શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક સંન્યાસીએ એક સમયે કચ્છ રાપરના જિલારવાંઢના ઝાટાવાડા ગામના રણપ્રદેશની મુલાકાત લીધી અને ત્યાંના ગરીબ, અભણ ગ્રામવાસીઓને મળીને એમની જરૂરતોની જાણકારી મેળવી. ગામના યુવાન અને વૃદ્ધ લોકોની સાથે એપ્રિલ, ૨૦૧૧ના બળબળતા તાપમાં એમની સાથે બેસીને વાતચીત કરી. આઝાદી પછીના સાત દાયકાઓ પછી પણ લોકો કેવી દયનીય પરિસ્થિતિમાં જીવે છે એનો ખ્યાલ આવ્યો. એ બધાંની માગ હતી, ‘અમારે પાણીની જરૂર છે, અમારાં ખેતરો માટે પાણીની ! વર્ષોથી વરસાદ વરસે નહીં અને લોકો દિવસે દિવસે ગરીબ અને વધુ ગરીબ બનતા જાય, દેવાના ભારમાં ડૂબતા જાય અને વળી રોજગાર માટે માદરે વતન અને ઘરબાર છોડવાનો વારો આવે, એવી દશા છે અમારી.’ રણપ્રદેશના આ લોકોની આ રામકહાણી સાંભળીને કોનું હૃદય રડી ન પડે.

રાપરના આડેસરા ગામમાં પણ આ જ અવદશા. આ વખતે આ વિસ્તારની અને આજુબાજુનાં ગામની બહેનો પણ પોતાની વ્યથાની વાત સ્વામીજીને કહેવા હાજર રહી. એ લોકોને અપેક્ષા હતી પોતાના ગરીબજનોને રોજગારીનું કાયમી સાધન મળે એવી સહાયની.

પોતાની બીજી મુલાકાત વખતે આ સ્વામીજીએ અહીંના દૂરસુદૂરના વિસ્તારના લોકોને વાંઢમાં રહેતાં જોયાં. સામાન્ય રીતે વાંઢમાં ૨૫ થી ૫૦ કુટુંબો હોય છે. તેઓ કાંટાળા બાવળની ઝૂંડમાં રહે છે. બાળકો માટે શાળાય ન મળે. પછી દાક્તરી સેવાચિકિત્સાનું પૂછવું જ શું ? એમાંય વળી જૂનાંપુરાણાં રીતિરિવાજો અને વહેમોનું સામ્રાજ્ય. પછી તો લોકોની અવદશા વધે જ ને ! આ પ્રદેશના લોકોને મૂળભૂત જીવન જરૂરતો પણ મળતી નથી. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શ સાથે આ દુ :ખીદરિદ્ર લોકોનાં દુ :ખને દળવા રામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પોતાના પ્રયાસો આદર્યા. ગ્રામસ્વરાજ સંઘ અને સુશીલ ટ્રસ્ટના સહયોગથી બાળકો માટે કેળવણીની વ્યવસ્થા થઈ. આ વિસ્તારમાં આ બન્ને સંસ્થાઓ વર્ષોથી સેવાકાર્ય કરે છે.

‘જીવંત પ્રભુની સેવા’ના સ્વામી વિવેકાનંદે આપેલાં આદર્શ પ્રમાણે રામકૃષ્ણ મિશનના સેવાના ઇતિહાસમાં ૨૦૧૦માં એક નવું પૃષ્ઠ ઉમેરાયું. એ શુભઘટના છે ‘સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી-મહોત્સવ’. ભારત સરકારના આર્થિક સહયોગ અને બેલુર મઠના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં રામકૃષ્ણ મઠ મિશનના કેન્દ્રોએ ‘ગદાધર અભ્યુદય પ્રકલ્પ’, બાળકો માટે ‘વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ,’ ગરીબી નિવારણ માટે ‘અખંડાનંદ સેવાપ્રકલ્પ’ અને નારી સશક્તીકરણ માટે ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નો આરંભ કર્યો છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પણ રાપરના આ ગરીબ વિસ્તારના લોકો માટે કેટલાક પ્રકલ્પો હાથ ધર્યા છે.

ગદાધર અભ્યુદય પ્રકલ્પ :

રાપર વિસ્તારમાં જાન્યુઆરી, ૨૦૧૦થી આ સંસ્થા બાળકોના સાર્વત્રિક વિકાસ માટે એક પ્રકલ્પને ચલાવે છે. આ રણવિસ્તારમા પ્રાથમિક શિક્ષણ, પોષક આહાર, મૂળભૂત આરોગ્ય સંભાળનો આશરે ૧૦૦ થી ૧૫૦ ગરીબ બાળકોને લાભ મળે છેે.

વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ :

કુપોષણવાળાં બાળકો તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે રાપરમાં આ પ્રકલ્પનો આરંભ થયો છે. દૂરના આ વિસ્તારમાં મૂળભૂત જરૂરીયાતો મળતી નથી. બાળકોનો પૂર્ણ વિકાસ થતો નથી. એટલે આ વિસ્તારમાં કેળવણી, પોષક આહાર અને આરોગ્ય ચિકિત્સા સેવા બાળકોને તેમજ ગર્ભવતી સ્ત્રીઓને આપવામાં આવી છે. આ સેવાનો લાભ ૫૦ માતાઓ અને ૧૫૦ જેટલાં બાળકોને મળ્યો છે.

અખંડાનંદ સેવા પ્રકલ્પ :

૨૦૧૧ના મે મહિનાથી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આ પ્રકલ્પ ચલાવે છે. આ પ્રકલ્પમાં ૫૦૦ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓઈલ એન્જિન, રોજની રોટી રળતા લોકોને હાથલારીઓ અને પશુપાલન માટે બકરા આપ્યાં છે. અહીં પ્રૌઢ શિક્ષણ વર્ગાે અને આરોગ્ય વિષયક જાગૃતિના કાર્યક્રમો યોજાય છે. વાંઢ વિસ્તારના જાટાવાડા ગામને આનો લાભ મળ્યો છે.

સારદા પલ્લી વિકાસ પ્રક્લ્પ :

૨૦૧૧ના મે મહિનાથી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આ પ્રકલ્પ ચલાવે છે. આ પ્રકલ્પ હેઠળ ગ્રામ્ય વિસ્તારની બહેનોને સીવણકામની તાલીમ અપાય છે જેથી તેઓ ઘરબેઠાં રોટી રોજી રળી શકે છે. બહેનોને સીલાઈ મશીન પણ અપાયાં છે જેથી તેઓ સ્વતંત્ર રૂપે રોજગાર શરુ કરી શકે. આડેસરાની ગરીબ બહેનો આ યોજનાનો લાભ લઈને કુટુંબને પગભર કરે છે.

આશ્રમની આ સેવાનાં ફળ ધીમે ધીમે નજરે આવવા લાગ્યાં છે. ગદાધર અભ્યુદય પ્રકલ્પ અને વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ દ્વારા બાળકો વાંચતાં-લખતાં થયાં છે; દાંતને નિયમિત સાફ કરવાં, દરરોજ સ્નાન કરવું, નખ કાપવા જેવી આરોગ્યની ટેવો પડવા માંડી છે. પોષક આહાર મળવાને કારણે તેમજ દૂધ, ઋતુ-ઋતુનાં ફળ, ચોખા દાળ, વગેરે ભોજનમાં મળવાથી બાળકો તંદુરસ્ત બન્યાં છે. સ્થાનિક ગર્ભવતી સ્ત્રીઓની ડોક્ટરો દ્વારા નિયમિત ચકાસણી થતી રહે છે અને માર્ગદર્શન અપાય છે. ક્રિડાંગણ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ જેમકે પ્રાર્થના, સ્થાનિક ભજનગાન, સ્મૃતિકથન વગેરેથી જીવંત અને પ્રફુલ્લિત બની ઉઠે છે. આ બાળકો બહારની દુનિયાથી અજાણ છે એટલે એમને અમદાવાદ, રાજકોટ જેવાં સ્થળોના શૈક્ષણિક પ્રવાસે લઈ જવાય છે. બાલભવન, રાજકોટ આશ્રમ, પ્રાણીઘર, ઢીંગલીઘર, જોઈને એક નાનો બાળક બોલી ઊઠ્યો : ‘અરે ! આ તો કેવી મજા, કેવો આનંદ ! મેં આવો આનંદ મારા જીવનમાં ક્યારેય માણ્યો નથી.’

સારદાપલ્લી વિકાસ પ્રકલ્પ હેઠળ તાલીમ પામેલી લાભાર્થી બહેનો યોગ્ય તાલીમ મેળવ્યા પછી વિવિધ કપડાં સીવે છે અને એની કમાણીમાંથી ઘરનું ભરણપોષણ કરે છે. એક અપંગ લાભાર્થી બહેન કહે છે : ‘અત્યાર સુધી લોકો મને અવગણનાની દૃષ્ટિએ જોતા. હું બોજારૂપ હતી. આજે હું મારા કુટુંબ માટે રોટલો રળી શકું છું અને તેમને મદદરૂપ બની શકું છુ.ં આ વાતનો મને ગર્વ છે. આ તાલીમ મારા માટે ખુદાની અનોખી દેન બની ગઈ છે.’

અખંડાનંદ સેવા પ્રકલ્પ તો અજબનું કાર્ય કરે છે. દુષ્કાળ અને વરસાદના અભાવવાળી આ વેરાન ભૂમિના ખેડૂતો રોટી રોજી માટે અહીં-તહીં ભટકતા. એમને ઓઈલ એંજિન અને વોટર પંપ આપવાથી ખેતરો લીલાંછમ બની ગયાં છે, શાકભાજી અને અનાજના પાક મેળવીને પોતાની ગરીબીને હટાવી દીધી છે. હવે ભટકતું જીવન એક ભૂતકાળ બની ગયું છે. એ લોકો આશ્રમના સ્વામીજીઓને દર વર્ષે પાકથી લહેરાતાં ખેતરો જોવા માટે આમંત્રણ પણ આપે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ચાલો, આપણે બધા દિવસ-રાત ગરીબીથી પીસાતા, કચડાયેલા કરોડો લોકો માટે પ્રાર્થના કરીએ… આ બધા લોકો તમારા પ્રભુ બનો. એમનો જ વિચાર કરો, એમને માટે જ કાર્ય કરો, એમને માટે સતત પ્રાર્થના કરતા રહો, પ્રભુ તમને સાચો પથ બતાવશે.’ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ-જયંતી નીમીત્તે સ્વામીજીના આ શબ્દોને આચરણમાં મૂકી શકવા બદલ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પર પોતાને ધન્ય માને છે.

(ક્રમશ 🙂

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.