સ્વામી સમર્પણાનંદજી દસ વર્ષની ઉંમરે દેવઘર વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા ત્યારથી ઉપેન મહારાજ (સ્વામી નિર્મુક્તાનંદજી) ના અતિ નિકટના પરિચયમાં આવ્યા હતા. એમણે અંગ્રેજીમાં લખેલ આ ભાવાંજલીનો ગુજરાતી અનુવાદ શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ છે. – સં.

એક દિવસ જ્યારે હું સ્વામી નિર્મુક્તાનંદજી (ઉપેન મહારાજ) ને મળવા ગયો ત્યારે પોતાના લાક્ષણિક મધુર સ્મિત સાથે એમણે પુછ્યું, ‘કેમોન આછો – કેમ છો ?’ કોઈ મહાન વિભૂતિની હાજરીમાં મુક્તિનું ઉડ્ડયન અનુભવવા હું નિયમિત રીતે એમને મળવા જવા ટેવાયેલો હતો. આવી મહાન વ્યક્તિઓ ક્યારેય કોઈની ઉપરવટ જતી નથી; તેઓ તો તેને બદલે સામી વ્યક્તિને વધુ ઉન્નત્ત અને ઊર્ધ્વગામી બનાવે છે. આવી વ્યક્તિની ઉપસ્થિતિમાં અતિસામાન્ય વલણોનું છીછરાપણું પણ દૂર ચાલ્યું જાય છે. એની સાથે એની ભીતરની શક્તિ એની મેળે પ્રગટ થાય છે.

એક બીજા દિવસે મેં એમને નક્કર જવાબ આપતાં કહ્યું, ‘અરે ! ઘણું સરસ.’

‘ધૂળ, ઘણું સારું ! હજી તમને જીવનમુક્તિ મળી નથી અને ઘણું સારું ચાલે છે એમ કેમ કહી શકો? તમે બ્રહ્મજ્ઞાની નથી, તમે તમારા આત્માની અનુભૂતિ કરી નથી; અરે તમને ઠાકુરનાં દર્શન હજી થયાં નથી અને તમે કહો છો, ઘણું સારું છે. કેવી વાહિયાત વાત !’ ઉપેન મહારાજે મારી મજાક કરી અને પછી એકાદ મિનિટનું મીઠું હાસ્ય વેર્યું. મારા અચંબાનો પાર ન રહ્યો, મને કેવી યાદ અપાવી. જીવનના મહાન હેતુની એ પ્રબળ પુન :સ્મૃતિ કરાવવાની વાત માત્ર ન હતી; પરંતુ એ એક અદ્‌ભુત આશ્ચર્ય કે એ પુન :સ્મરણ કરાવવાની વાત એક ૧૦૩ વર્ષના વયોવૃદ્ધ સંન્યાસીના મુખેથી આવી હતી. સામાન્ય રીતે આટલી ઉંમરના લોકો પોતાનામાં – પોતાની શારીરિક દશા, આવશ્યકતાઓમાં જ ગૂંચવાયેલા રહે છે. પણ અહીં તો હતા મનથી સાવધ, આધ્યાત્મિકતાની જાગૃતિવાળા અને ભાવિપેઢીની ફરજો પ્રત્યે પૂરેપૂરા સજાગ એવા એક વિરલ સંન્યાસી.

આવા હતા સ્થિરધીર, સદાય હસતા, ભાવાત્મક દૃષ્ટિવાળા, સહાનુભૂતિશીલ અને જીવનની છેલ્લી પળ સુધી પ્રેરણા આપતા સંન્યાસીના ઉન્નત સ્વરૂપ સમા ઉપેન મહારાજ – સ્વામી નિર્મુક્તાનંદજી.

દેવઘર વિદ્યાપીઠમાં હું વિદ્યાર્થી તરીકે જોડાયો ત્યારે ૧૯૭૦ ના જાન્યુઆરીમાં મેં એમને પ્રથમવાર જોયા અને એમની આવી છાપ મારા પર પડી. સાથે ને સાથે ૧ માર્ચ, ૨૦૧૩ ના રોજ એમના મૃત્યુ પહેલા થોડીક પળો પૂર્વે મેં એમને જ્યારે જોયા ત્યારે પણ એવા જ અનુભવ્યા. એમની સાથેના ૪૩ વર્ષના મારા સંગાથમાં મેં ક્યારેય પોતાના આગવા, વિલક્ષણ ગુણોથી લગરીક પણ દૂર જતા નથી જોયા.

તેઓ સંન્યાસીઓમાંના એવા પ્રથમ સંન્યાસી હતા કે જેને હું જીવનમાં પ્રથમવાર મળ્યો અને તેમણે મારા પર કાયમી અને ચોક્કસ છાપ પાડી.

હું દશેક વર્ષનો હતો અને નિવાસી શાળાના અજાણ્યા પર્યાવરણમાં હું મારો સંબંધ શોધવા પ્રયત્ન કરતો હતો. આવી સંસ્થાઓમાં ભાષા જુદી હોય છે, એમનાં અભ્યાસક્રમ, ગણવેશ, ભોજન, દૈનંદિન પ્રવૃત્તિઓ, ટેવો, પ્રણાલીઓ વગેરે પણ અલગ જ હોય છે. એ દિવસોમાં આ નવા સ્થળે મારી માનસિક દશા સંપૂર્ણપણે મૂંઝવણમાં નાખી દે તેવી હતી. પ્રારંભના એ દિવસો દરમિયાન ઉપેન મહારાજે મને અલગ કરીને બીજા વિદ્યાર્થીઓ સાથે આવતી સરસ્વતી પૂજાનાં સંસ્કૃત મંત્રોચ્ચાર શીખવા સૂચના આપી. આ સમયગાળા દરમિયાન તેઓ આ એક અલગ વાતાવરણમાં રહેતા નિર્દાેષ નિર્મળ વિદ્યાર્થીઓ પ્રત્યે કેટલા કોમળ અને પ્રેમાળ લાગણીવાળા અને કાળજી કરનારા હતા એનો મને અનુભવ થયો હતો. થોડા દિવસો સુધીની થોડી ઘણી પળોની એ તાલીમ દરમિયાન તેમની હુંફાળી કાળજીને લીધે મારી ભીતરના ૫્રક્ષોભને દૂર કરવા હું શક્તિ મેળવી શક્યો.

અમારી દૃષ્ટિએ મહારાજ એ વખતે સંસ્કૃત શીખવતા. એક વિદ્યાર્થીપ્રિય શિક્ષક અને દૃઢ મનોબળવાળા સંત હતા. નાની ઉંમરના કિશોરરૂપે બીજાની મહાનતાને જોવાની અને મુલવવાની અમારી આગવી રીતભાત અને માન્યતાઓ હતી. એમાંની એક હતી કે મહાન શિક્ષક ક્યારેય અમને સજા ન કરે. એટલે જો કે એ દિવસોમાં એમની પ્રશંસા કરવાનું મારું કારણ ખોટું હતું, પણ મારું તારણ સાચું હતું. હા, તેઓ ખરેખર મહાન હતા. જો કે તેમણે અમને ક્યારેય સજા કરી ન હતી, પરંતુ તેઓ બાળકની સૌથી વધુ તરંગી અને મનમોજી રીતભાતો સામે હમેશાં કડક હાથે કામ લેતા.

એક ઉદાહરણ આપું છું. એ દિવસોમાં બટેટાની કઢી સિવાય બીજું બધું ખાવાનું હું છોડી દેતો. એટલે કે મારામાં ભોજન સમયની આ એક કુટેવ હતી. નિવાસી શાળાના વિદ્યાર્થી તરીકે અમને જે કંઈ પણ પીરસાય તે ખાવું જોઈએ. અને જો અમે એ ભોજન ન લઈએ તો એને ચૂકી જઈએે અને ભૂખ્યા રહીએ. એક દિવસ તેમણે મને ભોજનના સમયે મેદાનમાં આમ તેમ રઝળતાં જોયો. કદાચ હું માંદો હોઉં એવી ચિંતા સાથે એમણે મને એ વિશે પૂછ્યું. મેં કહ્યું, ‘આજે તો પરવળની કઢી છે એટલે હું આ ભોજન લેવામાંથી છટકવાનો પ્રયત્ન કરું છું.’ મહારાજે ઉદાસ અને ગંભીર ભાવે કહ્યું, ‘વારુ, તું ઘરે ખરેખર શું જમતો હતો એ મને કહીશ ?’

અલબત્ત એમણે જે કહ્યું તેમાં એક વ્યંગ કે કટાક્ષ હતો, સદ્ભાગ્યે તેઓ એ જાણતા ન હતા. હું એવા વિસ્તારમાંથી આવતો હતો કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજી થતાં અને દેવઘર સાથે બીજા કેટલાંય સ્થળે તેની નિકાસ થતી. હું માત્ર એટલું જાણતો હતો કે તે રાત્રીએ જે શાકભાજી આવ્યાં હતાં તે મારા ગામમાંથી જ આવ્યાં હતાં !

આ બોધપાઠ મારા જીવન સાથે જોડાઇ ગયો. અલબત્ત શાકભાજી અને ભોજન સાથેની જીવનમાં મને ગમતી બધી વસ્તુઓ માટે મેં મારો આગ્રહ જાળવી રાખ્યો. આમ છતાં કોઈ પણ વસ્તુ પ્રત્યેના અભાવના વલણથી ઈન્કાર કે અસ્વીકાર કરવાનો ભાવ મારામાંથી સદાને માટે ચાલ્યો ગયો. (ક્રમશ 🙂

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.