ગતાંકથી આગળ…

શ્રી મ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની જીવનરીતિના સાક્ષી હતા અને તેઓ તેમના ઉપદેશોથી પૂરેપૂરા વાકેફ હતા. તેમણે એ પણ જોયું હતું કે સ્વામી વિવેકાનંદનો સંદેશ એ એમના ગુરુદેવના ઉપદેશ પરની વ્યાખ્યા જ હતી. વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદ ‘His Master’s Voice – પોતાના ગુરુદેવના ઉપદેશનો પ્રતિઘોષ હતા. સ્વામીજીએ પોતે પણ ‘મારું જીવન અને કાર્ય’ નામના પોતાના વ્યાખ્યાનમાં આ વાતને સ્વીકારીને કહ્યું હતું, ‘મેં જે વિચારો કે આદર્શાેને પ્રબોધ્યા છે તે એમના (શ્રીરામકૃષ્ણના) વિચારો કે આદર્શાેના પ્રતિઘોષનો પ્રયત્ન માત્ર છે.’

ઘણા સંન્યાસીઓએ તેમજ કુમારી જોસેફાઈન મેકલાઉડે શ્રી મ.ને સ્વામી વિવેકાનંદ વિશે કંઈક લખવા કહ્યું. ૨૨ ઓગસ્ટ, ૧૯૨૪ ના રોજ તેમણે બ્રહ્મચારી જગબંધુ (પછીથી સ્વામી નિત્યાનંદ) દ્વારા લેખોની એક હારમાળા લખવાની શરૂ કરી. તેમાં તેમણે સ્વામીજીનાં ભાષણોમાં પોતાના ગુરુદેવના ઉપદેશોનો પડઘો કેવી રીતે પડે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ લેખમાળા ‘વસુમતિ’ નામના સામયિકમાં પ્રકાશિત થઈ હતી અને પાછળથી ‘કથામૃત’ના પાંચમાં ભાગમાં પરિશિષ્ટરૂપે અપાઈ હતી. આ ભાગ શ્રી મ.ના અવસાન પછી છપાયો હતો. સ્વામી નિત્યાનંદે “The Gospel of Shri Ramakrishana’ માં તેનો અનુવાદ કર્યો ન હતો. અહીં નીચે શ્રી મ.ની નોંધ અને ટીકાઓ સાથે એ પરિશિષ્ટને આપીએ છીએ. એમણે ‘કથામૃત’ અને સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળામાંથી જે ઉપદેશો ઉદ્ધરણરૂપે આપ્યા છે તેને થોડા ટૂંકાવ્યા છે.

૧. રામકૃષ્ણ અને નરેન્દ્ર

શ્રી ઠાકુરે શ્રી ‘મ’ને નરેન્દ્ર વિશે જે કહ્યું તેની પ્રથમ નોંધ આ રીતે કરી :

નરેન્દ્ર ઘણી ઉચ્ચ ભૂમિકા – પૂર્ણ ના જગતમાં અવસ્થિત છે. તેનો પુરુષભાવ છે. ઘણા ભક્તો અહીં આવે છે, પણ એમાંથી એના જેવા બીજા કોઈ નથી.

હું અવારનવાર ભક્તોનું મૂલ્યાંકન કરું છું. મને એવું જોવા મળે છે કે એમાંથી કેટલાક દશદલ પદ્મ જેવા, કેટલાક ષોડશદલ પદ્મ જેવા, કેટલાક શતદલ પદ્મ જેવા છે. આ બધાં પદ્મોમાં નરેન્દ્ર સહસ્રદલ પદ્મ જેવો છે.

બીજા ભક્તો ઘડા કે કૂંજા જેવા છે, પણ નરેન્દ્ર તો જળનું વિશાળ બેરલ છે.

બીજા તો કદાચ નાનું તળાવ કે મોટી ટાંકી જેવા પરંતુ નરેન્દ્ર તો હાલદારપુકુર જેવું પાણીનું વિશાળ તળાવ છે.

માછલીઓમાં નરેન્દ્ર તો લાલ આંખવાળી મોટી માછલી છે, બીજા બધા ભક્તો મીઠા જળની નાની માછલી કે તેલીય માછલી જેવા છે. બેલઘરિયાના તારકને બાસ નામની માછલી કહી શકાય.

નરેન્દ્ર તો ઘણું મોટું પાત્ર કે જે ઘણી વસ્તુઓ રાખી-જાળવી શકે.

તે એક ભીતરથી મોટી ખાલી જગ્યા સાથેના મોટા વાંસ જેવો છે. નરેન્દ્ર કોઈનાય નિયંત્રણમાં નથી. તે આસક્તિ કે ઈન્દ્રિય ભોગવાસનાના અંકુશમાં પણ નથી.

કોઈ પણ સભા કે સંગાથમાં જ્યારે નરેન્દ્ર મારી સાથે હોય છે ત્યારે મને મહાન શક્તિનો અનુભવ થાય છે.

નરેન્દ્ર કેવી રીતે પોતાના ગુરુની સલાહને નિ :સંદેહ અનુસરતો તે વિશે ‘મ’એ લખ્યું છે. શ્રીઠાકુર જાણતા હતા કે નરેન્દ્ર તેમના સંદેશને ઝીલશે અને તેમનો પ્રચાર-પ્રસાર કરશે. એટલે એ રીતે એને કેળવ્યો. શ્રીઠાકુરે એને કહ્યું :

વિવેક અને વૈરાગ્ય સિવાય માત્ર ભાષણ આપીને કે વિદ્વત્તાથી તું શું મેળવી શકે ? ઈશ્વર સત્ય છે, બાકી બીજું બધું અસત્ય છે. સૌ પ્રથમ તો તું તારા હૃદયમંદિરમાં ઈશ્વરની સ્થાપના કર અને પછી તને જેટલાં ગમે એટલાં વ્યાખ્યાન આપ. બીજાને ઉપદેશ આપવો કે શીખવવું કઠિન છે. ઈશ્વરની અનુભૂતિ કરીને તેમનો આદેશ જ્યારે કોઈપણ વ્યક્તિ મેળવે છે ત્યારે તે બીજાને શીખવવા-ઉપદેશ આપવા પાત્ર બને છે.

પોતાના ગુરુની સલાહનું અનુસરણ કરીને નરેન્દ્રે સંસારત્યાગ કર્યો અને એકાંતમાં તપસાધના કર્યાં. કાશીપુરમાં ગુરુદેવે તેનામાં શક્તિસંચાર કર્યો અને પછી એક કાગળના ટુકડામાં લખ્યું, ‘નરેન્દ્ર લોકોને ઉપદેશ આપશે.’ ગુરુદેવની મહાસમાધિ પછી નરેન્દ્ર – સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાં ભારતના આધ્યાત્મિક સંદેશનો ઉપદેશ આપવા ગયા. પશ્ચિમમાં એમની સફળતાની પ્રસંશા કરવા મદ્રાસના લોકોએ સભાઓ ભરી અને તેમને અભિનંદન તેમજ તેમના પ્રત્યેના ઋણની લાગણી વ્યક્ત કરી. સ્વામીજીએ અમેરિકાથી એનો પ્રત્યુત્તર આપ્યો :

એ એમની (શ્રીરામકૃષ્ણની) ઉદારતાભરી કદર હતી કે જેમનો સંદેશ ભારતને અને સમગ્ર વિશ્વને પહોંચાડવાનો ખાસ અધિકાર મારા જેવા અયોગ્ય સેવકને મળ્યો છે. એ તમારી આધ્યાત્મિક આંતરદૃષ્ટિ હતી કે જેણે એમનામાં (શ્રીરામકૃષ્ણમાં) અને એમના ઉપદેશમાં આધ્યાત્મિક પૂરનો પ્રથમ અસ્ફુટ ધ્વનિ જોયો કે જે નજીકના ભવિષ્યમાં ભારત ઉપર સમગ્ર શક્તિથી તૂટી પડશે.

૧૮૯૭માં પશ્ચિમથી પાછા ફરીને સ્વામીજીએ મદ્રાસમાં ઘણાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમના મદ્રાસના ત્રીજા વ્યાખ્યાન ‘ભારતના સંતો’માં તેમણે કહ્યું હતું :

અત્યારે તો હું એટલું જ કહીશ કે મેં જો એક શબ્દ સરખોય સત્યનો કહ્યો હોય તો એ કેવળ તેમનો જ છે; અને જો મેં ઘણી બાબતો એવી કહી હોય કે જે સાચી ન હોય, જે ભૂલભરેલી હોય, જે માનવજાતને કલ્યાણકારી ન હોય, તો તે બધી મારી છે અને એની જવાબદારી મારે શિરે છે. (ક્રમશ 🙂

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.