(ગતાંકથી આગળ)

ક્રોધ પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા

ક્રોધની કેટલીક પરિભાષાઓ પર ચર્ચા અને એનાં ભયંકર માઠાં પરિણામોનું સર્વેક્ષણ કર્યા પછી આપણે પૂછી શકીએ છીએ, ‘વસ્તુત : કેવા પ્રકારના લોકો પોતાના ક્રોધ પર સંયમ મેળવવા ઈચ્છે છે ?’

કેવળ સમજુ માણસો જ પોતાના ક્રોધ પર સંયમ મેળવવા ઈચ્છે છે. આવા લોકોને પોતાના આંતરિક અને બાહ્ય જીવનમાં ક્રોધનાં માઠાં પરિણામોનો અનુભવ કર્યા પછી એવો વિશ્વાસ થઈ ચૂક્યો છે કે ક્રોધ જ એમનો મુખ્ય અને મહાન શત્રુ છે. કેટલાક એવા આસ્તિક લોકો પણ હોઈ શકે છે કે જેઓ ક્રોધને પોતાનો પરમ શત્રુ માનીને તેનાથી છૂટકારો મેળવવા દૃઢસંકલ્પ હોય છે. આપણે ક્રોધને નિયંત્રણમાં લાવવાના ઉપાય જાણવા માટે પૂર્વ તેમજ પશ્ચિમના કેટલાક સંતોનાં ઉપદેશ-સલાહસૂચનો જાણવાનો પ્રયત્ન કરીશું.

જે લોકો ક્રોધને સંયમમાં રાખવા ઈચ્છે છે એમણે આટલું તો નિશ્ચિતરૂપે જાણી લેવું પડે :

* જીવનમાં જે લોકો કોઈપણ પ્રકારની લૌકિક કે પારલૌકિક ઉપલબ્ધિ મેળવવા ઈચ્છે છે; ક્રોધ આ બધી ઉપલબ્ધિઓનો નાશ કરે છે.

* સામયિક પાગલપણું ગણાતો ક્રોધ જો નિયંત્રણમાં ન આવે તો સ્થાયી ગાંડપણ આવી શકે.

* એ પોતાના ઘરમાં જ આગ લગાડે છે અને બધું બાળીને ભસ્મ કરી નાખે છે.

* ક્રોધ પર વિજય મેળવવો સરળ નથી, પણ એ અસંભવ પણ નથી. વિધિવત્ નિરંતર પ્રયાસો દ્વારા અને ઈશ્વર તેમજ પોતાના મનની કૃપાથી ક્રોધ પર વિજય મેળવી શકાય છે.

* પોતાના ક્રોધ પર વિજય મેળવવા વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવા જોઈએ. બીજા દ્વારા એ પ્રાપ્ત ન કરી શકાય.

* પોતાના ક્રોધ પર વિજય મેળવવા આપણે પોતાના મૂળ સ્વભાવને ફરીથી વ્યવસ્થિત કરવો પડે અને પોતાના વ્યક્તિત્વમાં જ પરિવર્તન લાવવું પડે.

* યોગની સાધનાથી સહજ અને સ્વાભાવિક રીતે ક્રોધ પર વિજય મેળવી શકાય, જે આ સાધના દરમ્યાન કોઈ વિશેષ પ્રયત્ન વિના પોતાની મેળે જ થઈ જાય છે.

* જે લોકો આધ્યાત્મિક જીવનને જ પોતાના જીવનનું પરમ લક્ષ્ય માને છે તે લોકો વિશેષ રીતે ક્રોધ પર વિજય મેળવવા ઈચ્છુક હોય છે. પરંતુ એ સાચંુ નથી કે એક નાસ્તિક કે અજ્ઞેયવાદી ક્રોધ પર વિજય ન મેળવી શકે. જો તેઓ પણ કેટલીક બાબતોનો અભ્યાસ કરે તો નિશ્ચિત રીતે તેઓ પણ ક્રોધ પર વિજય મેળવી શકે. એવું પણ સંભવ છે કે તે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ન ધરાવતા હોય. પરંતુ એમણે આધ્યાત્મિક આદર્શાેમાં વિશ્વાસ રાખવો જરૂરી છે.

સાર્વભૌમિક આચાર્ય શ્રીકૃષ્ણ

ક્રોધ પર વિજય મેળવવા વિશે સૌથી વધારે પ્રામાણિક અને ઉપયોગી ઉપદેશ ભગવદ્ ગીતામાંથી મળે છે. ભારતના અનેક મહાન ધર્માચાર્યો ક્રોધ પરના નિયંત્રણના ઉપાયો વિશે ચર્ચા કરતી વખતે ગીતાના ઉપદેશોનાં ઉદાહરણો આપે છે. કેથોલિક સંતોના ઉપદેશ પણ જાણે કે ગીતાના વિચારોનો જ પડઘો પાડે છે. પાશ્ચાત્ય સંતોના કેટલાક ઉપદેશ સટીકરૂપે વિસ્તારપૂર્વક એવો નિર્દેશ આપે છે કે કેવી રીતે આ ક્રોધરૂપી છાના શત્રુને ઓળખી શકાય, જાણી શકાય. આમ છતાં પણ આ બધા ઉપદેશોનો ગીતાના દર્શન સાથે તાલમેલ બેસાડવો અત્યંત આવશ્યક છે.

કોઈ બીમારીના ઇલાજ માટે ભિન્ન ભિન્ન પ્રણાલીઓ દ્વારા નિર્દિષ્ટ ઔષધિઓનો એકી સાથે પ્રયોગ કરવો હિતાવહ નથી. આ રીતે આપણે ભિન્ન ભિન્ન ધર્મપ્રણાલીની સાધનાઓનું મરજી પડે એ રીતે મિશ્રણ ન કરી શકીએ. છતાં પણ જે આપણા મૂળભૂત વિશ્વાસથી વિપરીત ન હોય તેવા બીજા ધર્મોના જે બેએક સંકેત સહાયક સિદ્ધ થઈ શકે. આવું કરતી વખતે પરમ વિવેકનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે બે આસ્તિક ધર્મપ્રણાલીઓની સાધના એક સાથે ચાલી શકે, પરંતુ એક આસ્તિક ધર્મની સાધના કોઈ બીજા નાસ્તિક દર્શનના નિર્દેશો સાથે સમાયોજિત ન કરી શકાય.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ‘ક્રોધ’નું સાત શ્લોકમાં વર્ણન કર્યું છે. આ શ્લોકોને એક સાથે રાખવાથી આ સંકલન દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન આપણા માટે સહાયક સિદ્ધ થઈ શકે.

ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते।
सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते।।62।।

क्रोधाद्भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति।।63।।

વિષયોનું ચિંતન કરતી વ્યક્તિ એમાં આસક્ત થઈ જાય છે, મોહી પડે છે, આ આસક્તિથી એ વિષયો પ્રાપ્ત કરવાની કામના ઉદ્ભવે છે અને એમાં અડચણ આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, બુદ્ધિ ભ્રમિત થવાથી (શાસ્ત્ર્ાો તેમજ આચાર્ય કે ગુરુના ઉપદેશોની) સ્મૃતિ લુપ્ત થઈ જાય છે. સ્મૃતિ લોપને કારણે (ઉચિત-અનુચિત) બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશને કારણે મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે.

અર્જુન બોલ્યા :

अथकेनप्रयुक्तोऽयंपापंचरतिपूरुषः।
अनिच्छन्नपिवार्ष्णेयबलादिवनियोजितः।।36।।

(૩.૩૬)

હે વાર્ષ્ણેય કૃષ્ણ, મનુષ્ય કોના દ્વારા પ્રેરિત થઈને, પોતે ઈચ્છતો ન હોવા છતાંં, જાણે કે બળપૂર્વક પાપ કર્મોમાં પ્રવૃત્ત થાય છે ?
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે :

कामएषक्रोधएषरजोगुणसमुद्भवः।।
महाशनोमहापाप्माविद्ध्येनमिहवैरिणम्।।37।।

(૩.૩૭)

હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થનાર આ કામના જ (એ ન સંતોષાય એ રીતે એનામાં અડચણ આવે તો) ક્રોધ છે અને તે પ્રેરક તત્ત્વ છે. આ ક્યારેય તૃપ્ત થતી નથી. જગતમાં એને જ તારો પરમ શત્રુ માનજે.

दम्भोदर्पोऽभिमानश्चक्रोधःपारुष्यमेवच।
अज्ञानंचाभिजातस्यपार्थसम्पदमासुरीम्।।4।।

(૧૬.૪) (ક્રમશ 🙂

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.