીજીએ એ પ્રસાદ લીધો.

એક વખત શ્રીઠાકુરે નરેન્દ્રને (સ્વામી વિવેકાનંદ) વેદાંત શીખવ્યું. શ્રીઠાકુરે કહ્યું, ‘પાણીના દસ પ્યાલા ભર્યા છે અને તેના પર સૂર્ય પ્રતિબિંબિત થાય છે. તને કેટલા સૂર્ય દેખાય છે ?’

નરેન્દ્ર, ‘દસ પ્રતિબિંબિત સૂર્ય અને એક સાચો સૂર્ય.’
શ્રીઠાકુર, ‘સારું, એમાંથી એક પ્યાલો તૂટેલો છે તો કેટલા સૂર્ય બાકી રહેશે ?’

નરેન્દ્ર, ‘નવ પ્રતિબિંબિત સૂર્ય અને એક સાચો સૂર્ય.’
શ્રીઠાકુર, ‘જો દસમાંથી નવ પ્યાલા તૂટેલા હોય તો કેટલા સૂર્ય બાકી રહેશે ?’

નરેન્દ્ર, ‘એક પ્રતિબિંબિત સૂર્ય અને એક સાચો સૂર્ય.’
શ્રીઠાકુર, ‘જો આ પ્યાલો તૂટેલો હોય તો તને કેટલા સૂર્ય દેખાશે?’

નરેન્દ્ર, ‘એક સાચો સૂર્ય.’
શ્રીઠાકુર, ‘ના, એ સાચું નથી. પછી બાકી કેટલા રહે છે, એ કોણ કહી શકે ? જે વ્યક્તિ આ કહી શકે છે તે તો ત્યાં નથી.’

આ કારણે શ્રીઠાકુરે વિદ્યાસાગરને કહ્યું હતું, ‘બ્રહ્મ સિવાય સર્વ કંઈ દૂષિત છે. બ્રહ્મને કોઈપણ વ્યક્તિ વાણીમાં વ્યક્ત ન કરી શકે.’

મહાન પુષ્પને પૂરેપૂરું ખીલવામાં સમય લાગે છે. નરેન્દ્ર તો સહસ્રદલ કમળ જેવા હતા. આવું પુષ્પ ખીલવામાં ઘણો લાંબો સમય લે છે પણ તે ઘણા દિવસો સુધી ટકી રહે છે. બીજાં ફૂલો ખીલે છે અને બીજે જ દિવસે કરમાઈ જાય છે. અરે ! સ્વામીજીએ પોતાના જીવનમાં કેટકેટલા આઘાત સહ્યા હતા ! તેમના પિતાનું મૃત્યુ થયું અને હવે પોતાના કુટુંબની ટેકણ લાકડી બનવા તેની જરૂર હતી. તેના પિતા પોતે કમાતા હતા તેના કરતાં વધારે ખર્ચી નાખતા અને તેથી કુટુંબ કરજમાં ડૂબી ગયું. મેં વિદ્યાસાગરને નરેન્દ્રને કંઈક કામ આપવા કહ્યું. તેમણે નરેન્દ્રને બૌ-બાજાર શાળાના આચાર્ય તરીકે નીમ્યો પણ એક જ મહિનામાં તેણે આ નોકરી ગુમાવી. એ શાળાનાં સચિવરૂપે વિદ્યાસાગરના જમાઈ હતા. તેમનું નરેન્દ્ર સાથે લાંબો સમય ચાલ્યું નહીં. તેમણે નરેન્દ્રને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ નિવડ્યા. પછી તેમણે એક યુક્તિ રચી. તેમણે ખાનગીમાં ઉચ્ચકક્ષામાં ભણતા વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા કે શાળાના આચાર્ય નબળા શિક્ષક છે. વિદ્યાસાગરે પછી મને આ વાત કરી અને નરેન્દ્રને ઘણો ઠપકો આપ્યો. આને લીધે મને લાગ્યું કે જાણે મારા માથે કોઈ વીજળી ન ખાબકી હોય ! નરેન્દ્રને આ સમાચાર કેમ આપવા એની હું મૂંઝવણમાં પડ્યો. આમ છતાં પણ જ્યારે મેં તેને આ વિશે માહિતી આપી ત્યારે તેણે તેનો વિરોધ ન કર્યો. તેને આશ્ચર્ય થયું અને કહ્યું, ‘વિદ્યાર્થીઓએ આવી વાત કરી છે ! મેં સખત પુરુષાર્થ કર્યો છે અને વર્ગને તૈયાર કર્યો છે. તેમને મેં શીખવ્યું છે.’ તેણે પોતાનો બચાવ ન કર્યો અને કોઈને એના માટે દોષિત પણ ન ગણ્યા. મેં તેના નિર્મળ વલણને જોયું એટલે જ મને લાગ્યું કે નરેન્દ્ર એક ઉત્તમ અને ઉમદા આત્મા છે. એ વ્યક્તિ કે જે વિશ્વનો એક મહાન શિક્ષક બનવાનો હતો તે શાળાના વિદ્યાર્થીઓને ન શીખવી શકે, તે માનવું મારા માટે કઠિન હતું ! શ્રીઠાકુર એમને મહાનાયક બનાવવા ઈચ્છતા હતા. એટલે જ એમણે તેને આવી કઠિન કસોટીઓમાંથી પસાર કર્યો હતો.

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.