ભગવાન શ્રીકૃષ્ણ વિશે ‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેય્ડ એબાઉટ ઈટ’ માંથી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોનાં કથનોનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી બ્રહ્માનંદ :

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ સમાધીભાવમાં રાસલીલા કરતા હતા ત્યારે એક ગોપીએ બીજીને કહ્યું, ‘જો સખી, વેદાંતનું સત્ય નૃત્ય કરે છે ! શ્રીકૃષ્ણ એ પરબ્રહ્મ છે, તે અનંત છે, અરૂપ છે અને માનવને રૂપે લીલા કરે છે. આ ઉપરાંત પણ એક બીજી અતિગહન અને અગાધ આધ્યાત્મિક અનુભૂતિ છે.’

સ્વામી પ્રેમાનંદ :

દરેક દિવ્ય અવતાર અને માનવરૂપે અવતરેલ ઈશ્વર વાસ્તવિક રીતે બધા મહાન આદર્શાેનું મૂર્તિમંતરૂપ છે. છતાં પણ દરેકે દરેક અવતારે કોઈ ચોક્કસ આદર્શ પર ભાર દીધો છે. દા.ત. શ્રીચૈતન્ય પ્રેમનું મૂર્તિમંતરૂપ હતા. જેમ થીજેલું પાણી બરફનું રૂપ ધારણ કરે છે તેવી જ રીતે ઘનીભૂત પ્રેમે શ્રીચૈતન્યનું રૂપ ધારણ કર્યું. એવી જ રીતે શંકર જ્ઞાનનું મૂર્તિમંત રૂપ હતા, બુદ્ધ ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ હતા અને શ્રીકૃષ્ણ નિષ્કામ કર્મભાવનું મૂર્તિમંત રૂપ હતા.

જુદાં જુદાં દર્શનશાસ્ત્રો અને સંપ્રદાયોનું સમન્વયીકરણ ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્બોધેલ ગીતામાં જોવા મળે છે. નિષ્કામ કર્મ, ધ્યાન, જ્ઞાન અને પ્રેમભક્તિ એ આધ્યાત્મિક સાધના પથના જુદા જુદા અવયવો જેવાં છે, એ સત્ય પર શ્રીકૃષ્ણે ભાર દીધો છે. પરંતુ એમણે પોતે પોતાના જીવન દ્વારા નિષ્કામ કર્મયોગની સાધનાનું ઉદાહરણ આપણી સમક્ષ મૂક્યું છે.

સ્વામી અખંડાનંદ :

માનવરૂપે અવતરેલા શ્રીકૃષ્ણને પૂર્ણબ્રહ્મરૂપે સૌએ જાણ્યા છે. તેમણે ક્યારેય ભૂલ કરી નહોતી અને કોઈ એવા કાર્ય બદલ પશ્ચાત્તાપ પણ કર્યો ન હતો.

ભગવાન શ્રીકૃષ્ણ એક ગૃહસ્થનું જીવન જીવ્યા અને ત્યાં તેઓ એક આદર્શ છે. ગૃહસ્થની એક ફરજ ઘરે આવેલા અતિથિની સરભરા કરવાની છે. અતિથિને એની ઇચ્છાઓ પ્રમાણે સેવવો જોઈએ. સાથે ને સાથે એમના દ્વારા નારાયણની સેવા થાય છે એવો વિચાર પણ રાખવો જોઈએ. ઋષિ દુર્વાસા પોતાના કઠોર અને ક્રોધી સ્વભાવ માટે જાણીતા છે. સ્વર્ગના દેવોએ મોકલેલ તેઓ એક વખત એક ગૃહસ્થરૂપે શ્રીકૃષ્ણ કેવી રીતે પોતાની ફરજો પાળે છે અને પોતાના ઘરે આવેલા અતિથિને કેવી રીતે સંતોષે છે, એ જાણવા-ચકાસવા કૃષ્ણને ત્યાં આવ્યા. સામાન્ય રીતે લોકો દુર્વાસા પ્રત્યે એટલો બધો આદર ધરાવતા નથી, કારણ કે તેમનો સ્વભાવ અત્યંત ક્રોધી અને ઉગ્ર છે. વાસ્તવિક રીતે આ સાચું નથી. આવી રીતે સળગી ઊઠેલા તેમના ક્રોધે કેટલાયનાં પાપોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે. એમનો આવો આક્રોશ એ દિવ્યકૃપાનું સ્વરૂપ હતું.

પછી તો ઋષિ દુર્વાસા દ્વારકામાં શ્રીકૃષ્ણને ત્યાં આવ્યા અને કહ્યું, ‘તમે મારી સેવા કેવી રીતે કરશો ?’ હસતાં હસતાં શ્રીકૃષ્ણે જવાબ આપ્યો, ‘આપની ઇચ્છા પ્રમાણે; તમારો આ સેવક એ સેવા માટે તૈયાર છે.’ દુર્વાસાએ તેમને કહ્યું, ‘સારું, તમારાં પત્ની સાથે ગૃહસ્થ જીવનનો ધર્મ બજાવો. તમારે બન્નેએ એક સાથે મળીને મારી સેવા કરવી પડશે. એમાં કોઈ ત્રીજી વ્યક્તિની મદદ નથી લેવાની. તમે મારા માટે પાણી ભરી લાવો અને તમે અગ્નિ પ્રગટાવીને મારું ભોજન રાંધો. એના પછી હું જેમ કહું તે પ્રમાણે કરવાનું છે.’ એટલે કૃષ્ણ અને રુક્મિણીએ એમની ઇચ્છા પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું અને ઋષિજીની ઇચ્છા પ્રમાણે બધું કરી નાખ્યું. જ્યારે દુર્વાસા ભોજન લેવા બેઠા ત્યારે શ્રીકૃષ્ણ નજીકમાં ઊભા હતા અને રુક્મિણી ઋષિને પંખો નાખતાં હતાં. ભોજન પછી તેઓ થોડું ઊંઘી ગયા. થોડો આરામ કર્યા પછી તેઓ રથમાં બેસીને બહાર જવા ઇચ્છતા હતા, પરંતુ રથ ઘોડા ન ચલાવે પણ એને બદલે પતિ અને પત્ની ચલાવે. બન્નેએ હજી ખાધુંય ન હતું અને દુર્વાસાને હજીયે આતિથ્યથી સંતોષ થયો ન હતો. બીજા બધાને અણગમો થયો પણ શ્રીકૃષ્ણ તો સ્થિરધીર રહીને મધુર હાસ્ય ફરકાવતા રહ્યા. તેમણે રથથી ઘોડા છોડી નાખ્યા અને રુક્મિણી સાથે પોતે રથ લઈ જવા લાગ્યા. અને આમ આ રથ શેરીઓમાં નીકળ્યો. રુક્મિણીને ખૂબ તરસ લાગી અને શ્રીકૃષ્ણના હાથમાંથી લોહી નીકળવા માંડ્યું. હવે દુર્વાસા વધારે સહી ન શક્યા. તેમણે રથને ઊભો રખાવ્યો, રથ પરથી તેઓ ઊતર્યા અને ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીનાં ચરણે પડીને બોલી ઊઠ્યા, ‘હે પ્રભુ, તમે આટલું બધું શા માટે કરો છો એ મને હવે સમજાયું. માનવરૂપે અવતરેલા ઈશ્વરનું આ કાર્ય છે – એક પ્રમાણ કે આદર્શ વિશ્વના લોકો સમક્ષ મૂકવો.’

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.