ગતાંકથી આગળ…

સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે.

૧૯૧૯ દરમિયાનની ઘટના છે. હબિગંજ શહેરની થોડે દૂર નદીને પેલે પાર એક ગામમાં મોચીની વસ્તી હતી. ત્યાં શ્રીયોગેશચંદ્ર નામનો એક ધ્યેયનિષ્ઠ યુવાન અન્ય યુવાનોને કામ શીખવવા જતો. આ જ યુવાન પછીથી સ્વામી અશોકાનંદના નામે મઠમાં સંન્યાસીરૂપે ઓળખાવા લાગ્યો. થોડા દિવસો પછી સ્વામી ગોપેશ્વરાનંદે એ યુવાનોને શીખવવાનું કામ પોતાને શીરે લીધું. આ કામનો વૃતાંત્ત મઠમાં મોકલવામાં આવ્યો. એટલે સ્વામી શિવાનંદજીને પણ આ કામની જાણ હતી. જ્ઞાન પ્રસારણનું આ કામ એમને ખૂબ ગમે. એટલે સ્વામી ગોપેશ્વરાનંદ પ્રત્યે એમને વિશેષ પ્રેમ હતો.

આગળ જતાં ૧૯૨૭-૨૮ દરમિયાન મોચીઓમાંથી એકના દીકરાને શ્રીરામકૃષ્ણ મઠમાં દાખલ થવાની ઇચ્છા થઈ. સ્વામી શિવાનંદને એની ખબર પડી. એમણે કહ્યું, ‘ઠાકુર અને સ્વામીજીનું ધ્યેય અભણ તથા ગરીબ લોકોની ઉન્નતિનું હતું. એ છોકરાને અહીં મોકલી દો.’ સ્વામી ગોપેશ્વરાનંદે સ્વામી શિવાનંદજી પાસે એક ચિઠ્ઠી લખીને એ છોકરાને મોકલ્યો. એમણે પ્રેમથી બધી પૂછપરછ કરી. અને બીજા સાધુઓની પંગતમાં જમવા બેસાડ્યો. હવે એની દીક્ષાનો દિવસ નજીક આવ્યો. ‘તેને દીક્ષા ક્યાં દેવાશે?’ એવો પ્રશ્ન કર્યો. ત્યારે સ્વામી શિવાનંદજીએ શાંતિથી જવાબ આપ્યો, ‘કેમ વળી? ઠાકુરના મંદિરમાં જ દીક્ષા થશે.’ ઈશ્વરના શરણે બધા જ સમાન છે એ વિચાર આ ઘટના પરથી આપણે જોઈ શકીએ છીએ. આ વિચાર માત્ર શબ્દોમાં ન હતો પણ એ કાર્યમાં પરિણત થતો હતો.

(શિવાનંદ સ્મૃતિ સંગ્રહ- ખંડ.૨ લે. સ્વામી અપૂર્વાનંદ, પૃ. ૧૩૨-૩૩)

સ્વામી વિવેકાનંદની વિનંતીથી સ્વામી શિવાનંદજી સિલોન (શ્રીલંકા) ગયા. વેદાંત પ્રચારનું કામ એમણે ત્યાં શરૂ કર્યું. ભગવદ્ગીતા અને રાજયોગ પર વર્ગવ્યાખ્યાન શરૂ થયાં. આ વર્ગાેમાં વધારે સંખ્યામાં સુશિક્ષિત હિંદુ અને યુરોપિયન લોકો હાજર રહેતા. આવા જિજ્ઞાસુઓમાંથી શ્રીમતી પીકેટને એમણે વિશેષ માર્ગદર્શન આપ્યું. એમણે એમનું નામ ‘હરિપ્રિયા’ પાડ્યું. પછી પોતાના ગુરુના આદેશ મુજબ એમણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કામ કર્યું. એમના કામની અસર એટલી થઈ કે ઘણા લોકો વેદાંત તત્ત્વજ્ઞાનમાં રસ લેવા લાગ્યા.

સ્વામી શિવાનંદજીએ આઠેક મહિના શ્રીલંકામાં કામ કર્યું. કોલમ્બોમાં વિવેકાનંદ સોસાયટીની સ્થાપના પણ થઈ. અને પછી સ્વામી શિવાનંદજીએ ભારત પાછા ફરવું એમ નક્કી કર્યું. સિલોનનાં સંસ્મરણોની વાત કરતાં એમણે કહ્યું, ‘સિલોનનાં વર્ગવ્યાખ્યાનો માટે ઘણા લોકો આવતા. એ વખતે મારો ઉત્સાહ પણ ઘણો.’ બુદ્ધ ભગવાનનું દંતમંદિર જોયું. એક સંન્યાસીએ એમને પૂછ્યું, ‘તમને સિલોન ગમ્યું?’ સાચી રીતે સ્વામી શિવાનંદે એક અનિકેત સંન્યાસીની જેમ જવાબ આપ્યો, ‘હું બધે જ આનંદમાં રહું છું. મને ક્યારેય અણગમો કે અતૃપ્તિની લાગણી થતી નથી. ઈશ્વરના ચિંતનમાં રહેનારને કોઈપણ સ્થળે આનંદ જ મળે. અને હા એટલે જ મને આ સિલોન ગમ્યું છે. એમાં મેં દક્ષિણભારતને જોયું છે.’ (ધ સાગા ઓફ ધ ગ્રેટ સોલ, પૃષ્ઠ-૪૨માંથી)

સ્વામી પ્રેમાનંદ

સ્વામી પ્રેમાનંદજી એટલે સ્વામી વિવેકાનંદના ગુરુબંધુ. તેઓ માતૃપ્રેમનું જાણે કે એક રૂપ હતા. શ્રીરામકૃષ્ણ મઠના બ્રહ્મચારીઓની કાળજી રાખવી, એમના બોલવા-ચાલવા પર અને એમના ચારિત્ર્ય પર ધ્યાન રાખવું અને એમને બધું શીખવવું, એવું મોટું કાર્ય તેઓ કરતા. બ્રહ્મચારીઓને તેઓ ‘બેટા’ કહીને પ્રેમથી સંબોધતા.

સ્વામી પ્રણવાનંદ એક સંસ્મરણની વાત આ શબ્દોમાં કહે છે :

‘એક વાર સૂકું ઘાસ કાપતી વખતે વિરુપાક્ષનો ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો. વરદાએ બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ)ને પૂછ્યું, ‘સ્વામીજી, તમે આ વિરુપાક્ષને ઘાસ કાપવાનું શા માટે કહ્યું ? એણે પોતાનો અંગૂઠો જ કાપી નાખ્યો.’ બાબુરામ મહારાજ એ વખતે ચાના ટેબલ પાસે બેઠા હતા. એમણે કહ્યું, ‘એને અહીં તરત બોલાવી લાવો.’ વિરુપાક્ષ આવ્યો. કપાયેલ અંગૂઠો એણે છુપાવી દીધો હતો. બાબુરામ મહારાજે એને પૂછ્યું, ‘તારો અંગૂઠો કપાઈ ગયો છે એવું મેં સાંભળ્યું છે. મેં તને ઘાસ કાપવાનું કહ્યું હતું, આંગળી કે અંગૂઠો નહીં. તું સાધુ થવા લાયક નથી. ગોવિંદ, એને હોડીમાં જવા માટે થોડા પૈસા આપ.’ આ સાંભળીને વરદા બોલ્યા, ‘મહારાજ, આ વખતે એને માફ કરો.’ ત્યાં હાજર બીજા સાધુઓ અને બ્રહ્મચારીઓએ પણ આવી જ વાત કરી. એટલે બાબુરામ મહારાજ બોલ્યા, ‘જુઓ, છોકરાઓ! ઘાસ કાપતી વખતે જે બેધ્યાન રહે અનેે ભોટની જેમ પોતાની આંગળી કપાવે તે પછી ઈશ્વરનું ચિંતન કેવી રીતે કરશે? ઠીક છે, આ વખતે હું તને માફ કરું છું, પણ હવે પછી આવી ઘટના બનવી ન જોઈએ.’

કોઈપણ કામ કરતી વખતે એકાગ્રતા હોવી જોઈએ. મનને અને હાથને વ્યવસ્થિત રીતે જોવાની ટેવ પાડવી જોઈએ. એવો બાબુરામ મહારાજનો આગ્રહ હતો.

(સ્વામી પ્રેમાનંદ, લવ ઈન્કારનેટ- બ્ર. અક્ષરચૈતન્ય પૃ.૯૪) (ક્રમશ 🙂

Total Views: 219

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.