(ગતાંકથી આગળ)

શ્રીકૃષ્ણ આપણને એ સત્ય કહેવા માગે છે :

त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।45।।

‘વેદો ત્રણ ગુણોની વાત કરે છે. એ ગુણત્રિપુટીમાંથી, હે અર્જુન, તું મુક્ત થઈ જા; દ્વન્દ્વોમાંથી મુક્ત થઈ જા, પૂરો સ્વસ્થ થઈ જા અને વસ્તુને મેળવવાની અને રાખવાની જંજાળમાંથી – યોગક્ષેમમાંથી – મુક્ત થઈ, આત્મામાં સ્થિર થા.’

કેવું ક્રાંતિકારક વચન છે ! त्रैगुण्यविषया वेदा, ‘સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો સાથે વેદો કામ પાડે છે’ પણ, અર્જુન, તું निस्त्रैगुण्यो भव, ‘તું એ ત્રણ ગુણોની પાર જા.’ એનો અર્થ એ કે તું વેદોની પણ પાર જા. निर्द्वन्द्वो, એટલે, ગરમ-ઠંડું, સારું-નરસું, જેવાં બધાં દ્વન્દ્વોની પાર જા; नित्यसत्त्वस्थो, ‘હંમેશ માટે સત્ત્વપ્રકૃતિમાં સ્થિર’; निर्योगक्षेम, ‘તારા પોતાના યોગ અને ક્ષેમ – વસ્તુની પ્રાપ્તિ અને જાળવણી – માટે ચિંતા વિનાનો.’ જીવતા રહેવાની બધી ફિલસૂફી છાંડી, आत्मवान् બન, આત્મામાં સ્થિર થઈ જા. મારે તમારે માટે, વેદોમાં જે સત્ય નિદર્શિત થયેલું છે તેની અનુભૂતિ વડે, વેદોની પાર જઈ એ સિદ્ધિ પામવાની છે. ભારતમાં દરેક આધ્યાત્મિક ગુરુ કહેશે કે, શાસ્ત્ર લો, એમાં ચીંધેલું સત્ય ગ્રહણ કરો અને પછી, એ સત્યને પામવા પ્રયત્ન કરો. એ પોથીને સદાકાળ ચીટકી નહીં રહો. ૧૪મી સદીમાં વિજયનગર સામ્રાજયમાં વસનાર વિદ્યારણ્યે વેદાંત પરના પોતાના ગ્રંથ ‘પંચદશી’માં એક પ્રખ્યાત શ્લોકમાં આ વાત ચોટદાર રીતે કહી છે :

ग्रन्थमभ्यस्य मेघावी ज्ञानविज्ञानतत्वरः।
पलालमिव धान्यार्थी त्यजेत् ग्रंथमशेषतः।।

‘ચોખા ઇચ્છતો માણસ ડાંગર લઈ તેને ખાંડી, તેનાં ફોતરાં ફેંકી દે છે અને ચોખા લઈ લે છે. તેમ, મેધાવી, જ્ઞાનીજન, ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી, તમારું ધ્યેય શું છે ? એનો હેતુ પંડિત બનવાનો નહીં પણ ज्ञानविज्ञान तत्वरः, જ્ઞાન અને સાક્ષાત્કારનો હોઈ, ગ્રંથની સારભૂત બાબત ગ્રહણ કરી, તો શું કરશો ? त्यजेत् ग्रंथमशेषतः, ‘બધા ગ્રંથોનો ત્યાગ કરે છે’, કારણ, પછી એમનું કશું મૂલ્ય નથી. શ્રીરામકૃષ્ણ એક ષ્ટાંત આપતા; ‘ગામડે વસતા એક માણસે શહેરમાં રહેતા પોતાના સગાને પત્ર લખ્યો કે, ‘તમે આવો ત્યારે આટલું કાપડ અને આટલી મીઠાઈ લેતા આવજો.’ પછી એ પત્ર કયાંક મૂકી દીધો તે ખૂબ શોધ્યો તો પણ જડ્યો નહીં. ખૂબ શોધખોળ પછી એ પત્ર હાથ આવ્યો. એ પત્ર વાંચી શું શું લઈ જવાનું છે તે જાણી તેણે એ પત્ર ફાડીને ફેંકી દીધો. હવે એ પત્ર રાખવાનું કે ફરી ફરી વાંચવાની શી જરૂર છે ? માત્ર મંગાવેલી વસ્તુઓ ખરીદી લઈ જવી તે જ અગત્યનું છે.’ આમ શાસ્ત્રગ્રંથોમાં જે કહ્યાું છે તે પ્રાપ્ત કરવાનું છે. પછી પુસ્તકોનો કશો ખપ નથી. પછી त्यजेत् ग्रंथमशेषतः, ગ્રંથોની ટેકણ લાકડીનો ઘા કરી દો. આ ભારતનો અભિગમ છે.

બધા ધર્મોમાં બધા રહસ્યવાદી ઓલિયાઓએ તેમજ કર્યું છે. પોતે સત્યનો સીધો સાક્ષાત્કાર કર્યો પછી, એમને પોથીનું કામ શું ? ધર્મને તમે પ્રયોગ તરીકે લો ત્યારે, તમને ગ્રંથની જરૂર રહેતી નથી. છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે, जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते, ‘આધ્યાત્મિક જીવનના સ્વરૂપની તમને જિજ્ઞાસા જાગે પછી તમે શાસ્ત્રોનાં ક્ષેત્રોની બહાર નીકળી જાઓ છો.’ પછી તમને એમની જરૂર પડતી નથી. પ્રશ્નને સમજવા પૂરતી પુસ્તકોની જરૂર રહે. હવે તમે પ્રયોગવીર છો, માત્ર પુસ્તક વાંચનાર નથી. એટલે તમે પ્રયોગક્ષેત્રે ઝંપલાવો પછી તમારી ઉપરનો પુસ્તકોનો અંકુશ ઓછો ને ઓછો થતો જાય. માટે તો निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्, ‘જીવનનાં દ્વન્દ્વોથી મુક્ત, પૂરા સત્ત્વશીલ અને સ્વસ્થ, તમે ચિંતામુક્ત બનો છો. તમારી અંદર રહેલા આત્મામાં તમે ઢપણે એકરૂપ બનો છો.’

આપણે આ હાંસલ કરવાનું છે. પુસ્તકોની અગત્ય દ્વૈતીયિક છે, સાક્ષાત્કાર પ્રથમ છે. ઈસુએ પણ (નવા કરારમાં) આ જ કહ્યાું છે : ‘અક્ષર મારે છે, આત્મા જીવન બક્ષે છે.’ મુલ્લાંઓનું વર્ચસ્વ નથી તેવી ઈસ્લામી અધ્યાત્મ પરંપરામાં પણ પ્રાચીન સમયથી આ તવની ખોજ ચાલી આવે છે. ઈરાનના મૌલાના જલાલુદૃીન રુમી, મુસ્લિમ જગતમાં કુરાન પછીને બીજે ક્રમે ગણાતા પોતાના ગ્રંથ ‘મસ્નવી’માં લખે છે :

મન્ ઝકે કુરાન મગ્ન રા બર્દાસ્તમ્

ઉસ્તુમાન પેસે સગાં અંદખ્તમ્

‘કુરાનમાંથી મેં માવો લઈ લીધો છે અને લુખ્ખાં હાડકાં કૂતરાઓને નાખ્યાં છે.’

આપણી સનાતન ધર્મની પરંપરામાં આની ઉપર સતત ભાર દેવામાં આવ્યો છે. સાધના અને અનુભવ – પાંડિત્યનો કશો અર્થ નથી. પાંડિત્ય માત્ર પ્રાથમિક ઠેલણગાડી છે, એનાથી વધારે કશું નહીં.-

Total Views: 309

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.