(અવિદ્યા સ્ત્રી – આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય)
વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા. મણિ પાસે જ હતા. ઠાકુર વારંવાર કહે છે કે ‘વિવેક-વૈરાગ્ય ન હોય તો ભગવાન મળે નહિ.’ મણિએ તો લગ્ન કર્યું છે; એટલે વ્યાકુળ થઈને વિચાર કરે છે, કે હવે શું થશે ? તેમની ઉંમર અઠ્ઠાવીસ, કોલેજમાં અભ્યાસ કરીને કાંઈક અંગ્રેજી ભણતર ભણ્યા છે. તે વિચાર કરે છે, વિવેક-વૈરાગ્યનો અર્થ શું કામ-કાંચન ત્યાગ ?
મણિ (શ્રીરામકૃષ્ણને) – સ્ત્રી જો કહે કે તમે મારી સંભાળ નથી લેતા, માટે આપઘાત કરીશ, તો શું કરવું ?
શ્રીરામકૃષ્ણ (ગંભીર સ્વરે) – એવી સ્ત્રીનો ત્યાગ કરવો, કે જે ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે ! પછી એ આપઘાત કરે કે ગમે તે કરે!
જે ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે તે અવિદ્યા-સ્ત્રી.
(ગંભીર ચિંતામાં પડી જઈને મણિ દીવાલને અઢેલીને એક બાજુ ઊભા રહ્યા. નરેન્દ્ર વગેરે ભક્તો પણ ક્ષણભર તો ચૂપ થઈ ગયા.) ઠાકુર તેમની સાથે જરા વાતચીત કરે છે; ત્યાં અચાનક મણિની પાસે આવીને એકાન્તમાં આસ્તે આસ્તે કહે છે, ‘પણ જેનામાં ઈશ્વર પર અંતરની ભક્તિ હોય, તેને સહુ વશ થાય : રાજા, દુષ્ટ માણસ, સ્ત્રી. પોતામાં આંતરિક ભક્તિ હોય તો સ્ત્રી પણ ધીરે ધીરે ઈશ્વરને માર્ગે આવી શકે. પોતે સારો હોય તો ઈશ્વરની ઇચ્છાથી એ પણ સારી થઈ શકે.’
મણિના ચિંતારૂપી અગ્નિમાં પાણી પડ્યું. તે અત્યાર સુધી વિચાર કરતા હતા કે સ્ત્રી આત્મહત્યા કરે, તો ભલે કરે. હું શું કરું ?
મણિ (શ્રીરામકૃષ્ણને) – સંસારમાં બહુ બીક લાગે છે.
શ્રીરામકૃષ્ણ (મણિ અને નરેન્દ્ર વગેરેને) – એટલા સારુ તો ચૈતન્યદેવે કહ્યું કે :
‘સુણો સુણો નિત્યાનંદભાઈ, સંસારી જીવની કદી ગતિ નાહીં.’
(મણિને એકાન્તમાં એક દિવસ શ્રીઠાકુરે કહ્યું હતું) – ઈશ્વરમાં શુદ્ધ ભક્તિ જો ન હોય તો પછી કોઈ ગતિ નહિ. જો કોઈ ઈશ્વર-પ્રાપ્તિ કરીને સંસારમાં રહે, તો એને કશો ભય નહિ. વચ્ચે વચ્ચે એકાન્ત સ્થળમાં જઈને સાધના કરીને જો કોઈ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકે, તો પછી સંસારમાં રહે તો કશો ભય નહિ. ચૈતન્યદેવના સંસારી ભક્તો પણ હતા. તેઓ સંસારમાં નામમાત્ર રહેતા, અનાસક્ત થઈને રહેતા.
(શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૮૬-૮૭)
Your Content Goes Here