ગતાંકથી આગળ…

કાલી-તત્ત્વ

ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે લોકો બાહ્ય કે ઉપરછલ્લી રીતે શ્રીરામકૃષ્ણદેવના ચરિત્રની ચર્ચા કરે છે એમાંથી ઘણાની ધારણા એવી છે કે શ્રીરામકૃષ્ણદેવ શ્રીમા કાલીના ઉપાસક હતા. આમ જોઈએ તો આ વાત ખોટી નથી, પરંતુ મોટાભાગના લોકો આટલું સમજી શકતા નથી કે શ્રીરામકૃષ્ણદેવનો ‘કાલી’ એમ કહેવાનો અભિપ્રાય શો છે ? તેઓ કયા અર્થાેમાં આ શબ્દનો પ્રયોગ કરે છે ? આપણને એવું લાગે છે કે તેંત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં શ્રીમા કાલી પણ એક છે. માસ્ટર મહાશય કહે છે કે શ્રીરામકૃષ્ણદેવના ‘કાલી’ નો અર્થ અલગ છે. વેદ જેમને ‘પરબ્રહ્મ’ કહે છે, એમને જ તેઓ ‘કાલી’ કહે છે. તેઓ જ સગુણ – નિર્ગુણ, સાકાર-નિરાકાર બધું છે. જ્યારે તેઓ સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે ત્યારે શ્રીરામકૃષ્ણદેવ એમને શક્તિ કહે છે અને જ્યારે તેઓ કંઈ કરતાં નથી, નિર્ગુણ રહે છે ત્યારે તેઓ એમને બ્રહ્મ કહે છે.

જે નિર્ગુણ-નિષ્ક્રિય છે તેઓ જ સગુણ-સક્રિય છે. કાલી શબ્દનું તાત્પર્ય છે આદ્યાશક્તિ, જેમનાં દ્વારા સૃષ્ટિ-સ્થિતિ-લય થતાં રહે છે, તેઓ જ કાલી છે. શક્તિની બધી અભિવ્યક્તિઓ પાછળ જે આદિશક્તિ છે, એમને જ ‘કાલી’ કે ‘ઈશ્વર’ કહે છે. ઈશ્વર શબ્દનો અર્થ છે – ‘ઈશન્’ અર્થાત્ નિયંત્રણ કરનાર. એ જ જગતનું નિયંત્રણ કરનાર ઈશ્વરને શ્રીરામકૃષ્ણદેવ કાલી કહે છે. આ આદ્યાશક્તિ જ અવતાર ધરીને આવે છે. ધર્મની રક્ષા કરવા દેહધારણ કરીને અવતીર્ણ થાય છે. કાલીનો અર્થ છે – આદ્યાશક્તિ, જેમાંથી બધાં અવતાર આવે છે. શક્તિની વંદનામાં કહ્યું છે, ‘તમે જ સૃષ્ટિ-સ્થિતિ-લય કરો છો અને તમારામાંથી જ બધા અવતાર તથા બ્રહ્મા-વિશ્ણુ-મહેશ્વર વગેરે દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે.’ દુર્ગા સપ્તશતીમાં પણ કહ્યું છે કે તેઓ જ બધાં દેવ-દેવી થયાં છે. એટલે જ કાલી એ શબ્દનું તાત્પર્ય ચારભૂજાઓમાં ખડ્ગ, મૂંડ અને વરાભય મુદ્રા ધારણ કરેલ દેવી સાથે નથી. એમનાં વિવિધરૂપ છે. જેમની શક્તિથી વિશ્વબ્રહ્માંડ પ્રકાશિત થાય છે અને જેમનામાં લય પામે છે, જેમને પ્રાચીન બ્રહ્મજ્ઞાનીવૃન્દ ‘બ્રહ્મ’ કહે છે, જેમને યોગીઓ ‘આત્મા’ કહે છે અને જેમને ભક્તગણ ‘ભગવાન’ કહે છે, શ્રીરામકૃષ્ણદેવ એમને જ ‘કાલી’ કહે છે. આ બધી વાતો માસ્ટર મહાશય કહે છે.

સામાન્ય લોકો એવું વિચારે છે કે કાલી એક ભયંકર દેવી છે. તેઓ સંહાર કરે છે એટલે કેટલાક એમને તમોગુણી કહે છે. એક તરફ તેઓ સંહાર કરે છે તો બીજી બાજુએ તેઓ સૃષ્ટિ રચે છે. જે મૂર્તિમાં સંહાર છે તેમાંજ સૃષ્ટિ પણ છે. એટલે સામાન્ય લોકો માટે શ્રીમા કાલીને સમજવાં કઠિન છે. હિંદુ શાસ્ત્રોમાં પ્રત્યેક દેવી-દેવતાઓ વિશે આવી જ ધારણાઓ છે. તે પરમેશ્વર ઉપાસ્યના રૂપે બધા દેવતાઓના દેવતા છે. આપણે લોકો મોટેભાગે આ તત્ત્વને સમજતા નથી એટલે ભિન્ન ભિન્ન દેવતાઓની અલગ અલગ ધારણા કરીને પરસ્પર વિવાદ કરીએ છીએ. વાસ્તવિક રીતે એક જ પરમેશ્વર વિભિન્નરૂપ ધારણ કરીને જગતનાં સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે અને એમને જ ‘કાલી’ કહે છે. દુર્ગાસપ્તશતીમાં કહ્યું છે :

त्वं वैष्णवीशक्तिरनन्तवीर्यां ।
विश्वस्य बीजं परमाऽसि माया ।। (11.5)

તમે જ વૈષ્ણવી શક્તિ છો, અર્થાત્ સર્વવ્યાપી શક્તિ, જે વિષ્ણુથી અભિન્ન છે. આ વિષ્ણુ – બ્રહ્મા વિષ્ણુ, મહેશ્વરમાંથી એક નથી, તેઓ જગતનું આદિ બીજ છે.’ આ રીતે એમનું વર્ણન સર્વવ્યાપી પરમેશ્વરીના રૂપે કરવામાં આવ્યું છે.

કાલીનો પ્રસંગ આવતાં માસ્ટર મહાશયે ડૉ.સરકારને શ્રીરામકૃષ્ણનો ભાવ સમજાવી દીધો. ડાૅક્ટર બ્રહ્મભાવમાં અનુપ્રાણિત હતા એટલે દેવ-દેવીઓનું તાત્પર્ય સમજી શકતા ન હતા.

પાછલા દિવસે ભક્તોને ભાવસમાધિ થઈ હતી, ડાૅક્ટર ત્યારે ત્યાં હાજર હતા. એટલે એ ઘટના વિશે કહે છે, ‘ભાવાવેશ તો મેં જોયો. વધારે ભાવાવેશ થવો સારો કહેવાય ?’ ડૉ.સરકારના આ પ્રશ્નના ઉત્તરમાં માસ્ટર મહાશય કરે છે, ‘ શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ઈશ્વરનું ચિંતન કરવાથી જે ભાવાવેશ થાય છે તે વધારે હોવાથી કોઈ હાનિ થતી નથી.’ બ્રાહ્મો સમાજના અનેક લોકો શ્રીરામકૃષ્ણદેવના ભાવથી પ્રભાવિત થઈ રહ્યા હતા, એટલે એમની સગુણ-નિરાકાર ભાવમાં દૃઢતા શિથિલ થતી જતી હતી. સમાજના આચાર્ય શિવનાથ શાસ્ત્રીએ કહ્યું હતું, ‘પરમહંસદેવ સારા માણસ છે, પરંતુ વધારે ઈશ્વર ચિંતન કરવાને લીધે એમનું મગજ બગડી ગયું છે.’ એનો અર્થ એ હતો કે બધા લોકો શ્રીરામકૃષ્ણની વાતોને વધારે સ્વીકારે નહીં, નહીં તો બ્રાહ્મો સમાજને ક્ષતિ પહોંચશે. શ્રીરામકૃષ્ણદેવ આ વાતને સાંભળીને શિવનાથને કહે છે, ‘તમે લોકો જડનું ચિંતન કરીને તમારા મસ્તિષ્કને બરાબર રાખો છો અને હું ચૈતન્યનું ચિંતન કરીને અચૈતન્ય બની ગયો?’ શિવનાથે ગમે તે રીતે આ ટાળ્યું.

સામાન્ય લોકો જેનાથી વિષય ચિંતનને કોઈ નુકશાન ન થાય એ રીતે ઈશ્વર ચિંતન કરવાનું ઈચ્છે છે. વિષય કર્મમાં હાનિ થવાથી તેને ‘અતિ કરવું’ એમ કહે છે. શ્રીરામકૃષ્ણે એ વિચાર કરીને કહ્યું કે જીવનનું લક્ષ્ય શું છે ? લક્ષ્ય જો ઈશ્વર પ્રાપ્તિ હોય તો પછી એમાં એટલે કે ઈશ્વર ચિંતનમાં ‘અતિ’ કયાં થાય છે ? સાંસારિક વિષય મનુષ્યનું લક્ષ્ય નથી. આમ છતાં પણ મનુષ્ય જ્યાં સુધી સંસારમાં દસ-બાર લોકો સાથે રહે છે ત્યાં સુધી તેણે પોતાનાં ભાવને દબાવી રાખવો પડે છે. પરંતુ ધર્મજીવનમાં આ સંકુચિતતા હિતકર નથી, એ તો હાનિકારક છે. ઈશ્વરસાધનામાં ‘અતિ’ નામની કોઈ વસ્તુ નથી. (ક્રમશ 🙂

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.