(ગતાંકથી આગળ)
આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે.
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः।। 16.18
બીજાની નિંદા કરનાર આ લોકો અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ વગેરેનો આશરો લઈને પોતાના તથા બીજાના દેહમાં રહેલા મારો (પરમાત્માનો) દ્વેષ કરે છે.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।
कामःक्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ।। 16.21
કામ, કોધ તથા લોભ આ ત્રણેય આત્માનો નાશ કરનારા અને નરકનાં દ્વાર છે. એટલે આ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ.
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम्।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते।। 18.53
અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધ તથા પરિગ્રહથી મુક્ત થઈને, મારાપણા વિહોણા બનીને તેમજ શાંત થઈને સાધક બ્રહ્મત્વની પ્રાપ્તિ માટે સમર્થ બની જાય છે.
આ શ્લોકોમાં આપણને ક્રોધનો ઉદ્ગમ તેનો સ્વભાવ, એની વિધ્વંસક ક્ષમતા તેમજ એનાં પરિણામ સાથે જ એ ક્રોધ પર વિજય મેળવવાના ઉપાય પણ દર્શાવ્યા છે. આ બધા શ્લોકોમાં આપણને દર્શાવાયું છે :
* ક્રોધ, કામના અને લોભ એ ત્રણેય વિનાશ તરફ લઈ જાય છે.
* ક્રોધથી ભ્રાંતિ થાય છે, ભ્રાંતિથી સ્મરણશક્તિનો લોપ થઈ જાય છે, આ સ્મૃતિલોપથી વિવેકબુદ્ધિનો નાશ થાય છે. વિવેકનો નાશ થવાથી વ્યક્તિ ક્યાંયની નથી રહેતી.
* ક્રોધ માનવીય સ્વભાવને આસુરી પક્ષનો એક આયામ આપે છે. નઠારી ભાવનાઓની આ દુષ્ટોની મંડળીના બીજા સભ્યો છે – દંભ, અહંકાર, કઠોરતા, અજ્ઞાન વગેરે. આ બધા લફંગાઓ ક્યારેય એકલા ચાલતા કે આવતા નથી, પરંતુ હંમેશા એકી સાથે ચાલે છે. આ એક ખરેખર એક પ્રબળ અડ્ડો છે. એટલે આ જંગલીઓ સાથે પનારો પાડવા આપણે એના પુરે પુરા અડ્ડા સાથે પણ વધારે દૃઢ સંકલ્પ, સાહસિક, વ્યાવાહારિક અને કુશળ બનવું પડે. જો કે આ કાર્ય સરળ, સહજ નથી, છતાં પણ ઈશ્વર આપણને એવું આશ્વાસન આપે છે કે ક્રોધને જીતી શકાય. આ કેવી રીતે સંભવ બને તેનો પણ એક અગત્યનો સંકેત આપે છે.
* ભગવાન કહે છે – પહેલાં તો એટલું નક્કી કરી લો કે ક્રોધ તમારો શત્રુ છે. જ્યાં સુધી તમે તમારા શત્રુને શત્રુ નહીં માનો ત્યાં સુધી તમે તેને હરાવી નહીં શકો. સાથેને સાથે એ શત્રુ સાથે યુદ્ધ કરવાની ઇચ્છા અને ઉત્સાહ પણ તમારામાં નહીં હોય. દરેક સમસ્યાઓને ટાળવી એ આપણી આધુનિક પ્રવૃત્તિ છે. જે વ્યક્તિ ક્રોધને મનુષ્યનો શત્રુ ગણતો નથી, તે પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે છે. મનુષ્ય કામનાઓ અને ક્રોધથી પ્રવૃત્ત થઈને જ પાપ કરે છે. એટલે ક્રોધ એક નિર્દાેષ અને સામાન્ય આચરણ નથી. એ તો છે પાપોની જડ રૂપ એક મહાન શત્રુ.
* ભગવાન શ્રીકૃષ્ણ બતાવે છે કે વાસ્તવિકરૂપે એક બળવાન પોતાના શત્રુનો સામનો કેવી રીતે કરી શકે છે. તેઓ આપણને ખાતરી આપે છે કે ક્રોધ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે અને તેને એનાં મૂળિયાં સાથે ઊખેડી નાખવો જોઈએ. ખરાબ કામનાઓનો ત્યાગ કરવાથી માણસ શાંત બની જાય છે અને માણસ આ રીતે પોતાના વ્યક્તિત્વમાં રહેલ રજોગુણ સાથે યુદ્ધ કરવા ઉપયુક્ત મન :સ્થિતિ મેળવી લે છે.
ક્રોધ પર સંયમ મેળવવા માટે કેટલાક વિદ્વાનોની સલાહ
ભગવાન શ્રીકૃષ્ણના ક્રોધ પર વિજયના ઉપદેશોનું અધ્યયન કરતાં પહેલા આપણે કેટલાક દાર્શનિકો, વિચારકો, વિદ્વાનો અને કવિઓના કેટલાક વિવેકપૂર્ણ તેમજ દૈનંદિન જીવન જીવવાના ઉપદેશો પર એક નજર નાખીએ.
વેદાંતના સુપ્રસિદ્ધ ગ્રંથ ‘પંચદશી’ના રચયિતા સ્વામી વિદ્યારણ્ય પોતાના એક ગ્રંથ ‘જીવન્મુક્તિ-વિવેક’ માં ક્રોધને નિયંત્રિત કરવા માટે આવા ઉપાય બતાવે છે : ‘ક્રોધના બે પ્રકાર છે, કોઈ બીજા પર તમારો ક્રોધ અને તમારા ઉપર કોઈ બીજાનો ક્રોધ. જ્યારે તમને બીજા પર ક્રોધ આવે છે ત્યારે તમે તમારા મનને સંબોધીને આટલું કહો, ‘હે મન, જો તું પોતાને હાનિ પહોંચાડવા માટે ક્રોધ કરવા જ ઈચ્છે છે તો તું એ ક્રોધ પર જ ક્રોધ શા માટે કરતો નથી ? કારણ કે એ જ ક્રોધ તને સર્વાધિક હાનિ પહોંચાડશે. તે તારા જીવનનાં ઈચ્છિત આદર્શાે, ધર્મપથ, ધન, સુખ તથા મુક્તિ મેળવવામાં બાધક બને છે. જ્યારે ક્રોધનું ભૂત તારા પર સવાર થઈ જાય છે ત્યારે તું જીવતો હોવા છતાં પણ નરકમાં વાસ કરે છે. એટલે ક્રોધથી વધારે ખરાબ કે મોટો બીજો કોઈ તારો શત્રુ નથી.’ આ સત્યના તાત્પર્ય પર વારંવાર વિચાર કરવો જોઈએ. આપણે આપણા ક્રોધ પર જ ક્રોધિત થવું જોઈએ. એનાથી મનની શાંતિ અને જ્ઞાન મળે છે. જ્યારે આ ક્રોધ કોઈપણ વ્યક્તિ પર સવાર થઈ જાય અને એને ઉત્તેજિત કરીને કોઈ બીજી વ્યક્તિનું અપમાન કે તેની હિંસા કરવામાં પ્રેરિત કરવા સફળ થઈ જાય છે. બરાબર આ જ ક્ષણે એ ક્રોધિત વ્યક્તિનાં સદ્ગુણો, સુનામ તેમજ ધનનો નાશ કરી દે છે. ક્રોધ જો આટલી હદે ન પહોંચે તો પણ તે જે તે વ્યક્તિના મનને જાણે કે સળગાવી દે છે.
(ક્રમશ 🙂
Your Content Goes Here