ગતાંકથી આગળ…

વૃંદાવનમાં અમે ગોવિંદ મહેલમાં ગોપીદાસીના ઘરે રહ્યાં. ગોપીદાસી અત્યંત સરળ સ્ત્રી હતાં. હું તેમને ગોપીદીદી કહેતી. અમને એક મોટો અને બે નાના ઓરડા આપવામાં આવેલ. ત્યાં પાણીની તંગી હતી. એક પાણી ભરવાવાળી બહેન દરરોજ બે પૈસામાં બે મોટા ઘડા પાણી લાવી દેતી. અમે પાણીસંગ્રહ માટે એક માટીનો ઘડો ખરીદી લીધો. ગોવિંદજીના મંદિરેથી પ્રસાદ લાવવાની વ્યવસ્થા કરી લીધી. ત્યાં આ પ્રસાદને પારસ કહે છે. વ્યક્તિ દીઠ અમારો માસિક ખર્ચ પારસ માટે ત્રણ રૂપિયા અને તે લાવવા માટે ચાર આના હતો. બપોરે અમે ત્રણેય પ્રસાદ વહેંચીને ખાતાં; તેમાં ભાત, શાક, દહીં, ખીર, દાળ અને સોળ રોટલીઓ રહેતી. દૂધની કિંમત એક શેરના છ પૈસા થતી. સંધ્યા સમયે મંદિરેથી ઘરે પાછાં ફરતાં પૂરી, શાક તથા મીઠાઈ રાતના ભોજન માટે ખરીદી લાવતાં. ટૂંકમાં અમે ભોજન બનાવતાં નહિ. સવારે યમુના-સ્નાન કરી અમે એક પૈસાના ચણા-મસાલા ખરીદી લેતાં, જે બે દિવસ ચાલતા. મંદિર દર્શન અને જપ-ધ્યાન કરવાં એ અમારી દિનચર્યા હતી. સુધીરાદી તથા બીજી બહેન જપ-ધ્યાનમાં લીન રહેતાં. હું પણ તે લોકોને અનુસરતી. ગોપીદીદી પોતાના ઘરમાં જ રાધા-કૃષ્ણની પૂજા કરતાં હતાં. તેઓ સાઠ વર્ષનાં હતાં. તેમની મા એંશી વર્ષનાં તથા મોટાભાઈ ગૌરદાદા લગભગ બાસઠ વર્ષના હતા. તેઓ ખૂબ જ ગરીબ હતાં. ખૂબ જ મુશ્કેલીથી જીવનયાપન કરતાં હતાં, પરંતુ તેઓ ભક્ત હતાં અને ભજનકીર્તન કરી આનંદમાં રહેતાં. સુધીરાદી તેમનાં ભજનોમાં સંમિલિત થતાં તથા એમની પાસેથી નવાં ભજનો શીખતાં.

સુધીરાદી હંમેશાં એકલાં તથા અંતર્મુખી રહેતાં. શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા તથા સ્વામીજીની છબીઓને શ્રીરામકૃષ્ણ કથામૃત ઉપર રાખીને, તેની સામે બેસી ધ્યાનમગ્ન થઈ જતાં. તેઓ નવનલિનીદી સાથે વૈષ્ણવ ધર્મની ચર્ચા કરતાં પણ મને તે વિશે ખાસ કહેતાં નહિ, કેમ કે તેમને ખબર હતી કે એ વૈષ્ણવભાવ મને ખાસ પસંદ ન હતો.

આ રીતે એક માસ પસાર થઈ ગયો. તંદુરસ્તી સુધારવા હવાફેરના ઉદ્દેશથી સુધીરાદી પહેલાં તો કોલકાતાથી વારાણસી ગયાં. ત્યાંથી વૃંદાવન ગયાં, પરંતુ કઠોર તપશ્ચર્યાને લીધે તેમનું સ્વાસ્થ્ય સુધર્યું નહિ. તેથી તેમના મોટાભાઈએ તેમને શિમલા બોલાવ્યાં. ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતાં તેમને શિમલા જવું પડ્યું. તેમણે મને વૃંદાવનમાં એકલી છોડતી વખતે જરૂરી સૂચના આપી તથા આવનાર મુશ્કેલીઓથી સચેત કરી. નીકળતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘નવનલિનીને તું મારા જેવી જ સમજજે. પારસ પ્રસાદ લેતી રહેજે, બંધ ન કરતી. એક માસની અંદર જ હું આવી જઈશ.’ તદ્ઉપરાંત નીચેના માળે રહેતાં ગોપીદીદીને તેમણે કહેલું, ‘જો સરલા નવનલિની પાસે ન રહી શકે તો તમે તેને તમારી સાથે રાખજો. તેને એક નાનો ઓરડો આપી દેજો અને તેનું ધ્યાન રાખજો.’ સુધીરાદીનું વ્યક્તિત્વ એવું હતું કે જે કોઈ તેમના પરિચયમાં આવતાં તે તેમને પ્રેમ કરવા લાગતાં. ગોપીદીદીએ તેમની સૂચનાનું અક્ષરશ: પાલન ર્ક્યું.

ત્યાં સુધી મેં મથુરા જોયેલ નહિ અને સુધીરાદીને દિલ્હી માટે મથુરાથી ગાડી પકડવાની હતી. તેથી તેઓ મને પોતાની સાથે મથુરા લઈ ગયાં. મને વૃંદાવન પાછી લાવવા ગૌરદાદા અમારી સાથે મથુરા આવ્યા. સ્ટેશન ઉપર સુધીરાદીએ મને અમૂલ્ય ઉપદેશ આપ્યો, ‘જાણી લે કે શ્રીરામકૃષ્ણ જ એક પોતાના છે. તેમને પકડી રાખજે અને વ્યાકુળ થઈને તેમને પ્રાર્થના કરજે. તેઓ હંમેશાં તારી સાથે છે. તેઓ તારું ધ્યાન રાખી રહ્યા છે. બીજા કોઈ પાસે મદદ માગતી નહિ.’ તેમણે ઘણી સ્તુતિઓ અને ભજન ગાયાં તથા મને શ્રીરામકૃષ્ણની છબી તથા શ્રીરામકૃષ્ણ કથામૃત આપીને કહ્યું, ‘સમજી લે કે આના સિવાય બીજું કોઈ તારું નથી.’ સવારે ત્રણ વાગે જ્યારે તેમણે દિલ્હી તરફ પ્રયાણ કર્યું ત્યારે હું એકલી થઈ ગઈ અને હું ખૂબ રડી. તેમના પ્રેમપૂર્ણ ઉપદેશનું સ્મરણ કરીને મેં મારી જાતને કોઈપણ રીતે શાંત કરી.

વૃંદાવન આવ્યાના કેટલાક સમય પછી નવનલિનીદીદીએ પારસ પ્રસાદ લેવાનું બંધ કર્યું, તેઓ ફક્ત દૂધ લેવા માંડ્યાં. સુધીરાદી હતાં નહિ, હું એકલી કેટલું ખાઉં ? તેથી પ્રસાદ હું ગોપીદીદી સાથે વહેંચી લેતી. વૃંદાવનમાં લગભગ બધાં વૈષ્ણવ હતાં. જે લોકો વૈષ્ણવ નહોતાં અને તુલસીની માળા ન પહેરતાં તેમને ઊતરતી કક્ષાનાં ગણવામાં આવતાં. સુધીરાદી આવી બાબતોમાં નિર્વિકાર રહેતાં. શ્રીરામકૃષ્ણને બધાં જ દેવી-દેવતાઓના વિગ્રહ સ્વરૂપ માનીને તેઓ કહેતાં, ‘અમારી પાસે ગોપાલ મંત્ર છે, અમે પણ વૈષ્ણવ છીએ.’ બધાંને વિશ્વાસ થઈ ગયેલો કે અમે વૈષ્ણવ છીએ. મને વૃંદાવન છોડીને જતી વખતે એમણે ઉપાય બતાવેલો, ‘તારા ગળામાં તુલસીની માળા પહેરી લેજે અને તુલસીની જપમાળા પર શ્રીરામકૃષ્ણના નામનો જપ કરજે, નહિતર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.’ તેમણે નવનલિનીદીદીને મારા માટે એક કંઠી તથા તુલસીની જપમાળા લઈ આવવા કહેલ, તેમણે બંને વસ્તુઓ લાવી આપેલી. તેમના માટે તે એક ઉત્સવ હતો. કંઠી તથા માળા આપવા માટે એક બાબાજી આવ્યા. તે જોઈને મને રડવું આવી ગયું, વિશેષત: એટલા માટે કે મને આ બાબાજી લોકો જરા પણ પસંદ નહોતા. પરંતુ તેઓ સહુને લાગ્યું કે રાધારાણી પ્રત્યેના ભક્તિભાવથી મને આંસુ આવી રહ્યાં છે. તેઓ કહેવા લાગ્યાં, ‘આહા, આ કન્યા કેવી ભક્તિમતી છે !’ હર્ષોલ્લાસથી તેમણે મારા ગળામાં કંઠી પહેરાવી અને ‘હરે કૃષ્ણ’ મંત્ર પ્રદાન કરી જપમાળા પર જપ કરવાની વિધિ શીખવી.

આ ઘટના પછી મેં સુધીરાદીને આવેશમાં આવીને એક લાંબો પત્ર લખ્યો, ‘… અંતમાં શું હું ‘હરે કૃષ્ણ’ નો જપ કરતી કરતી બાબાજી લોકોના સંગમાં ઘૂમીશ?’ સુધીરાદીએ જવાબ લખ્યો, ‘તેઓની પાસે વધુ જઈશ નહિ અને તુલસીમાળા પર પોતાના મંત્રનો જપ કરજે.’ તેના પરિણામે નવનલિનીદી સાથે થોડો મતભેદ અને જીભાજોડી થઈ ગઈ. તેમણે આદેશ દેતાં હોય તેવા સૂરમાં મને કહ્યું, ‘સુધીરાએ તને મારી પાસે રાખી છે. તારે મારું કહ્યું માનવું જ પડશે, નહિતર તું તારા રસ્તે જા.’ હું તેની વાત ન માનવામાં દૃઢ હતી તેથી મેં નીચે જઈ ગોપીદીદીનું શરણ લીધું. ત્યાં સુધી મને ખબર નહોતી કે સુધીરાદી તેમની સાથે મારા વિશે વાત કરી ચૂક્યાં છે. જ્યારે મેં તેમને મારી મુશ્કેલી જણાવી ત્યારે તેમણે કહ્યું કે સુધીરાદીએ પહેલેથી જ વ્યવસ્થા કરી રાખી છે. તેથી હું તેમની સાથે રહેવા લાગી. નવનલિનીદી પોતાની અભિરુચિ પ્રમાણે તપસ્યા કરવા રાધાકુંડ ચાલ્યાં ગયાં.

ગોપીદીદીને ત્યાં એક નાની ઓરડી હતી. હું તેમાં રહી. તેઓ ગરીબ હતાં, તેમની સાથે મેં પણ બધી જ મુશ્કેલીઓ સહન કરી. મારે બીજું તો કોઈ કામ ન હતું. તેથી શ્રીરામકૃષ્ણ કથામૃતનું વાચન તથા જપ કરતી. વસ્તુત: આખો દિવસ હું જપ કરતી રહેતી. મેં તેમની પાસેથી જપ ગણતરીની વિધિ શીખી. આ વિધિથી હું દરરોજ એક લાખ જપ કરતી હતી. સંધ્યા સમયે હું ગોપીદીદી સાથે મદનમોહન તથા ગોવિંદજીનાં મંદિરોમાં જતી અને આરતી પછી પાછી ફરતી. મંદિરમાં પણ જપ-ધ્યાન કરતી. બે-ત્રણ દિવસે સુધીરાદીના પત્રો આવતા. તે પત્રો અદ્‌ભુત હતા. પત્રોથી એવા ઉત્સાહનો સંચાર થતો કે મારા તે કષ્ટભર્યા દિવસો અતિ આનંદમાં વીતી જતા. મને આજે પણ એ વાતનું દુ:ખ છે કે એ બધા જ પત્રો નષ્ટ થઈ ગયા. આ રીતે હું ત્યાં ઝૂલણ-પૂર્ણિમા સુધી પાંચ મહિના રહી. એકાદશીના દિવસે પારસ પ્રસાદનું વિતરણ નહોતું થતું. તેથી ગોપીદીદીના સૂચન મુજબ એકાદશીના થોડા દિવસો પહેલાંથી કેટલીક રોટલી મારી થેલીમાં રાખી મૂકતી. તે સૂકાઈને પાપડ જેવી થઈ જતી. ગોપીદીદી વ્રજની ગોવાલણ પાસેથી છાશ લાવતાં. રોટલીઓનો ભૂકો કરી ચોળીને તે છાશ સાથે દિવસમાં બે વખત ખાતી.

એ દિવસોમાં મારો ખર્ચ આ પ્રમાણે હતો : ચાર આના ઓરડીનું ભાડું, ત્રણ રૂપિયા પારસ પ્રસાદના, થોડા પૈસા માથામાં નાખવાનાં તેલ તથા ગોળના. ગોપીદીદી મને દીકરી જેવી ગણતાં અને પોતાની સાથે મને મંદિરોમાં લઈ જતાં. થોડા સમય બાદ હું મંદિરોમાં એકલી જવા માંડી અને ત્યાં મારો વધુમાં વધુ સમય જપ અને ધ્યાનમાં પસાર થવા માંડ્યો. (ક્રમશ:)

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.