ગતાંકથી આગળ…

એ વખતે મારી તબિયત અત્યંત ખરાબ હતી. રોજ મને ધ્રુજારી સાથે તીવ્ર તાવ આવતો હતો. વળતાં તારકેશ્વર સ્ટેશને પ્રતિક્ષાલયમાં હું અત્યંત બેચેન થઈ ગઈ. પડશી ટિકિટ લેવા ગયેલી, ત્યાં જ બે-ત્રણ સુંદર યુવતીઓ પ્રતિક્ષાલયમાં પ્રવેશી. મને જોઈને પૂછવા લાગી, ‘અરે, આ કેમ ધ્રુજી રહી છે ?’ તેમણે મને સુવડાવી દીધી અને પોતાની સાડીઓના છેડાથી મને ઢાંકી મારી પાસે બેસી ગયાં. અમારી ટિકિટ ત્રીજા વર્ગની હતી. ગાડી આવી ત્યારે તેમણે પડશીને કહ્યું, ‘અમે આને અમારી સાથે દ્વિતીય વર્ગમાં લઈ જઈશું. આની ચિંતા ન કરતાં.’ તે લોકો મને તેમના ડબ્બામાં લઈ ગયાં અને ગાદીવાળી સીટ પર સુવડાવી દીધી. પછી તે લોકોએ અંદરોઅંદર નક્કી કરી લીધું. આવી અવસ્થામાં મને એકલી ન છોડતાં મને તેમના ઘરે લઈ જશે અને સારું થયા પછી મને ઘરે મોકલી દેશે. હું તેમની વાતો સાંભળતી હતી. મેં પડશીને ધીમા અવાજે કહ્યું, ‘ઓ રાણી, આપણે તેમના ઘરે નહિ જઈએ. તેમને કહી દે કે ગાડીમાંથી ઊતર્યા પછી આપણા માટે એક ભાડાની ગાડી કરાવી દે, આપણે આપણી રીતે આપણા ઘરે ચાલ્યાં જઈશું.’ ખૂબ આજીજી – વિનંતી બાદ તે લોકો સંમત થયાં અને અમે સુધીરાદીને ઘરે પહોંચ્યાં. તાવ ન ઊતરતાં સુધીરાદી અત્યંત ચિંતાતુર હતાં. સ્વામી પ્રજ્ઞાનંદ ત્યારે ઉદ્‌બોધન ભવનમાં રહેતા હતા. તેઓ સુધીરાદી તરફ સ્નેહ રાખતા તેમજ બધાં જ કામોમાં તેમને યથાસંભવ મદદ તથા પ્રોત્સાહન આપતા. આ મદદ પર આધાર રાખીને જ તેમણે નિર્ભયતાથી મારી જવાબદારી ઉપાડેલી. તેથી તેઓ તરત જ ઉદ્‌બોધન ભવન ગયાં. અંદરોઅંદર વિચાર વિમર્શ કરીને તેઓએ તારકેશ્વરની એક પ્રિયબાળાના નામે ૨૭, બોસપાડા લેન પર મારા ઘરના લોકોને આ પ્રમાણે પત્ર લખ્યો. ‘અમે એક યુવતીને તારકેશ્વર સ્ટેશન ઉપર જોઈ. અમને લાગ્યું કે તે પોતાના ઘરેથી ભાગી ગઈ લાગે છે. ઘણી મહેનત બાદ અમે તેની પાસેથી આપનું નામ તથા સરનામું જાણી શક્યા છીએ. તે ખૂબ જ બીમાર છે, પરંતુ આપની પાસે આવવા ઇચ્છતી નથી. મારી મિત્ર સુધીરા નીચેના સરનામે રહે છે. અમે તેને ત્યાં મોકલી દીધી છે.’ વગેરે. આ સાંભળી હું ભયભીત થઈ ગઈ, સતત તાવને લઈને હું કૃશકાય થઈ ગયેલી, ઉપરથી આ ભય પણ સવાર થઈ ગયો કે પત્ર મળતાં જ મારા ઘરના લોકો મને બળજબરીથી ઘરે લઈ જશે. મારો તાવ ૧૦૫ ડિગ્રી ફેરનહીટ સુધી ચઢી ગયો, બે – ત્રણ વાર તો મૂર્છિત પણ થઈ ગઈ. ચિંતાતુર સુધીરાદીએ ડોક્ટરને બોલાવ્યા અને વારંવાર કહેવા લાગ્યાં, ‘કોણ જાણે આ બચશે કે નહિ ?’

પત્ર મળતાં જ મારી મા સુધીરાદીને ઘરે આવ્યાં. મને જોતાં જ એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને મને પંપાળવા માંડ્યાં. સુધીરાદીએ ઉદાસીનતાનો ડોળ કરતાં તેમને પૂછ્યું, ‘શું તમે તમારી દીકરીને લઈ જશો ? માએ કહ્યું, ‘ના, તેને અહીં જ રહેવા દોે. જો હું ઘરે લઈ જાઉં તો તે ફરીથી ભાગી જશે.’ ઘણીવાર સુધી મારી પાસે બેસીને મા ઘરે પાછાં ગયાં. મારા ભયનું પણ નિવારણ થયું અને થોડા દિવસોની સારવાર પછી હું સારી થઈ ગઈ.

દુર્ગાપૂજાની રજાઓ દરમિયાન ઈ.સ.૧૯૧૧ ની ૧૩ મી ઓક્ટોબરે ભગિની નિવેદિતાનું મૃત્યુ થયું. સુધીરાદીને અસહ્ય દુ :ખ થયું અને તેઓ માંદાં પડી ગયાં. નરેશદી તથા મને સાથે લઈને તેઓ હવાફેર માટે નવેમ્બરમાં વારાણસી ગયાં. ત્યાં અમે લોકો બંગાળી વસ્તીમાં ‘સિમન ચૌહાટ્ટા’ માં સુધીરાદીના ફોઈના દીકરા ભાઈને ઘરે ઊતર્યાં. અમે તેમની સાથે જ ભોજન લેતાં પણ સુધીરાદીને માટે સૂપ અથવા કંઈ સાદો ખોરાક હું બનાવતી. ઘરનાં બધાં જ કામકાજમાં સુધીરાદીનાં ભાભીને મદદ કરવાથી તેઓ મને ખૂબ જ પ્રેમ કરતાં.

તેમના ઘરની બાજુમાં જ ચોસઠ જોગિનીનો ઘાટ હતો. સુધીરાદી તે ઘાટે સાંજે જતાં અને ઘણો સમય ત્યાં બેસતાં. જો કે વારાણસી અમે પહેલીવાર જ ગયેલાં છતાં સુધીરાદીએ માર્ગદર્શક વિના જ જોવાલાયક સ્થળોએ જવાનો નિર્ણય લીધો. આમ અમે સમગ્ર વારાણસી ભ્રમણ કરી લીધું. એક દિવસ સુધીરાદી એકલાં જ વિશ્વનાથ મંદિર ગયાં. શરૂઆતમાં તેઓ મને પોતાની સાથે ન લઈ જતાં પરંતુ પછીથી મને સાથે જવાની સંમતિ આપી. તે દિવસોમાં સુધીરાદી ગંગા ઘાટે બેસીને ખૂબ જ જપ-ધ્યાન કરતાં.

તે વખતે અમે સવારમાં લગભગ બધાં જ શિવમંદિરોમાં દર્શન કરી શિવરાત્રીનો દિવસ ઊજવ્યો. બધાં જ મંદિરોમાં શિવની પૂજા કરી, પરંતુ વિશ્વનાથ મંદિરમાં અતિશય ભીડ હોવાથી અમે પ્રવેશ ન કરી શક્યાં. સંધ્યા સમયે અમે ઘરે પાછાં ફર્યાં. સુધીરાદી બોલ્યાં, ‘વારાણસીમાં રહેવા છતાં શિવરાત્રીને દિવસે આપણે શિવપૂજા ન કરીએ એ શું બને ?’ અમારી પાસે પૂજા-પાત્ર નહોતું તેથી અમે માટીની હાંડલી, પતરાળું, ફૂલ, ફળ તેમજ મીઠાઈ ખરીદ્યાં. મેં માટીનું શિવલિંગ બનાવ્યું તથા મેં અને નરેશદીએ રાત્રે ચારેય પ્રહારની પૂજા કરી. અમારે ઘરે હું દરરોજ શિવપૂજન કરતી હતી તેથી પૂજાવિધિ મને આવડતી. સુધીરાદીએ શ્રીરામકૃષ્ણ અને શ્રી શ્રીમાની છબીઓ સમક્ષ આખી રાત ધ્યાન કર્યું. સવારે ત્રણ વાગે તેઓ બોલ્યાં, ‘ચાલો, વિશ્વનાથ મંદિર જઈએ.’ ચોથા પ્રહરની પૂજા અમે જલદી જલદી પૂરી કરી. ગાઢ અંધારી રાતે અમે ત્રણેય મીણબત્તી અને દીવાસળીની પેટી લઈને નીકળી પડ્યાં. અમને કોઈ ભય નહોતો. વિશ્વનાથ મંદિરે પહોંચી અમે આનંદનિમગ્ન થઈ ગયાં. અમે પ્રસન્નતાથી મહેશ્વર શિવની પૂજા કરી. આજે પણ એ પૂજાના સ્મરણ માત્રથી હું રોમાંચિત થઈ જાઉં છું. સુધીરાદીએ કહ્યું, ‘પૂજા કરી હું તૃપ્ત થઈ ગઈ. વારાણસીમાં રહીને શિવરાત્રીના દિવસે જો ભગવાન વિશ્વનાથની પૂજા ન કરી શકી હોત, તો મને ખૂબ જ આત્મગ્લાનિ થઈ હોત. સવારે પાંચ વાગ્યા સુધી અમે મંદિરમાં રહ્યાં. ત્યાંથી સીધાં અમે ગંગાસ્નાન કરવા ગયાં. ઘરે પાછા ફરતાં અમે પુષ્પદંતેશ્વર શિવની પણ પૂજા કરી. કાશીવાસ દરમિયાન સુધીરાદીમાં તીવ્ર વૈરાગ્યનો ભાવ હતો. આખો દિવસ સાધનામાં રત રહેતાં, તેમની સાથે અમે પણ ખૂબ જપ-ધ્યાન કરતાં.

એક વૈષ્ણવ ભક્ત નવનલિનીએ ભગિની નિવેદિતા વિશે સાંભળેલું તથા તેમને પત્ર પણ લખેલો. પરંતુ ભગિની તે વખતે જીવિત નહોતાં, તેથી સુધીરાદીએ તેમના પત્રનો જવાબ આપેલો. બંને વચ્ચે નિયમિત પત્ર વ્યવહાર ચાલ્યો અને બંને મિત્રો બની ગયાં. તેમણે સુધીરાદીને લખેલું કે વૃંદાવન જતાં વારાણસી ઊતરીને અમને મળશે. તેઓ અત્યંત સુંદર હતાં અને તેમનામાં ત્યાગભાવ તીવ્ર હતો. એમનાં લગ્ન થઈ ગયેલાં પણ તેઓ વિવાહિત જીવન વ્યતીત નહોતાં કરતાં. તેઓ વિધવાની જેમ કિનારી વિનાની સફેદ સાડી પહેરતાં. સુધીરાદી તેમને લેવા કૅન્ટોનમેન્ટ સ્ટેશને ગયાં. જો કે તેઓ પહેલાં ક્યારેય મળેલ નહિ છતાં સુધીરાદીએ તેમને ઓળખી લીધાં અને ઘરે લઈ આવ્યાં. લગભગ પાંચ દિવસ પછી તેમણે કહ્યું, ‘સુધીરા, આ જ્ઞાન ભૂમિ છે, હવે હું પ્રેમભૂમિ વૃંદાવન જઈશ.’ સુધીરાદીએ પણ કહ્યું, ‘અતિ ઉત્તમ. આપણે બધાં પ્રેમભૂમિ જઈશું.’ નવનલિનીદી પૈસાવાળાં હતાં. એમના ઘરેથી દર મહિને ૨૫ રૂપિયા આવતા. તેમણે કહ્યું, ‘આટલા પૈસા આપણા ત્રણ માટે પૂરતા થઈ રહેશે.’ સુધીરાદીએ નરેશદીને વધારાના સામાન સાથે કોલકાતા પાછા મોકલી દીધાં તથા અમે ત્રણેય વૃંદાવન ગયાં. અમે વારાણસીમાં ખૂબ મજામાં હતાં. સુધીરાદીને વારાણસીમાં તપોમય જીવન જીવવાની ખૂબ જ ઇચ્છા હતી, પરંતુ હવે તેઓ વૃંદાવનમાં ભક્તિભાવમાં રહેવા ઈચ્છતાં હતાં.

ટુંડલા થઈને મથુરા જતી ટ્રેન રાત્રે બાર વાગ્યે ઊપડતી હતી. અમે પ્લૅટફોર્મ પર બેસી ગયાં. ત્યારે હું યુવાન હતી તેથી સુધીરાદીને હંમેશાં મારી ચિંતા રહેતી. ટ્રેન આવતાં જ અમે તેમાં ચઢીને તરત જ સૂઈ ગયાં. મથુરા આવ્યાની અમને ખબર ન પડી. કુલીઓના કોલાહલથી અમારી ઊંઘ ઊડી ગઈ. ત્યાંથી અમે વૃંદાવનની ગાડી પકડી. વૃંદાવનમાં અમારા રહેવાની વ્યવસ્થા નિત્યાનંદ બાબાજી નામના એક મહાત્માએ કરી હતી. ઘોડાગાડી લઈને તેઓ જાતે અમને સ્ટેશન પર લેવા આવેલા. (ક્રમશ 🙂

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.