સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ કરીને વર્તમાન યુવાનોનું ચિત્ત તેમના ઉદાત્ત, ઉત્સાહથી ભરપૂર, ચિત્તને અને જીવનને ખળભળાવી નાખનાર, વિચારોને મમળાવતું રહે અને તેની મદદથી આવતીકાલના ભારતને સર્વાંગી રીતે વિશ્વવિજયી બનાવવાના જ મિશનમાં વ્યસ્ત રહે એ માટે સીધા તેમના જ ગર્જના કરતા વિચારોને માણીએ. તેમનો એક એક શબ્દ સમગ્ર વ્યક્તિત્વને હચમચાવી નાખે તેવો છે: સૂતાને ઊભો કરે, ઊભાને દોડતો કરે અને પળે પળ ઉદાત્ત કરે તેવો છે. આ વાણીને કોઈ જ વિવેચનની કે સમજાવવાની જરૂર નથી. તે સ્વયં અગ્નિમંત્ર જેવી છે.

વિવેકાનંદનાં સર્વોત્તમ પ્રવચનોમાં ‘વ્યવહારુ જીવનમાં વેદાંત’ મનાય છે. ચાર પ્રવચનોની હારમાળા છે. અહીં તો તેમાંથી અંશો જ લઈએ અને મમળાવીએ અને ધન્ય થઈએ: ‘આપણે અંદરથી જેટલા શાંત હોઈશું, એટલા આપણે વધારે કામ કરી શકીશું. આપણે જ્યારે લાગણી કે આવેશને છૂટો દોર આપી દઈએ છીએ, ત્યારે આપણી શક્તિ વેડફાય છે. મન વિચલિત રહે છેઅને કામ ઓછું થાય છે. જે શક્તિ કામમાં વપરાવી જોઈએ, તે આપણે લાગણીમાં વેડફી નાખીએ છીએ. એટલે સરવાળે કંઈ જ પ્રાપ્ત થતું નથી. મન જ્યારે પૂરેપૂરું શાંત હોય, ત્યારે જ આપણી સમગ્ર શક્તિ કોઈ સારા કામમાં વાપરી શકીએ છીએ.

તમે પામર, નિર્માલ્ય કે નબળા છો એવું માનવું એ સૌથી મોટો ભ્રમ છે. જેટલી વખત તમે એવું માનશો કે વિચારશો, એટલી વખત તમે એ ભ્રમણાની સાંકળમાં એક કડી ઉમેરતા જશો. પહેલાં એ ભ્રમ દૂર થવો જોઈએ કે આપણે નિર્બળ છીએ. પછી પ્રકાશમય જીવન આપોઆપ પ્રગટશે. અંધકારનો પડદો હટી જાય એટલે આપણા આત્માની વિશુદ્ધતા આપોઆપ પ્રગટે છે. જરૂર છે માત્ર આવરણ હટાવવાની, બધું જ આપણી અંદર છે.

આપણામાં નબળાઈ હશે, પણ તેની ચિંતા ન કરો અને આગળ વધો. માણસ જન્મ્યો છે ત્યારથી જ એનો રોગ દેખાયો છે. દરેકને તેના રોગની જાણ છે. બીજા કોઈએ એને જાણ કરાવવાની જરૂર નથી. સતત રોગનું રટણ કરવાથી રોગ મટવાનો નથી. રોગ મટાડવા દવાની જરૂર છે. વેદાંત કહે છે કે કોઈને એની નબળાઈની વાત વારંવાર કરતાં રહીએ એનાથી તેને કોઈ ફાયદો થવાનો નથી. એને બળ આપો, શક્તિ આપો. અને માત્ર નબળાઈની વાતો કરવાથી આવું બળ પ્રાપ્ત થતું નથી. શક્તિનો વિચાર કર્યા કરો. માણસની અંદર જે શક્તિ છે તેનું ભાન કરાવો. કદાપિ એમ ન કહો કે ‘હું આ નહીં કરી શકું’, કારણ કે તમારામાં અનંત શક્તિ છે. તમે બધું કરી શકો છો. તમે સર્વશક્તિમાન છો.

‘માણસ-માણસમાં જે તફાવત છે તે આત્મવિશ્વાસ હોવા કે ન હોવા પર આધારિત છે. આત્મવિશ્વાસ ધરાવતો માણસ ગમે તે કરી શકે છે. જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી તે સૌથી મોટો નાસ્તિક છે. સૌથી મહાન માણસ એ છે જે એમ કહી શકે ‘હું મારા વિશે બધું જાણું છું.’

તમે જ પયગંબર છો. તમારે સૌએ પયગંબર થવાનું છે. પુસ્તક તમારા ચારિત્ર્યનું પ્રમાણ નથી. તમે પોતે જ પુસ્તકનું પ્રમાણ છો. જો તમે ઈશ્વર નથી તો કોઈ ઈશ્વર નથી. આપણે સૌએ પયગંબર બનવાનું છે. અને તમે પયગંબર જ છો. માત્ર તમારે એ જાણવાનું છે. જગતમાં કોઈ પાપ હોય તો તે આ છે.. તમે નબળા છો, બીજા નબળા છે, એમ કહેવું.

તમે ભગવાનની પૂજા માટે ભલે મંદિર બાંધો પણ સૌથી ઊંચું અને સૌથી મોટું મંદિર અસ્તિત્વમાં છે આ માનવદેહ. જીવતો જાગતો ઈશ્વર તો તમારી અંદર જ છે. અને તમે મંદિરો અને દેવળો બાંધી અર્થહીન કલ્પનાઓમાં રાચો છો. પૂજા કરવી હોય તો માનવ શરીરમાં રહેલ આત્માની પૂજા કરો.

માણસ પોતાનાં કૃત્યોથી જ ઘડાય છે. માણસ પોતે નક્કી કરેલા નિયમો સિવાય બહારના કોઈ નિયમોથી બંધાયેલ નથી. આપણા વિચાર, આપણાં કર્મો, આપણી વાણી એ જાણે દોરા અને ધાગા છે જેના વડે આપણે જ આપણી આસપાસ એક જાળ બનાવીએ છીએ અને પછી એ જાળમાં બંધાઈએ છીએ. કોઈ પણ શક્તિને આપણે કામે લગાડીએ તો અને તેનાં પરિણામો ભોગવવા તૈયાર રહેવું જોઈએ.

સર્વ કલ્યાણનો મૂળ મંત્ર ‘હું’ નહીં, ‘તું’ છે. સ્વર્ગ કે નરક છે તેની કોણ પરવા કરે છે ? આત્મા છે કે નહીં તેની કોને પડી છે ? જુઓ આ દુનિયા, દુ:ખોથી ભરપૂર છે. બુદ્ધે કર્યું તેમ કરો. આ દુનિયામાં જાવ. તેનું દુ:ખ દૂર કરવા પ્રયત્ન કરો. તમે આસ્તિક હો કે નાસ્તિક; હિંદુ હો, ખ્રિસ્તી હો કે મુસ્લિમ, તમારે પહેલો એ પાઠ શીખવાનો છે કે તમારી જાતને ભૂલી જાવ… આપણે બંધનમાં છીએ અને રોદણાં રડીએ છીએ. મદદ માટે બૂમો માર્યા કરીએ છીએ. પણ મદદ બહારથી નથી આવતી. એ તો આપણી અંદરથી જ આવે છે.

આપણી કહેવાતી ભૂલો અને પાપ આપણી જ નબળાઈને કારણે જ થયાં છે અને આપણે નબળા છીએ તેનું કારણ છે આપણું અજ્ઞાન. પાપને હું ભૂલ કહેવાનું પસંદ કરું છું. આપણે પોતે જ આપણી આંખો આડા હાથ ધરીએ છીએ અને પછી ‘અંધારું છે, અંધારું છે’ એમ બૂમો મારીએ છીએ ! હાથ ખસેડી લો એટલે પછી અજવાળું જ અજવાળું છે. પ્રકાશ આપણા માટે સદાય છે જ.

‘જો ઓરડો હજાર વર્ષથી અંધારાથી જ ભરાયેલ હોય અને તમે આવીને રડવા માંડો કે શોક કરવા માંડો કે, અરેરે! અહીં તો અંધારું છે’, તો શું અંધારું અદૃશ્ય થઈ જવાનું છે? તમે દીવાસળી સળગાવો એટલે એક પળમાં પ્રકાશ પથરાઈ જશે. તમે આખી જિંદગી અફસોસ કરો કે ‘અરેરે, મેં પાપ કર્યું છે. મેં ઘણી ભૂલો કરી છે,’ તો તેથી તમને કશો જ ફાયદો થવાનો નથી. તમે પ્રકાશ લાવો એટલે પાપ એક પળમાં પલાયન થઈ જશે. તમારું ચારિત્ર્ય ઘડો, તમારું પ્રકાશમય સ્વરૂપ, જ્યોતિર્મય, સદા પવિત્ર સાચો સ્વભાવ પ્રગટ કરો અને જેને મળો તેનામાં પણ એ જગાવો. આપણું એક માત્ર કામ છે આપણા માનવબંધુઓમાં જ્ઞાનને જગાડવાનું.’ તે જ રીતે સ્વામીજી પોતાના એક બીજા પ્રવચન ‘કર્મનું રહસ્ય’માં પણ કહે છે…

જ્યારે જ્યારે પણ આપણને નિષ્ફળતા મળે અને આપણે તેનું પૃથ્થકરણ કરીએ, તો નવ્વાણું ટકા કેસોમાં આપણને જણાશે કે આપણે સાધન તરફ ધ્યાન નથી આપ્યું. સાધન બરાબર હોય તો ફળ મળે જ.

જે નિર્બળ છે તેના માટે નથી આ લોકમાં સ્થાન કે નથી પરલોકમાં સ્થાન. નિર્બળતા પરાધીનતા તરફ દોરી જાય છે. નિર્બળતા બધા પ્રકારનાં શારીરિક અને માનસિક દુ:ખ તરફ દોરી જાય છે. આપણી આજુબાજુ લાખો સૂક્ષ્મ જંતુઓ છે, પણ જ્યાં સુધી આપણે નિર્બળ ન બની જઈએ, ત્યાં સુધી તે આપણને કશું જ નુકસાન પહોંચાડી શકતાં નથી. ભલેને આપણી આજુબાજુ પીડાદાયક લાખો જંતુઓ તરતાં હોય, વાંધો નહીં. પણ જ્યાં સુધી આપણું મન નબળું ન પડે, ત્યાં સુધી તે આપણી તરફ આગળ વધવાની હિંમત ન કરી શકે. આપણા પર અધિકાર મેળવવાની તેમનામાં શક્તિ જ ન હોય. આ મહાન સત્ય છે કે શક્તિ જીવન છે અને નિર્બળતા મૃત્યુ. શક્તિ પરમાનંદ છે, જીવન શાશ્વત છે, અમર છે. નિર્બળતા સતત તાણ અને દુ:ખ છે, નિર્બળતા મૃત્યુ છે.

આ તો વિરાટ આકાશમાં રહેલા અનંત અનંત તારાઓમાંથી એકાદ – બે તારાઓનું દર્શન કરાવ્યું છે. તરવરીયા યુવાનોને, વ્યર્થ પરંપરામાં હેરાન થતા અને જીવન વેડફતા ભારતીયોને વિનંતી છે કે બસ તેઓ સ્વામીજીની વાણીનું સતત રટણ કરે. તેને વાગોળે. લોહીના કણેકણમાં, શરીરની નસેનસમાં, મનના ખૂણેખૂણામાં તેને ઉતારી દે. ચોવીસે કલાક તેનું ચિંતન કરે. પછી તેને ખ્યાલ આવશે કે તેનો શું પ્રભાવ છે. જીવનની પ્રગતિ પર, વિકાસ પર તે બોમ્બની જેમ ફાટશે અને વ્યક્તિને અચાનક ખ્યાલ આવશે કે તેનાં બધાં જ બંધનો, સંકુચિતતાઓ ખરવા લાગશે અને તે એક વિરાટ વ્યક્તિત્વ બનતી જશે. ૨૦૫૦માં ભારત જે વિશ્વ સત્તા બનવાનું છે, તેમાં આ વિચારો જ કામ કરવાના છે અને આ વિચારોને જે અપનાવશે તેઓ જ તેમાં હિસ્સો લેવાના છે.

જુઓ છો શું ? જોડાઈ જાવ !

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.