અનુવાદક : મેધા કોટસ્થાને

(ગતાંકથી આગળ)

પોતાની આસપાસના સાધુબ્રહ્મચારીઓ કાર્યકુશળ હોવા જોઈએ. એમના અધ્યાત્મ જીવનની પણ પ્રગતિ થવી જોઈએ, એવું સ્વામી બ્રહ્માનંદજી સતત વિચારતા રહેતા. બીજાં કાર્યોમાં વધારે સમય વિતાવનાર સાધુઓના રોજિંદા ચિંતનમનન, ઉપાસના, જપતપ, ભક્તિમાં ઉણપ ન આવવી જોઈએ, એ પણ તેઓ જોતા રહેતા. મઠમાં એક નવા બ્રહ્મચારી આવ્યા હતા. થોડા દિવસો પછી સ્વામી બ્રહ્માનંદજીને લાગ્યું કે એમના મનમાં કંઈક ખેદગ્લાનિ છે. એ બ્રહ્મચારી ‘કર્મવિપાક’ની ચિંતામાં લાગ્યા છે. બાહ્ય રીતે જોઈએ તો આ સેવાવ્રત અને ઈશ્વરનું ચિંતન, ધ્યાન-મનન, એ બંનેનો મેળ બેસાડતાં એમને થોડું આકરું લાગે છે. એટલે જે કેન્દ્રમાં આ બ્રહ્મચારી કામ કરતા હતા ત્યાંના મુખ્ય સંન્યાસીને બોલાવ્યા અને પૂછ્યું, ‘ભાઈ, આ છોકરાને તમારી પાસે કારકુન બનાવવા મોકલ્યો છે?’

બીજી એક ઘટનામાં સ્વામી બ્રહ્માનંદજીએ જોયું કે એક વરિષ્ઠ સંન્યાસી પોતાનાથી ઓછી ઉંમરના સંન્યાસીને એના કામની થોડી ઘણી ભૂલ અને ઉણપને લીધે થોડું કડકાઈથી અને અણછાજતું બોલતા હતા. એ વખતે એમણે એ સંન્યાસીને બોલાવીને કહ્યું, ‘એ છોકરો કામમાં ભૂલ કરે તો એને થોડું વઢવું યોગ્ય છે. પણ તમે ક્યારેય એને થોડી વિનમ્રતાથી પૂછ્યું છે કે ભાઈ, તું તારું કર્તવ્ય તો બરાબર કરે છે કે નહીં? તારાથી ઈશ્વર ચિંતન, ધ્યાન-મનન નિયમિત થાય છે કે નહીં? આધ્યાત્મિક ઉન્નતિના પ્રયત્નમાં તને કંઈ મુશ્કેલી તો નથી ને? એ છોકરાની માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરતાં વધું મહત્ત્વનું મિશનનું એવું કયું કામ છે?’

ઉપર્યુક્ત બંને પ્રસંગોમાં સ્વામી બ્રહ્માનંદજીના ઉદાત્ત વિચારો દેખાય છે. રામકૃષ્ણ મિશનનાં ધ્યેય અને ધારાધોરણોને એમણે જાળવ્યાં છે. આની ખાતરી પણ આપણને દરેક વખતે જોવા મળે છે. નિષ્કામ કર્મ એ આધ્યાત્મિક ઉન્નતિ અને ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં સહાયરૂપ છે જ. સાથે ને સાથે નિયમિતરીતે નામસ્મરણ, ચિંતન-મનન, અભ્યાસ, જપતપ ન થાય તો એ કાર્યને નિષ્કામ બનાવવું અઘરું છે. સમાજને ઉપયોગી એવાં આવાં સેવાકાર્યોના જમેલામાં ક્યારેક્ અહંકાર પણ પોષાય છે એ ધ્યાનમાં આવતું નથી.

(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૨૧૧)

સ્વામી બ્રહ્માનંદજીનો એવો આગ્રહ હતો કે રામકૃષ્ણ મિશનનું દરેક કાર્ય આધ્યાત્મિક શક્તિ અને નૈતિક બળને આધારે થવું જોઈએ. સંઘના જીવનને, સંન્યાસીઓના આદર્શને જરાય નુકસાન થાય એવું કશુંય થવું કે ઘડાવું ન જોઈએ. આ વિશે એમણે ક્યારેય કોઈ અપવાદ કર્યો હોય એવું જોવા મળતું નથી.

જે પૈસા જે કામમાં વાપરવાના હોય એ જ રીતે એ જ કામમાં વાપરવા. સંઘના નીતિનિયમ મુજબ ‘શાકભાજીના પૈસામાંથી શાકભાજી જ લેવાની. એમાંથી મેવામીઠાઈ ન લેવાય.’ આવી નૈતિકતા દરેક પ્રસંગે એમણે બીજાના ધ્યાનમાં લાવી.

ભુવનેશ્વરના મઠમાં બનેલી એક ઘટના છે. ત્યાંના સ્થાનિક લોકોને ઉપયોગી થાય તેવા વૈદકીય સેવાકેન્દ્રની લોકપ્રિયતા વધતી જ જતી હતી. આ સેવાકેન્દ્રમાં રવિકાંતબાબુ નિષ્ઠાપૂર્વક સેવા આપતા. એમની આ સેવાભાવના જોઈને સ્વામી બ્રહ્માનંદજી એમના પર ખુશ હતા. આ સારવાર કેન્દ્રને મદદ કરવા ત્યાંના ઉચ્ચ પોલીસ અધિકારી (ડી.આઈ.જી) સખીચંદબાબુએ શૈલ્ય ચિકિત્સાનાં સાધનો ખરીદવા માટે ૨૦૦ રૂપિયાનું દાન કર્યું.

દક્ષિણભારતનો પોતાનો પ્રવાસ પૂરો કરીને સ્વામી બ્રહ્માનંદજી ભુવનેશ્વર પાછા ફર્યા. આવીને એમણે મઠના એક કાર્યકર્તાને પૂછપરછ કરી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ઓપરેશનનાં સાધનોની એ વખતે ખાસ જરૂર ન હતી. એટલે એ ૨૦૦ રૂપિયા ગરીબ લોકોની દવાઓ માટે ખર્ચી નાખ્યા. હવે સખીચંદબાબુએ તો આવાં સાધનો ખરીદવા માટે દાન આપ્યું હતું અને રકમ બીજા જ કામ માટે વપરાઈ ગઈ. એથી સ્વામી બ્રહ્માનંદજી ખૂબ નારાજ થયા. એમણે કોઈ બીજા કારણે એ કાર્યકર્તાને ભુવનેશ્વર મઠમાંથી કાઢી નાખ્યો.

દરેક કામ પાછળના ઉદ્દેશ અને આદર્શને જાળવી રાખવા સ્વામી બ્રહ્માનંદજી કેટલીયવાર કઠોર કાર્યવાહી પણ કરતા. સંનિષ્ઠાનો પાયો આ રીતે પ્રબળ બનાવતા રહેતા. એટલે જ રામકૃષ્ણ મિશનના દરેક સેવાકાર્યને નૈતિકતા અને અટલ વિશ્વાસનું પીઠબળ મળ્યું.

(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૨૧૩-૧૪)

સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદ વચ્ચે અત્યંત ગહન પ્રેમભર્યો સંબંધ હતો. અમરનાથ અને ક્ષીરભવાનીનાં દર્શન કર્યા પછી સ્વામી વિવેકાનંદની તબિયત ખૂબ લથડી. પોતાના શિષ્ય સદાનંદ સાથે તેઓ પાછા મઠમાં ફર્યા. એમની શારીરિક અવસ્થા જોઈને સ્વામી બ્રહ્માનંદ અત્યંત ખિન્ન થયા. આખા દિવસના પ્રયાસો છતાં સ્વામીજીની તબિયતમાં જરાય સુધારો ન થયો. એથી સ્વામી બ્રહ્માનંદજી અસ્વસ્થ થઈ ગયા. ખિન્ન હૃદયે અને વદને તેઓ વારંવાર સ્વામીજીના ઓરડામાં જતા અને બહાર આવતા.

સ્વામીજીની તબિયત સારી ન હતી એ સમાચાર સાંભળીને ગિરીશબાબુ અને બીજા કેટલાક ભક્તો એમને મળવા મઠમાં આવ્યા. સાંજ પડતાં પહેલાં થોડી વાર માટે ક્ષીણકાયવાળા સ્વામીજી હળવે હળવે ઉપરથી નીચેના માળે બેઠક ખંડમાં આવ્યા. એમને નીચે આવેલા જોઈને ગિરીશબાબુએ કહ્યું, ‘આ શું સ્વામીજી! તમે નીચે શા માટે ઊતર્યા? તમારી તબિયત સારી નથી.’ સ્વામીજીએ ધીમા સ્વરે કહ્યું, ‘હું શું કરું, કહો તો? હું આરામમાં હતો. એ દરમિયાન જેટલી જેટલી વાર મેં આંખો ખોલીને જોયું તો આ માણસ (રાજામહારાજ-સ્વામી બ્રહ્માનંદ) એક ઘુવડની જેમ મોં કરીને બેઠેલો હતો. એનું મોં જોઈને મને વધારે વખત સૂતાં રહેવું ગમ્યું નહીં. એટલે હળવે હળવે ચાલતો આવ્યો. મને હરતો ફરતો જોઈને એના મોઢા પરનું સ્મિત ફરી પાછું આવ્યું.’ આ સાંભળીને ગિરીશબાબુએ કહ્યું, ‘આ રાજામહારાજનું મોઢું ન ઊતરે તો પછી કોનું ઊતરે?’

એટલામાં જ સ્વામી બ્રહ્માનંદ હાંફળાફાંફળા થતા ત્યાં આવ્યા અને ગભરાયેલા અવાજે પૂછ્યું, ‘તમે શા માટે ઊઠીને અહીં આવ્યા? સારું, હવે ઠીક તો છે ને?’ ગિરીશબાબુની સામે જોતાં, મજાક મશ્કરીના સ્વરમાં સ્વામીજીએ કહ્યું, ‘આ રાજા, મને રોગી બનાવીને સુવાડી રાખે છે. રોગનાં તે કાંઈ વખાણ થતાં હોય? જા હવે મને સાવ સારું છે.’ આ શબ્દો સાંભળીને રાજામહારાજના મોં પરથી ખેદ ઓછો થયો. થોડા દિવસો પછી સેવાચિકિત્સા અને દવાથી સ્વામીજી સાજા થઈ ગયા.

(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૩૦૭) (ક્રમશ 🙂

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.