૨૦૧૩ ના પ્રથમ માસ જાન્યુઆરીનો પૂર્વાર્ધ ખૂબ જ મહત્ત્વનો હતો. સૌથી મહત્ત્વની, આમૂલ ક્રાન્તિની સંભાવનાવાળી ઘટના એ બની કે બારમી જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતીનો શુભારંભ થયો. !

સ્વામી વિવેકાનંદ. આજથી એક શતાબ્દી પહેલાં વિશ્વમાં ગુંજતો એક અદ્‌ભુત અવાજ! અમેરિકામાં તાળીઓના ગડગડાટથી શરૂ થયેલ એ વાણી ક્રમશ : એવી તો પ્રસરતી ગઈ કે આજે તો વિશ્વના ખૂણેખૂણામાં છલોછલ પથરાઈ ગઈ છે. આ વાણીએ ત્યારના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને જબરો ધક્કો આપ્યો. નેતાઓ તથા કરોડો લોકોને પ્રેરણા આપી અને બસો વર્ષથી ગુલામીની જંજીરોમાં ગુંગળાતુ ભારત થોડાં જ વર્ષોમાં મુક્ત થઈ ગયું, એટલું જ નહીં, પણ તેની પ્રેરણાથી વિશ્વના અનેક દેશો પણ મુક્ત થઈ ગયા. આ વાણી સાંભળીને વિશ્વને પ્રથમવાર ભારતીય સંસ્કૃતિ, ભારતીય તત્ત્વજ્ઞાન, ઉત્કૃષ્ટ વેદાંતનો ખ્યાલ આવ્યો. પ્રથમવાર અન્ય ધર્મોના વડાઓને ખ્યાલ આવ્યો કે હિંદુ ધર્મની શાશ્વત ફિલસૂફી સામે તેમનું તત્ત્વજ્ઞાન બાળપોથી જેવું છે ! વેદાંતના વિચારો જ આવનારા સમયમાં ઉપયોગી થશે અને વિશ્વશાંતિ જાળવવામાં અને માનવજાતને એક રાખવામાં મદદરૂપ થશે તે સમજાયું. કદાચ ‘લીગ ઓફ નેશન્સ’ અને પછીનાં ‘યુનાઈટેડ નેશન્સ’નાં બીજ આ વાણીના પ્રભાવથી જ નખાયાં.

સ્વામીજીની વાણી જેમણે પણ માણી છે અને તેવા કરોડો છે, તેમને એક ઉચ્ચ, ઉત્કૃષ્ટ, સર્વોચ્ચ, પરમ અને અદ્‌ભુત જીવન જીવી શકાય તેની ખાતરી થઈ છે. શ્રેષ્ઠ જીવન કેમ જીવાય તેની ચાવી સ્વામીજીની વાણીમાંથી શબ્દે શબ્દે મળે છે. શ્રેષ્ઠ દૈનિક જીવન જીવવાની બધી જ ચાવીઓ તેમની વાણીમાંથી મળે છે. અરે ! આજે જે શબ્દ સર્વત્ર વપરાય છે, તે ‘મેનેજમેન્ટ’ પણ કેવું ઉત્કૃષ્ટ હોઈ શકે તે પણ સ્વામીજીની વાણીમાંથી જોવા મળે છે. આજે હવે વિશ્વના મેનેજમેન્ટ ગુરુઓ અચાનક જાગ્યા છે અને તેમને ખ્યાલ આવ્યો છે કે સ્વામીજીના જીવન અને વિચારોમાં મેનેજમેન્ટના જે સિદ્ધાંતો જોવા મળે છે, તે કોરા વિચારોમાંથી નથી મળતા. આજે મેનેજમેન્ટ ગુરુઓ તેમને જ ટાંકીને મેનેજમેન્ટના વિચારો સમજાવે છે. તેમને ખબર પડી ગઈ છે કે વિવેકાનંદના મેનેજમેન્ટના વિચારો માત્ર ટૂંકા ગાળાના ઉપાયો બતાવનાર વિચારો નથી, પણ શાશ્વત ઉપાયો દર્શાવે છે.

વિવેકાનંદના મેનેજમેન્ટના વિચારો ખરેખર જાણવા જેવા છે. તેમના જીવનનો અભ્યાસ પણ કરીએ તો તેમનામાં એક સર્વોચ્ચ નેતાનાં લક્ષણો દેખાય છે. આ બધું જાણવા માટે અનેક ગ્રંથો જોવા પડે. અહીં તો આપણે તેની કેવળ ઝાંખી કરીશું તો પણ તેની વ્યાપકતાનો ખ્યાલ આવી જશે. આધુનિક મેનેજમેન્ટના વિચારોના આધારે જ વિવેકાનંદને તથા તેમના વિચારોને તપાસીએ.

મેનેજમેન્ટમાં પાયાની બાબત છે નેતૃત્વ-ઉત્તમ નેતા. શ્રેષ્ઠ મેનેજમેન્ટ કેવળ શ્રેષ્ઠ નેતા જ કરી શકે. વિવેકાનંદ એક શ્રેષ્ઠ નેતા હતા. ભલે તેમનો બાહ્ય દેખાવ સંન્યાસીનો હતો, પણ વ્યક્તિત્વની રીતે તે નેતા જ હતા. બાળપણમાં રમતા ત્યારથી જ નેતૃત્વ કરવાનું શરૂ કરેલ. ગુરુ રામકૃષ્ણના મૃત્યુ પછી ગુરુભાઈઓને વિખરાઈ જતા અટકાવ્યા અને એક સંગઠન સ્વરૂપે તૈયાર કર્યા. અમેરિકામાં પ્રથમ પ્રવચન ભલે મોડું કર્યું, પણ તે પળથી જ સમગ્ર સંમેલનના મુખ્ય વકતા બની ગયા. સંમેલન ટકાવવા દરરોજ છેલ્લા વક્તા તરીકે તેમને જ રાખવા પડતા હતા. ભારત પાછા આવ્યા ત્યાર પછી તેમણે કોલંબોથી અલ્મોડા સુધી પ્રવચનો આપ્યાં છે, તેનો અભ્યાસ કરવામાં આવે તો તેમના નેતૃત્વનો ખ્યાલ આવશે. તેમણે ભાવિ ભારત કેવું હોવું જોઈએ તેનો સ્પષ્ટ નકશો રચી આપ્યો. પછીના નેતાઓ માટે તે બ્લૂ પ્રિન્ટ બની ગઈ. તેમણે બેલુરમાં જે રામકૃષ્ણ મિશન શરૂ કર્યું, તેમાં તેમનું મેનેજમેન્ટ સોળે કળાએ ખીલી નીકળ્યું. આજે જેને ટકાઉ (sustainable) સંસ્થા કહેવાય છે, તે આપણને આજે સો વર્ષ પછી આ મિશનમાં જોવા મળે છે. કેટલાક અંતરંગ સંન્યાસી સાથીઓ સાથે શરૂ કરેલ આ મઠ આજે વિશ્વમાં ૧૭૮ શાખાઓ સાથે ગ્લોબલ સંસ્થા બની ગઈ છે. તેનું બંધારણ, તેની વ્યવસ્થાપ્રણાલી એ બધાનો જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો વિવેકાનંદની મેનેજમેન્ટ શક્તિનો અંદાજ આવશે. મઠની શતાબ્દી વખતે તેનો જે ઇતિહાસ પ્રગટ થયો છે તેમાં જોવા મળે છે કે સમગ્ર વિશ્વમાં વેદાંત પ્રચારનું કામ તે આજે પણ વૈશ્વિક મેનેજમેન્ટના સિદ્ધાંતોથી કરે છે. આ બધું કેવળ સ્વામીજીના સર્વોચ્ચ નેતૃત્વના આધારે શક્ય બન્યું છે. આજે પણ બહુ ઓછા ફેરફાર થયા હશે. આટલા ટૂંકા ગાળામાં (૧૮૯૬-૧૯૦૨) કેવી રીતે આ બધું તેઓે કરી શક્યા હશે ?

સ્વામીજી પોતે જ ગ્લોબલ વ્યક્તિ હતા. તેમણે કાર્યની શરૂઆત જ વિદેશમાંથી કરી. વેદાંતના વિચારો અમેરિકા-યુરોપમાં પ્રથમ પ્રસરાવ્યા. તે સમયમાં તેમણે તકલીફો ભોગવી લાંબી મુસાફરીઓ કરી. બે-બે વાર યુરોપ-અમેરિકા ગયા. ભારત આવીને પણ જ્યાં સુધી શરીરે સાથ આપ્યો, ત્યાં સુધી ફરતા રહ્યા. તે સમયે, ઓછા કમ્યુનિકેશન વખતે પણ, વ્યાપક પ્રચાર કરી શક્યા. તેમણે વેદાંતને પણ સંકુચિત હિંદુ અર્થમાં નહીં, પણ ગ્લોબલ સંદર્ભમાં સમજાવ્યું. તે ત્યારે વૈશ્વિક નાગરિક બની રહ્યા. તે પોતે પણ માનતા હતા કે તે વૈશ્વિક નાગરિક હતા. એકવાર ગુરુભાઈઓએ તેમને ઝડપથી દેશ પાછા ફરવા વિનંતી કરી હતી, ત્યારે તેમણે પત્રમાં લખેલ કે તેઓે માત્ર ભારતના જ નહિ પણ વિશ્વના નાગરિક છે. સમગ્ર વિશ્વ તેમના માટે એક જ દેશ હતો.

મેનેજમેન્ટમાં નેતાનું એક મહત્ત્વનું લક્ષણ છે ધ્યેય નક્કી કરવું. વિવેકાનંદના પૂર્વ જીવનનો અભ્યાસ કરીએ તો તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો. તે સમયે કાયદાના વ્યવસાયીઓ ખૂબ કમાતા હતા. સ્વામીજીએ ધાર્યું હોત તો એક સારા વકીલ બનીને ખૂબ કમાઈ શક્યા હોત. પણ તેમણે એક મિશનરી બનવાનું પસંદ કર્યું. તેમણે ગીતા-દર્શન આધારિત માર્ગ પસંદ કર્યો – કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી. તેમણે સંન્યાસીઓને ધ્યેય આપ્યું – મોક્ષ અને કર્મનો સમન્વય. દેશને ધ્યેય આપ્યું – ‘તમારા એકના જ પર આખા કામનો આધાર હોય તે રીતે કાર્ય કરો. પચાસ પચાસ સૈકાઓ તમારા પર મીટ માંડી રહ્યા છે. ભારતના ભવિષ્યનો આધાર તમારા પર છે.’ તેમણે પોતાના જીવનની પળેપળ આ ધ્યેય સિદ્ધિ માટે જ કામ કર્યું અને, તેમની પ્રેરણાથી, રામકૃષ્ણ મઠ પણ આજે આખા વિશ્વમાં એ જ ધ્યેય માટે કામ કરે છે.

નેતાનું એક બીજું લક્ષણ છે ‘જવાબદારી લેવાનું.’ તેમણે જો ધાર્યું હોત તો એક નિષ્ક્રિય સંન્યાસી થઈ બેસી રહી શક્યા હોત. કોરો ઉપદેશ આપી સંતોષ પામી શક્યા હોત. પણ તેમણે તે ન કરતાં શરૂઆતથી જ, ભારત યાત્રા દરમ્યાન, લોકોને જાગૃત કરવાનું શરૂ કરી દીધું હતું. રાજાઓને પ્રજાલક્ષી બનવા કહ્યું. મઠ સ્થાપ્યા પછી તો મઠનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવાની અંગત જવાબદારી લીધી હતી. પશ્ચિમના શિષ્યોને પણ તૈયાર કર્યા, સાથે દેશવાસીઓને પણ પ્રવચનો દ્વારા જવાબદારી લેવા સૂચવતા રહ્યા. તેમણે ગરીબોની સ્થિતિ માટે પૈસાદારોને ઠપકો આપ્યો. તેમણે ભારતના લોકોને ઠપકો આપતાં કહ્યું કે પૂજા કે યાત્રાઓમાં સમય બગાડવાને બદલે ગરીબોની સ્થિતિ સુધારવા માટે કામ કરે. તેવું ન કરનારને તેમણે નાસ્તિક કહ્યા. તેમણે કહ્યું, ‘સાધારણ જનસમાજની ઉપેક્ષા એ મારી નજરે પ્રજાનું મહાન પાપ છે અને આપણી અવનતિનું એ મૂળ કારણ છે. જ્યાં સુધી આ જનવર્ગને સારી કેળવણી, સારો ખોરાક ન મળે અને તેની સંભાળ લેવામાં ન આવે, ત્યાં સુધી ગમે તેટલી રાજનીતિ કરીએ તે નિરર્થક છે.’ આ સંદર્ભમાં તેમના વિચારો વાંચીએ તો તે માનવતાવાદી જ લાગે.

વિવેકાનંદમાં નેતૃત્વનું એક અદ્‌ભુત લક્ષણ દેખાય છે, તે એ કે તઓે એક સર્વોતમ ‘કમ્યુનિકેટર’ હતા. લોકો સાથે પ્રત્યાયનથી કેમ સંકળાવું તે કળા તેમને સહજ સાધ્ય હતી. શિકાગોના પ્રથમ પ્રવચનમાં જ તે ત્યાં હાજર ચારથી પાંચ હજાર લોકો સાથે પહેલા શબ્દથી જ જોડાઈ ગયા. પછી અમેરિકા અને યુરોપમાં જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં તરત જ લોકો સાથે જોડાઈ જતા અને પોતાની વાત ખૂબ જ અસરકારક રીતે કરતા. વેદાંત જેવો ખૂબ કઠિન સંદેશ તે સરળતાથી સમજાવી શકતા. ભારતમાં પણ પાછા ફર્યા પછી તેમણે કોલંબોથી અલ્મોડા સુધી જે સંદેશ પ્રસરાવ્યો, તે વાંચીએ તો તેમનું અસરકારક કમ્યુનિકેશન જોઈ શકાય છે. તે સરળ ભાષામાં, સીધી રીતે અને જરૂર પડે તો, આક્રમક થઈને પણ બોલતા. આજે પણ તેમની વાણી વાંચીએ તો ઝડપથી તે સમજાઈ જાય છે. તેમણે પત્રો દ્વારા પણ અનેક લોકો સાથે ઉત્તમ કમ્યુનિકેશન કર્યું હતું. તેમના પત્રોની સંખ્યા જોતાં, વ્યસ્તતા વચ્ચે પણ તે આટલા બધા પત્રો કેમ લખી શક્યા હશે તે બાબત નવાઈ પમાડે છે. અત્યંત ટૂંકા ગાળામાં તેમણે પુષ્કળ લોકો સાથે સંપર્કાે સાધ્યા હતા અને તેમની પાસે કામ કરાવ્યું હતું.

સ્વામીજીની બે મેનેજમેન્ટ કળા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એક, તેમણે કર્મ પર ખૂબ જ ભાર મૂક્યો. તેમણે સંન્યાસીઓ, મિત્રો અને દેશ સામે દેશના અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને આ બધાના ઉકેલ માટે તીવ્ર કર્મ કરવાની અપીલ કરી. તેમણે વારંવાર કહ્યું કે દેશની જે પડતી થઈ હતી કે તે ગુલામ બન્યો હતો તેનું એક માત્ર કારણ પ્રજાની નિષ્ક્રિયતા અને આળસ હતાં. તેમણે દેશવાસીઓને હાકલ કરતાં કહેલું, ‘ઊઠો, જાગ્રત થાઓ અને જ્યાં સુધી લક્ષ્યસ્થાને ન પહોંચો, ત્યાં સુધી અટકો નહીં.’

પણ તે લોકોને માત્ર કર્મવાદીઓ બનાવવા માગતા ન હતા. તે જાણતા હતા કે જ્ઞાન વિનાનું કર્મ લાંબું ચાલતું નથી. એટલે સમાંતરે તેમણે ચિંતન પર પણ ભાર મૂક્યો. તેમણે દેશવાસીઓને સતત આત્મમૂલ્યાંકન કરવા કહ્યું. તેમણે હિંદુઓને તો ખૂબ જ કઠોર વાણીમાં સ્વમૂલ્યાંકન કરવા કહ્યું. હિંદુ-મુસ્લિમ ચિંતનના સમન્વયની પણ વાત કરી. સંકુચિતતા પર તો સતત ટીકા કરતા રહ્યા. સતત અભ્યાસ અને ઉત્તમ વિચારોનું મનન કરવા પર ભાર મૂકતા રહ્યા. તેઓ કહેતા, ‘આચરણ વિચારોમાંથી જન્મે છે. માટે મગજમાં ઉત્તમોત્તમ વિચારો, સર્વોચ્ચ આદર્શાે ભરો. બાળપણથી ભાવાત્મક, સતેજ અને આશાવંત વિચારો ભરી દો.’

સ્વામીજીના મેનેજમેન્ટ વિશે તો પુસ્તકો લખાઈ શકે. પણ તે સમજવાનો ઉત્તમ માર્ગ તેમને વાંચવા તે છે. પણ આ એક વિચાર-સ્વવિકાસનો-જો સમજાઈ જાય અને અપનાવાય, તો વ્યક્તિ ઉત્તમ મેનેજર બની શકશે : ‘તમારામાં રહેલી દિવ્યતા પ્રગટ કરો એટલે તેની આસપાસ બધું સુંદર રીતે ગોઠવાઈ જશે.’

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.