ગતાંકથી આગળ…

ક્યારેક ક્યારેક સિસ્ટર અમને શ્રી શ્રીમા પાસે લઈ જતાં. ત્યારે અમારામાં કંઈ જ સમજ વિકસી નહોતી. પરંતુ તોય અમને સિસ્ટર સાથે શ્રી શ્રીમાને જોવા જવું બહુ ગમતું. મને શાળા માટે ખૂબ જ પ્રેમ હતો, શાળા છોડી ઘરે જવાનું તો મન જ ન થતું. મોટી થવા સાથે આ પ્રેમ પણ વધતો જ ગયો. જ્યારે સુધીરાદીએ સ્કૂલમાં ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે હું ઉપલા વર્ગમાં આવી ગયેલી. તેઓ અમને અત્યંત પ્રેમ કરતાં, અમે પણ એમને બહુ જ ચાહતાં. તેઓ અમારી ધાર્મિક ભાવના વધારવા માટે બહુ જ પ્રયત્ન કરતાં.

માતા-પિતાએ મારાં લગ્ન કરી નાખ્યાં પરંતુ સાંસારિક જીવનમાં મને રસ નહોતો. ત્યારે હું પુખ્ત થઈ ગયેલી તેથી મા-બાપે મને સાસરે મોકલવાની વ્યવસ્થા કરી લીધી. મને ચિંતા થઈ, કોઈ રસ્તો સૂઝતો નહોતો. બધી જ વિગત મેં સુધીરાદીને કહી. તેમનાં માર્ગદર્શન અને સહાનુભૂતિથી મારામાં હિંમત આવી. તેમણે ઈશારો કરી દીધો કે જો ઘરના લોકો બળજબરી કરે તો ઘર છોડી દેવું. ત્યારે હું ધાર્મિક જીવન વિશે અથવા ઈશ્રવરપ્રાપ્તિનો અર્થ ખાસ જાણતી નહોતી. શાળા અને સુધીરાદીનો સંગ – આ સિવાય બીજુ કંઈ જ મને ગમતું નહિ. એક વખત જયારે સુધીરાદી કોલકાતામાં નહોતાં અને ઘરના લોકો મને સાસરે વળાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક રાતે હું ઘરેથી ભાગી છૂટી. સુધીરાદીએ મને કહેલું, ‘જો ક્યારેય ઘર છોડવાનો વારો આવે તો, પહેલાં નરેશદી પાસે જવું, તેઓ જરૂરી વ્યવસ્થા કરી દેશે.’ એમના બતાવ્યા પ્રમાણે નરેશદીના ઘરે જવાને બદલે મૂર્ખાઈપૂર્વક હું મહામાયા (અમારી શાળાની એક વિદ્યાર્થિની) ને ઘરે જતી રહી. તેના ઘરનાં લોકો એટલાં બધાં ગભરાઈ ગયાં કે પોતાને ઘરે રાખવાને બદલે તે લોકો એ જ રાતે મને ચતુરાને ઘરે લઈ ગયાં.

મારા આ રીતે ચાલ્યા જવાથી ઘરે ભયાનક સ્થિતિ ઊભી થઈ ગઈ. તે લોકો ચિંતામાં મૂકાઈ ગયાં કે હું ક્યાં ચાલી ગઈ હોઈશ? મને શોધતાં શોધતાં તે લોકો મહામાયાને ઘરે પહોંચી ગયાં. જો કે મેં તે લોકોને મારું ઠેકાણું ન બતાવવાનું કહેલું છતાં તે લોકોએ કહી દીધું. આમ તેઓ ચતુરાને ઘરે પહોંચી ગયાં અને મને બળજબરીથી ઘરે પાછી લાવ્યાં, પરંતુ ઘરેથી ભાગી જવા માટે ખાસ વઢયાં નહિ.

ઈ.સ.૧૯૧૧ માં આ ઘટનાના લગભગ પાંચ મહિના પછી, સુધીરાદી શાળામાં જ રહેતાં હતાં. દેવી સરસ્વતીની પ્રતિમાના વિસર્જનનો દિવસ હતો. આગલા દિવસે જ સરસ્વતી પૂજા સંપન્ન થયેલી. મારા ભાગી છૂટવા માટેની બધી જ વ્યવસ્થા સુધીરાદીએ પૂરી કરી લીધી હતી. ૧૭, બોસપાડા લેન ઉપર આવેલી શાળાના ભોંયતળિયે રહેલા એક ઓરડામાં તેઓ મારી રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ ઘરનાં બધાં સૂઈ જાય તે પહેલાં હું નીકળું કેવી રીતે? મધરાતે જ્યારે બધાં સૂઈ ગયાં ત્યારે હું ઘરેથી નીકળી પડી. પ્રફુલ્લમુખીદેવી આ જાણતાં હતાં, મેં તેમને જણાવી દીધેલું. લાંબા સમય સુધી રાહ જોયા બાદ સુધીરાદી શાળાની બેંચ ઉપર જ સૂઈ ગયાં હતાં. તેમણે ભગિની નિવેદિતાને આ વિશે જણાવેલ, પરંતુ ભગિનીએ નિરુત્સાહિત કરતાં કહેલું, ‘સીતા અને સાવિત્રીના દેશમાં આવું કરવું એ શું આદર્શને અનુરૂપ છે?’ વૈવાહિક જીવનમાંથી ભાગી જવું ભગિની ક્રિસ્ટીનને પણ અનુચિત લાગ્યું હતું. જેવી હું શાળાએ પહોંચી કે સુધીરાદી બહાર આવી ગયાં. તેમણે ગણેન મહારાજને પહેલેથી જ સૂચના આપી રાખેલી કે મોડી રાત્રે જ નીકળી શકાશે. તેમણે અમારી સાથે આવવું પડશે. આમ સુધીરાદી,ગણેન મહારાજ અને હું અંધકારમાં પગપાળા ચાલી નીકળ્યાં. એટલી બધી રાત થઈ ગયેલી કે કોઈ વાહન દેખાતું નહોતું. રસ્તો બહુ લાંબો તેમજ અંતહીન લાગતો હતો. સુધીરાદીની ફોઈની દીકરી બહેન રાજા રાજકૃષ્ણ લેન, હાથીબાગાનમાં રહેતી હતી. મને તેમને ત્યાં રાખવામાં આવી.

ત્યારે હું ૧૭ વર્ષની હતી. મારું ઘરનું નામ પારૂલ હતું. સુધીરાદીએ બદલીને સરલા કરી દીધું. હું તે ઘરમાં લગભગ બે મહિના રહી. એક જગ્યાએ લાંબો સમય રહેવાથી મારા ઘરના લોકોને ખબર પડી જવાની આશંકાથી સુધીરાદીએ પોતાની દીદી સાથે મને તારકેશ્વરની બાજુમાં આવેલ હરિપાલ નામના ગામડામાં મોકલી દીધી. ત્રણ મહિના પછી ઉનાળુ રજાઓમાં આવીને તેઓ મને હાથીબાગાનના પોતાના ઘરે લઈ ગયાં.

સુધીરાદીના મોટાભાઈ દેવવ્રત બસુ (સ્વામી પ્રજ્ઞાનંદ) બીમારીમાં પટકાઈને તે ઘરમાં જ હતા. તેમનાં મોટાંબેન અને સૌથી મોટાભાઈ પણ ત્યાં જ હતાં. સ્વામી પ્રજ્ઞાનંદને મારા ઉપર સ્નેહ હતો. સુધીરાદીએ એકવાર મને કહેલું કે, જ્યારે પ્રજ્ઞાનંદ મહારાજે ભગિની ક્રિસ્ટીન સાથે શાળાની શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થિનીઓના સમૂહફોટામાં મને જોઈ ત્યારે કહેલું કે, ‘આ કન્યા જુદી જ દેખાય છે, તે ખૂબ કાર્ય કરશે.’ સુધીરાદી અને બીજાં કુટુંબીઓએ જણાવેલ કે તેમના આ મોટાભાઈને યોગિક અંતદૃષ્ટિ હતી. ક્યારેક ક્યારેક તેઓ મારા વિશે પૂછતા. તેઓ એ ઘરમાં રહેતા ત્યારે આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરતાં જણાવતા કે ઈશ્વર પર પૂર્ણ નિર્ભર થઈને કેવી રીતે સ્વતંત્ર જીવન જીવાય. હું ક્યારેય કંઈ ન બોલતી, બધી જ વાતો ખૂબ જ ધ્યાન દઈને સાંભળતી.

મારું સ્વાસ્થ્ય સારું હતું, ખૂબ પરિશ્રમ કરી શકતી. જે ઘરે રહેતી ત્યાં બધાં જ ઘરકાર્યમાં મદદ કરતી. તે લોકો પણ મને પ્રેમથી રાખતાં. ધર્મપરાયણ બ્રાહ્મણકુળમાં જન્મ હોવાને કારણે મારું પાલનપોષણ પણ એવી પરંપરામાં જ થયેલું. સુધીરાદીનાં સગાંઓ બ્રાહ્મસમાજી હતાં, તેમની જીવનશૈલી પાશ્ચાત્યની હતી, પરંતુ તેઓની સાથે રહેવામાં મને કોઈ દ્વિધા કે સંકોચ ન થયો. સુધીરાદી જેમ કહેતાં તેમજ હું કરતી. તેમના ઘરે રહેતી ત્યારે તેઓ હંમેશા મને ચેતવતાં, ‘જો એવું આચરણ ન કરતી કે જેને લઈને મારે જેલમાં જવું પડે.’ કોઈ મહેમાન આવે તો હું ઓરડામાં છૂપાઈ જતી. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા બંધ રહેતો તેમજ ઘરના બધા જ સભ્યો સતર્ક રહેતા. ઈ.સ.૧૯૧૧ માં બુદ્ધપૂર્ણિમાના દિવસે સુધીરાદી મને મંત્રદીક્ષા માટે શ્રી શ્રીમા પાસે લઈ ગયાં. અમે લોકો પડદા ટાંગેલી ઘોડાગાડીમાં ગયાં. દીક્ષા બાદ અમે પ્રસાદ લીધો અને પછી સંધ્યા સમયે ઘરે પાછાં ફર્યાં. ક્યારેક ક્યારેક તેઓ મને શ્રી શ્રીમા પાસે રાત્રે લઈ જતાં.

મારા ગૃહત્યાગ વિશે શ્રી શ્રીમાએ જ્યારે પહેલીવાર સાંભળ્યું ત્યારે તેમણે સુધીરાદીને પૂછ્યુ હતું, ‘તેં એક છોકરીનો આજીવન ભાર પોતાના પર ઉપાડ્યો, શું તે બરાબર કર્યું છે ?’ સુધીરાદી બોલ્યા, ‘મા, જવાબદારી તો લઈ લીધી, હવે શું કરી શકાય ?’ પરંતુ ત્યાર બાદ શ્રી શ્રીમાની મારા તરફની સહાનુભૂતિ વધી ગઈ તથા તેઓ મારું ધ્યાન રાખવા લાગ્યાં. સુધીરાદી મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં તે જોઈને શ્રી શ્રીમાએ મને કહ્યું, ‘ મારી દીકરી, તું આવી રીતે ક્યાં સુધી રહીશ ?’

મારા ગૃહત્યાગ પછી ઘરમાં ઉહાપોહ મચી ગયોે હતો. ઘણા લોકોએ સુધીરાદી ઉપર શંકા કરી, પરંતુ સુધીરાદીએ એવો દેખાવ કર્યો કે જાણે તેઓ કંઈ જ જાણતાં નથી. પહેલીવાર જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે બોલ્યાં, ‘અરે, તેને જોઈને તો અમે ક્યારેય વિચારી પણ શકતાં નહિ કે તે આવી હશે ! શું તે ખરેખર ભાગી ગઈ ? અરે, એવું કેવી રીતે થઈ શકે ?’

લાંબા સમય બાદ પણ જ્યારે ઘરના લોકો મને શોધી ન શક્યા તો તેમણે જ્યોતિષીઓની સલાહ લીધી. જ્યારે કોઈ સારા જ્યોતિષીએ તેમને જણાવ્યું કે તેમની પુત્રી સારા લોકોની સુરક્ષામાં છે ત્યારે તે લોકો થોડાં નિશ્ચિંત થયા. ત્રણ મહિના હાથીબાગાનમાં વિતાવી, ઓગસ્ટ મહિનામાં હું હરિપાલ ગામે ગઈ. પરંતુ ત્યાં મને મેલેરિયા થઈ ગયો, સુધીરાદી ચિકિત્સા કરાવવા મને પોતાના હાથીબાગાનવાળા ઘરે પાછી લઈ ગયાં.

એક દિવસ જ્યારે સુધીરાદી ઘરે નહોતાં ત્યારે અમારી એક પરિચિત બેન (ફટિની મા) તેમની કંઈક મદદ લેવા આવી. તે સમયે હું રસોડામાં હતી અને તેના આવવાથી અજાણ હતી. અચાનક જ મને જોઈને તે અવાક થઈ ગઈ. ભયભીત થઈ હું પણ કંઈ બોલી શકી નહિ. સુધીરાદી હતાં નહિ તેથી તે જતી રહી. સુધીરાદી આવ્યાં ત્યારે મેં તેમને બધું જ કહી દીધું. પહેલાં તો તેઓ અત્યંત ક્રોધિત થઈ બોલી ઊઠ્યાં, ‘તો અંતે આ થઈને જ રહ્યું. હવે હું જેલમાં જઈશ અને તારા ઘરનાં લોકો આવીને તને લઈ જશે.’ પરંતુ બીજા જ દિવસે તેમણે પોતાની જૂની કામવાળી બેન ‘પડશી’ સાથે મને ફરી હરિપાલ મોકલી દીધી.

ત્યાં મને ફરીથી મેલેરિયા થયો. સુધીરાદીની સૌથી મોટી બહેન ત્યાં એકલાં હતાં, તેઓ મારી સાર-સંભાળ રાખવા અસમર્થ હતાં. તેથી તેમણે સુધીરાદીને મારી માંદગીના સમાચાર મોકલ્યા, જે સાંભળી સુધીરાદી અત્યંત ચિંતાતુર થઈ ગયાં, કેમ કે એક બાજુ હું હરિપાલમાં માંદી હતી, તો બીજી બાજુ કોલકાતામાં તે બહેન મને જોઈ ગઈ હતી. હું કોલકાતા રહું તો મારા ઘરના લોકો મને શોધી જ કાઢે, તો પણ સુધીરાદીએ પડશીને મને પાછી લાવવા મોકલી. (ક્રમશ 🙂

Total Views: 54
By Published On: June 1, 2013Categories: Pravrajika Bharatiprana0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram