નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્યને આનંદ શા ? અંધારે અથડાતા, શોધો દીવો ન કાં ભલા ?

આશરે ૨૫૬૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચમ્પારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. શાક્ય કુલના ક્ષત્રિયોનું એક નાનકડું મહાજનસત્તાક રાજ્ય હતું. શુદ્ધોદન નામે એક શાક્ય તેમનો અધ્યક્ષ હતો. તેને ‘રાજા’ એવું પદ હતું. શુદ્ધોદન ગોતમવંશની માયાવતી અને મહાપ્રજાપતિ નામે બે બહેનો જોડે પરણ્યો હતો. માયાવતીને એક પુત્રનો જન્મ થયો, પણ તેના જન્મ પછી સાત દિવસમાં જ તે પરલોકવાસી થઈ અને તેને ઉછેરવાનો ભાર મહાપ્રજાપતિ ઉપર પડ્યો, એણે બાળકને પોતાના દીકરા પ્રમાણે ઉછેર્યો અને એ બાળકે પણ એને સગી માતાની જેમ ચાહી. આ બાળકનું નામ હતું સિદ્ધાર્થ.

को नु हासो किमानन्दो निच्चं पज्जलिते सति ।
अन्धकारेन ओनद्धो पदीपं न गवेसथ ।।

(ધમ્મપદ)

શાક્ય કુળમાં અને ગોતમ વંશમાં જન્મ્યા હોવાના કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે પણ ઓળખાય છે.

શુદ્ધોદને સિદ્ધાર્થને અતિ લાડમાં ઉછેર્યો. એણે રાજકુમારને છાજે એવી એને કેળવણી આપી ખરી, પણ સાથે સાથે સંસારના વિલાસો પૂરા પાડવામાંયે મણા રાખી નહિ. યશોધરા નામે એક ગુણવાન કન્યા જોડે એનું લગ્ન થયું હતું અને તેનાથી રાહુલ નામે એક છોકરો એને થયો હતો. પોતાના ભોગોનું વર્ણન સિદ્ધાર્થે આ પ્રમાણે કર્યું છે :

‘હું બહુ સુકુમાર હતો. મારા માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢ-તાપની મારી ઉપર અસર ન થાય એટલા માટે મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતા, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સાંભળી કાલક્રમણ કરતો. બીજાઓને ત્યાં સેવકોને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં મારાં દાસદાસીઓને ઉત્તમ ખોરાક સાથે ભાત અપાતો હતો.’

આ રીતે એમનું યૌવન વીતી રહ્યું હતું, પણ આટલા એશઆરામમાં યે સિદ્ધાર્થનું ચિત્ત ઠેકાણે હતું. બાળપણથી જ એ વિચારશીલ અને એકાગ્ર ચિત્તવાળો હતો. જે નજરે પડે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને એની ઉપર અત્યંત વિચાર કરવો, એવો એનો સહજ સ્વભાવ હતો. સદૈવ વિચારશીલ રહ્યા વિના કયા પુરુષે મહત્તા મેળવી છે ? અને કયો પ્રસંગ એવો તુચ્છ હોઈ શકે કે જે વિચારશીલ પુરુષના જીવનમાં અદ્‌ભુત ફેરફાર કરી મૂકવા સમર્થ ન થાય ?

સિદ્ધાર્થ જુવાની કેવળ ભોગવતો જ નહોતો, પણ જુવાની એટલે શું, તેના આરંભમાં શું અને અંતમાં શું, એ વિચારતો પણ હતો. એશઆરામ ભોગવતો હતો એટલું જ નહિ, પણ એશઆરામ એટલે શું ? એમાં સુખ કેટલું ? એમાં દુ :ખ કેટલું ? એ ભોગનો સમય કેટલો ? એનો વિચાર પણ કરતો હતો. એ કહે છે :

‘આવી સંપત્તિનો ઉપભોગ કરતાં કરતાં મારા મનમાં એવો વિચાર આવ્યો, કે અવિદ્વાન સામાન્ય મનુષ્ય પોતે ઘડપણના સપાટામાં આવવાનો છે તો પણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું ઘડપણના ફાંસામાં ફસાવાનો છું, માટે જો સામાન્ય મનુષ્યની જેમ જરાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરું, તો તે મને શોભે નહિ. આ વિચારને લીધે મારો જુવાનીનો મદ સમૂળગો જતો રહ્યો.

‘અવિદ્વાન સામાન્ય મનુષ્ય પોતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે, છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છૂટ્યો નથી; અને વ્યાધિગ્રસ્તથી કંટાળું કે તેનો તિરસ્કાર કરું તો તે મને શોભેે નહિ. આ વિચારથી મારો આરોગ્યમદ સમૂળગો જતો રહ્યો.

‘અવિદ્વાન સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધર્મી છું, છતાં સામાન્ય મનુષ્યની પેઠે મૃત શરીર તરફ જોઈ કંટાળું કે તેનો તિરસ્કાર કરું, તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો જીવિતમદ તદ્દન ગળી પડ્યો.’ (‘બુદ્ધ, ધર્મ અને સંઘ’ ને આધારે.)

જેની પાસે ઘર, ગાડી ઘોડા, પશુ, ધન, સ્ત્રી, પુત્ર, દાસદાસી વગેરે હોય તે આ જગતમાં સુખી મનાય છે. મનુષ્યનું સુખ આ વસ્તુઓને આધારે છે એમ માનવામાં આવે છે; પણ સિદ્ધાર્થ વિચારવા લાગ્યા : ‘હું પોતે જરાધર્મી છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મી છતાં, શોકધર્મી છતાં, જરા, વ્યાધિ, મરણ અને શોકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખનો આધાર માની બેઠો છું એ ઠીક નથી.’ જે પોતે દુ :ખરહિત નથી, તેનાથી બીજાને સુખ કેમ થઈ શકે ? માટે જ્યાં જરા, વ્યાધિ, મરણ કે શોક ન હોય એવી વસ્તુની શોધ કરવી યોગ્ય છે અને એનો જ આશ્રય લેવો જોઈએ.

આ વિચારમાં જે પડે તેને સંસારના સુખોમાં શો રસ રહે ? જે સુખ નાશવંત છે, જેનો ભોગ એક ક્ષણ પછી જ કેવળ ભૂતકાળની સ્મૃતિરૂપ થઈ રહે છે, જે ઘડપણ, રોગ અને મરણને નજીકને નજીક ખેંચી લાવે છે, જેનો વિયોગ શોક કરાવવાવાળો છે, એ સુખ અને ભોગમાંથી એનું મન ઉદાસ થઈ ગયું. જેના ઘરમાં કોઈ પ્રિય મનુષ્ય દિવાળીને દહાડે ‘હમણાં મરશે’ એવી સ્થિતિમાં હોય, તેને તે દિવસે પકવાન વહાલાં લાગે ? કે રાત્રે દીપાવલી જોવા જવાની ઇચ્છા થાય ? સિદ્ધાર્થને દેહનું જરા, વ્યાધિ અને મરણમાં થનારું આવશ્યક રૂપાન્તર ક્ષણે ક્ષણે દેખાતું હોવાથી એને સુખ ઉપભોગ તરફ કંટાળો આવી ગયો. એ જ્યાં ત્યાં એ વસ્તુઓને નજીક આવતી જોવા લાગ્યો; અને તેથી પોતાનાં સગાંવહાલાં, દાસદાસી વગેરેને એ સુખની પાછળ જ વલખાં મારતાં જોઈ એનું હૃદય કરુણાથી ભરાઈ જવા લાગ્યું. લોકો આવા જડ કેમ હશે ? વિચાર કેમ કરતા નહિ હોય ? આવાં તુચ્છ સુખ માટે કેમ આતુર થતા હશે? વગેરે વિચારો એને આવવા લાગ્યા; પણ આ વિચારો ક્યારે કહી શકાય ? એ સુખને બદલે બીજું કોઈક અવિનાશી સુખ બતાવી શકાય તો જ આ વાતો કામની છે. એવું સુખ શોધ્યે જ છૂટકો. પોતાના હિત માટે એ સુખ મેળવવું જોઈએ અને પ્રિયજનો ઉપર ખરું હિત બતાવુ હોય તો પણ અવિનાશી સુખ જ શોધવું જોઈએ.

વળી તેઓ કહે છે કે, ‘આવા વિચારોમાં કેટલોક વખત ગયા પછી, જો કે તે વખતે હું (૨૯ વર્ષનો) જુવાન હતોે, મારો એક પણ વાળ પાક્યો ન હતો, અને મારાં માબાપ મને પરવાનગી દેતાં ન હતાં, આંખોમાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમના ગાલ ભીંજાઈ ગયા હતા, અને તેઓ એકસરખાં રડયા કરતાં હતાં, તો પણ હું શિરોમુંડન કરી, ભગવાં પહેરી, ઘરમાંથી બહાર નીકળી ગયો.’

આમ સગાંસંબંધી, માતાપિતા, પત્નીપુત્ર વગેરેને છોડવામાં સિદ્ધાર્થ કાંઈ નિષ્ઠુર ન હતા. એમનું હૃદય તો પારિજાતકથી પણ કોમળ થયું હતું. પ્રાણી માત્ર તરફ પ્રેમભાવથી છલકાતું હતું. જીવવું તો જગતના કલ્યાણને માટે જ, એમ એમને લાગવા માંડ્યું હતું. કેવળ પોતે મોક્ષ પ્રાપ્ત કરવો એટલી જ ઇચ્છાથી એ ગૃહત્યાગ માટે પ્રેરાયા ન હતા, અને તેને માટે જે ખોટાં જણાયાં છે એવાં સુખનો ત્યાગ કરવો તે તો મોહ જ ગણાય, એમ વિચારી સિદ્ધાર્થે સંન્યાસધર્મ સ્વીકારી લીધો.

Total Views: 249
By Published On: May 1, 2013Categories: Kishorlala Ghanshyamlal Mashruvala0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram