ગતાંકથી આગળ…

‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર પરિમાણોની તમારે ખોજ કરવી જોઈએ. ઉપનિષદોએ એ કાર્ય યુગો પૂર્વે કર્યું હતું. એનાં પોતાનાં પરિમાણોમાં અહંને કેવી રીતે વિકસાવવો? આ મહાન શ્લોકને હાથમાં લેતાં હોઈએ ત્યારે આ અભિગમ દૃષ્ટિ સમક્ષ રાખવાનો છે.’

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ;

મા કર્મફલહેતુર્ભૂમા તે સંગોઽસ્ત્વકર્મણિ –

જો મારી અંદર ફૂટેલા આ નાના અહંની સપાટીએ રહેવાનો મને સંતોષ છે અને ઉચ્ચતર પરિમાણે જવાની મને પડી જ નથી તો મારે માટે આ શ્લોકનો અર્થ નથી પણ આ પ્રારંભિક સામગ્રીનાં ઊંડાણ મારે તાગવાં હોય તો મનુષ્યનાં ઊર્ધ્વતર પરિમાણોનાં દ્વાર આ શ્લોક ઉઘાડી આપે છે. એટલે આપણે આ પ્રશ્ન પૂછવાનો છે : મારી અંદર દેખાય છે તે અહં શું છે ? એના દ્વારા હું આખા જગતનું સ્વામિત્વ ભોગવું છું. એના વડે હું જગતનું કેન્દ્ર બનું છું. આપણે સૌ, બાળક પણ તે જ અનુભવે છે. બાળકમાં અહં વિકસે છે એટલે એ જગતનું કેન્દ્ર બને છે. બીજાં બધાં બાળકની આસપાસ નાચે છે. પણ એ વલણ બાળકે તરત બદલાવવું પડે છે અને બીજાઓને પણ સ્થાન આપવું પડે છે. એ અહંકારે વિશાળ થવું પડે છે, વૃદ્ધિ પામવી પડે છે, આત્મવિકાસ સાધવો પડે છે. આજ સુધી જનનતંત્રના અંકુશ હેઠળના આ અહંકારની પ્રારંભિક ભૂમિકાની ફિલસૂફીએ અનંત પરિમાણમાં વિકસવું પડે છે; આ છે વેદાંતનો સંદેશ.

વેદાંતના અને અર્વાચીન ભૌતિક વિજ્ઞાનના વિવેકાનંદના સંબંધ વિશે ‘લાઈફ ઓફ વિવેકાનંદ’ પુસ્તકમાં (૧૫મું મુદ્રણ, ૧૯૯૭, પૃ.૨૬૨-૬૩ પર) રોમાં રોલાં કહે છે :

એમના (વિવેકાનંદના) શાંત ગૌરવ માટે એ નિર્લિપ્તતાનો વિષય છે કે વિજ્ઞાન મુક્તધર્મનો વિવેકાનંદના અર્થમાં સ્વીકાર કરે છે કે નહીં. એમનો ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર કરે છે, અને એ ધર્મ એટલો વિશાળ છે કે એ બધા જ સાચા જિજ્ઞાસુઓને આવરી લે છે. આ અર્થમાં તેઓ પોતાને શ્રદ્ધામાં દૃઢતર માને છે.

દુનિયાના કોઈપણ ભાગમાં આ વિષયની આટલી ઊંડી ગવેષણા અને માંડણી થઈ નથી અને કેટલાક જ્ઞાનતંતુશાસ્ત્રીઓ અને ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રીઓ આજે લગભગ સમાન ધોરણે આ વિષયને હાથ ધરી રહ્યા છે તેનો આપણને આનંદ છે, અને એ વિશે પ્રાચીન વેદાંતે જે કહ્યું છે તેની વધારે ને વધારે નિકટ આવી રહ્યા છે. સાગરમાંથી બહાર દેખાતા ખડકને જોઈને કોઈ બાળક કહેશે કે ‘એક નાનો ખડક દેખાય છે’; પણ એના પિતા કહેશે કે ‘એ ખડક તો ઘણો મોટો છે, એનો ઝાઝેરો ભાગ પાણી નીચે છે અને પાણીની સપાટી ઉપર તેનો થોડોક ભાગ જ દેખાય છે.’ એ જ રીતે મનુષ્યની સંવેદનાત્મક અનુભૂતિ અનુસાર, અહં (કાર) ક્ષુલ્લક અસ્તિત્વ છે પણ એનાં ઊંડાણ જાણીએ ત્યારે એનું અનંત પરિમાણ પ્રગટ થાય છે. આ બોધ ઉપનિષદો આપે છે. આ અને આની પછીના શ્લોકો, આ દૃષ્ટિથી જ સમજી શકાય.

છાંદોગ્ય ઉપનિષદ બોધ આપે છે : तत् त्वं असि ‘તું તે છો’, તું આ નાનો અહં નથી. પોતાની જાતને જે નાનો અહં તમે માનો છો તે તમે નથી. તમે અનંત ચૈતન્ય આત્મા છો. આ तत्त्वमसि, ઉપનિષદોનો ગહન બોધ છે ને એ, જે. બી. એસ. હેલ્ડેન અને અર્વિન સ્ક્રોડિંજર જેવા જીવશાસ્ત્રીઓ અને અણુભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓનાં મનને આકર્ષી રહેલ છે. એટલે આવી પીઠિકાને ખ્યાલમાં રાખીને આ શ્લોકનો અભ્યાસ કરીએ તો નવો અર્થ પ્રકટ થાય છે. તમે બાળક રહેવા નથી માગતા, તમારે મોટા થવું છે. અહં બાળક જેવો છે; એણે સદાય બાળક શા માટે રહેવું જોઈએ ? અહંકારી વ્યક્તિઓની કેટલીક ભાષા બાળકની ભાષા જેવી હોય છે. દરેક સમાજમાં આવા માણસો મળે છે; ઘણાં માણસો ‘હું’, ‘હું’, ‘હું’ જ સતત બોલતાં હોય છે. પોતાના આત્માનાં ઊર્ધ્વતર પરિમાણોને એ જાણતાં નથી. તેઓ એને નાની પ્રારંભિક સામગ્રી તરીકે જાણે છે અને એ એમને પોતાને તથા બીજાઓ માટે ખૂબ તનાવ ઊભો કરે છે, પીડા ઊભી કરે છે. એટલે ૨-૫ વર્ષ પછીથી દેખા દેતા અહંનાં અનંત પરિમાણોની ખોજ કરવાની જરૂર છે.

આ આત્મજ્ઞાનનો, અધ્યાત્મવિદ્યાનો વિષય છે અને એના પર આધારિત પ્રત્યેકને ઉપયોગી એવા જીવન અને કર્મનું તત્ત્વજ્ઞાન શ્રીકૃષ્ણ વર્ણવે છે. સમગ્ર ગીતા પ્રવૃત્તિશીલ નરનારીઓ સાથે કામ પાડે છે ત્યારે બીજા અધ્યાત્મ ગ્રંથો પ્રાર્થનામાં, ધ્યાનમાં, પૂજામાં કે કોઈ અન્ય ક્રિયાકાંડમાં બેઠેલી વ્યક્તિને લક્ષમાં લે છે. પણ આ મહાગ્રંથનો કેન્દ્રિય વિષય તો છે : કોઈપણ પ્રકારનું કર્મ કરતી વ્યક્તિ આધ્યાત્મિક વિકાસ અને સિદ્ધિ પામી શકે છે અને જગતમાં તેવા લોકોની જ બહુમતી છે. દરેક વ્યક્તિ પ્રશ્ન ઉઠાવશે : હું કર્મ કરું પણ એનું ફળ ન પામું તો કર્મ જ શા માટે કરવું ? એ પ્રશ્ન પૂછવો બરાબર છે અને એનો ઉત્તર મેળવવા યત્ન કરવો જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.