(ગતાંકથી આગળ)

સને ૧૯૦૦ના ઓક્ટોબરની ૨૮મી તારીખે થોડી માંદગી બાદ જ્યારે ઓક્સફર્ડમાં મેક્સમૂલરનું અવસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી અને ખાસ કરીને ભારતમાંથી શ્રદ્ધાંજલિઓનો વરસાદ વરસ્યો હતો.

હકીકત તો એ છે કે પોતાના પિતાની માફક તેઓ પોતાના પ્રેમભાજન દેશની મુલાકાત તો લઈ શક્યા નહિ, પણ પોતાના લાંબા જીવન દરમિયાન તેમણે પૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું જીવંત દર્શન કર્યા કર્યું હતું. કેશવચંદ્ર સેનની આૅક્સફર્ડ મુલાકાતને વખતે તેમણે કહ્યું હતું : ‘મને લાગે છે કે હું સદૈવ બનારસમાં જ રહું છું, મારે ભૌગોલિક બનારસ ભૌતિક આંખે જોવાની જરૂર નથી. તે નગર વિશેના મારા વિચારો એટલા ઊંચા છે કે હવે એમાંથી મારે મુક્ત થવું નથી.’

તેમણે પોતાની વિદ્વત્તાથી પોતાના સમકાલીન વિખ્યાત ભારતીય વિચારકોે પર ભારે પ્રભાવ પાડ્યો હતો. બહેરામજી એમ. મલબારી કહે છે : ‘હિન્દુ રાજપુરુષો મેક્સમૂલરને વિવેકી અને પોતાના વિશ્વાસુ માર્ગદર્શક માને છે. હિન્દુ સુધારકો તેમના નિર્ણયને છેવટનો નિર્ણય માને છે. ભારતમાં જ્યારે મેક્સમૂલરના મુદ્રિત ઋગ્વેદનો પ્રથમ પ્રવેશ થયો ત્યારે કેટલાક રૂઢિવાદી લોકોએ તેનો વિરોધ કર્યો હતો. પણ પછી એવું જોવા મળ્યું કે પૂનામાં બ્રાહ્મણોની એક સભા મળી અને એમાં એક અબ્રાહ્મણે જ ઊંચા સ્વરે ઋગ્વેદ વાંચ્યો અને એણે કરેલાં ઉચ્ચારણ પ્રમાણે શ્રોતા બનેલા બ્રાહ્મણોએ પોતપોતાની પાંડુલિપિમાં યોગ્ય સુધારાવધારા પણ કર્યા અને મેક્સમૂલરના છાપેલા ઋગ્વેદને પ્રમાણભૂત માન્યો! આમ મેક્સમૂલરે પોતે જ પોતાનાં વેદનૈપુણ્ય અને પ્રભુત્વને સિદ્ધ કર્યાં. ભારતીયોએ તેમને પોતાના પવિત્રતમ વેદનિધિના સંરક્ષક અને પુનિત અધ્યાત્મ વારસાના સ્રોતસંવાહક તરીકે સ્નેહથી સત્કાર્યા અને તેમને ‘મોક્ષ મૂલર’ નું અન્વર્થક નામ આપ્યું ! (મોક્ષના મૂલ+ર = મૂળને આપનાર)

લોકમાન્ય તિલકે પોતાના ‘મરાઠી’ પત્રમાં ૧૯૦૦ની ૪ નવે. ના અંકમાં લખ્યું. –

‘સામાન્ય રીતે સમગ્ર વિશ્વના કલ્યાણકારી એવા એમણે વિશેષત : ભારતને સ્વદેશ માનવાનો દાવો કર્યો અને આ દેશ પ્રત્યેના તેમના પ્રેમને સમગ્ર રીતે જોતાં એનું કારણ કંઈ સામાન્ય ન હોઈ શકે… તેમના જવાથી ભારતે એક અતિ ઉષ્માભર્યો મિત્ર, એક વિવેકશીલ પ્રેમી અને અત્યંત ઉત્સાહી પ્રશંસક ગુમાવ્યો છે, આ અવકાશ કોણ જાણે ક્યારે પૂરાશે ?’

સને ૧૯૦૨માં લંડનમાં, બે ગ્રંથોમાં જ્યોર્જિયન મૂલર દ્વારા સંપાદિત, ‘ધ લાઈફ એન્ડ લેટર્સ આેફ મેક્સમૂલર’ આપણને તેમના વિષયવૈવિધ્યની નિપુણતાનો અને તેમનાં અભ્યાસક્ષેત્રોની વિશાળતા તેમજ તેમની માનવીય બાજુનો ખ્યાલ આપી જાય છે… સંસ્કૃતભાષાએ એમના જીવન પર જાદુ પાથર્યો હતો. એના ગંભીર અભ્યાસે એમને ભારતનાં ફિલસૂફી, તત્ત્વવિદ્યા, માનવવંશશાસ્ત્ર, તુલનાત્મક ધર્માભ્યાસ તેમજ રહસ્યવાદ વગેરેનો મર્મ પામવાની દૃષ્ટિ આપી હતી.

તુલનાત્મક ભાષાવિજ્ઞાનના અભ્યાસ ઉપરથી તુલનાત્મક ધર્મોના અભ્યાસ સુધીની તેમની લાંબી અભ્યાસ યાત્રાએ તેમને વિશાળ દૃષ્ટિ આપી અને તેમના વ્યક્તિત્વને સમૃદ્ધ બનાવ્યું. દૃષ્ટિફલક પહોળું અને દૂરગામી કર્યું, એથી એમના પાછળના જીવનમાં તેઓ ખ્રિસ્તીધર્મ સિવાયના અન્ય ધર્મોના મર્મને ખુલ્લો કરી શક્યા ! તેમની કૃતિઓનો કોઈ ઊંડો અભ્યાસી આ સત્ય, તેમના ‘સેક્રેડ બુક્સ આેફ ધ ઈસ્ટ’માં તેમણે દાખવેલા વલણની સાથે તેમના ‘ધી સિક્સ સિસ્ટમ્સ આેફ ઈન્ડિયન ફિલોસોફી’ સાથે તુલના કરીને તારવી શકશે. પહેલાં તો મેક્સમૂલર શોપનહોવર (એક જર્મન ફિલોસોફર) ના આ વિખ્યાત વિધાન સાથે સહમત થતા જ ન હતા કે, ‘ ….. આખા વિશ્વમાં મૂળ ઉપનિષદોના અધ્યયન વગર કોઈ કલ્યાણકારી કે જ્ઞાનદાયક અને જીવનને શાંતિ આપનાર બીજું કશું છે જ નહિ !… એ મારા જીવનની શાંતિ છે અને મૃત્યુનું આશ્વાસન છે…’ પરંતુ પોતાના મરણ પહેલાં એક વરસે ગમે તેમ પણ તેમણે એ સ્વીકારી લીધું હતું ! એમણે સાચા હૃદયથી એ સ્વીકાર્યું ! અને વેદાન્તતત્ત્વજ્ઞાનને ‘માનવસંકલ્પનાના ઉચ્ચતર શિખર’ સમું ગણ્યું હતું. વળી તેમણે ઉમેર્યું હતું : ‘હું શોપનહોવરના (તેમના) વેદાન્ત પ્રત્યેના ઉત્સાહમાં મારો સૂર પુરાવું છું. એમણે મારી જીવનયાત્રા દરમિયાન મને જે સહાય કરી છે, તે માટે તેમનો હું ઋણી છું.’ (J.H. Voigt, ‘The Man and his Ideias)

આપણે એમના મનની આછીપાતળી ઝાંખી તેમણે કરેલા આ વિધાન પરથી કરી શકીએ : ‘એ ખરેખર આશ્ચર્યજનક છે કે હજારો વરસો પહેલાં ભારતના ચિંતકોએ વેદાન્ત જેવી દર્શનપદ્ધતિને અથાક અને અડગ હિંમતથી વિકસાવી હતી ! કે જે આજે પણ કોઈક ગોથિક દેવળનાં ઢળતાં – ઝૂલતાં – અને સર્પિલ ગૂંચળાવાળાં છેલ્લાં પગથિયાંના ચડાણ જેવું ભારે કપરું છે ! આપણા કોઈપણ તત્ત્વજ્ઞાની – હિરોક્લિરસ્, પ્લેટો, કાન્ટ કે હેગલ પણ નિરપવાદ રીતે કોઈપણ આવી સર્પાકાર આટીઘૂંટીવાળી ફિલસૂફી ખડી કરવાનું સાહસ, અનેક વાવાઝોડાં અને વીજળીના કડાકાભડાકાથી જરાય બીધા વિના કરી શક્યો જ નથી ! એક ડગલું આગળ માંડ્યા પછી એક આડો પથ્થર અને તે પછી વળી બીજો એમ નિયમિત રીતે આડે પથ્થરો પડી જ રહ્યા હતા. એટલે કે શરૂઆતમાં જે એક હતું તે જ અંતે તે એક જ હશે. આપણે એને આત્મા કહીએ કે બ્રહ્મ !’ (Systems of Indian Philosophy)

ભાવિપ્રજા માટે મેક્સમૂલરનું પ્રદાન તો જુઓ ! – (૧) ઋગ્વેદના છ ગ્રંથો (ર) ચીપ્સ ફ્રોમ જર્મન વર્કશોપના ચાર ગ્રંથો, (૩) સંસ્કૃત વ્યાકરણ, (૪) હિસ્ટરી આેફ એન્શિયન્ટ ઈન્ડિયન લિટરેચર, (પ) રામકૃષ્ણ : હીઝ લાઈફ એન્ડ સેઈંગ્સ, (૬) સિક્સ સિસ્ટમ્સ આેફ ઈન્ડિયન ફિલોસોફી, (૭) ઈન્ડિયન ફિલોસોફી પરનાં ત્રણ વ્યાખ્યાનો, (૮) એન ઈન્ટ્રોડક્સન ટુ ધી સાયન્સ ઓફ રિલિજ્યન, (૯) સેક્રેડ બુક્સ આેફ ધ ઈસ્ટના એકાવન ગ્રંથો; વાૅટ કેન ઇંડિયા ટીચ અસ ? અને અન્ય ઘણા બધા લેખો-ગ્રંથો!!

એમનો વૈદુષ્યપૂર્ણ ઉત્સાહ, રોકી રોકાય નહિ એવી હિંમત, અખૂટ શક્તિ, વિશાળ બુદ્ધિ અને અગાધ પાંડિત્ય એમની કૃતિઓમાં દેખાય છે. તેમના ઋગ્વેદના પ્રકાશને તો તેમને સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત બનાવી દીધા. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ સમોવડિયા બહુ થોડા છે ! અને વળી વૈદિક સંસ્કૃતના અધ્યયનમાં તો તેઓ એક સંશોધક જ કહી શકાય. તેમના પ્રૌઢ અભિપ્રાય પ્રમાણે સંસ્કૃત તો સંસ્કૃતિની ધરી છે. એટલા જ માટે એમણે બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને અને રસ ધરાવતી સંસ્થાઓને સંસ્કૃત વ્યાકરણ, સાહિત્ય અને ચિંતન સામગ્રીનું અધ્યયન કરવાની ભલામણ કરી હતી. એનાથી જ ભારતીય મેધા અને ભારતીય ડહાપણમાં પ્રવેશી શકાય છે અને એ જ એમને મતે જીવનનો આદર્શ હતો ! એમણે લખ્યું : ‘માનવમનના – આપણા પોતાના સ્વરૂપના – અધ્યયનમાં ભારતીય વિદ્યા જે સ્થાન ધરાવે છે, એટલું વિશ્વનો કોઈ દેશ ધરાવતો નથી.’

છ મોટા ગ્રંથોના રૂપમાં સમગ્ર ઋગ્વેદની પ્રકાશિત થયેલી આવૃત્તિ એક અતિ મહત્ત્વપૂર્ણ પ્રકાશન છે. એણે ધર્મના, પુરાકલ્પનાના, પ્રાચીનતમભાષાના અને વિશ્વના પ્રાચીનતમ ગ્રંથના ગંભીર અધ્યયન કરનારા સૌ કોઈને માટે સંશોધન અને અધ્યયનની ઘણી સામગ્રી પૂરી પાડી દીધી છે. ઋગ્વેદમાં વપરાયેલ ભાષાનું તેમણે કરેલું વૈજ્ઞાનિક પૃથક્કરણ, એ ઈન્ડો-યુરોપિયન ભાષાજૂથની દરેક ભાષાનું પરસ્પરનું સગપણ શોધી કાઢવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી જાય છે. મેક્સમૂલરને અંગ્રેજ રાજ્યના શાસન માટે તેમજ શિક્ષિત ભારતીય જનોને માટે સંસ્કૃતના વ્યાવહારુ ઉપયોગની ખાતરી થઈ ચૂકી હતી.

ઋગ્વેદનો પ્રથમ ગ્રંથ પ્રકટ થયો ત્યારે પ્રસ્તાવનામાં છેલ્લે એમણે લખ્યું : ‘જ્યારે મેં ઋગ્વેદની સાયણભાષ્ય સાથેની છેલ્લી લીટી લખી, અને કલમ નીચે મૂકી ત્યારે મને એવી લાગણી થઈ આવી કે જાણે હું મારા કોઈ જૂના અને ગાઢ મિત્રથી વિખૂટો પડી રહ્યો છું.’

એમને વિષે સ્વામી વિવેકાનંદે લખ્યું : ‘સંપૂર્ણ ઋગ્વેદસંહિતા, જે પહેલાં ક્યાંય જોવા પણ મળતી ન હતી, તે આજે સ્વચ્છ અક્ષરે મુદ્રિત થઈને જનતાને સાવ હાથવગી થઈ ગઈ છે; એનું ઔદાર્યભર્યું શ્રેય મહદંશે ઈસ્ટ ઈન્ડિયા કમ્પની તેમજ વર્ષો સુધી સખત પરિશ્રમ કરનારા પ્રોફેસર (મેક્સમૂલર)ને ફાળે જાય છે. ભારતના વિવિધ ભાગોમાંથી ભેગી કરેલી પાંડુલિપિઓની વર્ણક્રમાનુસાર ગોઠવણી કરવી અને વળી એમાંના કેટલાક શબ્દો તો અનિશ્ચિત ! – ઉકલે નહિ ! ગમે તેટલું ભણેલ હોય છતાં એક પરદેશીને માટે આ કામ કેટલું દુષ્કર હોઈ શકે એ કલ્પી ન શકાય તેવી વાત છે ! સંસ્કૃતભાષાની અનિશ્ચિતતાઓમાંથી નિશ્ચિતતાઓ શોધી કાઢવી અને એની સઘન વ્યાખ્યાઓમાંથી ચોખ્ખો અર્થ તારવી બતાવવો એ સામાન્ય ગજાની વાત નથી ! ઋગ્વેદનું પ્રકાશન એ પ્રોફેસર મેક્સમૂલરના જીવનની અતિ મહત્ત્વપૂર્ણ ઘટના છે. વળી, તેઓ જાણે પોતે પ્રાચીન ભારતમાં જ વસી રહ્યા હોય અને પોતાનું સમગ્ર જીવન ત્યાં જ વીતાવી રહ્યા હોય એવું લાગે છે.’ (વિ.ગ્રંથમાળા)

મેક્સમૂલરને અંજલિ આપતાં રમેશચંદ્ર દત્તે (તત્કાલીન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષે) લખ્યું – ‘ઋગ્વેદના પ્રકાશને ભારતમાં ઐતિહાસિક અને ધાર્મિક અધ્યયનનો નવો યુગ શરૂ કરી દીધો છે. અને આપણી ભાવિ પ્રગતિમાં આપણી સામે પડેલી મોટીમસ ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનું સમાધાન કરવામાં, સહાયક બનવામાં માર્ગદર્શન માટે તેમજ પ્રેરણા લેવા માટે પ્રાચીનકાળ તરફ નજર કરવા માટેની સહાય પૂરી પાડી છે… મેક્સમૂલરે કરેલાં પ્રાચીન ભારતનાં સાહિત્ય, ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષેનાં સ્પષ્ટીકરણોએ આપણને આજની પ્રગતિમાં પણ ઘણી મદદ કરી છે. વળી આજના ભારત માટે પણ તેમની સહાનુભૂતિપૂર્ણ કૃતિઓ ભારતને હિમ્મત, શ્રદ્ધા અને ભાવિ આકાંક્ષાઓ માટેની પ્રેરણા આપી રહી છે.’ (ક્રમશ 🙂

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.