સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનો પુનરુદ્ધાર નથી… ભારતમાં આશ્ચર્યજનક શક્તિને પુનર્જીવિત કરવા શ્રીમાએ જન્મ લીધો છે અને તેમને કેન્દ્ર બનાવી, ફરી એકવાર ગાર્ગીઓ અને મૈત્રીઓ વિશ્વમાં ફરી જન્મ લેશે.’

શ્રીરામકૃષ્ણનાં સહધર્મચારિણી અને આધુનિક યુગમાં દિવ્યમાતૃત્વનાં અવતાર, આપણી માતૃભૂમિની નારીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને પુન:જાગ્રત કરવા આવ્યાં હતાં. તેઓ ભારતીય-નારીની સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાનાં ધ્યેયકેન્દ્ર, મર્મસ્થાન અને પ્રેરણાસ્રોત છે.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ઐતિહાસિક પ્રસંગે રામકૃષ્ણ મિશનના મુખ્ય મથક, બેલુર મઠે સ્વામીજીના સ્ત્રીશક્તિને જાગ્રત કરવાના વ્રતને પૂર્ણ કરવા ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નો આરંભ કર્યો છે. આ પ્રકલ્પને ૨૦૧૧ થી ૨૦૧૩ સુધીનાં ૨ વર્ષ સુધી આર્થિક સહાય મળે છે. રાજકોટથી લગભગ ૧૦૦ કિ.મિ. દૂર આવેલા ઉપલેટા શહેરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આ પ્રકલ્પ શરૂ થયો.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા તેમજ સ્વામી વિવેકાનંદે ‘મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા એ જ પૂજા’ એમ સૌને ઉપદેશ આપ્યો હતો. તદ્ અનુસાર રામકૃષ્ણ મિશનના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શ સાથે આ પ્રકલ્પમાં પણ ‘પ્રત્યેક નારીની સેવા એટલે જગજ્જનીની પૂજા ‘એ ભાવના નજર સામે રાખીને કાર્ય થાય છે.

ગ્રામ્ય વિસ્તારની આર્થિક તેમજ સામાજિક રીતે પછાત સ્ત્રીઓની સેવાનું બીજ ઉપલેટામાં શ્રીમા સારદાદેવીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી વખતે વવાયું હતું. ઉપલેટાના ભક્તો – સંચાલિત આ સેવાકાર્ય દ્વારા શ્રીશ્રીમાની પૂજા વિવિધરૂપે શરૂ થઈ. જાણે કે ‘શ્રી સારદા પલ્લી મંગલ વિકાસના પ્રકલ્પ’નો પ્રારંભ પણ શ્રીશ્રીમાના મંગલ આશીર્વાદથી થયો છે.

સ્વામીજી કહે છે: ‘સ્ત્રીઓએ પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે જ કરે તેવી સ્થિતિ સર્જાવી જોઈએ. તેમને માટે બીજાએ આમ ન કરવું જોઈએ અને આપણી ભારતીય નારીઓ આમ કરવામાં વિશ્વની કોઈપણ સ્ત્રીઓ જેટલી જ સક્ષમ છે.’ સ્વામી વિવેકાનંદના નારીશક્તિ જાગરણનો આદર્શ આ કાર્યમાં માર્ગદર્શક રહ્યો છે.

ઉપલેટા અને આજુબાજુનાં ગામોમાંથી આવતી સ્ત્રીઓ માટે સીવણકામ અને ભરત, જરદોસી, ચિત્રકામ, પેઇન્ટીંગ, હસ્તકલા કૌશલની તાલીમ સાથે બેઝીક કોમ્પ્યુટર માટે વર્ગાે શરૂ થયા.

મે, ૨૦૧૧ થી મે, ૨૦૧૩ સુધીમાં સીવણ અને એમ્બ્રોયડરી વિભાગની ૧૦ બેચમાં ૨૧૩ બહેનોને તાલીમ મળી છે.

હસ્તકલા અને વેસ્ટમાંથી બેસ્ટ વિભાગની ૬ બેચમાં ૬૫ બહેનાને; ઝરદોસી વિભાગની ૪ બેચમાં ૫૬ બહેનોને; બેઝિક કોમ્પ્યુટર વિભાગની ૫ બેચમાં ૧૦૭ બહેનોને અને નાની નાની ચીજવસ્તુઓ પર રંગકલા વિભાગની ૬ બેચમાં ૭૭ બહેનોએ તાલીમ લીધી છે. આમ કુલ ૫૧૮ બહેનોને નારી સશક્તીકરણ યોજના હેઠળ વિવિધ તાલીમ આપીને પગભર કરવાનો પ્રયત્ન થયો છે.

સ્વામીજી કહે છે, ‘સ્ત્રીઓને શિક્ષણ આપો અને પછી બધું તેમના પર છોડી દો. તેઓ તેમનું કાર્ય ઉત્તમ રીતે સમજીને કરે પછી તેઓ જ તમને કહેશે કે તેમને ક્યા સુધારા જરૂરી છે.’ આ આદર્શ સાથે જે તે કૌશલ કે કાર્યની તાલીમ લઈને ગ્રામ્યમહિલાઓએ પોતાના નાના ગૃહઉદ્યોગ શરૂ કર્યા છે અને તેમના કુટુંબની જરૂરિયાતોને સંતોષવામાં મદદરૂપ થાય છે. આપણા ભારતના ગ્રામવાસીઓ પૂરતી તાલીમ, કૌશલ્ય અને થોડી મૂડીના અભાવે ઘણી વખત નાનાંસૂનાં પોતાનાં સ્વપ્નને સાકાર કરી શકતા નથી. પણ જો એમને તક અને તાલીમ મળે તો એમનું કૌશલ્ય સોળે કળાએ ખીલી ઊઠે છે.

આ કેન્દ્રમાં આવી કૌશલ્યલક્ષી તાલીમ મેળવનારી બહેનો કહે છે : ‘મારે તો મારી ભીતર રહેલ બધાં કળાકૌશલ્યને બહાર લાવવાં છે. અને રામકૃષ્ણ મિશને મને આ અલભ્ય તક આપી છે. પછી ભલા કોણ ચૂકે લાભ આવો ખાટવો !’

આ દ્વારા આપણી પ્રાચીન કળાને પુનર્જીવિત કરવાનો અવસર અહીં આવતી નારીઓને મળે છે અને સ્વામીજી ઇચ્છતા હતા એવી સશક્ત નારીઓનું જીવનઘડતર આ કેન્દ્રમાં થાય છે.

આ બહેનો આ કેન્દ્રમાં આવીને માત્ર તાલીમનું કોરું શિક્ષણ મેળવતી નથી. તેમનામાં આપણાં પ્રાચીન સનાતન મૂલ્યો ફરીથી જાગૃત થાય એટલા માટે દરરોજ વર્ગના પ્રારંભ પહેલાં પ્રાર્થના, ધ્યાન, ભજન, ગીત અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા સારદાદેવી અને સ્વામીજી તેમજ અન્ય મહાન સંતો અને સેવકોના જીવનના પ્રેરક પ્રસંગોની વાતો જેવા કાર્યક્રમો પણ હોય છે. બહેનો એમાં હોંશે હોંશે ભાગ લે છે. આ બધાં મૂલ્યો અને સંસ્કારોનું ભાથું આ બહેનો પોતાના ઘરે જઈને બાળકોને પણ પીરસશે અને એમનાં જીવનનું ઘડતર પણ કરતી રહેશે.

ઉપલેટાના આ કેન્દ્રની મુલાકાતે આવતા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ બહેનોનાં આ ઉત્સાહ, ખંત, કાર્ય અને ભક્તિભાવથી પ્રભાવિત થાય છે, એ અમારા આ કેન્દ્રનું ગૌરવ છે. એક મુલાકાતમાં રામકૃષ્ણ સંઘના એક સંન્યાસીએ એક બહેનને પોતાના જીવનધ્યેય વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું મારા પુત્રનું જીવન ઘડતર એવી રીતે કરવા ઇચ્છું છું કે જેથી મોટો થઈને સ્વામીજીના આદર્શાે અને વિચારોને પોતાના જીવનમાં ઉતારે અને પોતાનું જીવનઘડતર કરીને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા પોતાનું જીવન અર્પણ કરી દે.’

સ્વામીજી કહે છે, ‘સ્ત્રીઓની ઉન્નતિ થાય તો તેમનાં સંતાનો પોતાનાં ઉમદા કાર્યોથી દેશનું નામ ઉજાળશે, ત્યારે દેશમાં સંસ્કૃતિ, જ્ઞાન, શક્તિ અને ભક્તિ ઉજાગર થશે.’

આપણા દેશમાં શ્રીમાના આશીર્વાદથી નારીઓનું સાર્વત્રિક ઉત્થાન થાય અને એ નારીઓ દ્વારા ભાવિ પ્રબુદ્ધ નાગરિકો આ દેશને સાંપડે અને દેશનું સર્વાંગી કલ્યાણ થાય.

Total Views: 115
By Published On: August 1, 2013Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram