(ગતાંકથી આગળ)

‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી શકે છે ?’ આ પ્રકારની ચિંતનમનન પ્રક્રિયા પણ ક્રોધ પર વિજય મેળવવાના સર્વોત્તમ ઉપાયોમાંનો એક છે.

બીજા લોકોના આપણા પ્રત્યેના ક્રોધ માટે પણ તમારે આવું ક્યારેય ન વિચારવું- ‘ મેં તો કાંઈ ખરાબ કે ખોટું કર્યું નથી, છતાં પણ આ લોકો મારા જેવા નિર્દાેષ માણસ પ્રત્યે આટલા બધા નારાજ કેમ થઈ જાય છે ?’ વસ્તુત : તમે નિર્દાેષ નથી. એનું કારણ એ છે કે અત્યાર સુધી જો આપણે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત નથી થઈ શક્યા અને આત્માની અનુભૂતિ પણ નથી કરી શક્યા તો શું આ એક મોટો અપરાધ નથી ? ઈશ્વરની પ્રાપ્તિ જ માણસને વાસ્તવિકરૂપે નિર્દાેષ બનાવે છે. એટલે જ્યાં સુધી તમને ઈશ્વરપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે તમારી જાતને નિર્દાેષ કેવી રીતે માની શકો ?

બીજા લોકોના ક્રોધના શિકાર થઈએ ત્યારે ઉત્તેજિતતામાંથી બચવાનો એક બીજો ઉપાય છે – પોતાના ઉપર ક્રોધ કરનારને પોતાનો હિતેચ્છુ ગણવો અને એની આ સેવા માટે તેના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખવો. એનું કારણ એ છે કે એણે આપણા ઉપર નારાજ થઈને આપણા પોતાના દોષોથી માહિતગાર કરાવ્યા છે અને એ રીતે એણે આપણી અનાસક્તિની ભાવનાને પ્રબળ બનાવી છે. આપણને પોતાની આ સેવાનો લાભ પહોંચાડવા માટે એ વ્યક્તિએ પોતાના મનની શાંતિનું બલિદાન આપી દીધું છે. એટલે આપણે એના પ્રત્યે વધારે ઋણી રહેવું જોઈએ.’

હવે બીજા કેટલાક ઉપયોગી ઉપાયો માટે આપણે પશ્ચિમના કેટલાક વિદ્વાનોનાં ઉદ્ધરણો જોઈએ :

મારક્સ ઓરેલિયસ (Marcus Aurelius – એક દાર્શનિક અને રોમન સમ્રાટ) પોતાના ‘મેડિટેશન’ (ધ્યાન) નામના ગ્રંથમાં આમ લખે છે : ‘જ્યારે તમને ઘણો ક્રોધ આવે ત્યારે મનમાં ને મનમાં આટલું વિચારવું – આ જીવન કેટલું ક્ષણિક છે ! આપણે વિચારવું જોઈએ કે જે કારણોને લીધે આપણે ગુસ્સે થયા છીએ, એ ક્રોધનું પરિણામ એના કરતાં કેટલું વધારે દુ :ખદ રહેશે. જ્યારે ક્રોધની ભાવના ઉત્તેજિત થાય ત્યારે તમારી સમક્ષ આ સત્ય આવી જવું જોઈએ કે ઉત્તેજનાથી વિચલિત થવું એ પુરુષાતન નથી. વિનમ્રતા અને કોમળતા વધારે સારા માનવીય ગુણો છે. અને એટલે જ તે વધારે અગત્યના પણ ખરા.’

એપિક્ટિટસ (Epictetus – ગ્રીક દાર્શનિક) કહે છે, ‘જ્યારે પણ તમારા પર ક્રોધ સવાર થઈ જાય ત્યારે તમે એટલું નિશ્ચિત જાણજો કે આ ભાવ ક્ષણિક માત્ર નથી. એ તો તમે પોતે એક સ્થાયી બનાવેલ અને વધારેલ આદત કે દોષ છે. જાણે કે બળતા અગ્નિમાં ઇંધણ ઉમેરવા જેવું છે… જો તમે ક્રોધી બનવા ન ઈચ્છતા હો તો આ આદતને આશરો ન આપતા. એને વધારવાનો અવસર ન આપવો. પહેલાં તો મૌન ધારણ કરો અને પછી જ્યારે તમે નારાજ થયા ન હતા એ દિવસો ને યાદ કરો. આટલું વિચારો, ‘પહેલાં હું દરરોજ ગુસ્સે થતો; પછી એક એક દિવસ બાદ કરતો અને ત્યાર પછી ત્રીજો દિવસ અને ચોથો દિવસ’ – અને જો તમે આખેઆખો મહિનો ક્રોધ વિના વિતાવી શકો તો ભગવાનને કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ સાથે યાદ કરજો.’

સેનેકા (Seneca – રોમન દાર્શનિક) કહે છે, ‘ક્રોધનો સર્વોત્તમ ઈલાજ છે – ક્રોધને પરિણામે થતી પ્રતિક્રિયામાં મોડું કરવું.’ ગુસ્સે થઈએ ત્યારે કંઈ બોલતા પહેલાં દસ સુધી ગણતરી કરો. ક્રોધ વધારે હોય તો સો સુધી ગણતરી કરો. આ વ્યાવહારિક ઉપદેશોનો સાર છે. તેનો હેતુ ક્રોધના માર્ગમાં અવરોધ ઊભો કરવાનો છે.

ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ

ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોમાં આપણને ક્રોધ પર વિજય મેળવવાની એક પૂરી પ્રણાલી મળે છે. આ મનોવિજ્ઞાન પર આધારિત છે. એમાં એવા ઉપાયોનો સમાવેશ છે કે જેનો દરેક વ્યક્તિ પોતાના ધર્મ કે સંપ્રદાયથી નિરપેક્ષ રહીને અભ્યાસ કરી શકે છે. તેઓ કહે છે, ‘રજોગુણથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ જ ક્રોધ છે તે ખૂબ ખાનારો – ભોગોથી કદી ધરાય નહિ તેવો – અને મહાપાપી છે. એને તું શત્રુ માન.’ (ગીતા : ૩.૩૭)

ભ્રાંતિ અને અજ્ઞાનની એક વિશેષતા એ છે કે આપણે એને કારણે પોતાના શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ માની લઈએ છીએ. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ બતાવે છે કે આપણે ક્રોધને આપણો પ્રત્યક્ષ શત્રુ સમજીએ અને એની સાથે એ રીતે વ્યવહાર રાખીએેે. જો એમ ન બને તો ક્રોધ આપણી સ્વીકૃતિ અને ઉદાર સહાય મેળવીને આપણા પર સવાર થઈ જાય છે. જો કે આપણે કોઈ ને કોઈ બહાને નારાજ થતા રહીએ છીએ, એટલે ક્રોધથી આપણો ઘનિષ્ઠ પરિચય થઈ જાય છે અને એે આપણો મિત્ર બની બેસે છે. જ્યારે ક્યારેક આપણે ક્રોધને અધીન થઈએ છીએ ત્યારે આપણું મન ભ્રાંત થઈ જાય છે. અને આ ભ્રાંતિની અવસ્થામાં આપણે જે કંઈ કરીએ છીએ તે આપણને આજ નહીં તો કાલે ઘા મારવાના. ભ્રાંતિ આપણા વિચારોને પ્રભાવિત કરે છે, સ્મૃતિને વિકૃત બનાવે છે, અને આપણે પહેલેથી જ શીખેલા પોતાના જીવન વિશેના બોધપાઠ ભૂલી જઈએ છીએ. ત્યારે આપણે લોકો વિપરીત ભાવનાથી પ્રેરાઈને એક અજ્ઞાની વ્યક્તિની જેમ આચરણ કરીએ છીએ. આપણે વિવેકના બોધપાઠોને ભૂલીને આપણી સતત રક્ષા કરતી બુદ્ધિની સેવાથી વંચિત બની જઈએ છીએ. અને એવાં કાર્ય કરવા દોડવા માંડીએ છીએ કે જે આપણા માટે હાનિકારક સાબિત થાય છે. આ રીતે ક્રોધ એક પ્રભાવકારી, વિધ્વંસકારી આંતરિક શક્તિ બની જાય છે. (ક્રમશ 🙂

Total Views: 181
By Published On: July 1, 2013Categories: Budhananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram