ગતાંકથી આગળ…
રાધાકાન્ત દેવના નિવાસસ્થાને સ્વામીજીએ પોતાના કલકત્તાના સંબોધનમાં કહ્યું છે :
જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો મારું માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. … તેમને અંતર્ધાન થયાં હજુ પૂરાં દસ વરસ થયાં નથી તે પહેલાં તો આ શક્તિ આખી પૃથ્વી ઉપર ફરી વળી છે, એ હકીકત પણ તમે નજરે જુઓ છો. … તમે એની તુલના મને જોઈને ન કરશો. હું તો એક નબળું સાધન માત્ર છું; મારા પરથી એમના ચરિત્રની તુલના ન કરશો. એ ચરિત્ર એટલું બધું મહાન હતું કે હું અથવા એમના શિષ્યોમાંથી બીજો કોઈ સેંકડો જિંદગીઓ પછી પણ, તેમના લાખોમાં ભાગને પણ ન્યાય આપી નહીં શકીએ.
સ્વામીજી જ્યારે જ્યારે પોતાના ગુરુદેવ વિશે બોલતા ત્યારે તેઓ અભિભૂત થઈ જતા. પોતાના ગુરુદેવ પ્રત્યેની આ ભક્તિભાવના ખરેખર ધન્ય હતી.
૨. ઈશ્વરની અનુભૂતિ
શ્રીરામકૃષ્ણ પાસેથી તેમણે શીખ્યો હતો તે સનાતન અને વૈશ્વિક હિંદુ ધર્મનો વિવેકાનંદે ઉપદેશ આપ્યો હતો.
૨૬ મી ઓક્ટોબર, ૧૮૮૪ના રોજ શ્રીઠાકુરે મહિમાચરણને કહ્યું :
‘તમે કેટલાં શાસ્ત્રો વાંચી શકો ? તર્ક-બુદ્ધિથી તમને શું મળે ? બીજું કંઈ પણ કરતાં પહેલાં ઈશ્વરની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરો. ગ્રંથોમાંથી ઈશ્વર વિશે તમે શું જાણશો-શીખશો ? જ્યાં સુધી તમે જાહેર બજારથી થોડા દૂર હો ત્યાં સુધી તમને માત્ર અસ્પષ્ટ ઘોંઘાટ જ સંભળાવાનો. પરંતુ જેવા તમે ત્યાં પહોંચો કે બધું સાવ જુદું. પછી તમે સ્પષ્ટપણે બધું સાંભળી શકો અને જોઈ શકો. તમે લોકોને આમ કહેતાં સાંભળી શકો, ‘આ રહ્યાં તમારાં બટેટાં. એ લઈ જાવ અને મને પૈસા આપી દો.’
સ્વામીજીએ શિકાગોની વિશ્વધર્મપરિષદમાં સંબોધન કરતાં કહ્યું હતું :
‘હિન્દુ માત્ર શબ્દો કે સિદ્ધાંતો પર જીવવા ઇચ્છતો નથી. તેણે ઈશ્વરને જોવા જોઈએ અને એ જ એક માત્ર બધી શંકાઓનો નાશ કરી શકે. એટલે જ હિન્દુ ઋષિ આત્મા વિશે સૌથી શ્રેષ્ઠ સાબિતી આપે છે. ઈશ્વર વિશે આ સાબિતી છે, ‘મેં આત્માને જોયો છે; મેં ઈશ્વરનો સાક્ષાત્કાર ર્ક્યાે છે.’
હાર્ટફોર્ડ, કનેક્ટિક્ટમાં પોતાનાં વક્તવ્યોમાં સ્વામીજીએ કહ્યું હતું, ‘ધર્મ સિદ્ધાંતો કે માન્યતાઓમાં રહેલો નથી. બધા ધર્મનો અંત આત્મામાં રહેલા ઈશ્વરની અનુભૂતિમાં છે. વિચારો અને પદ્ધતિઓ અલગ અલગ હોઈ શકે, પણ (ઈશ્વરની અનુભૂતિ)એ એનું મધ્યસ્થ બિંદુ છે. એક માનવ વિશ્વમાંનાં બધાં ગિરિજાઘરમાં શ્રદ્ધા ધરાવી શકે, લખાયેલા પવિત્ર ગ્રંથો પોતાના મસ્તક પર ઉપાડી શકે, તે પોતે ધરતી પરની બધી નદીઓમાં ખ્રિસ્તી ધર્મની દીક્ષા લઈ શકે, પણ જો તેનામાં ઈશ્વરનો સંકલ્પ ન હોય તો હું એને ઘૃણાસ્પદ નાસ્તિકના વર્ગમાં મૂકીશ.’
૧૮૯૬ની ૯મી જાન્યુઆરીએ ન્યૂયાૅર્કમાં સ્વામીજીએ ‘વૈશ્વિકધર્મનો આદર્શ’ના નામે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું :
‘ધર્મ એ ધર્મ છે, ગમે તેટલી સુંદર મજાની હોય તો પણ એ વાતો નથી, સિદ્ધાંતો નથી કે કોરાં દર્શન નથી. તે (ધર્મ) હોવું અને થવું છે; તે સાંભળવા કે સ્વીકૃતિ આપવા માટે નથી; તે બૌદ્ધિક કે તાર્કિક અનુમતિ કે ખાતરી નથી.
૩. ધર્મોનો સમન્વય
શ્રીરામકૃષ્ણે સ્વામીજીને સર્વધર્મસમન્વયનો અનન્ય સંદેશ ઉપદેશ્યો હતો. ૧૩ ઓગસ્ટ, ૧૮૮૨ના રોજ ગુરુદેવે (શ્રીઠાકુરે) કહ્યું, ‘ઈશ્વરને બધા પથે ચાલીને અનુભવી શકાય. બધા ધર્મો સાચા છેે. અગત્યની વાત તો અગાસીમાં પહોંચવાની છે; પછી તમે પથ્થરના, લાકડાના કે વાંસના દાદરાથી અથવા દોરડાથી ત્યાં પહોચોે.’
મારો પોતાનો ધર્મ સાચો અને બીજા બધા ખોટા, એમ માનવું કે અનુભવવું સારું નથી. ઈશ્વર તો એક જ છે, બે નથી. લોકો એમને જુદાં જુદાં નામે સંબોધે છે. કેટલાક અલ્લાહ કહે છે, વળી બીજા ગોડ, તો વળી બીજા કેટલાક કૃષ્ણ, શિવ કે બ્રહ્મ કહીને સંબોધે છે. તે તળાવના પાણી જેવું છે. એક જગ્યાએ તેઓ એ પીએ છે અને તેને ‘જલ’ કહે છે; બીજા વળી કોઈક બીજા સ્થળે પીએ છે અને એને ‘પાની-પાણી’ કહે છે; વળી કેટલાક ત્રીજી જગ્યાએ જઈને પીએ છે અને તેને ‘વોટર’ કહે છે. આમ પાણીને હિંદુ લોકો ‘જલ’, ‘ખ્રિસ્તીઓ ‘વોટર’ અને મુસ્લિમો ‘પાની’ કહે છે. પરંતુ એ એક જ વસ્તુ છે. મત કે પથ અલગ અલગ છે. દરેક ધર્મ ઈશ્વર તરફ દોરી જતો એક પથ છે; જેમ નદીઓ જુદી જુદી દિશાઓમાંથી નીકળે છે અને અંતે મહાસાગરમાં ભળીને એક થઈ જાય છે તેમ.
શિકાગોની વિશ્વધર્મપરિષદમાં પોતાનાં વક્તવ્યોમાં સ્વામીજી કહે છે, ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે.’
‘પણ જો તમારામાંના કોઈની એવી માન્યતા હોય કે બીજા ધર્મોનો પરાભવ કરીને કોઈ એક ધર્મના વિજયમાંથી આ એકતા આવશે, તો એને હું કહેવા માગું છું કે, ‘ભાઈ ! તમારી આશા ફળે એ અશક્ય છે.’ ખ્રિસ્તીધર્મી હિંદુ થાય એવી આશા હું સેવું ? ના, ભાઈ! ના. હિંદુધર્મ કે બૌદ્ધધર્મી ખ્રિસ્તી થાય એવી આશા હું સેવું ? નહીં જ.
આવું જ કંઈક ધર્મ વિશે છે. ખ્રિસ્તીધર્મીએ હિંદુધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વને પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળસ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના વિકાસના નિયમાનુસાર વિકાસ મેળવવાનો છે.
(ક્રમશ:)
Your Content Goes Here