ગતાંકથી આગળ…

ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ એમની સાચી ઉન્નતિ માટે ભદ્રસમાજે, સાધુ-સંન્યાસીઓએ એટલે કે ધર્મક્ષેત્રે શું કરવું જોઈએ. વળી કોઈપણ સમાજના નીચલા વર્ગની સાચી સેવા તો એમનામાં આત્મશ્રદ્ધાનો વિકાસ કરીને કરી શકાય. એ વર્ગના લોકોને એવી રીતે જાગૃત કરવા જોઈએ કે જેથી તેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાની મેળે શોધતા બને અને સ્વપુરુષાર્થથી જીવનની ઉન્નતિ કરે.

એ જ પત્રમાં સ્વામીજી ખેડૂત અને મજૂર વર્ગને કેવી રીતે ઉન્નત કરવા એની ગુરુચાવી આપતાં આમ લખે છે: ‘ખેડૂતવર્ગના લોકોના કેટલાક છોકરાં-છોકરીઓને થોડોક પ્રારંભિક અભ્યાસ કરાવો અને તેમના મગજમાં અમુક વિચારો દાખલ કરો. પછીથી દરેક ગામડાના ખેડૂતો પૈસા એકઠા કરીને પોતામાંથી જ એકાદ ભણેલાને પોતાના ગામમાં વસાવશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૨.૩)

સને ૧૯૦૨ માં સ્વામીજી બેલૂર મઠમાં રહેતા અને બાળક જેવું સરળ જીવન ગાળતા. દર વરસે મઠમાં સાંથાલી મજૂરો કામ કરતા. સ્વામીજી એમની સાથે વિનોદ કરતા અને એમનાં સુખદુ:ખની વાતો સાંભળતા. એક વખત સ્વામીજીએ એમને પ્રેમથી જમાડ્યા. પેટ ભરીને જમ્યા પછી એમાંના એક મજૂર કેષ્ટાએ કહ્યું, ‘સ્વામી બાપુ, તમે આવી બધી ચીજો ક્યાંથી લાવ્યા ? આવું તો અમે કદી ખાધું નથી.’ એ બધાને પેટ ભરીને ખવડાવીને સ્વામીજીએ કહ્યું, ‘તમે બધા નારાયણો છો, મૂર્તિમંત ઈશ્વર છો; આજે મેં નારાયણને ભોજન કરાવ્યું છે.’ આવી હૃદયની ભાવના સ્વામીજીના મનમાં ભારતના ગરીબો માટે હતી. એમના માટે તેઓ સર્વ કંઇ કરવા તૈયાર રહેતા. આ પ્રસંગને અનુલક્ષીને તેમણે આ વાણી ઉચ્ચારી હતી. ‘આપણા દેશના ગરીબ લોકોને અન્ન માટે ભૂખે મરતા જોઈને મને તો આ બધી ક્રિયાકાંડવાળી પૂજા અને ભણતરને ફેંકી દેવાનું મન થાય છે; એમ થઈ આવે છે કે પૈસાપાત્ર લોકો પાસે પહોંચી જઈને ચારિત્ર્ય અને સાધનાના પ્રભાવ દ્વારા તેમને ગળે વાત ઉતારીને તેમની પાસેથી પૈસા એકઠા કરી ગામડે ગામડે જઈ જિંદગી આખી ગરીબ લોકોની સેવા કરવામાં જ ગાળું.’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૧.૮૪)

અલ્મોડાથી ૯મી જુલાઈ ૧૮૯૭ના રોજ પોતાના ગુરુબંધુ રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)ને લખેલા એક પત્રમાં યુવાન સાધુ બ્રહ્મચારીઓેએ ભિક્ષા મેળવીને પોતાનું પાલન પોષણ કરવું અને લોકોમાં એ દ્વારા જબરી શ્રદ્ધા ઊભી કરવાની મહાન વાત કરતાં સ્વામીજી આમ લખે છે: ‘કેટલાક છોકરાંઓને ઘેર ઘેર જવા તૈયાર કરજો. ‘અલખ’ પોકારનાર સાધુઓની પેઠે તેઓ જે મળે તે માગી લાવે – પૈસા, જૂના કપડાં, ભાત કે અન્ય ખાદ્ય પદાર્થાે કે બીજું ગમે તે. પછી આ ભિક્ષા વહેંચી આપો. આ જ ખરેખરું કામ છે. આનાથી લોકોને તમારામાં શ્રદ્ધા બેસશે; પછી તેઓ તમે કહેશો તે કરશે.’

વળી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ પર વિશ્વાસ રાખીને જે કંઈ ફંડ જમા થાય એ ફંડનો એ સમયે બંગાળમાં પડેલા દુકાળની વિષમ પરિસ્થિતિમાં લોકોને સહાયભૂત થવામાં અને કોલકાતાના ગરીબોને સહાય કરવા સિવાય સ્મારક ભવન બનાવવાની માગણીને ઠુકરાવી દઈને આ શબ્દો લખે છે: ‘કોલકાતાની સભાનું ખર્ચ ચૂકવતાં જે રકમ વધે તેને દુષ્કાળ રાહત ફંડમાં જમા કરાવજો અથવા તો કોલકાતાની ગંદી ગલીઓમાં રહેતા અસંખ્ય ગરીબોને તેમાંથી સહાય કરજો. સ્મારક હાૅલ અને એવું બીજું જહન્નમમાં જાય. ભગવાનને જે ઉત્તમ લાગશે તે જ કરશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા:૧૦.૧૬૪-૬૫)

સામાન્ય રીતે ભક્તિભાવને વરેલા સંન્યાસીઓમાં ઈશ્વરની સેવાપૂજા માટે એક ઉચ્ચભાવના હોય છે. પ્રભુને ઉત્તમ ધરવું, ઉત્તમ વસ્તુઓથી એમની સેવાપૂજા કરવી એવી એક અનન્ય પ્રેમનિષ્ઠાભરી ભક્તિ હોય છે. પરંતુ સ્વામીજીને મન આ દરિદ્રનારાયણની, દુ:ખીનારાયણની સેવા માટે જો ઈશ્વર સેવાપૂજામાં કરકસર કરવી પડે તો તે પણ કરવી અનિવાર્ય ગણીને ‘ગરીબોની સેવા એ જ સાચી ઈશ્વર પૂજા’ ની સલાહ પણ તેઓ આ શબ્દોમાં આપે છે: ‘પૂજાનો ખર્ચ ઘટાડીને મહિને એક કે બે રૂપિયા જેટલો જ રાખજો. ભગવાનનાં બાળકો ભૂખે મરી જાય છે. …. જળ અને તુલસીપત્રથી જ પૂજા કરજો, અને ભગવાનને ભોગ ધરાવવાની રકમ ગરીબો રૂપે રહેલા જીવતા ઈશ્વરને અન્ન આપવામાં ખર્ચવી. આમ કરશો તો જ ભગવાનની કૃપા બધાં પર ઊતરશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૦.૧૬૫)

૧૯૦૨માં બેલૂર મઠમાં સાંથાલી મજૂરો જમી રહ્યા પછી સ્વામીજીએ પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી સાથે વર્તાલાપ કરતા કહ્યું હતું કે ગરીબ, દરિદ્ર અને દુ:ખી લોકોમાં તેઓ સાક્ષાત ઈશ્વરનાં દર્શન કરે છે. એમનામાં એવી સરળતા અને હૃદયનો નિર્દાેષ પ્રેમ સ્વામીજીએ જોયો હતો. એમનું દુ:ખ દૂર કરવા તેઓ પોતાના સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર હતા અને આ ત્યાગ એટલે જ સાચો સંન્યાસ, એમાં તેઓ માનતા હતા. દરિદ્રનારાયણની સેવા કરવા તેઓ કેટલી હૃદયની ઝંખના સેવતા હતા, એનો ખ્યાલ આપણને એમણે ઉચ્ચારેલી આ પ્રેરકવાણીમાંથી મળી રહે છે: ‘કોઈ કોઈ વાર મને થઈ આવે છે કે આ મઠ બઠ બધું વેચી નાખીને તે પૈસા ગરીબો – દરિદ્રોને વહેંચી આપું. આપણે તો વૃક્ષને આપણો આશરો બનાવ્યો છે. અરેરે! આ દેશમાં લોકોને જો પૂરું ખાવાનું પણ મળતું ન હોય તો પછી આપણે અન્નનો કોળિયો મોંમાં મૂકવાની શી રીતે હિંમત કરીએ છીએ?’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૧.૮૪)

સ્વામીજી અમેરિકામાં ગયા તેની પાછળનો એક હેતુ ભારતના પીડિત, કચડાયેલા, અત્યંત ગરીબ અને ભૂખે મરતા છતાં હૃદયના પ્રેમવાળા, બીજાના દુ:ખે દુ:ખી થનારા લોકો માટે, એમના સાર્વત્રિક કલ્યાણ માટે કંઈક સહાય મેળવવાનો હતો. ત્યાંના લોકોનું વૈભવી જીવન જોઈને અને પોતાના દેશનાં મોટાભાગના લોકોની અત્યંત દુ:ખદ અને દયનીય દશા જોઇને સ્વામીજીનું હૃદય હચમચી ઊઠતું, એમની આંખોમાંથી આંસુંની ધારા વહેવા લાગતી અને તેઓ બોલી ઊઠ્યા: ‘જ્યારે હું પશ્ચિમના દેશમાં હતો ત્યારે જગદંબાને મેં પ્રાર્થના કરી હતી કે ‘‘અહીંના લોકો ફૂલની શય્યા ઉપર સૂએ છે. તેઓ બધી જાતનાં સારાં સારાં ખાદ્યો ખાય છે, અને શું શું નથી ભોગવતા ? અરે અમારા દેશના લોકો ખાવાનું ન મળવાથી ભૂખે મરે છે ! મા ! શું તેમને માટે કોઈ રસ્તો નહિ હોય ?’ પશ્ચિમના દેશોમાં જઈને ધર્મપ્રચાર કરવાનો મારો એક હેતુ એ હતો કે આપણા દેશના લોકોને ખાવાનું પૂરું પાડવાનું સાધન મળે છે કે કેમ તે જોવું.’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૧.૮૪)

૧૦ ઓક્ટોબર ૧૮૯૭ના રોજ પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને મરીથી લખેલા એક પત્રમાં સામાન્ય લોકોની સેવા કરવા માટે ખોટી ઉતાવળ ન કરવી અને સંજોગોને ધ્યાનમાં રાખીને આગળ વધવું અને એ દ્વારા પોતાનો માર્ગ કેવી રીતે કાઢવો એ વિશે સલાહ આપતા સ્વામીજી લખે છે: ‘હાલ તુરત મોટી યોજના કરવાની જરૂર નથી; પરંતુ અત્યારના સંજોગોમાં માત્ર જે બને તે કરજો. ધીરે ધીરે તમારે માટે રસ્તો નીકળશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૦.૧૬૮-૬૯)

અલ્મોડાથી ૧૧મી જુલાઈ, ૧૮૯૭ના રોજ પોતાના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદજીને સ્વાશ્રયી, કરકસરિયા બનીને નાના સ્તરે કેવી રીતે મંદિર તેમજ આધ્યાત્મિક પ્રવચનોનું કાર્ય કરવું અને એનો ક્રમશ: કેવી રીતે વિકાસ કરવો તેની વાત કરતાં સ્વામીજી એક અમૂલ્ય શિખામણ આપે છે: ‘સરળમાં સરળ માર્ગ એક ઝૂંપડી લેવાનો છે; તેને ગુરુદેવનું (શ્રીરામકૃષ્ણનું) મંદિર બનાવો ! ગરીબ લોકો ત્યાં મદદ લેવા તેમજ પૂજા કરવા પણ આવે…. સવારસાંજ ત્યાં કથા (પૌરાણિક કીર્તનો) થવા દો; તે દ્વારા લોકોને તમારે જે શીખવવું હોય તે શીખવજો. ક્રમે ક્રમે લોકો તેમાં રસ લેતા થશે. તેઓ પોતે જ મંદિર ચલાવશે; એમ પણ બને કે ઝૂંપડીનું મંદિર થોડા વર્ષોમાં એક મહાન સંસ્થા પણ થઈ જાય….જે લોકો સંકટ નિવારણ કાર્ય કરવા જાય, તેઓ દરેક જિલ્લામાં એક મધ્ય સ્થળ પસંદ કરીને આવું ઝૂંપડીનું મંદિર ઉઘાડે; ત્યાંથી આપણું બધું નાનું કાર્ય આગળ વધશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા:૧૨.૬૫)

પોતાના ગુરુબંધુઓને ૧૮૯૪ના રોજ લખેલા એક પત્રમાં સ્વામીજી લોકોના, ઝૂંપડામાં વસતા ગ્રામ્યલોકોની આંખ ઉઘાડવા, એમને નવી દૃષ્ટિ આપવા અને એ દ્વારા એમનું સાચું કલ્યાણ કરવા માટે શું અને કેવી રીતે કરવું જોઈએ, તેમજ એનાં દ્વારા એ લોકોને પોતાના કામધંધામાં ઉપયોગી થાય તેવી બાબતો કેમ શીખવવી એ વિશે સલાહ સૂચન કરતાં સ્વામીજી લખે છે:

‘તમારે ત્યાં ગરીબ અને અજ્ઞાની લોકો પુષ્કળ છે. તેમનાં ઝૂંપડાંમાં, તેમને બારણે બારણે સાંજે, બપોરે, ગમે તે વખતે જાઓ અને તેમની દૃષ્ટિ ખોલી નાખો. પુસ્તક વગેરેનું કામ નથી. તેમને મૌખિક શિક્ષણ આપો. પછી ધીમે ધીમે તમારાં કેન્દ્રો વધારો.’ (સ્વા.વિ.ગ્રંથમાળા: ૧૦.૭૧)

ભારતને કઈ કેળવણીની જરૂર છે ? એ વિશેના પોતાનાં વ્યાખ્યાનમાં સ્વામીજી આ શબ્દો ઉચ્ચારે છે: ‘વળી ગરીબોને શિક્ષણ મોટે ભાગે મૌખિક આપવું જોઈએ; શાળાઓ શરૂ કરવા માટે હજી સમય અનુકૂળ નથી. ધીરે ધીરે આ પ્રધાન – કેન્દ્રોમાં ખેતીવાડી, ઉદ્યોગ વગેરે વિષયો શીખવવા; અને કલા- કારીગરીના વિકાસ માટે વર્કશોપોની વ્યવસ્થા કરવી.’ (સ્વા. વિ.ગ્રંથમાળા: ૬.૨૧૨) (ક્રમશ:)

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.