ગતાંકથી આગળ…
સ્વામી બ્રહ્માનંદને પ્રકૃતિ, વૃક્ષો, પુષ્પ-પાંદડાં પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેઓ જે ઠેકાણે થોડા દિવસ પણ રહે ત્યાં નવાં નવાં ફૂલછોડ, વૃક્ષો, ફળનાં રોપાં રોપતા. ઉપજાઉ પણ ઉજ્જડ જમીનમાં સુંદર બગીચો બનાવી દેતા. એમને હાથે રોપાયેલાં રોપાં હરિયાળાં બની જતાં.
બેલુરમઠની આજુબાજુના બગીચામાં ભાતભાતના રંગવાળા અને વિભિન્ન જાતિના ગુલાબના છોડ પરનાં પુષ્પો હવામાં લહેરાતાં રહેતાં. જરૂર કરતાં વધારે પુષ્પો ચૂંટીને છોડને પુષ્પ રહિત બનાવી દેવો તેમને જરાય પસંદ ન પડતું. તેઓ કહેતા, ‘પુષ્પોનો આ ઉદ્યાન ચરાચરમાં વ્યાપેલ એવા વિરાટ પ્રભુને ચરણે ધરી દીધો છે.’
શ્રીરામકૃષ્ણદેવની પૂજા માટે પણ ફૂલછોડનાં પાંદડાંની પાછળ છુપાયેલાં પુષ્પો તોડવાં એવી સૂચના પણ આપી હતી. એક દિવસ ખુદુમણિએ પૂજા માટે પૂર્ણ વિકસિત ગુલાબનાં ફૂલ તોડ્યાં. આ સ્વામી બ્રહ્માનંદજીએ જોયું એટલે કહ્યું, ‘આ પુષ્પો હવે પૂજામાં નહીં વપરાય, કારણ કે આ આખો ગુલાબનો છોડ એના પુષ્પ સહિત શ્રીઠાકુરને અર્પણ કરી દીધો છે. એટલે ખુદુમણિએ ખુલાસો કર્યો કે આ ફૂલ હું માતાજીની પૂજા માટે લઈ જઉં છું. એ સાંભળીને એમણે એને ફૂલ લઈ જવાની રજા આપી.
એકવાર એમણે પોતાના સેવકની પણ આ ફૂલ નિમિત્તે એક રમૂજ કરી હતી. બેંગ્લોરના મઠમાં સ્વામી બ્રહ્માનંદજીને એક સફરજનના ઝાડની આસપાસ કેટલાંક પુષ્પોનાં બીજ રોપવાં હતાં. એ માટે સારાંમાં સારાં બીજ મગાવ્યાં અને રોપ્યાં. બીજ તો ઊગી નીકળ્યાં અને એના છોડ વધવા લાગ્યાં. ધીમેધીમે રંગીન કિનારીવાળાં સફેદ પુષ્પો એના પર ખીલી ઉઠ્યાં. એક દિવસ સ્વામી બ્રહ્માનંદ જમીને બહાર આવ્યા. એમનો સેવક ઈશ્વર એમના હાથ ધોવા માટે પાણી લઈને ઊભો હતો. સ્વામી બ્રહ્માનંદે પુષ્પો સામે જોઈને એને પૂછ્યું, ‘તને આ પુષ્પો કેવાં દેખાય છે?’ ઈશ્વરે જવાબ આપ્યો, ‘આ પુષ્પો ઘણાં સુંદર છે.’ એટલે સ્વામી બ્રહ્માનંદે એને ફરીથી પૂછ્યું, ‘પુષ્પો ખરેખર અત્યંત સુંદર છે?’ એટલે સેવક ઈશ્વરે ફરીથી જવાબ આપ્યો, ‘હા, ફૂલ ખૂબ સુંદર છે.’ પછી સ્વામી બ્રહ્માનંદજીએ રમૂજ સાથે કહ્યું, ‘હવે એક કામ કર. અહીં જ ઊભો રહે અને ત્રણ વાર મોટેથી બોલ કે આ પુષ્પો અત્યંત સુંદર છે.’ બિચારો ઈશ્વર કરે પણ શું? એણે એમની આજ્ઞાનું પાલન કર્યું. એનો મોટો અવાજ સાંભળીને સ્વામી ભૂમાનંદ, સ્વામી ગોપાલાનંદ અને સ્વામી વિદેહાનંદ અને બીજા કેટલાય ‘શું થયું છે? શું થયું છે?’ એમ બોલતાં બોલતાં બહાર આવ્યા. એમણે જોયું તો સ્વામી બ્રહ્માનંદ હસતાં હસતાં ઈશ્વરના મુખ સામે જોઈને ઊભા છે.
શું થયું છે? શું થયું છે? એવો પ્રશ્ન પૂછતાં સ્વામી બ્રહ્માનંદે મજાક ભરી ભાષામાં જવાબ આપ્યો, ‘જૂઓને ભાઈ, જમ્યા પછી આ ઈશ્વર મારો હાથ ધોવડાવશે એમ માનીને હું તો રસોડામાંથી બહાર આવ્યો, પણ મને અહીં આવી જ રીતે ઊભો રાખીને, ‘ફૂલો ખૂબ સુંદર છે, ખૂબ સુંદર છે!’ એમ બૂમો પાડવા માંડ્યો. આટલાં સુંદર ફૂલો જોઈને એમ લાગે છે કે એ એકદમ ઈશ્વરીય ભાવાવસ્થામાં આવી ગયો છે!’
(રેમિનિસન્સિજ ઓફ સ્વામી બ્રહ્માનંદ- અક્ષય ચૈતન્ય, પૃ. ૧૫૩-૫૮)
સ્વામી શિવાનંદ એટલે પ્રેમનો અસીમ સાગર. શ્રીરામકૃષ્ણ દેવના બધા જ સંન્યાસી શિષ્યો કામિની કાંચનથી નિસ્પૃહ હતા. એક વખત એક ભક્તે સ્વામી શિવાનંદજીના ચરણે થોડા પૈસા અર્પણ કર્યા. એ જોઈને એમણે કહ્યું, ‘તમે મને આ પૈસા શા માટે આપ્યા? હું તો સંન્યાસી છું. મારે પૈસાની જરૂર નથી. મારે પૈસાનું કરવું શું? પ્રભુની કૃપાથી મારી જરૂરતો પણ ઓછી છે. હું એ ઈશ્વરનો એક સેવક છું. એમની કૃપાથી મને બે કોળિયા અન્ન પણ મળી રહે છે. જ્યાં સુધી એ પ્રભુ મારા દાણાપાણીની આવશ્યકતા પૂરી કરે છે ત્યાં સુધી મારે આ પૈસાનું કરવું શું? હે ભાઈ, આ પૈસા તું પાછા લઈ લે. તું ગૃહસ્થ છે, મારા કરતાં તને જ એની વધુ જરૂર છે. આટલું કહેવા છતાં એ ભક્ત કંઈ સાંભળવા તૈયાર ન હતો. એટલે ન છૂટકે એમણે એ પૈસા સ્વીકાર્યા, અને તરત જ એમના એક સેવકને એ આપી દીધા. એને કહ્યું, ‘પ્રભુની પૂજા માટે કંઈ ખરીદવું હોય તો એમાં આ પૈસા વાપરજે.’
કોઈ કોઈ વાર ભક્તો પોતાની મુશ્કેલીઓની વાત એમને કરતા. એક વખત એક ભક્તે એમને કહ્યું, ‘મારો દીકરો એક સારો માનવ બને એ માટે તમે આશીર્વાદ આપો.’ સ્વામી શિવાનંદજીએ એ છોકરાને આશીર્વાદ તો આપ્યા જ, પણ તરત જ હળવે રહીને એના પિતાને કહ્યું, ‘તમે પોતે પણ એક સારા માણસ બનો, એટલે તમારો દીકરો પણ સારો માણસ બનશે.’
(ધ સાગા ઓફ ગ્રેટ સાઉલ- લે. સ્વામી વિવિદિશાનંદ)
સ્વામી શિવાનંદ બેલુરમઠમાં હતા ત્યારની એક ઘટના છે. બપોરની વેળા હતી. ઉપરના માળે પોતાના ઓરડામાં સ્વામી શિવાનંદ ભોજન કરતા હતા. એ વખતે એમણે જોયું કે મઠના પરિસરમાં એક આંબા નીચે એક મોચી ચંપલ સીવે છે. જમ્યા પછી એમણે પોતાના સેવકને કહ્યું, ‘અરે! આપણે બધા તો જમ્યા, પણ આ મોચી ભૂખ્યે પેટે અહીં કામ કરીને પીડાય છે. જાઓ નૈવેદ્યમાં અર્પણ કરેલાં ફળો અને મિઠાઈ એને આપી આવો.
એમના કહ્યા મુજબ એક સેવક એ મોચીને ફળ અને મિઠાઈ આપી આવ્યો. પોતાના ઓરડાની બારીમાંથી સ્વામી શિવાનંદ બધું જોતા હતા. પોતાની સામે મૂકેલા ફળ અને મિઠાઈ જોઈને મોચીએ પોતાનું કામ થોભાવ્યું અને તરત જ એ ખાવા લાગ્યો. એ જોઈને સ્વામી શિવાનંદજીનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. તેઓ બોલી ઉઠ્યા, ‘જૂઓ, આ માણસ કેટલો ભૂખ્યો હશે! એટલે જ ફળમિઠાઈ આવતાં જ ખાવા લાગ્યો.’ ત્યાર પછી એ મોચીને બારીમાંથી થોડા પૈસા પણ આપ્યા. મોચીને ઘણો આનંદ થયો.
થોડીવાર પછી એક સંન્યાસી પોતાનાં ચંપલ લેવા મોચી પાસે આવ્યા. એમના ચંપલ સીવેલ તૈયાર હતાં. પૈસા માટે એમણે મોચી સાથે થોડી કચકચ કરી. એ જોઈને સ્વામી શિવાનંદજીએ એ સંન્યાસીને ઠપકો આપ્યો અને કહ્યુંં, ‘આ મોચી કેટલો ગરીબ છે, એને આમ થોડા પૈસા માટે શા માટે કોચવો છો?’
(ધ સાગા ઓફ ગ્રેટ સાઉલ- લે. સ્વામી વિવિદિશાનંદ, પૃ. ૧૧૭)
(ક્રમશ 🙂
Your Content Goes Here