(ગતાંકથી આગળ)

ત્રણ દિવસ પછી કાલીકૃષ્ણે તેમના પિતાને કહ્યું, ‘મેં ઈશ્વરની અનુભૂતિ કરવાનો નિર્ણય કર્યો છે… મારા હેતુની પ્રાપ્તિ માટે હું વરાહનગર મઠમાં જઈ શકું અને શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો સાથે રહી શકું, એ માટે આપ સહાયરૂપ બનો એમ હું ઇચ્છું છું.’ આવો અદ્‌ભુત નિર્ણય સાંભળીને કાલીકૃષ્ણના પિતાએ કહ્યું, ‘સારું, જો તું ધર્મજીવનમાં આગળ વધવા ઈચ્છતો હો તો તારાં માતાની પરવાનગી મેળવવી આવશ્યક છે. મને તારા નિર્ણયમાં જરાય વાંધોવિરોધ નથી. ઊલટાનો હું તો મારા ચાર દીકરામાંથી જો તું ધર્મજીવન ગાળે તો હું રાજી થઈશ.’ આ પહેલાં વર્ણવ્યું છે કે તેમનાં માતાએ પણ રાજીખુશીથી એ માટે હા ભણી હતી. આમ છતાં પણ તેમને ત્રણ દિવસ સુધી થોભવા કહ્યું. માતાની ઇચ્છાને પૂર્ણ કરીને અને માતપિતાના આશીર્વાદ મેળવીને કાલીકૃષ્ણે ઘરનો ત્યાગ કર્યો અને વરાહનગર મઠમાં ગયા. કાલીકૃષ્ણનાં માતાએ એમનાં વસ્ત્ર્ા ભગવા રંગે રંગી દીધાં. સાથેને સાથે શ્રીરામકૃષ્ણદેવને ધરવા માટે અનેક પ્રકારની મીઠાઈઓ પણ રાંધી દીધી. આ વખતે કાલીકૃષ્ણની ઉમર માત્ર ૧૭ વર્ષની હતી પણ તે હજુયે નાના લાગતા હતા.

૧૮૯૧ની સાલ હતી. શ્રીરામકૃષ્ણ દેવની મહાસમાધિના સમય પછીથી શ્રીરામકૃષ્ણ દેવના પ્રત્યક્ષ સંન્યાસી શિષ્યો સિવાય વરાહનગર મઠમાં જોડાનારા કાલીકૃષ્ણ સર્વપ્રથમ વ્યક્તિ. સ્વામી પ્રેમાનંદજીએ એક વખત જે હૃદયદ્રાવક શબ્દો કાલીકૃષ્ણને લખ્યા હતા એનો ઉલ્લેખ કરવો અહીં વધારે યોગ્ય રહેશે : ‘કાલીકૃષ્ણ, આગળ અને આગળ વધુ આગળ ધપતા રહો! આપણે બધાએ ઈશ્વરની પ્રાપ્તિ કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણ દેવની સમાધિ પછી વરાહનગર મઠમાં સંન્યાસ માટે જોડાનાર તમે પ્રથમ વ્યક્તિ છો. ત્યારથી માંડીને આજસુધીમાં કેટકેટલાં વર્ષો વીતી ગયાં!’

કાલીકૃષ્ણના ત્યાગી જીવનને શ્રીરામકૃષ્ણ દેવના સંન્યાસી શિષ્યો ઘાટ આપતા હતા. તેઓ પણ ત્યાગ અને નિરાસક્તિની પ્રતિમૂર્તિસમા હતા. મંદિરની સાથે જોડાયેલી દૈનંદિનની ફરજોમાં સહાય કરવામાં તેઓ સ્વામી રામકૃષ્ણાનંદજીના જમણા હાથ બની ગયા. આધ્યાત્મિક સાધનામાં પણ તેમણે પોતાનાં મનપ્રાણ રેડી દીધાં. ક્યારેક એકલા તો ક્યારેક સ્વામી નિરંજનાનંદ સાથે તેઓ દક્ષિણેશ્વર જતા અને પંચવટીમાં કે શ્રીરામકૃષ્ણ દેવના ઓરડામાં બેસીને ધ્યાનમાં સમય વીતાવતા. જે ભાવ અને ઉત્સાહથી તેઓ સંન્યાસીઓની સેવા કરતા તે રામકૃષ્ણ સંઘના બધા સભ્યો માટે હમેશાં દૃષ્ટાંતરૂપ બની રહેશે. એક વખત એમની સેવાથી ખૂબ જ પ્રભાવિત થઈને સ્વામી શારદાનંદજીએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘આ છોકરો કોણ છે કે જે મારી સેવા મારી માની માફક કરે છે?’ પછીના જીવનમાં પણ વિરજાનંદને વરાહનગર મઠમાં ગાળેલા દિવસો યાદ આવતા ત્યારે તેઓ ખૂબ લાગણીશીલ બની જતા. વરાહનગર મઠમાં જોડાયા પછી તરત જ સ્વામી નિરંજનાનંદ અને શ્રીરામકૃષ્ણ દેવના ભત્રીજા રામલાલ દાદા સાથે કાલીકૃષ્ણ ગયા અને બોધગયાની યાત્રાએ નીકળ્યા હતા.

૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધન સામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી શારદાનંદજીએ જયરામવાટી જવાની યોજના કરી. તેમણે કાલીકૃષ્ણને કહ્યું, ‘વારુ, છોકરા ! તને મારી સાથે આવવું ગમશે?’ આવી આનંદદાયી દરખાસ્ત સાંભળીને કાલીકૃષ્ણ તો ખુશ ખુશ. એમની મંડળીમાં બીજા સભ્યો હતા- વૈકુંઠનાથ સાન્યાલ, હરમોહન મિત્ર, યોગિન મા અને ગોલાપ મા. તેઓ બર્દવાન થઈને શ્રીરામકૃષ્ણ દેવની જન્મભૂમિ કામારપુકુર પહોંચ્યા. અહીંથી તેઓ ખેતરોમાં ચાલતાં ચાલતાં જયરામવાટી ગયા.

એક બંગાલી માતા જેમ પોતાના પુત્રને વહાલથી આવકારે તેમ યુવાન કાલીકૃષ્ણની હડપચીને હાથથી સ્પર્શીને શ્રીશ્રીમાએ એના પ્રત્યે પ્રેમભાવ વ્યક્ત કર્યો. આવા પ્રેમાળ સ્પર્શથી યુવાન તપસ્વી હૃદય આનંદ અને શાંતિથી છલકી ઊઠ્યું. માતા જગદ્ધાત્રીની પૂજા રિવાજ પ્રમાણે એક દિવસને બદલે ત્રણ દિવસ ચાલી. કાલીકૃષ્ણ ઘણા નાના હતા એટલે શ્રીશ્રીમા શારદાદેવી એની ઉપસ્થિતિમાં પોતાની સ્ત્રીસુલભ લજ્જા ન અનુભવતાં. એટલે એની ફરજ તેમની જુદીજુદી ચીજવસ્તુઓ લાવવા માટે ખેપ નાખવાની થઈ ગઈ. આ રોકાણ દરમિયાન કાલીકૃષ્ણે કામારપુકુરની અનેકવાર મુલાકાત લીધી હતી. પછીથી એનું સ્મરણ થતાં તેઓ કહે છે, ‘હું જ્યારે કામારપુકુરમાં હતો ત્યારે મારું હૃદય વિલક્ષણ પવિત્રતા, શાંતિ અને આનંદના ભાવથી ભરાઈ જતું અને વાસ્તવિક રીતે અનુભવતો કે હું પાવન ભૂમિ પર ચાલી રહ્યો છું. સાદા અને ઘાસથી છવાયેલા શ્રીરામકૃષ્ણના એ ઝૂંપડામાં કેવું તો આકર્ષણ છે! આ દુન્વયી માયાની નહીં પણ આધ્યાત્મિકતાની ઝંકૃતિઓ વાગતી હોય તેવું લાગે છે.’

શ્રીશ્રીમા શારદાદેવી સાથે થોડા દિવસો દિવ્ય આનંદમાં ગાળીને તેઓ વરાહનગર પાછા ફર્યા. પછીથી સ્વામી વિરજાનંદજીએ પોતાનાં આ સંસ્મરણો હૃદયસ્પર્શી ભાષામાં આ રીતે વર્ણવ્યાં છે : ‘હૃદયમાં મોટા ખાલીપાની લાગણી સાથે હું વરાહનગર મઠમાં પાછો ફર્યો. પણ મારે શા માટે એને ખાલીપો કહેવો જોઈએ. શું મારું હૃદય શ્રીશ્રી માની દિવ્યકૃપાથી, સમગ્ર વિશ્વની સૌને ચાહતી માતાની અસીમ દિવ્યકૃપાથી ભરાઈ ગયું ન હતું ? મેં તેમના વિશે આ પહેલાં જે અપૂરતાં વર્ણન સાંભળ્યા હતાં તેના કરતાં તેઓ કેવાં હતાં તેની બહુ અલ્પ કલ્પના કરી શક્યો. મારાં મનપ્રાણને સંપૂર્ણપણે પોતાના તરફ આકર્ષીને મને એમનો પોતાનો આપ્તજન બનાવી દેનાર આવી માની કોણ કલ્પના પણ કરી શકે ! હું ઘરે હતો ત્યારે મારી માતાને હું ઉત્કટતાથી ચાહતો અને તેમને પણ મારા પ્રત્યે અસીમ પ્રેમ હતો. પણ શ્રીમા સારદાદેવી તો મારા પછીના જીવનમાં અસંખ્ય સમયે મા જ હતાં. તેઓ સર્વસમયે મારાં જ મા હતાં !’

જયરામવાટીના રોકાણ વખતે સ્વામી શારદાનંદજી અને કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ) ને મલેરિયા થયો અને ત્યાંથી પાછા ફર્યા પછી પણ કાલીકૃષ્ણને મલેરિયાનો તાવ આવતો. સ્વામી નિરંજનાનંદજીની આજ્ઞાથી તેઓ થોડા દિવસ બલરામ બોઝના ઘરે ગયા અને ત્યાં શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય ડૉ. બિપિન ઘોષની સારવાર લેવા લાગ્યા. અહીંના રોકાણ દરમિયાન અવારનવાર ગિરિશચંદ્ર ઘોષના ઘરે જતા અને શ્રીરામકૃષ્ણદેવ વિશે તેમની પાસેથી સાંભળતા. સ્વામી નિરંજનાનંદજીની ઉષ્માભરી કાળજી અને ડૉ. બિપિન ઘોષની સારવારથી કાલીકૃષ્ણની તબિયત ઝડપથી સુધરવા લાગી. ૧૮૯૨ના અંતિમ સમયે મઠને આલમબજારમાં ફેરવાયો, ત્યાર પછી કાલીકૃષ્ણ આલમબજાર મઠમાં આવ્યા અને આલમબજાર મઠમાં તેઓ પોતાનો સમય આધ્યાત્મિક સાધના અને સેવામાં વીતાવવા લાગ્યા.

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.